અમદાવાદ : પ્લેન ક્રૅશનો વીડિયો બનાવનાર 17 વર્ષીય છોકરાની જિંદગી દુર્ઘટનાએ કેવી રીતે બદલી?

- લેેખક, ઝોયા મતીન
- પદ, બીબીસી ન્યૂઝ
જ્યારે પણ આર્યન અસારીને વિમાનનો અવાજ સાંભળાતો ત્યારે તે તેને જોવા માટે ઘરની બહાર દોટ મૂકતો.
તેના પિતા મગનભાઈ અસારીએ જણાવ્યું કે તેને વિમાનો જોવાનો ખૂબ શોખ હતો. આર્યનને વિમાનનાં એન્જિનનો ગર્જના કરતો અવાજ ખૂબ ગમતો. આ અવાજથી આખું આકાશ ભરાઈ જતું અને પછી જ્યારે વિમાન તેની ઉપરથી જતું ત્યારે તો તે વધુ જોરથી અવાજ કરતું અને આકાશમાં સફેદ પટ્ટા છોડી જતું.
પરંતુ હવે તો આના વિચાર માત્રથી જ તે કંપી જાય છે.
12 જૂને ગુરુવારે આ 17 વર્ષનો કિશોર અમદાવાદ શહેરમાં ઘરના ધાબા પરથી વિમાનોનો વીડિયો બનાવી રહ્યો હતો. બરાબર ત્યારે જ ઍર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર 787-8 તેની નજર સામે જ ક્રૅશ થયું અને આગમાં ભડકો થઈ ગયું. આ દુર્ઘટનામાં 241 લોકોનાં મોત થયાં અને લગભગ જમીન પર પણ 30 લોકો માર્યા ગયા.
આર્યને આ ગોઝારી ક્ષણ તેના ફોનમાં કેદ કરી હતી.
બીબીસી ગુજરાતીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું, "મેં એ વિમાન જોયું. તે નીચે જઈ રહ્યું હતું. પછી તે મારી નજર સામે ધ્રૂજવા લાગ્યું અને પછી તૂટી પડ્યું."
વિમાન દુર્ઘટના બાદ વીડિયો ઉતારનાર આર્યનની સ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, Elke Scholiers/Getty Images
આ વીડિયો હવે વિમાન તૂટી પડવાનાં કારણો શોધવાનો પ્રયાસ કરી રહેલા તપાસકર્તાઓ માટે એક મહત્ત્વપૂર્ણ કડી છે. આ ઘટનાએ આર્યન (કે જે એક હાઈસ્કૂલમાં ભણતો વિદ્યાર્થી છે)ને દેશના ઇતિહાસની સૌથી ખરાબ વિમાન દુર્ઘટનાનાં કેન્દ્રમાં લાવી દીધો છે.
આર્યન અસારીના પિતા મગનભાઈએ બીબીસીને જણાવ્યું કે "અમારી પાસે ઇન્ટરવ્યૂ માટે ખૂબ વિનંતીઓ આવી છે. પત્રકારો દિવસ-રાત અમારા ઘરની આસપાસ આંટા મારે છે અને આર્યન સાથે વાત કરવા માગે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મગનભાઈ કહે છે, "આ ઘટનાની આર્યન પર ગંભીર અસર થઈ છે. તેણે જે જોયું તેનાથી તે આઘાત પામ્યો છે. મારો પુત્ર એટલો બધો ડરી ગયો છે કે તેણે પોતાનો ફોન વાપરવાનું પણ બંધ કરી દીધું છે."
મગનભાઈ નિવૃત્ત લશ્કરી સૈનિક છે, જે હવે શહેરની મેટ્રો સેવામાં કામ કરે છે. અસારી છેલ્લાં ત્રણ વર્ષથી ઍરપૉર્ટની નજીકના વિસ્તારમાં રહે છે. હાલમાં જ તેઓ ત્રણ માળની એક ઇમારતના ધાબા પર આવેલા એક નાના રૂમમાં રહેવા ગયા હતા, જ્યાંથી આસપાસના શહેરનું દૃશ્ય જોઈ શકાય છે.
તેમનાં પત્ની અને બે બાળકો આર્યન અને તેમનાં મોટી બહેન ગુજરાત અને રાજસ્થાન રાજ્યોની સરહદ નજીક આવેલા તેમના પૈતૃક ગામમાં રહે છે.
મગનભાઈ કહે છે, "આર્યન પહેલી વખત અમદાવાદમાં આવ્યો હતો. તેણે જીવનમાં પહેલી વાર ગામ છોડ્યું હતું."
"જ્યારે પણ હું ફોન કરતો ત્યારે આર્યન મને પૂછતો કે શું હું આપણા ધાબા પરથી વિમાનો જોઈ શકું અને હું તેને કહેતો કે હા તું એને આકાશમાં લહેરાતા જોઈ શકીશ."
આકાશમાં ઊડતા વિમાનો જોવાનો શોખ

આર્યન વિમાનનો શોખીન હતો. તે તેના ગામ ઉપરથી આકાશમાં ઊડતાં વિમાનો પણ જોવાનું પસંદ કરતો હતો. તેના પિતાના અમદાવાદમાં આવેલા ઘરના ધાબા પરથી તે વિમાનને વધુ નજીકથી જોઈ શકશે તેવો વિચાર તેને સારો લાગતો હતો.
મગનભાઈની પુત્રી પોલીસ અધિકારી માટેની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી અને આયર્નને એ તક મળી ગઈ.
આર્યને તેની બહેન સાથે જવાનું નક્કી કર્યું. મગનભાઈ અસારીએ કહ્યું, "તેણે મને કહ્યું કે તે નવી નોટબુક અને કપડાં ખરીદવા માગે છે."
ભાઈ-બહેન ગુરુવારે બપોરના વિમાન તૂટી પડ્યું એના લગભગ દોઢ કલાક પહેલાં જ તેમના ઘરે પહોંચ્યાં હતાં.
પરિવારે સાથે ભોજન કર્યા બાદ અસારીએ બાળકોને ઘરે મૂકીને કામ પર જવા માટે નીકળી ગયા.
મગનભાઈએ બીબીસી ગુજરાતીને કહ્યું કે આર્યન ધાબા પર ગયો અને તેના મિત્રોને બતાવવા માટે ઘરનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ત્યારે જ તેણે ઍર ઇન્ડિયાનું વિમાન જોયું અને તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું.
પ્લેન ક્રૅશનો વીડિયો ઉતાર્યા બાદ આર્યને શું કર્યું હતું?

ઇમેજ સ્રોત, EPA
આર્યનને ટૂંક સમયમાં જ ખ્યાલ આવી ગયો કે વિમાનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. તે ધ્રૂજતું હતું અને ડાબે-જમણે જતું હતું.
જેમ જેમ વિમાન નીચે તરફ જતું હતું તેમ તે તેનું ફિલ્માંકન કરતો રહ્યો, તે સમજી શક્યો નહીં કે શું થઈ રહ્યું છે.
પરંતુ જ્યારે આકાશમાં ગાઢ ધુમાડો છવાઈ ગયો અને ઇમારતોમાંથી આગ ફેલાતી દેખાઈ ત્યારે તેને આખરે ખ્યાલ આવ્યો કે કંઈક અજુગતું થયું છે.
આર્યને તેના પિતાને વીડિયો મોકલ્યો અને તેમને ફોન કર્યો.
મગનભાઈ કહે છે, "તે ખૂબ જ ડરી ગયો હતો. 'મેં આ જોયું પપ્પા, મેં આ વિમાનને તૂટી પડતા જોયું,' એમ કહીને મને પૂછતો રહ્યો કે હવે તેનું શું થશે. મેં તેને કહ્યું કે શાંતિ રાખ અને ચિંતા ન કર."
મગનભાઈ અસારીએ કહ્યું કે "પરંતુ તે ખૂબ જ ભયભીત થઈ ગયો હતો."
અસારીએ તેમના પુત્રને વીડિયો વધુ શૅર ન કરવા કહ્યું હતું. જોકે, ખૂબ ડરી ગયેલા અને આઘાત પામેલા આર્યને આ વીડિયો તેના કેટલાક મિત્રોને મોકલ્યો. "થોડા સમય પછી તો અમે જોયું કે આ ક્લિપ બધે જ હતી."
પછીના થોડા દિવસો પરિવાર માટે એક દુઃસ્વપ્ન જેવા હતા.
'હવે મારો દીકરો ફરી આકાશમાં વિમાન શોધવાનો પ્રયાસ નહીં કરે'

પડોશીઓ, રિપોર્ટરો અને કૅમેરામેન દિવસ-રાત અસારીના નાના ઘરમાં ઘૂસી ગયા, આર્યન સાથે વાત કરવા વિનંતી કરવા લાગ્યા.
મગનભાઈ કહે છે, "અમે તેમને રોકવા માટે કંઈ કરી શક્યા નહીં."
પોલીસ પણ તેમને મળવા આવી હતી અને આર્યનને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું.
મગનભાઈ અસારીએ સ્પષ્ટતા કરી કે આર્યનને અટકાયતમાં લેવાયો ન હતો, પરંતુ પોલીસે તેણે જે જોયું તેના વિશે થોડા કલાકો સુધી પૂછપરછ કરી હતી.
મગનભાઈ કહે છે, "મારો દીકરો એટલો બધો હેરાન થઈ ગયો હતો કે અમે તેને ગામ પાછો મોકલવાનું નક્કી કર્યું."
ગામ પાછા ફર્યા પછી આર્યન ફરી શાળાએ જવા માંડ્યો છે. પરંતુ "હજુ પણ તેને સારું નથી લાગતું. તેની માતા મને કહે છે કે જ્યારે પણ તેનો ફોન આવે ત્યારે તે ડરી જાય છે," એમ મગનભાઈ અસારી કહે છે.
તેઓ ઉમેરે છે, "મને ખબર છે કે સમય જતાં તે સ્વસ્થ થઈ જશે, પરંતુ મને નથી લાગતું કે મારો દીકરો ફરીથી આકાશમાં વિમાન શોધવાનો પ્રયાસ કરશે."
(બીબીસી ગુજરાતી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાના ઇનપૂટ્સ સાથે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












