ગુજરાતના 'એનઆરઆઈ બેલ્ટ'ની કહાણી, જ્યાંના અંદાજે 50 લોકોએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો

- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
"રજનીકાંત પટેલ અને તેમનો પરિવાર 16 જૂને લંડન જવાનો હતો. તેમનાં પુત્રીનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો અને 23 જૂને તેનો દીક્ષાંત સમારંભ હતો. તેમાં આખો પરિવાર ભાગ લેવાનો હતો, પણ તેમણે વિચાર્યું હતું કે વહેલા પહોંચીને દીકરીને સરપ્રાઇઝ આપીએ.
આ કારણસર તેમણે તેમની 16 જૂનની ફ્લાઇટ ટિકિટ કૅન્સલ કરાવી હતી. 12 જૂનની ઍર ઇન્ડિયાની એ ફ્લાઇટમાં ટિકિટ બૂક કરાવી હતી, જે ઉડાન ભરતાંની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. તેઓ ક્યારેય પાછા આવી શક્યા નહીં. અમારા બન્નેના પરિવારો વચ્ચે બહુ ગાઢ સંબંધ હતો અને તેમનું આ રીતે ચાલ્યા જવું અમારા બધા માટે અત્યંત પીડાદાયક બાબત છે."
આ શબ્દો રજનીકાંત પટેલના પરિવારના નજીકના દોસ્ત અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મિતેશ પટેલના છે.
તેમની આણંદ ઑફિસમાં બીબીસી સાથે વાત કરતાં તેમણે આ વાત કરી હતી.
એ દિવસે ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા 242માંથી 241 લોકો મૃત્યુ પામ્યા હતા.
સત્તાવાર આંકડા મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં રજનીકાંત પટેલ, તેમનાં પત્ની દિવ્યાબહેન પટેલ અને સંબંધી હેમાંગીબહેન પટેલ જેવા મધ્ય ગુજરાતના ઓછામાં ઓછા 50 લોકોનો સમાવેશ થાય છે.
તેમાં પણ મુખ્યત્વે આણંદ અને ખેડા જિલ્લાનો વિસ્તાર છે. તેને ચરોતર પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં ગુજરાતમાં આ વિસ્તાર 'એનઆરઆઈ બેલ્ટ' તરીકે ઓળખાય છે.
એ ગામ કે જ્યાંથી કોઈ ભાગ્યે જ વિદેશમાં નહીં હોય

જાણકારોના મતાનુસાર, તેનું કારણ એ છે કે અહીંના અનેક લોકો વિદેશમાં રહે છે અને આ આજકાલની વાત નથી, પરંતુ છેક 19મી સદીથી આ વિસ્તારમાં આવું સ્થળાંતર જોવા મળી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રૂપલબહેન પટેલે પણ લગભગ 15 વર્ષ પહેલાં આવું માઇગ્રેશન કર્યું હતું. તેઓ ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામથી સપરિવાર કાયમ માટે લંડન રહેવા ચાલ્યાં ગયાં હતાં.
તેઓ પણ એ દિવસે એ જ ફ્લાઇટમાં તેમના પતિ અને બાળકો પાસે પરત જઈ રહ્યાં હતાં. તેમનું પણ મૃત્યુ થયું છે.
તેમના પાડોશી અને પરિવારના મિત્ર મિતેશ બ્રહ્મભટ્ટ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "રૂપલબહેન ઇલાજ કરાવવા માટે લગભગ બે અઠવાડિયાં પહેલાં ભારત આવ્યાં હતાં. દુર્ઘટનાના ત્રણ-ચાર દિવસ પહેલાં આખો પરિવાર એકઠો થયો હતો. જૂની સ્મૃતિઓ સંભારી હતી. બધા લોકો બહુ ખુશ હતા."
બીબીસીની ટીમ શનિવાર 14 જૂને તેમના પરિવારજનોને મળવા ગઈ હતી એ વખતે તેમના પતિ લંડનથી ભારત આવી પહોંચ્યા હતા. તેઓ પરિવારના અન્ય લોકો સાથે અમદાવાદની સિવિલ હૉસ્પિટલે ગયા હતા. દુર્ઘટના પછી મૃતદેહોને સિવિલ હૉસ્પિટલે લઈ જવાયા હતા.
'અહીંના લોકો સૌપ્રથમ ફિજી અને આફ્રિકા ગયા'
ચરોતર ગુજરાતનો 'એનઆરઆઈ બેલ્ટ' છે, તો આણંદ જિલ્લાનું ધર્મજ ગામ એ બેલ્ટનું 'એનઆરઆઈ ગામ' છે.
જાણકારો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ એક એવું ગામ છે, જ્યાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જેની કોઈ વ્યક્તિ વિદેશમાં ન રહી હોય.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અહીં રહેતા લોકો પૈકીના મોટા ભાગના તમાકુની ખેતી કરે છે.
માઇગ્રેશન થવાનાં મુખ્ય કારણો કયાં છે?

ધર્મજમાં સૌથી પહેલા અમારી મુલાકાત કૃષ્ણરાજ પટેલ સાથે થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમના પ્રવાસી પૂર્વજોનો ઇતિહાસ જાણવા માટે તાજેતરમાં જ પરિવાર સાથે કેન્યા ગયા હતા. ઍર ઇન્ડિયાનું જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું એ જ વિમાનમાં એ જ દિવસે તેઓ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. તેમનો પ્રવાસ અમદાવાદ સુધીનો જ હતો.
તેઓ કહે છે, "અમારા ગામના લોકો અગાઉ ફિજી અને આફ્રિકા જતા હતા. પછી સમયની સાથે લોકો ત્યાંથી અમેરિકા, ઇંગ્લૅન્ડ, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ જેવા અન્ય દેશોમાં ગયા. આજે પણ અમારા ગામના લોકો આફ્રિકા અને ફિજીમાં રહે છે. તેમની ત્યાં સંખ્યા ઓછી છે. બાકી દેશોમાં વધારે લોકો વસવાટ કરતા થયા છે."
ગામમાં ફરતાં અનેક આલિશાન મકાન જોવાં મળ્યાં. જોકે, એ પૈકીનાં મોટાં ભાગનાં મકાનો પર તાળાં મારેલાં હતાં. બપોરનો સમય હતો એટલે રસ્તાઓ પણ સૂમસામ હતા. લોકો ઘરની અંદર હતા.
ધર્મજના રહેવાસી, લેખક અને સમુદાયના નેતા રાજેશ પટેલે જણાવ્યું હતું કે તેમના સમુદાયના લોકો પહેલાં ઈરાનથી આવ્યા હતા.

તેઓ કહે છે, "ત્યાંથી અમારા પૂર્વજો અફઘાનિસ્તાન ગયા હતા. પછી પંજાબ પહોંચ્યા હતા અને આખરે મેદાની વિસ્તારોમાં વસ્યા હતા, કારણ કે ખેતી માટે એ પ્રદેશ વધારે અનુકૂળ હતો. ત્યાંથી અમારો પ્રવાસ આગળ વધ્યો અને અહીં પહોંચ્યો."
"પછી બ્રિટિશરાજ દરમિયાન 1890માં અમારા સમુદાયના અનેક લોકો આફ્રિકા તરફ ચાલ્યા ગયા હતા. એ સમયે બન્ને વિસ્તારો બ્રિટિશ શાસનને આધીન હતા. તેથી ત્યાં જવું અને વસવાટ કરવો લોકો માટે અન્ય વિસ્તારોની સરખામણીએ વધારે સરળ હતું."

તેમણે તેમના સમુદાયના વિદેશમાં માઇગ્રેશન માટેનાં મુખ્ય કારણોની વાત કરી.
રાજેશ પટેલના કહેવા મુજબ, "માઇગ્રેશન સામાન્ય રીતે ચાર કારણસર થતું હોય છે. શરૂઆતમાં અહીંના લોકો રોજગારની શોધમાં બહાર ગયા હતા. હવે શિક્ષણ અને કારકિર્દીના કારણસર સ્ત્રીઓ તથા પુરુષો બંને વિદેશ જઈ રહ્યા છે."
"વધુ એક વાત એવી છે કે કેટલાક લોકો કશુંક નવું કરવાની ઇચ્છાને લીધે પણ વિદેશ જાય છે. અમારા જેવા લોકો માટે વિદેશમાં વસવાટ કરવાની પ્રક્રિયા પણ મહદઅંશે સરળ હોય છે. પરદેશમાં વસવાટ કરતા અમારા સમુદાયના લોકો તરફથી મદદ મળતી હોય છે."
આંકડાઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, Rajesh Patel
સત્તાવાર આંકડા જણાવે છે કે ભારતનું નાગરિકત્વ છોડીને અન્ય દેશોનું નાગરિકત્વ લેતા લોકોની સંખ્યામાં તાજેતરનાં વર્ષોમાં વધી છે.
2011માં 1,22,819 ભારતીયોએ તેમનું નાગરિકત્વ છોડ્યું હતું. 2021માં એ પ્રમાણ વધીને 1,63,370 સુધી પહોંચી ગયું હતું.
ગયા વર્ષે બહાર પાડવામાં આવેલા આંકડામાં સરકારે જણાવ્યું હતું કે 2022માં 2,25,620 લોકોએ અને 2023માં 2,16,219 લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું હતું. જોકે, તેમાં કયા રાજ્યના કેટલા લોકો છે, તેની સ્પષ્ટ માહિતી નથી.

ડૉ. હસિત મહેતા આ વિસ્તારમાં પ્રોફેસર અને લેખક પણ છે.
અમે તેમને સવાલ કર્યો હતો કે ગુજરાતનો આ 'એનઆરઆઈ બેલ્ટ' અને અહીંથી વિદેશમાં થતું સતત માઇગ્રેશન 'ગુજરાત મૉડલ' તથા અહીંના સમાજ વિશે શું જણાવે છે?
ડૉ. હસિત મહેતા માઇગ્રેશન વિશે કહે છે, "ગુજરાતી સમાજમાં મોટા ભાગના લોકોને વ્યાપાર પ્રત્યે આકર્ષણ હોય છે. તેઓ વિચારતા હોય છે કે એક રૂપિયા કમાવવો કે એક ડૉલર કમાવવો."
"ડૉલર કમાઈશ તો 86 કે 88 રૂપિયા મળશે, પણ તેઓ એવું નથી વિચારતા કે અહીં એક કપ ચા દસ રૂપિયાની મળે છે, જ્યારે પરદેશમાં એ જ ચાની કિંમત પાંચ ડૉલર હોઈ શકે છે. એ સિવાય અહીં વસ્તી વધવાને કારણે પારસ્પરિક સ્પર્ધા પણ વધી છે." એટલે કે આ કારણસર પણ વિદેશ જવાનું વલણ વધ્યું છે.
તેમના કહેવા મુજબ, "આપણે ગુજરાત મૉડલની વાત કરીએ તો એ ગુજરાતીઓ માટે નથી. ગુજરાતીઓ માટે જે ગુજરાત મૉડલ છે એ તો માઇગ્રેશન જ છે. કૅનેડા, અમેરિકા અને યુરોપ જ છે. લોકોની સામાજિક સ્થિતિ પણ હવે આ વિચારથી જ નક્કી થાય છે. અહીંના લોકો પૂછે છે કે પરિવારનો કોઈ સભ્ય વિદેશમાં છે કે ભવિષ્યમાં વિદેશ જવાની યોજના છે? વિદેશમાં રહેવું હવે એક સામાજિક દબાણ બની ગયું છે."
(ઍડિશનલ રિપોર્ટિંગઃ નચિકેત મહેતા)
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












