ગુજરાતમાં સૌથી વધારે ગુના 6થી 12 વાગ્યાની વચ્ચે જ કેમ થઈ રહ્યા છે અને પોલીસ શું કરી રહી છે?

ગુજરાત પોલીસે 'શસ્ત્ર' પ્રોજેક્ટ કેમ શરૂ કર્યો? તેમાં શરીર સંબંધી કયા ગુના રોકવાનું કામ થશે?
શરીરને ઇજા થાય તેવા ગુના સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વધારે બનતા હોવાનું ગુજરાત પોલીસે એક વિશ્લેષણમાં તારણ કાઢ્યું છે (પ્રતીકાત્મક તસવીર) બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ગુજરાત, બીબીસી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શરીરને ઇજા થાય તેવા ગુના સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વધારે બનતા હોવાનું ગુજરાત પોલીસે એક વિશ્લેષણમાં તારણ કાઢ્યું છે (પ્રતીકાત્મક તસવીર)

તમે ગુજરાતમાં બનેલાં ગુનાઓના વાઇરલ વીડિયો જોયા હશે જેમાં સાંજના સમયે કોઈ ચોક કે ગલ્લા પર એકઠા થયેલાં લોકો વચ્ચે થયેલી મારામારી કે ઝઘડા સીસીટીવીમાં રેકૉર્ડ થઈ ગયા હોય.

શરીરને ઈજા થાય તેવા ગુના સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વધારે બનતા હોવાનું ગુજરાત પોલીસે એક વિશ્લેષણમાં તારણ કાઢ્યું છે અને એવા ગુના થવા પાછળનાં કારણો જાણીને તેમને રોકવાના એક પ્રયાસ ગુજરાત પોલીસ SHASTRA (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ કર્યો છે.

પોલીસે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા- આ ચાર મહાનગરોમાં એક વર્ષ દરમિયાન નોંધાયેલા શરીર સંબંધી ગુનાઓનું વિશ્લેષણ કર્યુ હતું.

આ શહેરોમાં નોંધાયેલા શરીર સંબંધી ગુનાઓના 50 ટકા ગુના તો માત્ર 33 પોલીસ સ્ટેશનમાં જ નોંધાયા છે. આ 33 પોલીસ સ્ટેશન માટે રાજ્યના પોલીસ વડાએ એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે.

ગુનાનું પ્રમાણ ઘટાડવા કરવામાં આવતી પેટ્રોલિંગ, કૉમ્બિંગ, પોલીસ ડ્રાઇવ જેવી કામગીરીમાં હવે પોલીસ ડેટા ઍનાલિસિસ અને ટૅક્નૉલૉજીના ઉપયોગથી વ્યૂહરચના ઘડી રહી છે.

કયા પ્રકારના ગુનાઓ પ્રમાણમાં વધી રહ્યા છે?

સમગ્ર રાજ્યમાં નોંધાતા કુલ શરીર સંબંધી ગુનાના 25 ટકા ગુના તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડાદોરા આ ચાર શહેરોના વિસ્તારમાં જ બન્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સમગ્ર રાજ્યમાં નોંધાતા કુલ શરીર સંબંધી ગુનાના 25 ટકા ગુના તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડાદોરા આ ચાર શહેરોના વિસ્તારમાં જ બન્યા હતા (પ્રતીકાત્મક તસવીર)

ગુજરાત પોલીસને ઈગુજકૉપ વેબ પૉર્ટલ પર ઉપલબ્ધ ગુનાખોરીના આંકડાના વિશ્લેષણમાં શરીર સંબંધી ગુનાઓમાંના 45 ટકા ગુના સાંજે 6 થી રાતના 12 વાગ્યાના સમયગાળામાં થયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરેલી એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં રાજયમાં નોંધાયેલા શરીર સંબંધી ગુનાના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

તેનાં તારણોમાં જોવા મળ્યું કે સમગ્ર રાજ્યમાં નોંધાતા કુલ શરીર સંબંધી ગુનાના 25 ટકા ગુના તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડાદોરા આ ચાર શહેરોના વિસ્તારમાં જ બન્યા હતા.

ચાર શહેરોમાં બનેલા શરીર સંબંધી કુલ કેસનાં 45 ટકા કેસ સાંજે 6 થી રાતના 12 વાગ્યાના સમયમાં બન્યા હોવાનું જોવા મળ્યું છે.

વિજ્ઞપ્તિમાં જણાવ્યા અનુસાર ચાર શહેરોનાં 33 પોલીસ સ્ટેશન એવાં છે, જ્યાં શહેરોમાં બનતા કુલ ગુનાના 50 ટકા ગુનાઓ બને છે.

જેમાં અમદાવાદ શહેરનાં 50 પોલીસ સ્ટેશનમાંથી 12 પોલીસ સ્ટેશન, સુરત શહેરનાં કુલ 33 પોલીસ સ્ટેશનમાંથી 9 પોલીસ સ્ટેશન, વડોદરા શહેરનાં કુલ 27 પોલીસ સ્ટેશનમાંથી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને રાજકોટ શહેરના કુલ 15 પોલીસ સ્ટેશનમાંથી 05 પોલીસ સ્ટેશનના વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ વિશે વાત કરતાં ગુજરાત પોલીસના લૉ એન્ડ ઑર્ડર વિભાગના ઍડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ રાજકુમાર પાંડિયને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે શરીર સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા માટે આ ચાર શહેરોનાં 33 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 'શસ્ત્ર પ્રોજેક્ટ' હેઠળ સાંજના સમયે કરવામાં આવતા પોલીસિંગ પર ખાસ ભાર મૂક્યો છે."

સાંજના સમયે શરીર સંબંધી ગુનાઓ કેમ બને છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાંજના 6 થી રાતના 12 વાગ્યાના દરમિયાન મારામારી, હત્યા અને હત્યાની કોશિશના કેસોમાં કેમ વધારો જાવા મળે છે?

આ વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "સામાન્ય રીતે દિવસ દરમિયાન લોકો કામ પર હોય છે. સાંજના સમયે લોકો કામ પરથી ઘરે આવ્યા પછી મિત્રો સાથે પાનના ગલ્લે કે નાકે બેસતા હોય છે."

"આ ઉપરાંત કેટલાક લોકો સાંજે જમ્યા બાદ ઘરની બહાર જતાં હોય છે. આવા સમયે નાની મોટી વાતચીતમાં કે ચર્ચાઓમાં ઝઘડા થતા હોય છે. જેમાં મારા મારી જેવી ઘટના બનતી હોય છે. ક્યારેક નાની વાતમાં ઉશ્કેરાટમાં લોકો હત્યાની કોશિશ કરી જતા હોય છે. તો ક્યારેક હત્યા પણ થઈ જતી હોય છે. જો પોલીસ રસ્તા પર દેખાતી હોય તો આ પ્રકારની ઘટનાઓ અટકાવી શકાય છે."

શરદ સિંઘલે વધુમાં જણાવ્યું,"કેટલાક ટપોરીઓ પણ આ સમયે રસ્તા પર આવે છે અને દાદાગીરી કરતા હોય છે. કેટલાક લોકો સાંજના સમયે દારૂ પીને તોફાન કરે છે. આ કારણોને કારણે સાંજના સમયે પોલીસ રસ્તા પર હોય તો આ પ્રકારના ગુના અટકાવી શકાય છે."

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું, "સાંજના સમયે લોકો નોકરી ધંધા પરથી પરત ફરે છે. આ સમયે રસ્તા પર, ઘરોમાં કે પડોશીઓ સાથે જેવા ઝઘડા મારામારી થતી હોય છે."

શરીર સંબંધી ગુનાઓ એટલે શું ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી ગુજરાતીએ ચાર શહેરના પોલીસ કમિશનર અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે શરીર સંબંધી ગુનામાં કેવા પ્રકારના ગુનાનો સમાવેશ થાય છે તે અંગે વાત કરી હતી.

તેમના જણાવ્યા અનુસાર શરીર સંબધી ગુના એટલે "ગંભીર ઇજા થાય તેવી મારામારી,નાની ઇજા થાય તેવી મારામારી હત્યા, હત્યા કરવાની કોશિશ વગેરે શરીર સંબંધી ગુનાઓ ગણવામાં આવે છે."

સાંજના સમયે થતી ગુનાખોરી અટકાવવા પોલીસનો ઍક્શન પ્લાન શુ છે?

રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે "રાજ્યનાં પોલીસ સ્ટેશનોમાં રાત્રે 8 વાગે રોલ કૉલ લેવામાં આવે છે. જે 33 પોલીસ સ્ટેશનો SHASTRA પ્રોજેકટ હેઠળ આવે છે, ત્યાં સાંજે 6 વાગે રોલ કૉલ લેવામાં આવશે. જેથી સાંજે પોલીસ રસ્તા પર પેટ્રોલિંગ કરશે. પોલીસ તે વિસ્તારના ટપોરી જેવા લોકોની માહિતી મેળવશે."

તો આ વિશે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "શરીર સંબંધી ગુના વધારે નોંધાયા હોય તેવા સાત પોલીસ સ્ટેશન વિસ્તાર છે. એ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સાંજે 6 વાગ્યા બાદ જીપ, સ્કૂટર તેમજ ફૂટ પેટ્રોલિંગ કરશે. પોલીસ અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે. પોલીસને બૉડી કૅમેરા, હેડ ટૉર્ચ અને લાકડી જેવાં સાધનો આપવામાં આવશે."

તેમણે વધુમાં જણાવ્યું, "આ ઉપરાંત પોલીસ તપાસ કરશે કે ગયા વર્ષે નોંધાયેલા શરીર સંબંધી ગુનાઓમાં કોણ આરોપી હતા. તેમાં કેવા પ્રકારનાં હથિયાર વપરાયા હતાં. તેમજ કેવા પ્રકારના મુદ્દા હતા."

કોમરે કહ્યું, "આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, તે સાત પોલીસ સ્ટેશન સિવાયના પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ ગુના બનતા રોકવા માટે સતર્કતાથી કામ કરશે. કોઈ પણ નાની મોટી ઘટનામાં ઝડપી રિસ્પોન્સ આપવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જેને કારણે કોઈ ઝઘડા કે ઉશ્કેરાટને કારણે થતા ગુનાઓ અટકાવી શકાય."

અમદાવાદના પોલીસ કમિશનર સિંઘલે તેમના તાબા હેઠળ શસ્ત્ર પ્રોજેક્ટમાં સમાવેલા પોલીસ સ્ટેશનોની કામગીરી વિશે કહ્યું, "પોલીસ આ સમયગાળા દરમિયાન સમન્સ બજાવશે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જુગાર રમતા લોકો, દારૂ પીને ફરતા લોકો, હથિયાર લઈને ફરતા લોકો સામે પણ ફરિયાદની કાર્યવાહી કરશે."

જ્યારે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "સુરત શહેરમાં અલગ અલગ શહેરો અને રાજ્યોમાંથી રોજગાર માટે આવેલા લોકો રહે છે. પોલીસ હેલ્પલાઇન 100 નંબર પર આવતા ફોનના આંકડાનું પૃથ્થકરણ કર્યુ હતું. જેમાં જે વિસ્તારમાંથી વધારે કૉલ આવતા હતા તે વિસ્તારમાં અમે પેટ્રોલિંગ વધારેલું જ હતું."

અનુપમસિંહ ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે "જોકે, SHASTRA પ્રોજેક્ટ અંતર્ગત અમે પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યુ છે. જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનનો સ્ટાફ તો પેટ્રોલિંગ કરે છે. પરંતુ ક્રાઇમબ્રાન્ચ, એસઓજીની ટીમ વગેરે પણ પેટ્રોલિંગ કરે છે."

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ પણ SHASTRA પ્રોજેક્ટ અંર્તગત ડીજીપી દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પોલીસ રસ્તા પર છેડતીના બનાવો પર પણ ધ્યાન રાખશે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંજના સમયે યુવતીઓ અને મહિલાઓની છેડતીના ગુના રોકવા માટે પણ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ધ્યાન રાખશે. (પ્રતીકાત્મક તસવીર)

સાંજના સમયે યુવતીઓ અને મહિલાઓની છેડતીના ગુના રોકવા માટે પણ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ધ્યાન રાખશે.

આ મામલે રાજકુમાર પાંડીયને જણાવ્યું, "સાંજના સમયે કૉલેજ તેમજ ક્લાસિસથી છોકરા-છોકરીઓ રસ્તા પર જતાં આવતાં હોય છે. જેથી છેડતી જેવા બનાવો ન બને તે માટે જાહેર જગ્યાઓ પર પણ પેટ્રોલિંગ કરવામાં આવશે અને આ પ્રકારના બનાવ ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવશે."

જ્યારે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જણાવ્યું, "છેડતીએ શરીર સંબંધી નહીં, પરંતુ મહિલા સંબંધી ગુનાઓમાં આવે છે. પરંતુ પેટ્રોલિંગ દરમિયાન આ પ્રકારના કેસ ન બને તે માટે પણ ધ્યાન રાખવામાં આવશે."

જોકે, છેડતી વિશે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું, "અમારા ત્યાં છેડતીના કેસ બનતા નથી. પણ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ પ્રકારના કેસોનું પણ ધ્યાન રાખશે."

પોલીસે શું અપીલ કરી છે?

  • ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરી છે કે જો આસપાસ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી સહયોગ આપવો.
  • સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા વચ્ચે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ટીમો તૈનાત કરાશે
  • પ્રતિબંધિત પ્રવૃત્તિઓ પર દરોડા અને ફૂટ પેટ્રોલિંગ વધારાશે.
  • આ 33 મુખ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવશે.
  • સંદિગ્ધ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવશે અને 135 GP એક્ટ હેઠળ વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
  • દરેક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી વધુ મજબૂત બનાવાશે.

શરીર સંબંધી ગુના વિશે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) શું કહે છે?

પ્રતીકાત્મક તસવીર
ભારતીય ન્યાય સંહિતામાં માનવ શરીરને અસર કરતા ગુનામાં મારામારી અને ઝઘડા ઉપરાંત હત્યા, હત્યાની કોશિશ અને આતંકવાદ જેવા ગંભીર ગુનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ન્યાય સંહિતામાં માનવ શરીરને અસર કરતા ગુનામાં મારામારી અને ઝઘડા ઉપરાંત હત્યા, હત્યાની કોશિશ અને આતંકવાદ જેવા ગંભીર ગુનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

ભારતીય ન્યાય સંહિતામાં માનવ શરીરને અસર કરતા ગુનામાં મારામારી અને ઝઘડા ઉપરાંત હત્યા, હત્યાની કોશિશ અને આતંકવાદ જેવા ગંભીર ગુનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય દંડ સંહિતામાં ચૅપ્ટર 6 માં માનવ શરીરને અસર કરતા ગુનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે મુજબ:

1. જિંદગીને અસર કરતા ગુના

ગુનાહિત મનુષ્ય વધ, ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશીશ, ખૂન, ખૂન કરવાની કોશિશ, જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો ઇરાદો હોય તેનાથી જુદી વ્યક્તિનું મૃત્યુ નીપજાવવું, બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બાબત. આપઘાતનું દુષ્પ્રેરણ, સંગઠીત ગુના, આતંકવાદી કૃત્ય.

2. વ્યથા

સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત, મહાવ્યથા, ભયંકર હથિયાર વડે વ્યથા કરવા બાબત, બળજબરીથી મિલકત કઢાવી લેવા કે ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે વ્યથા કરવા બાબત, બળજબરીથી કબૂલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે વ્યથા કરવા બાબત, રાજય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે વ્યથા કરવા બાબત, ગુનો કરવાના ઇરાદાથી ઝેર આપવું , ઍસિડ ફેંકવું , અન્યનું જીવન કે સલામતી જોખમમાં મૂકવા બાબત.

3. અવરોધ

ગેરકાયદેસર અવરોધ, અટકાયત.

4. ગુનાહિત બળ અને હુમલો

બળ, હુમલો, ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય કોઈ વ્યકિતનું અપમાન કરવું, વ્યકિત પર હુમલો કરવો, ચોરી કરવાના ઇરાદાથી હુમલો કરવો, કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે અટકાવવી.

5. અપહરણ

અપહરણ, અપનયન, ભીખ માંગવા બાળકને અપંગ બનાવવું, માણસોની હેરાફેરી કરવી, કાયદા વિરુધ્ધ ફરજિયાત મજૂરી, હેરાફેરી કરાયેલી વ્યક્તિનુ શોષણ કરવું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.