ગુજરાત : થાનગઢમાં ભાજપના નગરસેવકોને ભાજપના જ ધારાસભ્ય લઈને ક્યાંક 'ગુમ' થઈ ગયા?

થાનગઢ નગરપાલિકા, ભાજપમાં બળવો, પ્રદ્યુમનસિંહ રાણા, રાજુ અલગોતર, શામજીભાઈ, કૉંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images/Social Media

ઇમેજ કૅપ્શન, રાજુ અલગોતર અને પ્રદ્યુમનસિંહ (જમણે)
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાનો સમાવેશ પણ થાય છે.

અહીં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો કરીને જંગી વિજય મેળવ્યો હતો, પરંતુ હવે નગરપાલિકામાં પ્રમુખ કોણ બનશે તેને લઈને ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે.

ચર્ચા છે કે અહીં ભાજપના સ્થાનિક ધારાસભ્ય પોતાના ટેકેદારોને ક્યાંક લઈ ગયા છે અને 'પહોંચની બહાર' થઈ ગયા છે.

અહીં ભાજપે નક્કી કરેલા સભ્યને પ્રમુખ બનાવવાને લઈને વિવાદ વધુ વકર્યો છે. પ્રમુખપદને લઈને વિવાદ એટલો વકર્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નેતાઓમાં ચાલતી જૂથબંધી બહાર આવી ગઈ છે.

ભાજપના કોઈ નેતા આ મામલે કશું બોલવા તૈયાર નથી, જ્યારે આ મામલે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

શું છે પ્રમુખપદનો વિવાદ?

થાનગઢ નગરપાલિકા, ભાજપમાં બળવો, પ્રદ્યુમનસિંહ રાણા, રાજુ અલગોતર, શામજીભાઈ, કૉંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, પ્રદ્યુમનસિંહ રાણા

તાજેતરમાં થાનગઢમાં નગરપાલિકાની જે ચૂંટણી થઈ હતી તેમાં ભાજપે કુલ 28 બેઠકો પૈકી 25 પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્રણ બેઠકો બહુજન સમાજવાદી પાર્ટીને મળી હતી.

આ ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો થઈ ગયો હતો અને તેમને એક પણ બેઠક મળી નહોતી.

ભાજપની આ જંગી જીત છતાં પ્રમુખપદને લઈને વિવાદ વકર્યો હતો. જ્યારે નગરપાલિકાના પ્રમુખનું નામ નક્કી કરવાનું હતું ત્યારે ભાજપના 15 જેટલા ચૂંટાયેલા સભ્યો ગૂમ થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું.

હવે એક સમાચાર અનુસાર ભાજપની વરિષ્ઠ નેતાગીરીએ પ્રમુખપદ માટે પ્રદ્યુમ્નસિંહ રાણા અને ઉપપ્રમુખપદે રાજુ અલગોતરના નામની જાહેરાત કરી હતી, પરંતુ ભાજપની નેતાગીરી આ નામ જાહેર કરે તે પહેલાં જ ભાજપના ચૂંટાયેલા 15 જેટલા સભ્યો ક્યાંક 'ગૂમ' થઈ ગયા હતા.

પ્રમુખપદના નામને લઈને વિવાદ વધુ વકરતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.

સ્થાનિક કાર્યકરોમાં ચર્ચા છે કે 'ભાજપના જ ધારાસભ્ય શામજી ચૌહાણ સાથે જ આ સભ્યો કોઈ અજ્ઞાતસ્થળે ચાલ્યા ગયા છે.'

શું છે સમગ્ર મામલો?

વીડિયો કૅપ્શન, Muslim candidate in bjp : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ જગ્યાએ ભાજપમાંથી મુસ્લિમ ઉમેદવારો જીત્યા?

નગરપાલિકાના નિયમ પ્રમાણે પાંચ વર્ષની પ્રમુખપદની ટર્મમાં અઢી વર્ષ મહિલા ઉમેદવાર હોય છે અને અઢી વર્ષ કોઈ પુરુષ ઉમેદવાર હોય છે.

આ આખા વિવાદ વિશે વધારે વાતચીત કરતાં સુરેન્દ્રનગરના વરિષ્ઠ પત્રકાર વિપુલ દવેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "થાનગઢમાં ક્ષત્રિયોની બહુમતિ છે. બીજા સ્થાને દલિત મતદાતા છે, જે લગભગ 19.3 ટકા છે. જ્યારે લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિયોનું આંદોલન થયું, ત્યારે તેની અસર થાનગઢમાં પણ પડી હતી. તે સમયે ક્ષત્રિયોનું પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું."

"તે સમયે સ્થાનિક આગેવાન પ્રદ્યુમ્નસિંહ રાણાએ ભાજપ માટે ડેમેજ કંટ્રૉલિંગનું કામ કર્યું હતું. તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓની ગુડબૂકમાં આવી ગયા હતા."

"નગરપાલિકાની ચૂંટણી વખતે ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ અને પદ્યુમ્નસિંહ રાણા વચ્ચે ટિકિટ ફાળવણીને લઈને વિવાદ થયો હતો. તે સમયે શામજી ચૌહાણના સમર્થકોને વધારે ટિકિટ ફાળવવામાં આવી હતી."

થાનગઢ નગરપાલિકા, ભાજપમાં બળવો, પ્રદ્યુમનસિંહ રાણા, રાજુ અલગોતર, શામજીભાઈ, કૉંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિપુલ દવે કહે છે કે આ બધાં કારણોને લઈને થાનગઢમાં ભાજપના નગરસેવકો ચૂંટાયા હોવા છતાં બે જૂથો પડી ગયાં હતાં.

આ વિશે વાત કરતાં વિપુલ દવે કહે છે, "ચૂંટણીમાં જીત છતાં પ્રમુખપદનું કોકડું ગૂંચવાયેલું ગુંચવાયેલું છે. ચોથી માર્ચના રોજ ધારાસભ્ય શામજી ચૌહાણ ચૂંટાયેલા 15 સભ્યોને લઈને દહેગામના એક ફાર્મહાઉસમાં જતા રહ્યા હતા."

તેઓ કહે છે કે આ તમામ નગરસેવકો જે ગૂમ થયા છે તેમના ફોન બંધ આવી રહ્યા છે.

વિપુલ દવે કહે છે, "ભલે શામજી ચૌહાણ નગરસેવકોને લઈને જતા રહ્યા છે, છતાં ભાજપની વરિષ્ઠ નેતાગીરીએ પ્રદ્યુમ્નસિંહ રાણાને પ્રમુખ બનાવવાની જાહેરાત કરી છે."

પ્રમુખપદને લઈને ભાજપમાં ચાલતી ખટપટ વિશે વાતચીત કરતાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય આંદોલન બાદ રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયેલા રણજિતસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને કહ્યું :

"નગરપાલિકાની ચૂંટણી સમયે ટિકિટ ફાળવણીને લઈને અસંતોષ હતો. તે સમયે કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો, પંરતુ વરિષ્ઠ નેતાગીરીએ આ અસંતોષને અવગણીને ટિકિટની ફાળવણી કરી હતી."

"જ્યારે લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિય આંદોલનને ખાળવામાં ભાજપની નેતાગીરીને મદદ કરનારા પ્રદ્યુમ્નસિંહ રાણાને પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો, ત્યારે કેટલાક કાર્યકર્તાઓએ તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી."

રણજીતસિંહ ઝાલાના કહેવા પ્રમાણે અઢી વર્ષ જો પ્રદ્યુમ્નસિંહ પ્રમુખ બને, તો બાકીનાં અઢી વર્ષ કોઈ મહિલા પ્રમુખ બનશે. તેથી આ કાર્યકર્તાઓને ભય હતો કે તેમના પ્રમુખ બનવાની તક જતી રહેશે, એટલે આ વિવાદ વધારે વકર્યો.

શું કહે છે રાજકીય નેતાઓ?

થાનગઢ નગરપાલિકા, ભાજપમાં બળવો, પ્રદ્યુમનસિંહ રાણા, રાજુ અલગોતર, શામજીભાઈ, કૉંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, રાજુભાઈ અલગોતર

બીબીસીએ ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ તેમણે આખા વિવાદ પર કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

જોકે, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આખા વિવાદ મામલે ભાજપ પર નિશાન સાધ્યું હતું.

કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. હેમાંગ વસાવડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "ભાજપની 'પાર્ટી વિથ ડિફરન્સ' હોવાની વાતો જૂની થઈ ગઈ છે. હવે તે 'પાર્ટી વિથ ડિફરન્સિસ' બની ગઈ છે. થાનગઢના નગરસેવકોને ગોંધી રાખવામાં આવ્યા છે જે બતાવે છે કે ભાજપમાં અસંતોષ છે અને તેના નેતાઓમાં ઉકળતો ચરુ છે."

ડૉ. વસાવડાએ કહ્યું કે ભલે હાલ 10 નગરસેવકોની હાજરીમાં પ્રમુખપદની જાહેરાત કરી દેવાઈ હોઈ, પરંતુ 15 સભ્યો ગૂમ છે જે બતાવે છે કે વિવાદ કેટલો ચરમ પર છે.

તેમણે આરોપ લગાવ્યો કે જેમ થાનગઢમાં ભાજપના જ નેતાઓએ ભાજપમાં ગાબડાં પાડ્યાં છે તેમ અન્ય નગરપાલિકામાં પણ પડશે.

આપના નેતા રાજુ કરપડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "થાનગઢમાં ચૂંટાયેલા સભ્યોને ગોંધી રાખવામાં આવ્યા છે. ભાજપ પોતાના મળતિયાઓને પ્રમુખ બનાવવા માટે કારસો ચક રહ્યો છે."

જોકે, આ સમગ્ર મામલે ભાજપના કોઈ નેતા બોલવા તૈયાર નથી. બીબીસી ગુજરાતીએ ભાજપના પ્રવક્તા ડૉ. હેમંત ભટ્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે આખા વિવાદ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે.

બીજી તરફ દેહગામમાં જે ફાર્મહાઉસમાં આ નગરસેવકો રોકાયા છે તેનો હાલ કોઈ પત્તો મળ્યો નથી. આ નગરસેવકો સાથે સંપર્ક સાધવામાં આવશે ત્યારે તેમનો પક્ષ જાણીને અહીં અપડેટ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.