મધ્ય પ્રદેશ: દલિત-આદિવાસીઓના બજેટનો હિસ્સો ગાય માટે આપી દીધો, મંત્રીએ કહ્યું 'મને ખબર નથી'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શુરૈહ નિયાઝી
- પદ, બીબીસી હિંદી માટે, ભોપાલથી
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે માર્ચ મહિનામાં એક જાહેરાત કરી હતી કે પ્રદેશમાં દરેક ગાય માટે 40 રૂપિયાનું અનુદાન આપવામાં આવશે. આ રકમ તે સમયે માત્ર 20 રૂપિયા હતી.
તેમણે આ સાથે જ ઘોષણા કરી હતી કે ગૌશાળાની હાલત સુધારવામાં આવશે.
જોકે, મધ્ય પ્રદેશ સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ફાળવવામાં આવેલી રકમનો એક ભાગ ગાયોના કલ્યાણ અને મંદિરોના સમારકામ માટે આપ્યો છે.
રાજ્ય સરકારે હમણાં જ રજૂ કરેલા બજેટમાં જાણકારી મળે છે કે એસસી અને એસટી વિભાગના પૈસાનો ઉપયોગ બીજી જગ્યાએ કરવામાં આવ્યો છે.
બજેટમાં જાણકારી મળે છે કે એસસી અને એસટી લોકોના ઉત્થાન માટે ફાળવેલા પૈસાને બીજા વિભાગોમાં ખર્ચ કરવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશ સરકારે આ વખતે ગાયોના કલ્યાણ માટે 252 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ બજેટમાં કેન્દ્ર સરકારે એસસી અને એસટી માટે વિશેષ યોજનાઓ માટે ફાળવેલા 96 કરોડ રૂપિયા પણ સામેલ છે.
રાજ્ય સરકારે પ્રદેશનાં મંદિરો અને સ્મારકોને પણ સુધારવાની પણ જાહેરાત કરી હતી. એસસી અને એસટી વિભાગના ફંડનો ઉપયોગ તેના માટે પણ કરવામાં આવ્યો. સંસ્કૃતિ વિભાગને પાંચ મંદિરો અને સ્મારકો માટે એસસી અને એસટી વિભાગના ફંડમાથી 58 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના નાણા વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “એસસી અને એસટી વિભાગના આ પૈસાનો ઉપયોગ જરૂર બીજી જગ્યાએ થઈ રહ્યો છે, પરંતુ તેનો ફાયદો બધાને મળશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે નામ ન જાહેર કરવાની શરતે કહ્યું, “ગાયોનું કલ્યાણ બધાના હિતમાં છે અને તેનાથી બધાને ફાયદો મળશે. આ કારણે જ આ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે એમ ન કહેવું જોઈએ. મંદિરોમાં પણ દરેક વર્ગના લોકો આવે છે. મંદિરોમાં વ્યવસ્થા સુધરશે તો ફાયદો આવનારા દરેકને થશે.”
મધ્ય પ્રદેશના અનુસૂચિત જાતિ વિભાગના મંત્રી નાગરસિંહ ચૌહાણે બીબીસી હિંદી સાથેની વાતચીતમાં કહ્યુ કે મારી જાણકારીમાં આ વાત સામે આવી નથી.
તેમણે જણાવ્યું, “મારી જાણકારીમાં આ વાત આવશે તો હું તેના વિશે તમારી સાથે ચોક્કસ વાત કરીશ. જોકે, આ વાત હાલમાં સામે આવી નથી જેથી કરીને હું આ વિશે વાત કરીશ નહીં.”

કયાં મંદિરો અને સ્મારકો પર ખર્ચ કરવામાં આવશે?

ઇમેજ સ્રોત, SHURAH NIAZI/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જે મંદિરોમાં સમારકામ કરવામાં આવશે તેમાં દેવીલોક, સલકનપુર સંતશ્રી રવિદાસ મહાલોક, સાગર, રામરાજા મહાલોક, ઓરછા, રામચંદ્ર વનવાસી મહાલોક, ચિત્રકૂટ અને અટલ બિહારી વાજપેયી સ્મારક સામેલ છે.
સંત રવિદાસનું ભવ્ય મંદિર લગભગ 100 કરોડ રૂપિયાના ખર્ચે સાગરમાં બની રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ચૂંટણીના થોડાક મહિના પહેલાં મંદિરની આધારશિલા મૂકી હતી. મોદીએ તે સમયે જાહેરાત કરી હતી કે તેઓ મંદિરના લોકાર્પણ માટે આવશે.
તત્કાલીન મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહ્યું હતું કે આ મંદિર માટે 53 હજાર ગામોની માટી અને 350 નદીઓનું પાણી લાવવામાં આવ્યું છે. સંત રવિદાસને દલિતોના એક મોટા સંત માનવામાં આવે છે. તેમણે સમાજમાં ભેદભાવ નાબૂદ કરવા માટે કામો કર્યાં હતાં.
જોકે, સંત રવિદાસ મંદિરમાં બની રહેલા મહાલોક માટે પૈસા એસસી-એસટી ફંડમાથી લેવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર એસસી અને એસટી વર્ગ માટે વિશેષ પેટા યોજનાઓમાં રકમની ફાળવણી કરે છે, જેને એસસી વિશેષ પેટાયોજના અને એસટી વિશેષ પેટાયોજના કહેવામાં આવે છે.
એસસી વિશેષ પેટાયોજનાની શરૂઆત 1979-80માં થઈ હતી. જ્યારે એસટી વિશેષ પેટાયોજનાની શરૂઆત 1974માં થઈ હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક સશક્તીકરણ કરવા માટે વિશેષ જોગવાઈ કરવાનો હતો. આ રકમનો ઉપયોગ માત્ર એસસી અને એસટીના કલ્યાણ માટે કરવાનો હતો.
જોકે, રાજ્ય સરકારો ફેરફાર કરીને અલગ-અલગ રીતે તેનો ઉપયોગ કરી રહી છે.
આ વર્ષે કર્ણાટકની કૉંગ્રેસ સરકારે એસસી-એસટી ફંડના ઉપયોગને બદલવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. વિધાનસભાને આપેલી જાણકારી પ્રમાણે, કર્ણાટકની સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 14 હજાર 200 કરોડ રૂપિયા આ ફંડમાંથી લઈને ગૅરન્ટેડ યોજનાઓ પર ખર્ચ કરી રહી છે.
રાજ્ય સરકારના સામાજિક કલ્યાણમંત્રી એચસી મહાદેવ અપ્પાએ આ મામલે સરકારનો બચાવ કરતા સદનમાં કહ્યું, “રાજ્ય સરકાર ઇચ્છે છે કે આ રકમનો ઉપયોગ લોકોની મદદ કરવા માટે થાય.”
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમિશને આ મામલે કર્ણાટક સરકારને 10 જુલાઈના રોજ નોટિસ મોકલી હતી.
રસપ્રદ વાત છે કે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર એસસી-એસટી ફંડને ડાયવર્ટ કરી રહી છે, પરંતુ ભાજપ કર્ણાટકમાં કૉંગ્રેસ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહી છે.
“અગાઉ પણ વર્ગના પૈસાનો દુરુપયોગ થયો હતો”

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પ્રદેશના દલિતો અને આદિવાસીઓ માટે કામ કરનાર જાગૃત આદિવાસી દલિત સંગઠનનાં માધુરીબહેને કહ્યું, “સરકારને લાગે છે કે એસસી અને એસટી વર્ગની અલગ-અલગ યોજનાઓ માટે જે પૈસા ફાળવવામાં આવે છે તે તેમની પૉકેટ મની છે અને તેનો ઉપયોગ કોઈ પણ રીતે કરી શકાય છે.”
માધુરીબહેન કહે છે કે આ રીતે એસસી અને એસટી વર્ગ માટે ફાળવેલા પૈસાનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે અયોગ્ય છે.
વિપક્ષી પાર્ટી કૉંગ્રેસ આ મામલે સત્તા પક્ષ પર સતત હુમલાઓ કરી રહી છે. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા અવનીશ બુંદેલાએ આરોપ લગાવ્યો કે “ભાજપ સરકારની કથની અને કરણીમાં અંતર છે.”
તેમણે કહ્યું કે "ગૌમાતા મુદ્દે તેઓ મોટા મોટા દાવા કરે છે, પરંતુ આપણે આજે જોઈએ છીએ કે તેની હાલત શી છે. ચોક્કસપણ ગૌમાતા માટે જોગવાઈ કરવી જોઈએ, પણ એ પૈસા દલિતો અને આદિવાસીના ફંડમાંથી ન હોવા જોઈએ. પણ તેના માટે અલગથી જોગવાઈ હોવી જોઈએ."
બુંદેલાએ કહ્યું, “રાજ્યમાં દલિતો અને આદિવાસીઓની જે સ્થિતિ છે તે કોઈથી છુપાયેલી નથી.”
આંકડાઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, X/awanish_INC
નૅશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાઓ પર નજર કરીએ તો દલિતો અને આદિવાસીઓ પર અત્યાચારના કેસ સતત વધી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં વર્ષ 2021માં એસસી/એસટી કાયદા હેઠળ બે હજાર 627 કેસ નોંધાયા હતા. જ્યારે દલિતો પર અત્યાચારના સાત હજાર 214 મામલા નોંધાયા હતા.
કેટલાક એવા મામલા હતા જે દેશમાં ચર્ચાનો વિષય બન્યા હતા. સૌથી વધારે સીધીના પેશાબકાંડ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં ભાજપના કાર્યકર્તા પ્રવેશ શુક્લા એક આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરી રહ્યા હતા.
મધ્ય પ્રદેશમાં દલિતો અને આદિવાસીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યો હોય તેવા અનેક કેસ સામે આવ્યા હતા.
દલિતો અને આદિવાસીઓ માટે કામ કરનાર લોકો માને છે કે દલિતો અને આદિવાસીઓ માટે ફાળવેલા ફંડનો ઉપયોગ બીજી યોજનાઓ માટે કરવામાં આવશે તો તેમની સ્થિતિ વધારે ખરાબ થશે.












