'રમાઈ રડતાં નહોતાં, લડતાં હતાં', ડૉ. આંબેડકરનાં પત્ની રમાબાઈ પર ફિલ્મ બનાવનાર મહિલા ફિલ્મમેકરની કહાણી
- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, બીબીસી મરાઠી
"ફિલ્મ હોય, ગીત હોય કે પછી નાટક હોય, મેં માતા રમાઈને જ્યાં જોયાં ત્યાં દુઃખમાં ડૂબેલાં, શોષિત અને રડતાં જ જોયાં. હું બાળપણથી તેમને આ રીતે નિહાળતી રહી છું, પરંતુ માતા રમાઈએ મને હંમેશાં પ્રેરણા આપી છે. મને એવું લાગે છે કે રમાઈ રડતાં ન હતાં, પરંતુ લડતાં હતાં."
"હું એ જ રમાઈને દુનિયા સમક્ષ લાવવા ઈચ્છું છું."
"બાળપણથી માંડીને શિક્ષિત થઈ ત્યાં સુધી હું માત્ર એક જ બાબતને સમજી શકી અને તે બાબત એટલે રમાઈ. મારાં માતા કહે છે કે હું બાળપણમાં સાડી પહેરતી અને રમાબાઈની માફક માથે ઓઢતી હતી."

ઇમેજ સ્રોત, Tushar Kulkarni
ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં પત્ની અને દેશના કરોડો લોકોનાં લાડકાં રમાબાઈ આંબેડકર વિશેની 'રમાઈ' ફિલ્મનાં સર્જક પ્રિયંકા ઉબાળેએ ઉપરોક્ત વાતો કહી હતી.
ગયા એપ્રિલમાં ઉદગીરમાં યોજાયેલા 'વિદ્રોહી સાહિત્ય સંમેલન'માં મારી મુલાકાત પ્રિયંકા સાથે થઈ હતી. તેમની સાથે વાત કરતાં મેં અનુભવ્યું હતું કે તેમનું જીવન માત્ર 'માતા રમાઈ' શબ્દથી ભર્યું છે.
તમે એકપાત્રી નાટકો નિહાળ્યાં હશે, પરંતુ પ્રિયંકાએ 'મી રમાઈ' નામની એકપાત્રી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું લેખન, દિગ્દર્શન, નિર્માણ અને તેમાં અભિનય પણ પ્રિયંકાએ જ કર્યો છે. અત્યંત ઓછા બજેટમાં બનાવેલી આ ફિલ્મ તેઓ સમગ્ર મહારાષ્ટ્રની દલિત વસાહતો અને બૌદ્ધ વિહારોમાં તેઓ પ્રોજેક્ટર વડે પ્રદર્શિત કરી રહ્યા છે.
રમાબાઈ આંબેડકર વિશે તો અનેક ફિલ્મો બની છે. તે આ વિષયની પસંદગી જ શા માટે કરી એવા સવાલના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું કે "મોટા ભાગની ફિલ્મોમાં મેં દુઃખ સહન કરતાં અને ગરીબી તથા પ્રતિકૂળ સંજોગો સામે લડતાં માતા રમાઈને નિહાળ્યાં છે. મૌખિક પરંપરામાંથી આવેલા
સાહિત્યમાં પણ તેમની પીડાના અનેક સંદર્ભ મળે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિયંકા કહે છે કે "વાસ્તવમાં તેઓ અત્યંત મજબૂત મહિલા હતાં. તેઓ મજબૂત ન હોત તો તેમણે બાબાસાહેબને ઉચ્ચ શિક્ષણ માટે ક્યારેય વિદેશ જવા દીધા જ નહોત. તેમનું જીવન સંઘર્ષમય હતું, પરંતુ તેમનું ચિત્રણ શોષિત મહિલા સ્વરૂપે જ કરવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં લેતાં મને લાગ્યું કે નવી પેઢી સમક્ષ યોગ્ય આદર્શનું નિર્માણ કરવું હોય તો આપણે મજબૂત અને લડાયક રમાઈને લોકો સમક્ષ લાવવાં પડશે."
પ્રિયંકા કહે છે કે "અગાઉની ફિલ્મોમાં પણ રમાઈનું ચિત્રણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, પરંતુ આ ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે પોતાના પુત્રનું અવસાન થયું ત્યારે રમાઈ બહુ રડ્યાં હતાં. પછી દૃશ્ય બદલાય છે. મારું કહેવું એમ છે કે તેમને માત્ર રડતાં ન દેખાડો. તેઓ પ્રતિકૂળ સંજોગો સામે કેવી રીતે લડ્યાં, તેમણે કઈ રીતે વિજય મેળવ્યો એ પણ દેખાડો."
પ્રિયંકા ઉમેરે છે કે "હું એમ નથી કહેતી કે અગાઉ જેમણે ફિલ્મોમાં આવું દર્શાવ્યું હતું તેમનો ઈરાદો આવો જ હતો, પરંતુ રમાઈના દૃઢ નિશ્ચય અને સાહસિક વૃત્તિ દર્શાવવી જરૂરી હોવાનું મને આંબેડકરવાદી સમુદાયમાં જોવા મળ્યું છે. મારી ફિલ્મમાં મેં એ જ દર્શાવ્યું છે."

આ ફિલ્મ શા માટે બનાવી?

ઇમેજ સ્રોત, Tushar Kulkarni
પ્રિયંકાએ મરાઠવાડાની ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના નાટ્યશાસ્ત્ર વિભાગમાં સ્નાતકોતર શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. નાટ્યશાસ્ત્રના અભ્યાસના ભાગરૂપે તેણે રમાઈની ભૂમિકા અનેક વખત ભજવી છે.
એ જ ભૂમિકા મોટા પડદા પર રજૂ કરવામાં આવશે તો રમાઈનો ખરો ઈતિહાસ નવી પેઢી સમક્ષ આવશે અને તેમને નવી પેઢી સમજી શકશે, એવું પ્રિયંકાએ વિચાર્યું હતું, પરંતુ એ વિચાર ઝડપભેર સાકાર થઈ શક્યો ન હતો. તેને સાકાર કરતાં પહેલાં પોસ્ટ ગ્રૅજ્યુએશન બાદ કામ કરીને અનુભવ મેળવવાનો નિર્ણય પ્રિયંકાએ કર્યો હતો.
પ્રિયંકા મુંબઈ પહોંચ્યાં હતાં અને તેણે મરાઠી ફિલ્મોમાં નસીબ અજમાવ્યું હતું. પ્રિયંકાએ અત્યાર સુધીમાં 'પ્રેમવારી' અને 'બાબો' જેવી ફિલ્મોમાં અને 'સાતા જન્માચ્યા ગાઠી' તથા 'માઝ્યા નવરાચી બાયકો' જેવી સિરિયલોમાં કામ કર્યું છે.
ફિલ્મોદ્યોગમાં ધીમેધીમે આગળ વધવાની સાથે પ્રિયંકાએ રમાબાઈ આંબેડકરના જીવનચરિત્ર વિશેની ફિલ્મ માટે સ્ક્રીપ્ટ લખવાનું શરૂ કર્યું હતું.
અનેક સંદર્ભ ગ્રંથો વાંચીને, ફિલ્મો જોઈને પ્રિયંકા એ કામ આગળ વધારતાં હતાં, પરંતુ એ જ સમયે કોરોનાનો વ્યાપ વધવા લાગ્યો હતો. તેથી પ્રિયંકાએ તેમના પરભણીસ્થિત ઘરે પાછું ફરવું પડ્યું હતું અને માર્ચ-2020માં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું. એ સમય દરમિયાન પ્રિયંકાને વિચાર કરવા માટે ભરપૂર સમય મળ્યો હતો. સંદર્ભ ગ્રંથો તો તેમની પાસે જ હતા. તેથી તેમણે ફિલ્મની સંપૂર્ણ સ્ક્રીપ્ટ લખી લીધી હતી.
લૉકડાઉનનો અંત આવે એટલે આ ફિલ્મનું કામ શરૂ કરવું એવો વિચાર પ્રિયંકાએ કર્યો હતો.
અનેક મહિના પછી લૉકડાઉન ઉઠાવી લેવામાં આવતાં ટીવી સિરિયલોનું શૂટિંગ શરૂ થયું હતું અને નવી ઑફરો આવતી હોવા છતાં, રમાઈ વિશેની ફિલ્મ બનાવવાની હોવાથી એ ઑફર્સ ન સ્વીકારવાનું પ્રિયંકાએ નક્કી કર્યું હતું.
પ્રિયંકા કહે છે કે "મેં સ્ક્રિપ્ટ તો લખી નાખી, પણ ખરો પડકાર નિર્માતા મેળવવાનો હતો. હું 60થી વધુ નિર્માતાઓને મળી હતી. બધાએ વખાણ કર્યાં પરંતુ ફિલ્મ બનાવવા માટે તૈયારી દેખાડી નહીં. કોઈકને કંઈક વાંધો હતો, કોઈકને આ પ્રોજેક્ટની સફળતાની ખાતરી નહોતી. કોઈ મને આ ફિલ્મ માટે પૈસા આપવા તૈયાર થયું નહીં. આખરે મેં આપબળે ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો."

ફિલ્મ કઈ રીતે બની?

ઇમેજ સ્રોત, Tushar Kulkarni
ફિલ્મ બનાવવી છે, પણ શૂટિંગ કઈ રીતે કરવું? પોસ્ટ-પ્રોડક્શનનું કામ કઈ રીતે કરવું? પ્રમોશન અને રિલીઝ વગેરેની સમસ્યાઓ પણ હતી, પરંતુ પ્રિયંકાએ તબક્કાવાર આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.
પહેલાં ફિલ્મ શૂટ કરી લઈએ પછી બીજો વિચાર કરીશું એવું પ્રિયંકાએ વિચાર્યું હતું. પ્રિયંકાએ ઔરંગાબાદમાં રહેતાં તેમના ફોટોગ્રાફર મિત્ર પ્રકાશ વાઘનો સંપર્ક કર્યો અને તેને જણાવ્યું હતું કે 'મારે એક ફિલ્મ બનાવવી છે. તુ પરભણી આવી શકીશ?'
પ્રકાશ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે અને એ સમયે તેઓ એક પ્રોડક્શન હાઉસ માટે કામ કરતા હતા. તેમને સમજાયું નહીં કે પ્રિયંકા શું પૂછી રહ્યાં છે.
પ્રિયંકાએ તેમને જણાવ્યું હતું કે 'તું પરભણી તો આવી જા. પછી હું તને બધું વિગતવાર જણાવીશ.'
પ્રકાશ નોકરીને રામરામ કરીને પરભણી આવી પહોંચ્યા હતા. પ્રિયંકાએ તેમને ફિલ્મ બનાવવાની વાત વિગતવાર જણાવી હતી. પ્રકાશે બધું સાંભળ્યું હતું. તેમને પ્રિયંકાનો આ પ્રોજેક્ટ બહુ સાહસિક લાગ્યો હતો, પરંતુ પ્રિયંકા જે કામ કરવાનું નક્કી કરે તે કામ પતાવીને જ જંપે છે એ વાત પ્રકાશ જાણતા હતા.
ફિલ્મ શૂટ કરવા માટે ઉત્તમ કૅમેરા હોવો જોઈએ. પ્રિયંકાએ કૅમેરા ભાડેથી લેવાનો વિચાર કર્યો હતો, પરંતુ કૅમેરાનું ભાડું અને બીજી જવાબદારીને ધ્યાનમાં રાખીને પ્રિયંકાએ કૅમેરા ખરીદવાનું નક્કી કર્યું હતું.
કૅમેરો ખરીદવાના પૈસા ક્યાંથી કાઢવા? પ્રિયંકા થોડી બચત કરી હતી. એ ઉપરાંત પ્રકાશ અને પ્રિયંકાનાં બહેન સંઘમિત્રાએ પૈસા એકઠા કરીને એક કૅમેરા ખરીદ્યો હતો.
પ્રિયંકાએ એક દિગ્દર્શકને હાયર કરવાનું વિચાર્યું હતું, પરંતુ દિગ્દર્શકે તેની દૈનિક ફી ત્રણ હજાર રૂપિયા હોવાનું જણાવ્યું હતું. રોજના ત્રણ હજાર એટલે 20 દિવસના 60,000 રૂપિયા!
તેથી પ્રિયંકાએ વિચાર્યું કે 'આટલા પૈસા તો આપણી પાસે છે જ નહીં અને હોય તો પણ કોઈને તે આપવાનું આપણને પરવડે નહીં.' આ વાતને ધ્યાનમાં રાખીને પ્રિયંકાએ ફિલ્મનું દિગ્દર્શન જાતે જ કરવાનો નિર્ણય કર્યો હતો.
જે પ્રકાશ ફોટોગ્રાફર હતા, તેઓ આ ફિલ્મ માટે સિનેમેટોગ્રાફર બન્યા.
"અરે, આ કામ મારાથી નહીં થાય. ફિલ્મ શૂટિંગ તો દૂરની વાત છે મેં ક્યારેય વીડિયો શૂટિંગ પણ કર્યું નથી," એવું કહીને પ્રકાશે વિરોધ કર્યો હતો, પરંતુ પ્રિયંકાએ તેમને ફરી કહ્યું હતું કે 'એકવાર હાથ તો અજમાવ.'
આખરે રમાબાઈ આંબેડકરના જન્મદિવસ સાતમી ફેબ્રુઆરીએ 'મી રમાઈ' ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મૅકઅપ, હેર સ્ટાઈલિસ્ટ, આર્ટ ડિરેક્ટર વગેરેની જવાબદારી પણ પ્રિયંકાએ જ સંભાળી હતી.
રમાઈનું ઘર પણ પ્રિયંકાએ બનાવ્યું હતું. રમાઈના સમયની વસ્તુઓ, વાસણોના ફોટા પાડ્યા અને તેના આધારે બધું એકઠું કર્યું. એ બધું લેવા માટે પ્રિયંકા ગંગાખેડના આજોળી ગઈ હતી અને ગામમાં ફરીને પિતળનાં વાસણો તથા કંદીલ સહિતની જરૂરી સામગ્રી લાવી હતી.
ફિલ્મનું શૂટિંગ બે મહિને પૂર્ણ થયું, પણ સાઉન્ડ, એડિટિંગ વગેરે સહિતનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ બાકી હતું.
પરભણીના એક વીડિયો એડિટરની મદદ લઈને પ્રિયંકાએ ફિલ્મનું એડિટિંગ પૂર્ણ કર્યું હતું. ફિલ્મ પ્રત્યેની પ્રિયંકાની લગન અને મહેનતને જોઈને વીડિયો એડિટરે તેની પાસેથી કોઈ ફી ન લેવાનું નક્કી કર્યું હતું.
છતાં પ્રિયંકાએ આગ્રહ કર્યો હતો કે કંઈને કંઈ તો લેવું જ પડશે. તેથી સેંકડો કલાકોના ફૂટેજને એડિટ કર્યા પછી પ્રિયંકાના આગ્રહને માન આપવા તેમણે પ્રતીકાત્મક ફી લીધી હતી.
ફિલ્મ માટે રાજેશ કાંબળેએ સંવાદો લખ્યા છે. તેમણે પણ પ્રિયંકા પાસેથી કોઈ ફી લીધી નથી, પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમ કહીને પ્રિયંકાએ તેને પણ માનધન આપ્યું હતું.
પ્રિયંકાએ આ રીતે પોસ્ટ પ્રોડક્શનનું કામ પુરું કર્યું હતું અને રમાબાઈના સ્મૃતિદિન એટલે કે 2021ની 27મેએ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો.

ફિલ્મ બની ગઈ પણ પ્રદર્શિત ક્યાં કરવી?

ઇમેજ સ્રોત, Tushar Kulkarni
મહામહેનતે બનાવેલી ફિલ્મ પ્રદર્શિત ક્યાં કરવી? થિયેટરમાં પ્રદર્શિત કરવાનો તો સવાલ જ નહોતો. કોઈએ સૂચવ્યું કે યૂટ્યુબ પર મૂકી દો, પણ યૂટ્યુબ પર ફિલ્મ રજૂ કરવાનો અર્થ એ થાય કે ભવિષ્યમાં એકેય ફિલ્મ ફેસ્ટિવલમાં તે ફિલ્મને પ્રદર્શિત કરી શકાય નહીં. આ ટેક્નિકલ મુદ્દાને ધ્યાનમાં લઈને પ્રિયંકાએ ફિલ્મને યુ-ટ્યૂબ પર રજૂ કરવાનું માંડી વાળ્યું હતું.
એ પછી પ્રિયંકા તેમની ફિલ્મ પેનડ્રાઈવમાં સેવ કરી અને પ્રકાશ સાથે મળીને પ્રોજેક્ટર વડે ગામેગામ દેખાડવાનું શરૂ કર્યું.
સમાજમંદિર અને બૌદ્ધ વિહાર તો ક્યારેય કોઈના ઘરમાં કે આંગણાંમા આ ફિલ્મનું સ્ક્રિનિંગ થયું.
ટેલિવિઝન સિરિયલો કે ફિલ્મો ક્યારેય ન નિહાળતાં માતાઓ-પિતાઓએ માતા રમાબાઈ વિશેની ફિલ્મ નિહાળી.
પ્રિયંકાએ અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં 60થી વધુ સ્થળોએ આ ફિલ્મ પ્રદર્શિત કરી છે અને તે પણ સંપૂર્ણપણે વિનામૂલ્યે. 'ફક્ત જવા-આવવાનો ખર્ચ આપો, ફિલ્મ દેખાડવાની જવાબદારી મારી. '

'બાબાસાહેબ અને રમાબાઈ વચ્ચે સમાનતાનો સંબંધ'

ઇમેજ સ્રોત, Tushar Kulkarni
ડૉ. બાબાસાહેબ આંબેડકર અને રમાબાઈ વચ્ચેના સંબંધની વાત કરતાં પ્રિયંકા કહે છે કે "અગાઉના સમયમાં પત્નીઓ તેમના પતિને માલિક કહેતી હતી, પણ રમાબાઈ ડો. આંબેડકરને સાહેબ કહેતાં હતાં. બાબાસાહેબ અને તેમનો સંબંધ સમાનતાનો હતો. દરેક પરિસ્થિતિમાં મજબૂત રીતે ઊભાં રહેલાં રમાબાઈના વ્યક્તિત્વને દર્શાવવાનું મને જરૂરી લાગ્યું હતું. તેથી મેં આ પડકાર ઝીલ્યો હતો."
પ્રિયંકાના જણાવ્યા મુજબ, બાબાસાહેબને વિદેશમાં પૈસાની ખેંચ સર્જાઈ છે એવી ખબર પડી ત્યારે રમાબાઈએ તેમને 14 રૂપિયા મનીઓર્ડર મારફત મોકલી આપ્યા હતા.
તેમને લાગે છે કે પોતાના પતિને મનીઓર્ડર મારફતે પરદેશમાં પૈસા મોકલનાર તેઓ પહેલાં ભારતીય પત્ની હશે.' તેમનો પુત્ર મૃત્યુ પામ્યો હતો, પરંતુ તેઓ જાણતા હતાં કે હું પુત્રના મૃત્યુના દુઃખમાં ડૂબી જશે તો બાબાસાહેબનો અભ્યાસ અધૂરો રહેશે. તેથી સમાજ માટે કામ કરવાની તેમની ઈચ્છા પણ અધૂરી રહેશે.
પ્રિયંકા કહે છે કે "માતા રમાબાઈએ પોતાનું ઘર સંભાળવા ઉપરાંત ચળવળમાં સામેલ મહિલાઓની ફરિયાદો પણ સાંભળી હતી. તેમને માર્ગદર્શન આપ્યું હતું. તેઓ બાબાસાહેબના કામને જાણતાં તથા સમજતાં હતાં. એ વખતે અનેક મહિલાઓ એવી ફરિયાદ કરતી કે મારો પતિ દારૂનો નશો કરીને મને માર મારે છે. રમાબાઈ તેમને સલાહ આપતાં કે તેનો માર સહન કરશો નહીં. તેનો પ્રતિકાર કરો."
પ્રિયંકા ઉમેરે છે કે "રમાબાઈ એટલી સલાહ આપીને અટક્યાં ન હતાં. તેમણે એ સમસ્યા બાબાસાહેબને જણાવી હતી. આપણે બધા જાણીએ છીએ તેમ બાબાસાહેબે તેમના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી ત્યારે 22 પ્રતિજ્ઞા પણ લીધી હતી. એ પૈકીની એક પ્રતિજ્ઞા દારૂનું સેવન ક્યારેય ન કરવાની હતી. આ સંદર્ભને નોંધવાનું પણ મને જરૂરી લાગ્યું છે."
પ્રિયંકા કહે છે કે "જે રમાઈ મને ગમે છે અથવા જે રમાઈની વાત મેં કરી છે તે રમાઈ બીજી મહિલાઓને પણ ગમ્યાં છે એવું હું માનું છું. મારી ફિલ્મ નિહાળ્યા પછી ઘણી મહિલાઓએ મને કહ્યું છે કે બાળકો માટે મેં સારું કામ કર્યું છે. બીજી કેટલીકે એવું કહ્યું છે કે અમે રમાઈને ક્યારેય મળી શક્યાં નથી, પણ તેં અમને રમાઈનાં દર્શન કરાવ્યાં છે."
"કેટલીક મહિલાઓ એમ કહે છે કે હું બાબાસાહેબનું જ કામ કરી રહી છું. હું બાબાસાહેબનું કામ કરતી રહેવા ઈચ્છું છું. અત્યારે તો મેં માત્ર 40 મિનિટની ફિલ્મ બનાવી છે, પણ ભવિષ્યમાં રમાબાઈના સમગ્ર જીવન વિશેની ભવ્ય ફિલ્મ બનાવવાનો વિચાર છે. માત્ર આંબેડકરવાદી સમાજ માટે જ નહીં, પણ રમાઈ દરેક સ્ત્રી માટે આદર્શ બની શકે તેમ છે. હું એ બધા સુધી રમાઈને પહોંચાડવા માટે આ કામ કરી રહી છું," એવું પ્રિયંકા ભારપૂર્વક કહે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












