ઉત્તરાખંડમાં ઢોલ ન વગાડવા બદલ દલિતો પર દંડ અને સામાજિક બહિષ્કારનો સમગ્ર મામલો

- લેેખક, રાજેશ ડોબરિયાલ
- પદ, બીબીસી હિન્દી માટે
ઉત્તરાખંડનું જોશીમઠ ફરી એક વાર ચર્ચામાં છે. ગત વર્ષે જમીન ધસવાને કારણે ચર્ચામાં રહેલો આ વિસ્તાર હવે દલિત પરિવારો સાથે સામાજિક બહિષ્કારને કારણે ચર્ચામાં છે.
કહેવાઈ રહ્યું છે કે પૂજામાં ઢોલ વગાડવાની ના પાડતાં એક દલિત વ્યક્તિ પર દંડ કરવામાં આવ્યો છે.
જોકે અહીં વર્ચસ્વ ધરાવનાર જાતિના લોકોનું કહેવું છે કે દારૂ પીને આવીને અને માહોલ ખરાબ કરવાના કારણે તેમના પર દંડ કરવામાં આવ્યો હતો.
તેમનું કહેવું છે કે આવું કરનારા બિનદલિત લોકો પર પણ દંડ કરવામાં આવ્યો છે.
દલિત પરિવારો તરફથી કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે આ કેસમાં 28 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે.
જોશીમઠ અને આસપાસના દલિતોએ એક મહાપંચાયત કરીને ન્યાય માટે સંઘર્ષ સમિતિની રચના કરી છે. તેમણે એલાન કર્યું છે કે આરોપીઓની ધરપકડ નહીં થાય તો એક મોટું આંદોલન કરાશે.
ઢોલ ન વગાડવા પર દંડ?

જોશીમઠથી અંદાજે 35 કિમી દૂર આવેલી સુભાઈ ગ્રામ-પંચાયત. તેમાં સુભાઈ અને ચાંચડી બે ગામ આવે છે. ગ્રામ-પંચાયતમાં કથિત સવર્ણોના અંદાજે 150 અને દલિતોના 10 પરિવાર રહે છે.
વૈશાખીના મેળાથી આની શરૂઆત થઈ હતી. એપ્રિલમાં સુભાઈ પંચાયતી ચોકમાં પૂજાનું આયોજન કરાયું હતું. તેમાં દલિત સમાજના પુષ્કરલાલ ઢોલ વગાડવા પહોંચ્યા હતા, પરંતુ આખી રાત ઢોલ ન વગાડી શક્યા અને પૂજા અધૂરી મૂકીને ચાલ્યા ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મામલે દલિતો અને અન્ય પક્ષોના પોતપોતાના દાવા છે.
પુષ્કરલાલનું કહેવું છે કે તેમની તબિયત ખરાબ થઈ હતી અને એટલે પૂજામાં આખી રાત ઢોલ ન વગાડી શક્યા.
બીજા પક્ષના જગરી (જેઓ ઉત્તરાખંડમાં દેવતાઓનું આવાહન કરતી પૂજા કરાવે છે) સૌરભસિંહ નેગી કહે છે કે "પુષ્કરલાલ દારૂ પીને આવ્યા હતા અને ગાળાગાળી કરતા હતા, એટલે લોકો ગુસ્સે થઈ ગયા."
આ મામલે દલિતો તરફથી મુખ્ય ફરિયાદી અને સુભાઈ ગામના પૂર્વ સરપંચ રણજિતલાલ કહે છે, "પુષ્કરલાલની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને એ લોકો તેમને ઉપાડીને લઈ ગયા હતા."
તેમના દારૂ પીવાની વાતનું રણજિત ખંડન નથી કરતા અને કહે છે કે "કોઈએ જો પોતાના પૈસાથી દારૂ પીધો હોય અને તેઓ કોઈને ગાળ ન આપતા હોય, ગેરવર્તન ન કરતા હોય તો વાંધો શું છે."
ત્યાર પછી દિવસે સુભાઈ ગ્રામસભાની પંચાયતે પુષ્કરલાલ પર પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સૌરભ કહે છે કે ઢોલ ન વગાડવાને કારણે દંડ નહોતો કરાયો, પણ દારૂ પીને આવવાથી અને માહોલ ખરાબ કરવાને કારણે દંડ કરવામાં આવ્યો હતો.
તેઓ કહે છે કે પહેલેથી નક્કી હતું અને માત્ર પુષ્કરલાલ પર જ નહીં, તેમના પક્ષના અનેક લોકો પર પણ દંડ કરવામાં આવ્યો છે, તેમાં તેમના કાકા પણ સામેલ છે.
તેઓ કહે છે કે સવર્ણ કહેવાતી જાતિઓના લોકો પાસેથી પણ 60,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
રણજિતલાલ કહે છે કે પુષ્કરલાલ પર માત્ર દંડ નથી કરાયો, પણ તેમને તડીપાર પણ કરી દેવાયા હતા. પણ દલિત સમાજ તેમની સાથે ઊભો રહ્યો.
તેઓ એમ પણ કહે છે કે 17 દિવસની પૂજા દલિત સમાજના ઢોલ વગાડનારા અન્ય લોકોએ પૂરી કરી હતી.
ઉત્તરાખંડના સામાજિક માળખામાં ઢોલ-ઢોલક વગાડવાનું કામ પરંપરાથી દલિત સમાજના લોકો કરે છે. પૂજામાં તેમના ઢોલકની થાપ પર દેવતા 'પ્રગટ' થાય છે. સામાન્ય રીતે તેમને આ કામ માટે કોઈ મહેનતાણું અપાતું નથી. માનવામાં આવે છે આ તેમનું કામ કે સામાજિક દાયિત્વ છે.

સામાજિક બહિષ્કાર અને એફઆઈઆર

પુષ્કરલાલ દ્વારા દંડ ચૂકવી દીધા બાદ એક રીતે આ મામલો થાળે પડી ગયો હતો, પણ આ મહિને ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે.
12 જુલાઈએ સુભાઈ ગામના પંચાયતી ચોકમાં બગડવાલ નૃત્ય શરૂ થયું હતું. તેમાં શંકરલાલ ઢોલ વગાડવા આવ્યા હતા. પૂજા દરમિયાન ઢોલને એક મહિલા સામે રાખી દેતા ફરી વિવાદ વધી ગયો.
શંકરલાલનું કહેવું છે કે એ બધાને જાતિસૂચક ગાળો દેવાઈ હતી અને ઢોલ વગાડવાથી મનાઈ કરી દીધી.
રણજિતલાલ કહે છે કે એ સમયે દલિત સમાજના ચાર પુરુષ અને બે મહિલા ત્યાં હતાં. તેમણે એ બધાંને ત્યાંથી નીકળી જવા કહ્યું, કેમ કે તેમને ડર હતો કે મારઝૂડ થઈ શકે છે.
સૌરભ આ કહાણીની બીજી બાજુ કહે છે. તેઓ કહે છે કે 13 તારીખે શંકરલાલ દારૂ પીને આવ્યા હતા અને તેમણે ચોકમાં બેસીને લોકોને, દેવતાઓને ગાળો દીધી હતી. આથી વડીલો ભડકી ગયા અને તેમને ત્યાંથી ભગાડી દીધા.
રણજિતલાલ કહે છે કે ત્યાર બાદ 14 જુલાઈએ સુભાઈ ગ્રામ-પંચાયતે બધા દલિતો પર પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અને જો ન આપે તો સામાજિક બહિષ્કારનો નિર્ણય લેવાયો હતો. તેમના માટે તેમને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
તેના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
પરંતુ દલિત સમાજના લોકોએ પછીના દિવસે પોલીસમાં ફરિયાદ આપી હતી.
ચમોલના એસપી સર્વેશ પંવારે બીબીસી હિન્દી કહ્યું કે "16 તારીખે પોલીસને દલિતો તરફથી સામાજિક બહિષ્કાર કર્યાની લેખિત ફરિયાદ મળી હતી. ત્યાર બાદ તરત એફઆઈઆર નોંધી લેવાઈ છે. 28 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી દીધી છે.
તેઓ કહે છે કે શરૂઆતની તપાસમાં મામલો સાચો લાગ્યો છે અને આ મામલે કાયદાકીય કાર્યવાહી કરાશે.
રણજિતસિંહે એક સોગંદનામું આપીને અન્ય ત્રણ લોકોનાં નામ એફઆઈઆરમાં જોડવાનો પોલીસને આગ્રહ કર્યો છે, તેમાં સૌરભસિંહનું નામ પણ સામેલ છે. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ લોકોનાં નામ એફઆઈઆરમાં સામેલ કરાયાં નથી.
મહાપંચાયત અને અન્ય પક્ષોનો 'ભય'

મહાપંચાયતમાં એક સંઘર્ષ સમિતિની રચના કરાઈ છે. કૉંગ્રેસના પ્રદેશ સચિવ અને પૂર્વમાં પર્વતીય શિલ્પકાર સભાના જિલાધ્યક્ષ રહેલા મોહન બજવાલને તેના અધ્યક્ષ બનાવાયા છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે ભાર દઈને કહ્યું કે આ સંપૂર્ણ બિનરાજકીય આયોજન હતું અને તેમાં માત્ર એસસી-એસટી સમાજના લોકો આવ્યા હતા.
તેઓ કહે છે કે મહાસભામાં કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, ગોપેશ્વર, શ્રીનગર, થરાલી, દેવપ્રયાગ, ગૈરસેન બધી જગ્યાએ લોકો આવ્યા હતા.
તેઓ કહે છે કે નક્કી કરાયું હતું કે જો ત્રણચાર દિવસમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો સંઘર્ષ તેજ કરાશે, ચમોલી જિલ્લા મુખ્યાલયમાં વિશાળ પ્રદર્શન કરાશે.
તેમણે એ પણ કહ્યું કે એસસી-એસટી સમાજના લોકો સામે શોષણની કોઈ પણ કાર્યવાહી થશે તો સંઘર્ષ સમિતિ તેનો પૂરજોશથી વિરોધ કરશે.
બજવાલ પોલીસ અને પ્રશાસનની અત્યાર સુધીની કાર્યવાહી પર સંતોષ માને છે અને કહે છે કે પોલીસ સારી રીતે કામ કરી રહી છે, આશા છે કે આરોપીઓની જલદી ધરપકડ કરી લેવાશે.

સૌરભસિંહ કહે છે, "એ લોકોને ડર છે કે પોલીસ એકતરફી કાર્યવાહી કરશે. તેઓ કહે છે કે મીડિયામાં પણ તેમની કોઈ વાત દેખાડતું નથી, માત્ર એસસી-એસટીના લોકોની જ વાત કરી રહ્યા છે."
સૌરભ કહે છે કે "તેમનો (એસસી-એસટી)નો કાયદો બહુ ખતરનાક છે અને લોકોને ડર છે કે તેમને તેમાં ફસાવી દેવાશે."
તેઓ એમ પણ કહે છે કે "બહારથી આવેલા નેતાઓએ મામલો વધારી દીધો છે, પંચાયતો કયા ગામમાં નથી હોતી. હળીમળીને મામલો ઉકેલી નાખત, પણ નેતા ભડકાવી રહ્યા છે."
સૌરભે બીબીસી હિન્દીને એ પણ કહ્યું કે "તેઓ દલિત સમાજ સાથે સમાધાનનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની ભૂલ હશે તો તેઓ માફી માગી લેશે. એક જ ગામમાં રહેવાનું છે તો હળીમળીને રહેવું જોઈએ."
જોકે દલિત પક્ષ હજુ પણ સમાધાન કરવા માટે તૈયાર નથી. મહાપંચાયતમાં પોતાની વાત મૂકતા શંકરલાલે કહ્યું કે 'તેમને ન્યાય જોઈએ.'
બજવાલ કહે છે કે તેઓ ભીમ આર્મીના સંસ્થાપક અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બજવાલના શબ્દોમાં કહીએ તો "તેમનું આવવું ખાસ જરૂરી છે."












