ગિરનારમાંં પ્લાસ્ટિકનો કચરો ફંફોસતાં હરણનો વીડિયો વાઇરલ, મંત્રીએ કેમ આપવો પડ્યો જવાબ?

- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ચિત્તલનું એક ટોળું જૂનાગઢની ભાગોળે દાતાર જવાને રસ્તે એક ઉકરડામાં પ્લાસ્ટિકનો ઢગલો ફંફોસતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચિત્તલ કચરાના ઢગલાની આસપાસ આંટાફેરા કરી રહ્યું છે અને ખોરાકની શોધમાં વ્યસ્ત છે.
આ મામલે વન્યજીવ પ્રેમીઓએ ચિંતા વ્યક્ત કરતાં વનવિભાગ અને જૂનાગઢ મહાનગરપાલિકાએ એક સંયુક્ત અભિયાન હાથ ધરીને ખાનગી માલિકીની જગ્યામાંથી પ્લાસ્ટિકનો કચરો ઉપાડી લીધો છે. સાથે અપીલ કરી છે કે સિંહોનાં રહેઠાણ અને તેની આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિક-મુક્ત રાખવાના પ્રયાસોમાં લોકો તેમનું યોગદાન આપે.
એશિયાઈ સિંહો જૂનાગઢ શહેર અને ગીરનાં જંગલોની આજુબાજુ તેમ જ બૃહદ ગીર વિસ્તારનાં ગામડાંઓની શેરીઓમાં આવી જવાના વીડિયો સમયાંતરે સોશિયલ મીડિયામાં ફરતા થાય છે. તે જ રીતે સિંહો જેનો શિકાર કરે છે તેવાં ચિત્તલ, સાબર વગેરે તૃણભક્ષીઓ પણ ક્યારેક ક્યારેક માનવવસ્તી નજીક નજરે ચડી જાય છે.
એક બાજુ વનવિભાગે પ્રવાસીઓ ગિરનાર વન્યજીવ અભયારણ્ય જોઈ શકે તે માટે 2021ના વર્ષથી ગિરનાર નેચર સફારી ચાલુ કરી છે, તો બીજી તરફ આ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા બની ગયું છે.
આ વિસ્તારમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને નિયંત્રણમાં લેવાની દાદ માંગતી એક જાહેર હિતની અરજીની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે.
હવે, હરણ પ્લાસ્ટિકનો કચરો ફંફોસતું હોય તેવા વીડિયો વાઇરલ થતાં વન્યપ્રેમીઓમાં ચિંતા પેઠી છે.
વીડિઓ કઈ રીતે વાઇરલ થયો?

ઇમેજ સ્રોત, Mukesh Khunt
ચિત્તલનું એક ટોળું પ્લાસ્ટિકનાં ઝબલાંથી ઢંકાયેલા ઉકરડામાં ખોરાક ફંફોસી રહ્યું હોય તેવો એક વીડિયો 'વૉઇસ ઑફ જૂનાગઢ' નામના 'ઍક્સ' હૅન્ડલ પર 28 તારીખે સવારે અપલોડ કરવામાં આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોસ્ટમાં મૂકેલા વીડિયો સાથેના કૅપ્શનમાં લખવામાં આવ્યું હતું, "આ દૃશ્ય પ્રકૃતિપ્રેમીને વિચલિત કરી શકે છે. હાઇકોર્ટે ગિરનારમાં પ્લાસ્ટિક મામલે ખખડાવી નાખી સરકારને, છતાં પણ આ પરિસ્થિતિ છે. આ દૃશ્ય જૂનાગઢ શહેરની અંદરનું છે..."
તેના બે કલાક બાદ, બપોરે જૂનાગઢના ઉદ્યોગપતિ મુકેશ ખૂંટે આ જ વીડિયો તેમના 'ઍક્સ ' એકાઉન્ટ પર અપલોડ કર્યો.
29 તારીખે કેટલાક ગુજરાતી છાપાઓમાં આ વીડિયોમાંથી બનાવેલા ફોટા છપાયા અને તેથી આ સમાચાર વધારે ફેલાયા. ત્યાર બાદ 29 તારીખે સાંજે રાજ્યસભાના સભ્ય તેવા સાંસદ પરિમલ નથવાણીએ પણ તે જ વીડિયો તેમના 'ઍક્સ ' હૅન્ડલ પર અપલોડ કર્યો અને કૅપ્શનમાં લખ્યું, "હૃદયને ભાંગી નાખે અને ચિંતા પ્રેરે તેવાં દૃશ્યો ગીરની ભાગોળેથી... ચિત્તલ હરણ પ્લાસ્ટિકનો કચરો ખાતાં દેખાયાં હતાં. આ માત્ર તેમનાં માટે જ નહીં પણ તેમનો શિકાર કરતા સિંહો માટે પણ એક ગંભીર ખતરો છે. ઝેરી ચક્ર આહારશૃંખલામાં પ્રવેશી રહ્યું છે."
પરિમલ નથવાણીની આ પોસ્ટે સમાચારને વધારે ફેલાવ્યા.
નથવાણીની આ પોસ્ટ હજારો લોકોએ જોઈ હતી. કેટલાક વન્યજીવ પ્રેમીઓએ પણ આ વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો. આ રીતે વીડિયો વાઇરલ થયો.
સરકારે શું પ્રતિક્રિયા આપી?

ઇમેજ સ્રોત, @arjunmodhwadia
મુકેશ ખૂંટની સોશ્યલ મીડિયા પોસ્ટના ત્રણેક કલાક બાદ 28 તારીખે સાંજે જ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેમના 'ઍક્સ ' એકાઉન્ટ પર વળતી પોસ્ટ કરીને જવાબ આપ્યો.
અર્જુન મોઢવાડિયાએ સ્થળ અને સમયની માહિતી સાથે કચરો સાફ થતો હોય તેવો ફોટો અપલોડ કરી લખ્યું, " આ એક ખાનગી માલિકીનો પ્લૉટ હતો. વિગતો ધ્યાને આવતાં જ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આખા પ્લૉટની સફાઈ કરાવવામાં આવી છે. આ ગંભીર બેદરકારી માટે પ્લૉટ માલિક પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ આવી બેદરકારી ન દાખવે તેની તકેદારી રાખવામાં આવશે."
વન અને પર્યાવરણ મંત્રીએ પરિમલ નાથવાણીની પોસ્ટનો પણ 29 નવેમ્બરની મોડી રાત્રે 'X ' પર જ વળતો જવાબ આપ્યો અને સફાઈ થઈ રહ્યાનો વીડિયો પણ જવાબમાં જોડ્યો.
સાંસદને જવાબ આપતા અર્જુન મોઢવાડિયાએ લખ્યું, "આ ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દોરવા બદલ આભાર. હૃદયને ભાંગી નાખતો આ વીડિયો મારા સુધી પહોંચ્યો કે તરત જ મેં પગલાં લીધાં. જૂનાગઢ ડીસીએફને સ્થળેથી તપાસ કરવાની સૂચના આપી, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી કે વિના વિલંબે આ વિસ્તારને ચોખ્ખો કરવામાં આવે."
"પ્લાસ્ટિકના ઢગલાને આજે જ દૂર કરી દેવામાં આવ્યો છે. જવાબદાર પ્લૉટના મલિક સામે કડક કાર્યવાહી આદરવામાં આવી છે. ગીર અને ગિરનાર જૂનાગઢનું ગૌરવ છે. આપણા એશિયાઈ સિંહો અને વન્યજીવ અતુલ્ય છે અને તેનાં રહેઠાણો નજીક સિંગલ-યૂઝ પ્લાસ્ટિકને માટે કોઈ જ જગ્યા નથી," એમ તેમણે ઉમેર્યું.
મોઢવાડિયાએ કહ્યું, "કલેક્ટરે સતત નજર રાખવાની ખાતરી આપી છે. ચાલો આપણે સૌ સામૂહિક પ્રતિજ્ઞા લઈએ: 'ગિરનારની અંદર અને આજુબાજુ ઝીરો પ્લાસ્ટિક.' દરેક નાગરિકે અને સહેલાણીએ આપણા વન્યજીવોના વાલી તરીકે વર્તવું રહ્યું. આપણે સૌ સાથે મળીને ગીરને સ્વચ્છ, પ્લાસ્ટિક-મુક્ત અને આવનારી પેઢીઓ સુધી સુરક્ષિત રાખીશુ."
વીડિયો કોણે અને ક્યારે ઉતાર્યો?

ઇમેજ સ્રોત, @MpKhunt
ઉદ્યોગપતિ મુકેશ ખૂંટ કહે છે કે તેઓ આ વીડિયો ઉતારનાર સૌથી પહેલા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "હું 28 તારીખે સવારમાં સાઇકલ પર આ રોડ પરથી પસાર થયો. સામાન્ય રીતે હું વાઇલ્ડલાઇફ (વન્યજીવો)ના ફોટો પાડી તેને શૅર કરવાનું ટાળું છું. તેથી મેં ચિત્તલનું ટોળું તે પ્લૉટમાં આવેલા ઉકરડા પાસે જોયું. પરંતુ મારી ટેવ મુજબ હું આગળ નીકળી ગયો. પરંતુ બીજી ક્ષણે મને વિચાર આવ્યો કે ચિત્તલ ઉકરડામાં પ્લાસ્ટિક વચ્ચે છે. તેથી, આ બાબતે જાગૃતિ આવે તેવા આશયથી મેં તે ઘટનાનો વીડિયો ઉતારી લીધો અને વૉઇસ ઑફ જૂનાગઢમાં અને પછી મારા 'ઍક્સ' પેજ પર અપલોડ કર્યો."
જૂનાગઢમાં રહેતા મુકેશ ખૂંટ કહે છે કે છેલ્લાં દસેક વર્ષથી વધારે સંખ્યામાં વન્યજીવો શહેરમાં દેખાવા લાગ્યા છે.
તેમણે કહ્યું, "દસેક વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ ચિત્તલ કે અન્ય વન્યપ્રાણીઓ શહેરમાં આવતાં. પરંતુ હવે તે શહેરમાં દેખાય તે સામાન્ય બની ગયું છે. મને લાગે છે કે જંગલમાં તેમને પૂરતો ખોરાક નહીં મળતો હોય એટલે તે બહાર આવતાં હશે. સિંહ અને દીપડા જેવાં માંસાહારી પ્રાણીઓની બાબતમાં તે સમજી શકાય. પરંતુ હવે ચિત્તલ જેવાં તૃણભક્ષી પ્રાણીઓ પણ બહાર આવવાં લાગ્યાં છે તેથી મને સવાલ થાય છે કે શું જંગલમાં તેમને પૂરતાં ઘાસ-પાંદ નહીં મળતાં હોય?"
પરંતુ જૂનાગઢમાં ફરજ બજાવતા વનવિભાગના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે મુક્ત રીતે વિહરતાં સિંહ-ચિત્તલ જેવાં વન્યપ્રાણીઓ અભયારણ્યની બહાર આવી જાય તે અજુગતું ન ગણાય.
પોતાની ઓળખ છતી ન કરવાની શરતે અધિકારીએ કહ્યું, "જૂનાગઢમાં ગિરનાર વન્યજીવ અભયારણ્ય જૂનાગઢ શહેર સુધી વિસ્તરેલું છે. જે પ્લૉટમાં કચરાનો ઢગલો હતો તે અભયારણ્યની બૉર્ડર પર આવેલ છે. ગિરનાર અભયારણ્ય કોઈ પ્રાણીસંગ્રહાલય કે સફારી પાર્ક નથી. તે મુક્ત રીતે વિચરણ કરતાં વન્યજીવોનું ઘર છે અને તેમાં રહેતા જીવો મુક્ત છે એટલે તે અભયારણ્યની સરહદ ઓળંગી બહાર આવે તો તે અજુગતું ન કહેવાય. ખરેખર તો આ સહઅસ્તિત્વનું એક ઉદાહરણ છે. પરંતુ આ સહઅસ્તિત્વ ટકી રહે તેના માટે આપણે પ્રદૂષણ ન ફેલાય તેની તકેદારી રાખવી પડશે અને લોકોના સહકારથી જ તે શક્ય બને."
અધિકારીએ ઉમેર્યું કે આ ઘટના બાદ કોઈ પણ ચિત્તલના અકુદરતી મોત થયાના અહેવાલ નથી.
જૂનાગઢ મહાનગરપાલિકા શું કહે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
આ બાબતે જૂનાગઢ મહાનગરપાલિકાના સેક્રેટરી અને સૅનિટેશન સુપરિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોળીયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું,"જે પ્લૉટમાં ઉકરડો હતો તે ખાનગી માલિકીની વાડી છે. આ જમીન જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં નથી આવતી. તેથી ત્યાંની સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની નથી. તેમ છતાં આ ઘટના બાદ વનવિભાગના અધિકારીઓએ અમારો સંપર્ક કરતા અમે ત્યાંથી કચરો હઠાવી દીધો છે."
અહીં એ યાદ રહે કે 2023ની શરૂઆતમાં ઍડ્વોકેટ અમિત પંચાલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરી હતી. અરજીમાં તેમણે ફરિયાદ કરી હતી કે ગિરનાર પર આવેલાં અંબાજી મંદિર અને દત્તાત્રેય શિખર પર પ્લાસ્ટિકના કચરાના ઢગ ખડકાયા છે.
ગિરનારનું જંગલ 56 જેટલા એશિયાટિક સિંહોનું રહેઠાણ છે અને તેથી ભારતના બંધારણની કલમ 21, 48 (ક), 51-ક અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ આ વિસ્તારનું રક્ષણ કરવું જરૂરી છે.
અમિત પંચાલે કોર્ટની દાદ માંગી કે આ કલમોના પાલન માટે જૂનાગઢના કલેક્ટર, જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક અને જૂનાગઢ મહાનગરપાલિકાને યોગ્ય નિર્દેશો આપવામાં આવે.
આ પીઆઈએલની સુનાવણી દરમિયાન કોર્ટે વન વિભાગ અને મહાનગરપાલિકાને ગિરનારમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને ડામવાની અને એકઠા કરાયેલ પ્લાસ્ટિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની સૂચનાઓ આપી છે.
આ નિર્દેશ અનુસાર, વનવિભાગ ગિરનારનું ચઢાણ કરવા જતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની અંગઝડતી લે છે અને તેમને એક જ વાર વપરાશ થઈ શકે તેવી પ્લાસ્ટિકની કોઈ વસ્તુઓ સાથે લઈ જવાની મંજૂરી આપતું નથી.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












