ઍર ઇન્ડિયા અને બૉઇંગ વિમાનો કેટલી વાર જીવલેણ અકસ્માતોનો ભોગ બન્યા છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ પ્લેન ક્રૅશ, અમદાવાદ, વિમાનદુર્ઘટના, ગુજરાતના સમાચાર, લંડન

ઇમેજ સ્રોત, Chetan Singh

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં વિમાન અકસ્માતમાં ઓછામાં ઓછા 270 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.
    • લેેખક, જાસ્મીન નિહલાની
    • પદ, બીબીસી સંવાદદાતા

આ મહિનામાં 12થી 17 જૂન દરમિયાન, ઍર ઇન્ડિયાની 83 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

ભારતના ઉડ્ડયન નિયમનકાર DGCA ના એક નિવેદન અનુસાર, રદ કરાયેલી 83 ફ્લાઇટ્સમાંથી 66 એ જ બૉઇંગ 787 મૉડલની હોવાનું માનવામાં આવે છે જે મૉડલનું વિમાન ગયા અઠવાડિયે ગુજરાતના અમદાવાદમાં ક્રૅશ થયું હતું.

આ અકસ્માતમાં 270 લોકો માર્યા ગયા હતા, જે છેલ્લા દાયકામાં વિશ્વભરમાં થયેલો સૌથી ભયંકર વિમાન અકસ્માત છે.

12 જૂનના રોજ, ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 242 મુસાફરો સાથે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી લંડન જઈ રહી હતી.

પરંતુ વિમાન ઉડાન ભર્યાના થોડી જ સેકન્ડમાં ક્રૅશ થઈ ગયું.

આ અકસ્માતમાં વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી ગઈ.

આ વિમાન એક મેડિકલ કૉલેજની હૉસ્ટેલ સાથે અથડાયું હતું, જેના કારણે અન્ય લોકો પણ તેની ચપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતના કારણની તપાસ હજુ પણ ચાલુ છે.

વિમાન અકસ્માતના આંકડા શું કહે છે?

ડેટાના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે છેલ્લાં 78 વર્ષોમાં, ઍર ઇન્ડિયા 30 થી વધુ અકસ્માતોનો ભોગ બની છે. જેમાંથી લગભગ 14 અકસ્માતોમાં લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1985માં, ફ્લાઇટ નંબર AI-182 પર થયેલા બૉમ્બ વિસ્ફોટમાં વિમાનમાં સવાર તમામ 329 મુસાફરો માર્યા ગયા હતા.

આ પછી, અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના ઍર ઇન્ડિયા માટે બીજી સૌથી પીડાદાયક દુર્ઘટના બની ગઈ છે.

DGCA ના તાજેતરના ડેટા અનુસાર, ઍર ઇન્ડિયા ભારતમાં બૉઇંગની સૌથી વધારે ખરીદી કરે છે.

તેના કાફલામાં 54 બૉઇંગ વિમાનો છે, જેમાંથી 28 બૉઇંગ-787 શ્રેણીનાં છે.

તેની ઓછી કિંમતની પેટાકંપની ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસ પાસે પણ 48 વિમાનો છે, જેમાંથી 43 બૉઇંગ છે. ગયા વર્ષે જ, ઍરલાઇને 220 બૉઇંગ વિમાનો માટે ઑર્ડર આપ્યાં હતાં, જેમાંથી 20 વિમાનો શ્રેણી-787નાં છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, ટૅકનિકલ કારણોસર ઍર ઇન્ડિયાની ઘણી અન્ય ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અથવા લૅન્ડ કરવી પડી હતી.

સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટને કોલકાતામાં ઉતરાણ કરવું પડ્યું હતું.

હૉંગકૉંગથી દિલ્હી જતી ઍર ઇન્ડિયાની બોઇંગ 787-8 ફ્લાઇટને પાઇલટને વિમાનમાં ટૅકનિકલ ખામીની શંકા થતાં અધવચ્ચે જ પાછી વાળવી પડી હતી.

દિલ્હીથી વડોદરા જતી બીજી ફ્લાઇટને દિલ્હી પરત ફરવું પડ્યું. આ ફ્લાઇટના લૅન્ડિંગ ગિયરમાં કંઈક ખામી જોવા મળી હોવાના અહેવાલ છે.

બૉઇંગ સાથે 2500થી વધુ અકસ્માતો

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ પ્લેન ક્રૅશ, અમદાવાદ, વિમાનદુર્ઘટના, ગુજરાતના સમાચાર, લંડન, હવાઇ મુસાફરી, પ્લેન અકસ્માત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૉઇંગ કંપની નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે.

બૉઇંગ કંપની હાલમાં નાણાકીય અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ વિમાન ઉત્પાદક કંપનીને ગયા વર્ષે દર મહિને એક અબજ ડૉલરનું નુકસાન થયું છે.

2018 અને 2019 માં, તેનાં બે 737 મૅક્સ વિમાન ટેક-ઑફ કર્યાં પછી થોડી મિનિટો પછી ક્રૅશ થયાં હતાં.

આમાંથી એક અકસ્માત ઇન્ડોનેશિયામાં થયો હતો, જેમાં 189 જણાએ જીવ ગુમાવ્યો હતો. બીજો અકસ્માત ઇથોપિયામાં થયો હતો, જેમાં 157નાં મૃત્યુ થયાં હતાં.

આ અકસ્માતો પાછળ સૉફ્ટવૅર ખામી હોવાનું કહેવાય છે. પરિણામે, આ મૉડલનાં વિમાનોને 18 મહિના સુધી ઉડવાની તક નહીં મળી.

એવિયેશન સેફ્ટી નેટવર્કના ડેટા પર આધારિત અમારા વિશ્લેષણ મુજબ, 2014 થી 2025 વચ્ચે વિશ્વભરમાં ઓછામાં ઓછા 40 જીવલેણ વિમાન અકસ્માતો થયા છે. આમાંથી 12 અકસ્માતોમાં બૉઇંગ ફ્લાઇટ્સ સામેલ હતી.

જોકે, અમદાવાદમાં ક્રૅશ થયેલ બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર પહેલી વખત કોઈ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યું છે.

તે પહેલાં પણ અકસ્માતોનો ભોગ બની ચૂક્યું છે, પરંતુ તેમાં કોઈનું મોત થયું નથી.

જો આપણે તેનાં બધાં મૉડલોને ધ્યાનમાં લઈએ તો, બૉઇંગે અત્યાર સુધીમાં અઢી હજારથી વધુ વિમાન અકસ્માતોનો સામનો કર્યો છે.

જેમાં ઓછામાં ઓછા 500 લોકો અકસ્માતોમાં મૃત્યુ પામ્યા છે.

વિમાન દુર્ઘટના બાદ હવાઈ મુસાફરીની સલામતી પર પ્રશ્નાર્થ

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ પ્લેન ક્રૅશ, અમદાવાદ, વિમાનદુર્ઘટના, ગુજરાતના સમાચાર, લંડન, હવાઇ મુસાફરી, પ્લેન અકસ્માત, ઍર ઇન્ડિયા, બોઇંગ વિમાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદ વિમાન અકસ્માત બાદ ઘટનાસ્થળે ઍર ઇન્ડિયાના સીઈઓ કૅમ્પબેલ વિલ્સન પણ પહોંચ્યા હતા.

નાગરિક ઉડાનોને લગતા જીવલેણ અકસ્માતોના ઐતિહાસિક ડેટા પર નજર નાખતાં જાણવા મળે છે કે 1970 અને 1980 ના દાયકા દરમિયાન આવા અકસ્માતો ખૂબ જ સામાન્ય હતા.

જોકે, સમય જતાં, જીવલેણ અકસ્માતોની વાર્ષિક સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ફ્લાઇટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

1970ના વર્ષમાં 68 લાખ વિમાન ઉડતાં હતાં, જે 2024 સુધીમાં વધીને 3 કરોડ 38 લાખ થઈ ગયાં છે.

આ વધારા છતાં, જીવલેણ વિમાન અકસ્માતોની સંખ્યા ઘણી ઓછી રહી છે. વર્ષ 2024માં, જીવલેણ વિમાન અકસ્માતોનો દર પ્રતિ દસ લાખ ફ્લાઇટ્સ પર 0.12 હતો.

આંકડા એ પણ દર્શાવે છે કે મોટાભાગના જીવલેણ વિમાન અકસ્માતો યાત્રા અંતની નજીક હોય ત્યારે થાય છે.

2015 અને 2024 ની વચ્ચે, લૅન્ડિંગ દરમિયાન થયેલા તમામ જીવલેણ વ્યવ્સાયિક વિમાન અકસ્માતોમાંથી 37 ટકા અકસ્માતો થયા હતા.

અમદાવાદ, એર ઇન્ડિયા, સીઈઓ, કેમ્પબેલ વિલ્સન, બીબીસી, ગુજરાતી

જ્યારે લૅન્ડિંગમાં સમગ્ર મુસાફરીનો માત્ર 1 ટકા સમય લાગે છે. બીજી બાજુ, જ્યારે વિમાન હવામાં હોય છે, જે સમગ્ર મુસાફરીનો 57 ટકા છે, ત્યારે ફક્ત 10 ટકા જીવલેણ અકસ્માતો જોવા મળ્યા છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન