અમદાવાદ પ્લેન ક્રૅશ : 'ટ્રાફિકમાં ફસાઈ ગઈ ને મારો જીવ બચી ગયો', ભૂમિ ચૌહાણ સાથે શું ઘટના ઘટી હતી?

ઇમેજ સ્રોત, Bhumi Chauhan
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અમદાવાદના ટ્રાફિકના કારણે હું ઍરપૉર્ટ પર દસ મિનિટ મોડી પહોંચી અને બચી ગઈ." આ શબ્દો છે મૂળ અંકલેશ્વરનાં ભૂમિ ચૌહાણના.
બીબીસી ગુજરાતી સાથે ભૂમિ ચૌહાણે વાત કરી હતી અને જણાવ્યું હતું કે કેમ તેઓ આ ઘટનામાં બચી જવા માટે અમદાવાદના ટ્રાફિકનો 'આભાર' માને છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રૅશ થતાં અત્યાર સુધી ઍર ઇન્ડિયા અનુસાર, 241 લોકોનાં મૃત્યુ થયાં છે અને એક વ્યક્તિનો બચાવ થયો છે.
ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ અને પાઇલટ સહિત કુલ 242 લોકો સવાર હતા.
ઘટના અંગે મળી રહેલી માહિતી અનુસાર, ફ્લાઇટ અમદાવાદ સિવિલ હૉસ્પિટલની સ્ટુડન્ટ હૉસ્ટેલની મેસ અને હૉસ્ટેલની ઇમારત પર ક્રૅશ થઈ હતી.
'અમદાવાદના ટ્રાફિકે મારો જીવ બચાવ્યો'

ઇમેજ સ્રોત, Bhumi Chauhan
આ પ્લેન ક્રૅશથી બચી જનાર ભૂમિ ચૌહાણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં બચાવની કહાણી જણાવતાં કહ્યું કે, "અંકલેશ્વરથી તો અમે ટાઇમસર અમદાવાદ આવ્યાં હતાં, પણ અમદાવાદના ટ્રાફિકના કારણે હું ઍરપૉર્ટ પર દસ મિનિટ મોડી પહોંચી, જેના કારણે મને ઍરપૉર્ટની અંદર ઘૂસવા ના દીધી."
તેઓ કહે છે કે જ્યારે પોતે લંડનની પોતાની ફ્લાઇટ બૉર્ડ ન કરી શક્યાં ત્યારે લંડન સુધીની ટિકિટના પૈસા માથે પડ્યા હોવાનું વિચારી રહ્યાં હતાં.
તેઓ કહે છે કે, "મને પહેલાં થયું કે અમદાવાદના ટ્રાફિકને કારણે મારા ટિકિટના પૈસા ગયા અને નોકરી પણ જશે, પણ હવે હું અમદાવાદના ટ્રાફિકનો પાડ માનું છું. મારા પૈસા ભલે ગયા, પણ મારો જીવ બચી ગયો એનો આનંદ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટનમાં ભણવા ગયેલાં ભૂમિ ચૌહાણનાં લગ્ન બે વર્ષ પહેલાં બ્રિટનમાં રહેતા કેવલ ચૌહાણ સાથે થયાં હતાં.
કેવલ ચૌહાણ બ્રિટનના બ્રિસ્ટોલ શહેરમાં બૅંકમાં નોકરી કરે છે.
ભૂમિએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હું ભણવા બ્રિટન ગઈ હતી અને ત્યાં પાર્ટટાઇમ નોકરી કરતી હતી. મારા પરિવારે અમારી જ્ઞાતિના જ કેવલ સાથે બ્રિટનમાં લગ્ન કરાવ્યાં હતાં . લગ્નને બે વર્ષ થયાં છે, હું લગ્ન પછી બીજી વાર મારા વતન અંકલેશ્વર આવી હતી."
"દોઢ મહિનાથી હું અહીં હતી. મારી રજાઓ પૂરી થઈ એટલે મેં ટિકિટ બુક કરાવી હતી. અમે વહેલી સવારે અમારાં સગાંવહાલાંને મળીને અંકલેશ્વરથી અમદાવાદ આવ્યાં હતાં. બપોરે જમીને અમે અમદાવાદ ઍરપૉર્ટ જઈ રહ્યાં હતાં, ત્યારે ટ્રાફિકમાં ફસાઈ ગયાં."
ભૂમિ કહે છે કે ટ્રાફિકમાં ફસાયાં હતાં તેથી તેમણે વેબ ચેકઇન કર્યું, તેમને ઍરપૉર્ટ પહોંચતાં ટ્રાફિકના કારણે દસ મિનિટ જેટલું મોડું થયું હશે. તેમને ઍર ઇન્ડિયાએ તેઓ મોડાં છો એવું જણાવી ઇમિગ્રેશન થયા પછી બધાનાં બૉર્ડિંગ થઈ ગયાં હોઈ ફ્લાઇટમાં જવા નહીં મળે એવું કહેવાયું.
'ઍરલાઇન્સવાળા મારી વાત માન્યા જ નહીં'

ઇમેજ સ્રોત, Bhumi Chauhan
ભૂમિ ચૌહાણે કહ્યું, "મારો સમાન પણ જવા ના દીધો. મેં બહુ જ વિનંતી કરી, પણ મારી વાત સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું , મેં કહ્યું કે જો હું સમયસર નહીં પહોંચું તો મારી નોકરી જશે. એટલું જ નહીં મારી ટિકિટના પૈસા પણ જશે. પરંતુ ઍરલાઇન્સવાળા મારી વાત માન્યા જ નહીં, મેં મારી ટિકિટના પૈસા રિટર્ન કરવા વિનંતી કરી, પણ તેઓ માન્યા નહી છેવટે હું નસીબને દોષ આપતી બહાર નીકળી."
પોતાને ફ્લાઇટમાં ન બેસવા મળ્યું એ બાદ ઍરપૉર્ટની બહાર નીકળ્યા બાદની કહાણી જણાવતાં તેમણે કહ્યું, "બહાર મારા કુટુંબીઓ ઊભા જ હતા, અમે અમારા ડ્રાઇવર પર ખૂબ ગુસ્સો કર્યો અને કંટાળીને ઍરપૉર્ટથી નીકળી ગયાં, હું ખૂબ નિરાશ હતી. અમે ઍરપૉર્ટથી નીકળીને એક જગ્યાએ ચા પીવા ઊભાં રહ્યાં અને થોડી વાર પછી પાછાં અંકલેશ્વર જવા નીકળતા પહેલાં અમે ટ્રાવેલ એજન્ટ જોડે ટિકિટના પૈસા કેવી રીતે પાછા મેળવવા એ અંગે વાત કરી રહ્યા હતાં. ત્યાં અંકલેશ્વરથી ફોન આવ્યો કે ભૂમિ જે પ્લેનમાં ગઈ છે એ પ્લેન તૂટી ગયું છે."
ભૂમિએ આગળ કહ્યું કે, "અમે ત્યાંથી તરત જ મંદિરે ગયાં અને ભગવાનનો આભાર માન્યો કે મને બચાવી લીધી."
'ટેક-ઑફના થોડા સમય બાદ પ્લેન ક્રૅશ'

ઇમેજ સ્રોત, Getty Images
ઍર ઇન્ડિયાએ જાહેર કરેલી માહિતી અનુસાર અમદાવાદથી બપોરે એક વાગ્યાને 38 મિનિટે આ ફ્લાઇટ AI171 ઊપડી હતી. આ વિમાન બૉઇંગ 787-8 ઍરક્રાફ્ટ હતું.
ઍર ઇન્ડિયાએ લખ્યું હતું કે, "અમદાવાદથી બપોરે એક વાગ્યાને 38 મિનિટે ઊપડેલી ફ્લાઇટ બૉઇંગ 787-8 ઍરક્રાફ્ટમાં 242 પૅસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. જે પૈકી 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિક, એક કૅનેડિયન અને સાત પૉર્ટુગીઝ હતા."
પ્લેન સાથેનો ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા 625 ફૂટની ઊંચાઈએ (190 મીટર) ખતમ થઈ ગયો હતો.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24 પ્રમાણે "ટેક-ઑફના એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં" ઍરક્રાફ્ટનું સિગ્નલ તૂટી ગયું હતું.
ભારતના ઉડ્ડયન નિયામક ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિએશને જણાવ્યું હતું કે પ્લેને ઍર ટ્રાફિક કંટ્રોલને મેડે કૉલ આપ્યો હતો. જોકે, એ બાદ ઍરક્રાફ્ટ પાસેથી કોઈ જવાબ મળ્યો નહોતો.
આ પ્લેન 175 નૉટની (324.1 કિમી પ્રતિ કલાક) ગતિએ ઊડી રહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













