ઍપલનો નવો આઇફોન સિમ કાર્ડને ભૂતકાળની વાત બનાવી દેશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગ્રાહમ ફ્રેસર
- પદ, ટેક્નૉલૉજી રિપોર્ટર
સામાન્ય રીતે સ્માર્ટ ફોનના પ્રોડક્શન બાબતે ઍપલ અગ્રેસર હોય છે તથા અનેક વખત મોબાઇલ બનાવનારી અન્ય કંપનીઓ તેને અનુસરતી હોય છે.
તાજેતરમાં ઍપલે સિમ કાર્ડ વગરનો આઇફોન લૉન્ચ કર્યો છે, જેના કારણે સિમ કાર્ડના ભવિષ્ય અંગે સવાલ ઊઠવા લાગ્યા છે.
સ્માર્ટ ફોનનો વપરાશ કરનારા લોકો આ પ્લાસ્ટિક કાર્ડથી ટેવાયેલા છે.
ફોનને કાર્યરત રાખવા માટે આ કાર્ડને ફોનની અંદર સાવચેતીપૂર્વક નાખવું પડે છે.
જોકે, આઇફોન ઍર ખરીદનારાઓ માટે તે 'ભૂતકાળની વાત' બની જશે.

ઇમેજ સ્રોત, Getty Images
ઍપલના નવા ફોન માત્ર ઈ-સિમની સાથે જ કામ કરશે.
જે યૂઝર્સને નાનકડી સિમ કાર્ડ ટ્રેને ખોલ્યા વગર જ નેટવર્ક તથા પ્લાન બદલવાની સવલત આપશે.
સીસીએસ ઇનસાઇટના નિષ્ણાત કેસ્ટર માને બીબીસી ન્યૂઝને જણાવ્યું કે ઍપલની આ જાહેરાત "સિમ કાર્ડના અંતનો આરંભ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાનકડી ચિપ લાગેલા પ્લાસ્ટિકના ટુકડાનો ઉપયોગ ક્યારે બંધ થશે અને આપણા ફોનના વપરાશ ઉપર તેની શું અસર થશે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિમ એટલે સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મૉડ્યુલ. કોઈ પણ ફોનમાં આ ચિપ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે. તે આપને મોબાઇલ નેટવર્ક કનેક્ટ કરવામાં, કૉલ તથા ટેક્સ્ટ મૅસેજ કરવા તથા ડેટાનો વપરાશ કરવામાં મદદ કરે છે.
તાજેતરનાં વર્ષોમાં ઈ-સિમનો વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. અનેક નવાં સ્માર્ટફોન મૉડેલોમાં યૂઝર્સની પાસે પરંપરાગત સિમ કે ઈ-સિમનો ઉપયોગ કરવાનો વિકલ્પ રહે છે.
ઍપલે મંગળવારે તેનો સૌથી પાતળો અને નવીન ફોન આઇફોન ઍર લૉન્ચ કર્યો છે. કંપનીનું કહેવું છે કે આ ફોનમાં માત્ર ઈ-સિમની સવલત હશે.
વિશ્વભરના આઇફોન વપરાશકર્તાઓ માટે માત્ર ઈ-સિમનો વિકલ્પ પહેલી વાર ઉપલબ્ધ બનશે. અમેરિકાના ગ્રાહકો પાસે વર્ષ 2022થી માત્ર ઈ-સિમવાળા આઇફોનનો વિકલ્પ ઉપલબ્ધ છે.
કંપનીએ આઇફોન (17, 17 પ્રો, 17 પ્રો મૅક્સ) લૉન્ચ કર્યા, પરંતુ ઍપલે સંપૂર્ણપણે સિમ કાર્ડનો ઉપયોગ બંધ નથી કર્યો. અનેક માર્કેટમાં તે ઈ-સિમ સાથે ઉપલબ્ધ બનશે, પરંતુ મોટા ભાગના દેશોમાં તે સિમ કાર્ડ સ્લોટ સાથે ઉપલબ્ધ હશે.
સૅમસંગ તથા ગૂગલ જેવા અન્ય મુખ્ય ઉત્પાદકો ઈ-સિમને વિકલ્પ તરીકે અપનાવી રહ્યા છે. તથા અન્ય બજારોમાં સિમ કાર્ડનો જ ઉપયોગ થઈ રહ્યો છે.
જોકે, નિષ્ણાતોને આવનારા સમય અંગે કોઈ સંશય નથી. સીસીએસ ઇનસાઇટના પૂર્વાનુમાન અનુસાર, વર્ષ 2024માં ઈ-સિમવાળા 103 કરોડ સ્માર્ટફોન વપરાશમાં હતા તથા વર્ષ 2023 સુધીમાં આ આંકડો 301 કરોડ ઉપર પહોંચવાની શક્યતા છે.
પીપી ફોરસાઇટના ટેકનૉલૉજી ઍક્સ્પર્ટ પાઓલો પેસ્કાતોરેએ કહ્યું, "સમયની સાથે સિમ ટ્રે સંપૂર્ણપણે લુપ્ત થઈ જશે."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
પેસ્કાતોરેના કહેવા પ્રમાણે, ઈ-સિમને કારણે અનેક લાભ થશે. સૌથી પહેલો ફાયદો એ છે કે તેનાથી ફોનમાં જગ્યા બચશે, જેના કારણે બૅટરીને મોટી બનાવવામાં મદદ મળશે.
પ્લાસ્ટિકના સિમ કાર્ડ બંધ થવાથી પર્યાવરણને લાભ થશે.
વિદેશયાત્રા દરમિયાન ઈ-સિમ કાર્ડનો ઉપયોગ કરનારા માટે વધુ વિકલ્પ ઉપલબ્ધ બનશે તથા "બિલ સંબંધિત મુશ્કેલીઓ" નહીં પડે.
કેસ્ટર માનનું કહેવું છે કે તેના કારણે ગ્રાહકોની વર્તણૂકમાં પણ ફેરફાર આવશે અને "મોબાઇલ કંપનીઓ સાથે લોકોની વાતચીતની રીત ધીમે-ધીમે બદલાઈ જશે."
દાખલા તરીકે, ગ્રાહકને સિમ કાર્ડ માટે મોબાઇલ કંપનીના કોઈ સ્ટોરમાં જવાની જરૂર નહીં રહે.
પોતાનો સમય બચાવવા માંગતા અને દુકાને નહીં જવા માગનારા લોકોને તેનો લાભ થશે.
કેસ્ટર માનનું કહેવું છે કે લોકો આ પ્રકારના પરિવર્તનને સહજતાથી નહીં સ્વીકારી શકે.
માને કહ્યું, "ટેકનૉલૉજીનો ઓછો ઉપયોગ કરનારા લોકો તથા વૃદ્ધો માટે આ પરિવર્તન વિશેષ મહત્ત્વપૂર્ણ છે. ઈ-સિમનો ઉપયોગ કેવી રીતે કરવો, એ સમજવા માટે કંપનીઓએ ભારે મહેનત કરવાની જરૂર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












