દ્વારકાના દરિયામાં ફરી 'સોનાની નગરી' શોધવા મરજીવા ઊતર્યા, 20 વર્ષ બાદ શું શોધવા ગયા?

દ્વારકા, ઉત્ખનન, દરિયાના પેટાળમાં સંશોધન, આર્કિયોલોજી, અંડરવોટર ઉત્ખનન, બેટ દ્વારકા, ઓખા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, પહેલી વખત દ્વારકાના દરિયાના પેટાળમાં અંડરવૉટર ઉત્ખનન કરનારી ટીમમાં મહિલાઓની સંખ્યા વધારે છે.

દ્વારકાના દરિયામાં ભારતીય પુરાતત્વ વિભાગની ટીમે ફરીથી ઉત્ખનન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયે તેની માહિતી આપી છે.

આ વખતે થઈ રહેલું ઉત્ખનન પાંચ સભ્યોની ટીમ કરી રહી છે જેનું નેતૃત્વ પુરાતત્વ વિભાગના ઍડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રો. આલોક ત્રિપાઠી કરી રહ્યા છે.

પીઆઈબીનું કહેવું છે કે પહેલી વખત અંડરવૉટર ઉત્ખનન કરનારી ટીમમાં મહિલાઓની સંખ્યા વધારે છે. આ ટીમમાં કુલ ત્રણ મહિલાઓ ઉત્ખનનમાં ભાગ લઈ રહ્યાં છે.

આ ઉત્ખનન દ્વારકાના દરિયામાં ગોમતી ખાડી નજીકના વિસ્તારોમાં થઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ દ્વારકામાં અનેક ઉત્ખનન થઈ ચૂક્યાં છે. અહીં વારંવાર ઉત્ખનન કેમ કરવામાં આવે છે અને આ વખતે થઈ રહેલા ઉત્ખનન પાછળનો હેતુ શું છે?

દ્વારકાના દરિયામાં ફરીથી મરજીવા કેમ ઉતારવામાં આવ્યા?

દ્વારકા, ઉત્ખનન, દરિયાના પેટાળમાં સંશોધન, આર્કિયોલોજી, અંડરવોટર ઉત્ખનન, બેટ દ્વારકા, ઓખા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, અંદાજે 20 વર્ષ પછી દ્વારકાના દરિયામાં ફરીથી ઉત્ખનન શરૂ થઈ ગયું છે

અંદાજે 20 વર્ષ પછી દ્વારકાના દરિયામાં ફરીથી ઉત્ખનન શરૂ થઈ ગયું છે. આ ઉત્ખનન અન્ડરવૉટર આર્કિયૉલૉજી વિંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેની સ્થાપના 2001માં કરવામાં આવી હતી.

છેલ્લે એએસઆઈની આ જ વિંગે 2005થી 2007ના ગાળામાં દ્વારકામાં ઉત્ખનન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું કે, "આ દ્વારકાને ફરીથી શોધવાની શરૂઆત છે. મૅરીટાઇમ આર્કિયૉલૉજી અને દ્વારકામાં અંડરવૉટર હેરિટેજની શોધમાં આ એક નવો અધ્યાય છે. દ્વારકાના પેટાળમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો સમગ્ર કાળ દર્શાવતી અનેક કથાઓ છે, જે હકીકત છે."

આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, "શરૂઆતના આ સંશોધન માટે ગોમતીની ખાડીને ચિન્હિત કરવામાં આવી છે. પુરાતત્વ વિભાગની ટીમે વિસ્તારની બાથિમેટ્રી અને પુરાતત્વીય રુચિના અન્ય અવશેષોને સમજવા માટે આ સંશોધન શરૂ કર્યું છે."

બાથિમેટ્રી એ દરિયાના પેટાળમાં આવેલી જમીનની સપાટી અને પાણીના ઊંડાણની ડિજિટલ ઇમેજ છે. દરિયાઈ બાથિમેટ્રીમાં ધ્વનિતરંગો માટે સોનાર ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેની મદદથી વૈજ્ઞાનિકોને દરિયાના પાણીની ઊંડાઈ જાણવામાં પણ મદદ મળે છે અને તેઓ તેમનું સંશોધન આગળ વધારી શકે છે.

અંડરવૉટર ઉત્ખનન કેવી રીતે થાય છે?

દ્વારકા, ઉત્ખનન, દરિયાના પેટાળમાં સંશોધન, આર્કિયોલોજી, અંડરવોટર ઉત્ખનન, બેટ દ્વારકા, ઓખા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શરૂઆતના આ સંશોધન માટે ગોમતીની ખાડીને ચિન્હિત કરવામાં આવી છે

ભૂતકાળમાં જ્યારે દ્વારકા, બેટ-દ્વારકા અને સોમનાથમાં અંડરવૉટર ઉત્ખનન થયું ત્યારે અનેક અવશેષો મેળવવામાં એએસઆઈને સફળતા મળી હતી.

એ સમયે દ્વારકામાં સરફેસ ડિમાન્ડ ડાઇવિંગ સિસ્ટમ (SDDE) અને સ્કૂબા ડાઇવિંગની મદદ લેવાઈ હતી.

ડૂબકીખોરની પીઠ પર સ્કૂબા સિસ્ટમ લગાડવાથી તે કોઈપણ પ્રકારની અડચણ વગર ડૂબકી મારી શકે છે. અંડરવૉટર સર્વે માટે તથા ખાસ કરીને અંડરવૉટર સ્કૂટર અને કૅમેરા ચલાવવા માટે આ સિસ્ટમ ઉપયોગી છે.

જ્યારે એસડીડીઈ સિસ્ટમની મદદથી ડૂબકી લગાવનાર વ્યક્તિ લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. આથી જ્યાં છીછરું પાણી હોય અથવા તો હવાની ખેંચ હોય તેવા વિસ્તારમાં આ સિસ્ટમ કામ આવે છે. ઍરલિફ્ટિંગ માટે પણ તે ઉપયોગી છે.

એ સિવાય ઉત્ખનન કરનારા સંશોધકો અંડરવૉટર સ્કૂટર એટલે કે ઍક્વાઝીપનો પણ ઉપયોગ કરે છે.

સર્વે કરવા જનારી બોટમાં અંડરવૉટર કૅમેરા, અંડરવૉટર ટીવી સિસ્ટમ અને ઍરલિફ્ટનાં સાધનો પણ હોય છે.

ભૂતકાળમાં દ્વારકામાં 9.80 લાખ સ્ક્વેર મીટર દરિયાઈ વિસ્તારમાં ઉત્ખનન કરવામાં આવેલું છે.

પહેલાં દ્વારકામાં થઈ ચૂક્યાં છે અનેક સંશોધન

દ્વારકા, ઉત્ખનન, દરિયાના પેટાળમાં સંશોધન, આર્કિયોલોજી, અંડરવોટર ઉત્ખનન, બેટ દ્વારકા, ઓખા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1979માં આર્કિયોલૉજી સર્વે ઑફ ઇન્ડિયાએ બીજું ઉત્ખનન કર્યું હતું, જેમાં કેટલાંક વાસણોના અવશેષો મળી આવ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1960ના દાયકાના શરૂઆતના ભાગમાં દ્વારકાના જગત મંદિર પાસે એક ઘરને તોડતી વખતે ત્યાં મંદિરની ટોચ જોવા મળી હતી. એ પછી પુનાની ડેક્કન કૉલેજ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નવમી સદીના વિષ્ણુ મંદિરના અવશેષ મળ્યા.

અન્ય સ્થળોએ સંશોધન દરમિયાન ચીજવસ્તુઓ મળી એ પછી ખોદકામ ચાલુ રાખતા લગભગ ત્રણેક મીટર પછી ફરી ચીજવસ્તુઓ મળી અને સંશોધન ચાલુ રખાતા ફરી ચીજવસ્તુઓ મળી હતી.

મૂળ કર્ણાટકના પરંતુ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી ચુકેલા પુરાતત્ત્વવિદ શિકારીપુરા રંગનાથ રાવે ત્યાં અને દરિયામાં વધુ સંશોધન હાથ ધરવાનું નક્કી કર્યું. તેમણે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફીમાં અંડરવૉટર આર્કિયૉલૉજીની શરૂઆત કરાવડાવી.

આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ડૉ. આલોક ત્રિપાઠીએ આ પહેલાં બીબીસીને જણાવ્યું હતું:

"એ બાદ 1979માં આર્કિયોલૉજી સર્વે ઑફ ઇન્ડિયાએ બીજું ઉત્ખનન કર્યું હતું, જેમાં કેટલાંક વાસણોના અવશેષો મળી આવ્યા હતા."

"તે ઈ.સ. પૂર્વ 2000 વર્ષના હોવાનું માનવામાં આવ્યું હતું. દ્વારકા અને આસપાસમાં ઉત્ખનન અને શોધ ચાલતી રહી અને તે દરમિયાન ઘણા પુરાતત્ત્વીય અવશેષો મળતા રહ્યા."

તેમણે ઉમેર્યું, "ખૂબ સારી રીતે રંગ કરેલાં વાસણો મળી આવ્યાં છે. પોલિક્રોમ કરેલી વસ્તુઓ મળેલી છે, જેમાં ઘણા બધા રંગોનો ઉપયોગ છે."

"બાયક્રોમ પણ મળ્યા છે, જેમાં લાલ સપાટી પર કાળા રંગે ચીતરામણ કરેલું છે."

"500 કરતાં વધારે અવશેષો મળ્યા છે. આ રીતે મળેલા પદાર્થોનું કાર્બન ડેટિંગ કરાયું તેના પરથી સાબિત થાય છે કે કઈ રીતે અહીં સંસ્કૃતિ તબક્કાવાર વિકસી હશે અને પૉટરી મળી છે તે ઈસુ પૂર્વે 2000 વર્ષ જૂની છે."

"દરિયાની અંદરથી પણ પથ્થર બનેલી વસ્તુઓ મળી છે. જોકે તેની સાથે પૉટરી વગેરે અવશેષો નથી મળ્યા, કેમ કે તે ભાગમાં દરિયાનો પ્રવાહ બહુ તેજ રહ્યો છે."

દ્વારકા, ઉત્ખનન, દરિયાના પેટાળમાં સંશોધન, આર્કિયોલોજી, અંડરવોટર ઉત્ખનન, બેટ દ્વારકા, ઓખા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 1989 આસપાસ દરિયાના પાણીમાં તપાસ હાથ ધરવામાં આવતા દરિયાઈ વનસ્પતિ અને રેતીની નીચે લંબચોરસ પથ્થર મળી આવ્યા હતા

વર્ષ 1989 આસપાસ દરિયાના પાણીમાં તપાસ હાથ ધરવામાં આવતા દરિયાઈ વનસ્પતિ અને રેતીની નીચે લંબચોરસ પથ્થર મળી આવ્યા હતા, જે કોઈ ઢાંચાના ભાગરૂપ હોવાનું સંશોધકો માને છે. આ સિવાય અર્ધવર્તુળાકાર પથ્થર મળી આવ્યા છે, જે સ્વાભાવિક રીતે જ માનવસર્જિત છે.

2007ના સંશોધન પહેલાં દરિયામાં 2*1 નૉટિકલ માઇલ વિસ્તારમાં હાઇડ્રોગ્રાફિક સરવે કરવામાં આવ્યો હતો.

તાજેતરનાં વર્ષોમાં સંશોધન માટે સોનારનો ઉપયોગ કરવામાં આવે છે. જે દરિયાના પેટાળમાં ધ્વનિતરંગ છોડે છે અને તેના પડઘાંના આધારે નીચે નક્કર વસ્તુ હોવા વિશે અનુમાન મૂકે છે.

આ સિવાય ચોક્કસ વિસ્તાર નક્કી કરવા માટે જીપીએસ (ગ્લૉબલ પૉઝિશનિંગ સિસ્ટમ), મોશન સેન્સર તથા અન્ય સેન્સરની મદદથી દરિયાના પેટાળનો સરવે હાથ ધરવામાં આવે છે, જેના આધારે વધુ ચોક્કસ સ્થળની માહિતી મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.