મોરબીમાં દલિત યુવકને ‘ચંપલ ચટાવી’ માર મારવાના આરોપમાં પકડાયેલ ‘રાણીબા’ કોણ છે?

ઇમેજ સ્રોત, RAJESH AMBALIA MORBI
મોરબીમાં ‘બાકી પગાર માગવા’ મુદ્દે દલિત યુવાનને કથિતપણે ‘ઢોર માર મારી મોઢામાં જૂતું લેવડાવ્યા’નાં આરોપી વિભૂતિ પટેલ સહિત અન્ય 6 વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આજે કોર્ટમાં હાજર કરાયા હતા.
મોરબીમાં ‘બાકી પગાર માગવા’ મુદ્દે દલિત યુવાનને કથિતપણે ‘ઢોર માર મારી મોઢામાં જૂતું લેવડાવ્યા’ની ફરિયાદ સ્થાનિક પોલીસ દ્વારા નોંધાઈ હતી.
21 વર્ષીય નીલેશ દલસાણિયા નામના દલિત યુવકને માર મારી અપમાનિત કર્યાના આરોપસર મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સિરામિક ફેકટરીનાં માલકણ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને અન્ય પાંચ લોકો સામે ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી.
કથિતપણે નીલેશને ઢોર માર મારવાને કારણે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.
કોણ છે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા?

ઇમેજ સ્રોત, RAJESH AMBALIYA
બીબીસીના સહયોગી રાજેશ આંબેલિયા અનુસાર મોરબીની 'રાણીબા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની'ના ફાઉન્ડર અને ચૅરમૅન વિભૂતિ હિતેશભાઈ સિતાપરા સોશિયલ મીડિયામાં રાણીબાના નામે વીડિયો બનાવી પોસ્ટ કરે છે. તેઓ 2007થી આ કંપની ચલાવે છે. સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ રાણીબા છેલ્લા દોઢેક વર્ષથી ઇન્સ્ટાગ્રામ સોશિયલ નેટવર્ક પર સક્રિય છે.
પોતાની લાઇફ સ્ટાઈલના જુદાજુદા પ્રકારના વીડિયો અપલૉડ કરે છે. અન્ય સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ તેમણે પોસ્ટ ગ્રૅજ્યુએટ ડિપ્લોમા ઑફ મૅનેજમૅન્ટના કોર્સમાં માર્કેટિંગ વિષયનો અભ્યાસ કર્યો છે.
તેમજ વર્ષ 2014થી 2017 દરમિયાન બી.કોમ કરેલ છે. કચ્છ ખાતે જિલ્લા સ્તરે બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ જીતી હોવાનો પણ દાવો કરે છે.
તેમની પોસ્ટ પરથી જોવા મળે છે કે કેટલાંક સ્થાનિક ખાનગી સમારોહમાં તેઓ હાજરી આપતાં હોય છે. અને એક મહિલા આંતરપ્રિન્યોર તરીકે તેમનું તેમાં સન્માન કરવામાં આવતું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિય પ્રોફાઇલ ચર્ચામાં
આ પ્રકરણને લીધે રાણીબા તરીકે ખુદને ઓળખાવતા વિભૂતી સિતાપરાની સોશિયલ મીડિયા પ્રોફાઇલની કેટલીક પોસ્ટ ચર્ચાનો વિષય બની છે.
બીબીસી સહયોગી પત્રકાર રાજેશ આંબેલિયા અનુસાર વિભૂતી તેમણે કરેલી પોસ્ટને લીધે પણ વિવાદમાં આવી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે કોઈ વ્યક્તિ સાથે તકરાર થતાં વિભૂતીએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.
વીડિયોમાં વિભૂતી મોંઘીદાટ કાર ચલાવતાં અને વિદેશ પ્રવાસ કરતા તથા મૉલમાં શૉપિંગ કરતાં જોવા મળે છે. તેમના વીડિયોમાં વૈભવી જીવનને દર્શાવવામાં આવ્યું છે. જેમાં તેઓ એક સેલેબ્રેટી તરીકે જોવા મળે છે.
બીબીસીએ વિભૂતી અને પકડાયેલા અન્ય છ લોકો તેમના પર લાગેલા આરોપો વિશે શું કહેવા માગે છે તે પણ જાણવાની કોશિશ કરી હતી.
બીબીસીએ તેમના વકીલ જયદીપ પંચોટીયા સાથે વાતચીત કરવા સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓ કોર્ટમાં હોવાથી વાત નહોતા કરી શક્યા. તેમની સાથે વાત થયા બાદ તેને આ અહેવાલમાં સામેલ કરી લેવાશે.
સિરામિક ફૅક્ટરીનાં માલકણ

ઇમેજ સ્રોત, RANIBA/SOCIAL MEDIA
નોંધનીય છે કે વિભૂતિ પટેલ મોરબીની રાવપર ચોકડી પાસે આવેલી સિરામિક ફેકટરીનાં માલકણ છે. ફેકટરી મોટા ભાગે ટાઇલ્સની નિકાસ સાથે જોડાયેલી છે. ફરિયાદની વિગતો અનુસાર કૅપિટલ માર્કેટ નામના શોપિંગ સેન્ટર ખાતે ગત બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો.
પ્રાથમિક વિગતો અનુસાર ગત ઑક્ટોબર માસમાં નીલેશ ફેકટરીમાં સેલ્સ મૅનેજર તરીકે જોડાયાના અમુક દિવસ બાદ તેમણે નોકરી છોડી દીધી હતી. જે બાદ ‘બાકી પગાર માગવા મુદ્દે મનદુ:ખ રાખી આરોપીઓએ ફરિયાદીને ઢોર માર માર્યો’ હોવાનો આરોપ છે.
કથિત મારઝૂડ બાદ ફરિયાદી સારવાર માટે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે પોલીસ આ મામલે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી. ડી. રબારી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. ઘટના બાદ હૉસ્પિટલ લેવાયેલા પીડિતના ફોટોમાં તેમની પીઠ અને ખભાના ભાગે ‘લાલ નિશાન’ દેખાઈ રહ્યાં છે.
‘બાકી પગાર માગવા જતાં પડ્યો માર’

ઇમેજ સ્રોત, RAJESH AMBALIYA
મીડિયા સાથેની વાતચીતમાં હૉસ્પિટલના બેડ પરથી સમગ્ર ઘટના અંગે જણાવતાં પીડિત નીલેશ કહે છે કે તેમણે 20 દિવસ સુધી રાણીબા ઍક્સપૉર્ટ ઑફિસમાં નોકરી કર્યા બાદ ‘અમુક અન્ય કામસર’ નોકરી છોડી દીધી હતી.
તેઓ કહે છે કે, “આ બાદ મેં 20 દિવસનો પગાર માગવા માટે તેમનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે પહેલાં તો મને પગાર આપવાની ના પાડી દીધી. થોડી આનાકાની બાદ વિભૂતિ પટેલના ભાઈનો ફોન આવ્યો અને મને સાંજે મળવા બોલાવ્યો હતો.”
ફોન પર થયેલી વાતચીત બાદ નીલેશના જણાવ્યાનુસાર તેઓ પોતાના ભાઈ અને એક મિત્ર સાથે ફેકટરી પર ગયા હતા. ત્યાં પહોંચીને ફેકટરી બહાર ઊભા રહીને ફોન કરતાં અચાનક 30-35 જણે તેમને ઘેરી લીધા હતા.
ફરિયાદ અનુસાર, “ટોળાએ અચાનક જ અમારી પર હુમલો કરી દીધો હતો. મારી સાથેના બેય માણસ ભાગી ગયા અને હું પડી ગયો. સ્થળ પર માર માર્યા બાદ પણ મને ઊંચકીને અગાસીએ લઈ જવાયો હતો.”

‘જાતિસૂચક શબ્દો ચંપલ ચટાવ્યા’
પીડિત નીલેશ પોતાની આપવીતી આગળ જણાવતાં કહે છે કે, “બાદમાં મને અગાશીએ લઈ જઈને બેલ્ટ અને જે હાથમાં આવે એનાથી મારવા લાગ્યા. થોડી વાર બાદ વિભૂતિ પટેલ ત્યાં આવ્યાં અને તેમણેય ‘પૈસા શાના માંગે છે’ કહીને મને લાફા માર્યા અને માફી માગવા કહ્યું.”
નીલેશ દલસાણિયા પોતાની ફરિયાદમાં આગળ જણાવે છે કે તે બાદ ‘રાણીબા’એ તેમને ‘જાતિસૂચક શબ્દો બોલી’ અને ‘ચંપલ ચટાવ્યાં’ હતાં.
નીલેશ આગળ આરોપ કરતાં કહે છે કે, “આ બાદ મને તેમણે હું મારા સાથીદારો સાથે ખંડણી માગું છું તેવો અને વિભૂતિ પટેલને મોડી રાત્રે મૅસેજ કરું છું એવું કહીને માફી માગતા વીડિયો પણ ડરાવી-ધમકાવીને બનાવી લીધા.”
ફરિયાદ અનુસાર નીલેશને આ કથિત વીડિયો બનાવડાવ્યા બાદ જાનથી મારવાથી ધમકી આપી, મારઝૂડ કરીને છોડી મુકાતાં તેઓ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં સારવાર મેળવ્યા બાદ પોલીસમાં ફરિયાદ કરી હતી.














