અમદાવાદ પ્લેન ક્રૅશ : 'દર અડધી મિનિટે મૃતદેહ આવતો', સતત 15 કલાક પોસ્ટમૉર્ટમ કરનાર ડૉક્ટરોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
"પોસ્ટમૉર્ટમ રૂમમાં દર અડધી મિનિટે એક મૃતદેહ આવતો હતો. મૃતદેહોના પોસ્ટમૉર્ટમ કરવાની અને ડીએનએ સૅમ્પલ લેવાની કામગીરી બીજા દિવસ સવારના છ વાગ્યા સુધી ચાલી હતી. પોસ્ટમૉર્ટમની કામગીરી સતત 15 કલાક ચાલી હતી. જોકે પોસ્ટમૉર્ટમ બાદ અમારું કામ પૂરું થયું નહોતું."
"ત્યાર બાદ મૃતદેહોને યોગ્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની કામગીરી શરૂ થઈ હતી. લગભગ 36 કલાક બાદ ઘરે પહોચ્યા હતા. સતત કામ વચ્ચે કોઈને જમવાનું પણ યાદ આવ્યું નહોતું."
આ શબ્દો છે બીજે મેડિકલ કૉલેજના ફૉરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. ધર્મેશ પટેલના.
ગત 12 જૂને 260 લોકોનાં મૃત્યુનું નિમિત્ત બનનાર અમદાવાદ ખાતે પ્લેન ક્રૅશની ઘટના સમયે ડૉ. ધર્મેશ પટેલ બીજે મેડિકલ કૉલેજ ખાતે હાજર હતા.
વિમાન બીજે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હૉસ્ટેલ પર પડ્યું હતું.
ઘટના અંગે જાણ થતાં તેઓ તરત જ ગણતરીની મિનિટોમાં તેઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા.
ઘટનાના દિવસે બીજે મેડિકલ કૉલેજનો કેટલાક સ્ટાફ વૅકેશન પર હતો, જ્યારે કેટલોક સ્ટાફ હાજર હતો. (મેડિકલ કૉલેજમાં કામગીરી સતત ચાલતી જ રહેતી હોઈ સ્ટાફને બે ભાગમાં ઉનાળુ વૅકેશન હોય છે.)
પ્લેન ક્રૅશની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો દાઝી ગયા હોઈ મૃતદેહની ઓળખ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું. મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરી તેના નમૂના લઈને ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહોની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિમાન દુર્ઘટનાને એક મહિનો થઈ રહ્યો છે, અને તેની તપાસનો શરૂઆતનો રિપોર્ટ આવી ગયો ત્યારે એ દિવસ હૉસ્પિટલમાં કેવી સ્થિતિ હતી એ જાણીએ ડૉક્ટરો પાસેથી.
પ્લેન દુર્ઘટનાની તપાસના પ્રાથમિક અહેવાલમાં આ અકસ્માતનાં મુખ્ય કારણો વિશે પ્રકાશ પાડ્યો છે.
આ રિપોર્ટને ભારતના વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો એટલે કે એએઆઈબીએ જાહેર કર્યો છે.
રિપોર્ટ પ્રમાણે વિમાનનાં બંને ઍન્જિનની ફ્યૂઅલ સ્વિચ કે જેનાથી ઍન્જિન બંધ થાય છે. તેને વિમાનના ટેક ઑફ થતાં જ કટ ઑફ પોઝિશનમાં નાખી દેવામાં આવી હતી.
કૉકપિટ વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછે છે કે 'તેને કટ ઑફ કેમ કર્યું?'
જવાબમાં બીજો પાઇલટ કહે છે કે તેણે આમ નથી કર્યું. રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે તેમાં કયો અવાજ કયા પાઇલટનો છે.
ઉડાન સમયે વિમાનને કો-પાઇલટ ઉડાવી રહ્યા હતા જ્યારે કે કૅપ્ટન તેની દેખરેખ રાખી રહ્યા હતા.
અમદાવાદમાં પ્લેન તૂટ્યું એ પછી પોસ્ટમૉર્ટમ રૂમમાં કેવી હાલત હતી?

ઇમેજ સ્રોત, DR DHARMENDRA PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીજે મેડિકલ કૉલેજના ફૉરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. ધર્મેશ પટેલ અને પ્રોફેસર ડૉ. ધર્મેશ સિલાજિયાના સુપરવિઝન અને ઑબ્ઝર્વેશનમાં પોસ્ટમૉર્ટમની કામગીરી ચાલી રહી હતી.
તેમની ટીમના 33 લોકો પોસ્ટમૉર્ટમની કામગીરી અને ત્યાર બાદ મૃતદેહોને પરિવારને સોંપણી સુધીની કામગીરીમાં જોડાયા હતા.
પોસ્ટમૉર્ટમમાં ડીએનએ સૅમ્પલ લેવાની પ્રક્રિયામાં સિવિલ હૉસ્પિટલના અન્ય વિભાગના ડૉક્ટર્સ તેમજ શહેરનાં આરોગ્ય કેન્દ્રોના ડૉક્ટરો પણ જોડાયા હતા.
ડૉ. ધર્મેશ પટેલ કહે છે કે, "મારું પણ વૅકેશન ચાલી રહ્યું હતું, પરંતુ મારે વહીવટી કામ હોવાથી હું કૉલેજમાં જ હતો. વિમાન ક્રૅશ થયું એ જગ્યા પર પહોંચીને ત્યાં મૃતદેહોને જોઈને મને લાગ્યું કે મારું કામ અહીં નહીં, પરંતુ પોસ્ટમૉર્ટમ રૂમમાં છે. મેં તાત્કાલિક અમારા વિભાગના લોકોને મૅસેજ કરીને પોસ્ટમૉર્ટમ રૂમ પર પહોંચવા જણાવ્યું. તાત્કાલિક અસરથી સ્ટાફનું વૅકેશન કૅન્સલ કરી દેવાયું. અમારા સ્ટાફના લોકો મારા મૅસેજની પણ રાહ જોયા વિના પોતાની જવાબદારી સમજીને તરત જ સિવિલ હૉસ્પિટલ આવવા નીકળી ગયા હતા."
સિવિલ હૉસ્પિટલના ફૉરેન્સિક મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. ધર્મેશ સિલાજિયા પણ કહે છે કે તેઓ પણ ઘટનાના સમાચાર મળતાં જ વૅકેશન ટૂંકાવીને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "મારું વૅકેશન પડ્યું હોવાથી અમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. આરામના મૂડમાં હતા. અચાનક જ આ ઘટના અંગે સમાચાર જોયા અને તરત જ હું સમજી ગયો કે મારે તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ પહોંચવું પડશે. હું તરત જ ઘરેથી ગાડીમાં બે જોડી કપડાં નાખીને નીકળી ગયો હતો."
ધર્મેશ સિલાજિયા કહે છે કે આ ઓપન પ્રકારનું ડિઝાસ્ટર હતું. જેમાં કેટલા લોકોનાં મોત થયાં છે તે અંગે જાણ ન હતી. વિમાનમાં સવાર મુસાફરો સિવાયના અન્ય લોકોનાં પણ મોત થયાં હતાં, જેની સંખ્યા અંગે કોઈને ખબર ન હતી. આ દુર્ઘટનામાં મૃતદેહો ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ કર્યા વગર પ્રસ્થાપિત કરવી મુશ્કેલ હતી. મૃતદેહોના પોસ્ટમૉર્ટમ કરીને તેમનાં દાઢ, હાંડકાં તેમજ જેમના ટીસ્યુ બચ્યા હતા તેમના ટીસ્યુના સૅમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફૉરેન્સિક સાયન્સ વિભાગને મોકલી આપવામાં આવ્યા હતા."
ફૉરેન્સિક સાયન્સ વિભાગમાં મૃતદેહોના સૅમ્પલના તેમજ તેમના પરિવારના સૅમ્પલના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ડીએનએ રિપોર્ટ મૅચ કરીને મૃતદેહો પરિવારને સોંપાયા હતા.
ડૉ. ધર્મેશ સિલાજિયા કહે છે કે, "હૉસ્ટેલમાં અમારા વિદ્યાર્થીઓનાં પણ મોત થયાં હતાં. અમે જે વિદ્યાર્થીઓને ભણાવતા હતા તેમનાં જ પોસ્ટમૉર્ટમ કરવાનાં હતાં."
પોસ્ટમૉર્ટમમાં કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ધર્મેશ પટેલ અને ડૉ. ધર્મેશ સિલાજિયા બંને છેલ્લાં 30 વર્ષથી બીજે મેડિકલ કૉલેજના ફૉરેન્સિક મેડિસિન વિભાગમાં ફરજ બજાવે છે.
તેમણે ભૂકંપ, 2002નાં રમખાણ તેમજ 2008માં થયેલી બૉમ્બ બ્લાસ્ટ જેવી દુર્ઘટનામાં મૃતદેહોનાં પોસ્ટમૉર્ટમ કર્યાં છે.
તેમનો દાવો છે કે તેઓ સતત 72 કલાક સુધી કામ કરવાનો રેકૉર્ડ પણ ધરાવે છે.
ડૉ. ધર્મેશ પટેલ કહે છે કે, "અગાઉ પણ અમે આ પ્રકારની આપત્તિઓ જોયેલી છે. આ અમારું કામ છે. જે અમારે નિષ્ઠાથી કરવાનું છે. પરિવારોને તેમના સ્વજનના મૃતદેહો ઓળખીને સોંપવાના હતા."
ડૉ. ધર્મેશ સિલાજિયા કહે છે કે મૃતદેહો લાવવામાં આવ્યા ત્યારે ખૂબ જ ગરમ હતા.
મૃતદેહોને લાવ્યા બાદ તેમને યુનિક આઇડી નંબર આપવામાં આવે. જેમાં મૃતદેહના જે ભાગ મળ્યા હોય તે તેમજ તેમની સાથે જે સામાન મળ્યો હોય એ બધાને એક જ નંબર આપવામાં આવે.
ડૉ. ધર્મેશ સિલાજિયા આગળ કહે છે કે, "પોસ્ટમૉર્ટમના ફાઇન્ડિંગ નોટ્સ બનાવવામાં આવે છે. જેમાં કેટલું દાઝી ગયા હતા? મૃતદેહોના કેટલા ભાગ હતા? જો કોઈ ભાગ મિસિંગ હોય તો કેટલો ભાગ મિસિંગ છે? વગેરે બાબતોની નોંધ લખવામાં આવે છે."
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં ગાઇડલાઇન અનુસાર પોસ્ટમૉર્ટમ ફાઇન્ડિંગ નોટ્સ બનાવવામાં આવ્યા હતા.
જોકે, એવિયેશન ગાઇડલાઇન અનુસાર પાઇલટ અને કો-પાઇલટનાં પોસ્ટમૉર્ટમ કરાયાં હતાં.
ડૉ. ધર્મેશ પટેલ કહે છે કે, "પાઇલટ અને કો-પાઇલટના એવિયેશન ગાઇડલાઇન અનુસાર હીસ્ટોપેથૉલૉજીના સૅમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જે ઍર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના અધિકારીઓ લઈ ગયા હતા."
ડૉ. ધર્મેશ સિલાજિયા જણાવે છે, "વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહના અન્ય સૅમ્પલને સાચવવાની વ્યવસ્થા કરીને તે સૅમ્પલને બૅંગ્લુરુ એએઆઈબીની ઑફિસે મોકલવામાં આવ્યા હતા. દરેક પૅસેન્જર ક્રૂ-મેમ્બરનાં પોસ્ટમૉર્ટમના ફાઇન્ડિંગ નોટ્સ પણ એએઆઈબીના અધિકારીઓએ માગ્યા હતા."
ડૉક્ટરોએ બધા મૃતદેહોની ઓળખ કેવી રીતે કરી?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ધર્મેશ સિલાજિયા ડૉક્ટરોની ટીમે આ સમગ્ર ઘટના દરમિયાન રાખેલી કાળજી અને નિષ્ઠા અંગે વાત કરે છે.
તેમણે કહ્યું, "ડિઝાસ્ટર મૅનેજમૅન્ટની ગાઇડલાઇન અનુસાર અમે મૃતદેહોના ડીએનએ સૅમ્પલ લીધા હતા. મૃતકોની ગરિમા જળવાય તેમજ તેમની ધાર્મિક માન્યતા અનુસાર અંતિમવિધિ થાય તે માટે તેમની સાચી ઓળખ ખૂબ જ જરૂરી છે. ડીએનએ રિપોર્ટથી તે પ્રસ્થાપિત કરવામાં આવી હતી. અમને સંતોષ છે કે 100 ટકા મૃતદેહોની ઓળખ પ્રસ્થાપિત થઈ અને તેમના પરિવારને મૃતદેહો સોંપવામાં આવ્યા."
ડૉ. ધર્મેશ સિલાજિયા આગળ કહે છે કે, "મૃતદેહોના ડીએનએ સૅમ્પલ લીધા બાદ તેમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની વ્યવસ્થા કરી હતી. તેમજ જે મૃતદેહોને બીજા દેશમાં લઈ જવાના હતા તે મૃતદેહો પર પર્યાવરણની અસર થઈને તે ડિકમ્પોઝ ન થાય તે માટે એમ્બામિંગ પ્રક્રિયા (મૃતદેહોને સડતા અટકાવવા માટેની પ્રક્રિયા) કરવામાં આવી હતી. એમ્બામિંગ પ્રક્રિયાનાં સર્ટિફિકેટ પણ પરિવારને આપવામાં આવ્યાં હતાં. જેથી તેમને મૃતદેહ લઈ જવામાં કોઈ કાયદાકીય તકલીફ ન થાય."
ડૉ. ધર્મેશ પટેલ કહે છે કે, "પહેલા દિવસથી છેલ્લો મૃતદેહ ન સોંપાયો ત્યાં સુધી અમારી ટીમ જોડાયેલી હતી. પરિવારને કાનૂની દસ્તાવેજોમાં કોઈ સમસ્યા ન આવે તે અંગે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું."
ડૉ. ધર્મેશ સિલાજિયા કહે છે, "કોઈ કેસમાં એવું હોય કે શરીરનો મોટા ભાગના પાર્ટ્સ મળી ગયા હોય, પરંતુ કોઈ પાર્ટ પાછળથી મળે તેવું થાય તો તેવા પાર્ટસના પણ ડીએનએ ટેસ્ટ કરીને પરિવારને જાણ કરીને પરિવારને સુપરત કરવામાં આવ્યા હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












