અમદાવાદ પ્લેન ક્રૅશ : દુર્ઘટનાના સ્થળે ત્રણ મિનિટમાં પહોંચી જવાનો દાવો કરનાર સતિન્દરસિંહ સંધુએ ત્યાં શું જોયું?

અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદમાં પ્લેન દુર્ઘટના, પ્લેન દુર્ઘટનાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL

ઇમેજ કૅપ્શન, 108ના ઇમરજન્સી મૅનેજમૅન્ટ એક્ઝિક્યુટિવ સતિન્દરસિંહ સંધુ
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદમાં 12 જૂને 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સાથે ઍર ઇન્ડિયાનું લંડન જવા નીકળેલું બૉઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર ક્રૅશ થયું.

આ દુર્ઘટનામાં 241 લોકોનાં મોત થયાં હતા.

આ અકસ્માત સમયે સર્જાયેલી દોડધામ અને લોકોને બચાવવા ઘટનાસ્થળે દોડી જનારા લોકોમાંથી એક હતા સતિન્દરસિંહ સંધુ, જે 108 ઇમરજન્સી સેવામાં મૅનેજમૅન્ટ એક્ઝિક્યુટિવ છે.

ઇમરજન્સી સેવાઓમાં સુપરવાઇઝર તરીકે કામ કરનારા સંધુનો દાવો છે કે તેઓ વિમાન ક્રૅશ થયું તેની થોડી મિનિટોમાં 1:40 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ વિમાન દુર્ઘટનામાં બચી જનારા એકમાત્ર પૅસેન્જર વિશ્વાસકુમાર રમેશને સતિન્દરસિંહે જ તેમની ટીમ દ્વારા ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ પહોંચાડ્યા હતા.

જોકે એ સમયે સંધુને એ ખબર નહોતી કે વિશ્વાસકુમાર રમેશ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી નીકળીને બચી ગયેલા એકમાત્ર પૅસેન્જર છે.

ઘટનાસ્થળ પર સતિન્દરસિંહ સંધુએ શું જોયું હતું?

અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદમાં પ્લેન દુર્ઘટના, પ્લેન દુર્ઘટનાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં 12 જૂને ઍર ઇન્ડિયાનું લંડન જવા નીકળેલું વિમાન બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર ક્રૅશ થયું, દુર્ઘટનામાં 241 લોકોનાં મોત થયાં હતાં

ઘટનાસ્થળની નજીક સિવિલ હૉસ્પિટલના સંકુલમાં આવેલી 1200 બેડ હૉસ્પિટલના ગેટ નંબર 8 પાસે તેમની ઑફિસ છે, જે તેમની ફરજનો પૉઇન્ટ છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સતિન્દરસિંહ સંધુએ જણાવ્યું, "મારી ડ્યૂટી સિવિલ હૉસ્પિટલની 1200 બેડ હૉસ્પિટલ પાસે હોય છે. એ દિવસે હું મારી ટીમ સાથે ગેટ નંબર 8 પાસે જમી રહ્યો હતો. અચાનક એક ધડાકાનો અવાજ આવ્યો. અમને લાગ્યું કે બાજુમાં રસ્તો છે તો કોઈ અકસ્માત થયો હશે અથવા તો ગૅસ ફાયર થયું હોઈ શકે છે. એટલે અમને જે દિશામાં ધુમાડા દેખાતા હતા તે દિશામાં હું દોડવા લાગ્યો."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે ઉમેર્યું, "મેં મારી ટીમને કહ્યું કે તમે પણ ઍમ્બ્યુલન્સ લઇને પહોંચો કોઈ ઘટના બની છે. આગ જોઈને મને લાગ્યુ કે ઘટના બહુ જ મોટી છે, જેથી મેં હેડક્વાર્ટર પર અમારા સરને ફોન કરીને કહ્યું કે સિવિલ નજીક આગ લાગી છે, પ્લેન ક્રૅશ થયાનું કહેવાય છે. તમે જલદીથી ફાયરવિભાગને જાણ કરો અને વધારે ઍમ્બ્યુલન્સ મોકલો."

સતિન્દરસિંહ સંધુ 10 વર્ષથી 108 ઇમરજન્સી સેવામાં નોકરી કરે છે. શહેરની 120 ઍમ્બ્યુલન્સમાંથી 20 ઍમ્બ્યુલન્સનું સંચાલન સતિન્દરસિંહ કરે છે.

સંધુએ દાવો કરતા વધુમાં જણાવ્યું, "હું બેથી ત્રણ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હું 1:40 મિનિટે ત્યાં પહોચ્યોં હતો. મેં ત્યાં પહોંચીને જોયું કે આગ ખૂબ જ વિકરાળ હતી. કંઈ જ દેખાતું નહોતું. લોકો આમતેમ દોડી રહ્યા હતા. એક સિક્યૉરિટી ગાર્ડ દરવાજાથી બહાર આવ્યા જેમને મોઢા પર અને હાથ-પગ પર ઈજાઓ થઈ હતી. તેમને હું અમારી 108ની ઍમ્બ્યુલન્સ પાસે લઈ ગયો અને અમારી ટીમે તેમને સિવિલ હૉસ્પિટલ પહોંચાડ્યા."

તેમણે કહ્યું, "તેની એકાદ બે મિનિટ બાદ એક યુવકને જોયો જે અંદર જતો અને બહાર આવતો હતો, અમે તેમને બૂમો પાડીને અંદર ન જવા સમજાવ્યા હતા. તેમને મોઢા પર ઈજાઓ હતી અને હાથ પર દાઝી ગયા હતા. તેમને ઍમ્બ્યુલન્સમાં સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે રાત્રે 9 વાગ્યા બાદ અમને ખબર પડી કે જેમને અમે રેસ્ક્યૂ કરીને હૉસ્પિટલ લઈ ગયા હતા તે વિશ્વાસકુમાર રમેશ છે, જે વિમાન દુર્ઘટનામાં બચી જનારા એક માત્ર પૅસેન્જર છે. ત્યાર બાદ એક ડૉક્ટરનો પરિવાર બહાર આવ્યો જેને અમારી ટીમ સિવિલ હૉસ્પિટલ લઈને આવી હતી."

'રસ્તા પર મૃતદેહો, વિમાનનો કાટમાળ સળગતો હતો'

અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદમાં પ્લેન દુર્ઘટના, પ્લેન દુર્ઘટનાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઘટનાસ્થળની સ્થિતિ વર્ણવતા તેમણે કહ્યું, "આગ એટલી વિકરાળ હતી કે અંદર જઈ શકાય તેમ પણ નહોતુ. સ્થાનિક લોકોનાં પણ મોત થયાં હતાં. આસપાસની બિલ્ડિંગમાં આગ હતી. એક મહિલા દોડીને આવી રહી હતી, તેના બાળકને બચાવવા તે દોડી હતી, પરંતુ તે તેને બચાવી શકી નહીં તે અમે જોયું હતું. તે મહિલા પણ દાઝી ગયાં હતાં. તેને ઍમ્બ્યુલન્સમાં સિવિલ પહોંચાડીને દાખલ કર્યાં હતાં."

તેમણે વધુમાં કહ્યું, "ફાયરબ્રિગેડની ટીમ પહોંચ્યા બાદ અમે અંદર ગયા તો જોયું કે જે જગ્યા પર વિમાન પડ્યું હતું તે બિલ્ડિંગ, પ્લૉટ તેમજ રસ્તા પર મૃતદેહો પડ્યા હતા. વિમાનનો કાટમાળ સળગી રહ્યો હતો. તેમજ હૉસ્ટેલ પર દરેક જગ્યાએ મૃતદેહો અને ઈજાગ્રસ્ત લોકો હતા. એ દિવસે અમારી 108ની ટીમ દ્વારા 20 ઈજાગ્રસ્ત લોકોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા."

વિમાન પડ્યું છે તેવી તેમને ક્યારે ખબર પડી તે વિશે વાત કરતાં તેમણે કહ્યું, "શરૂઆતમાં અમને ખબર જ નહોતી કે આગ કેમ લાગી છે. પહેલી વાર મેં જોયુ તો મને કોઈ ખ્યાલ જ નહોતો કે આ શું થયું છે. કેટલાક લોકો કહેતા હતા કે પ્લેન ક્રૅશ થયું છે, પરંતુ આગના ધુમાડા એટલા હતા કે કંઈ જ દેખાતું નહોતું. જ્યારે ફાયરબ્રિગેડ વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો શરૂ કર્યો અને અંદર જતાં ગયા તેમ વિમાનના તૂટી ગયેલા કેટલાક ટુકડા પગમાં આવવા લાગ્યા, એટલે મને ખબર પડી કે વિમાન તૂટી પડ્યુ છે."

દુર્ઘટનામાં બચી જનાર એકમાત્ર મુસાફર વિશ્વાસકુમાર રમેશ અંગે સંધુએ શું કહ્યું?

અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદમાં પ્લેન દુર્ઘટના, પ્લેન દુર્ઘટનાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, વિમાન દુર્ઘટનામાંથી બચી જનાર એકમાત્ર મુસાફર વિશ્વાસકુમાર રમેશ

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં વિશ્વાસકુમાર રમેશ ઘટનાસ્થળેથી બહાર આવી રહ્યા છે. તે બહાર આવે છે તે પછી સતિન્દરસિંહ તેમને પકડીને ઍમ્બ્યુલન્સ સુધી લઈ જાય છે.

સતિન્દરસિંહે કહ્યું કે "જ્યારે તેમને અમે રેસ્ક્યૂ કર્યા તે સમયે અમને ખબર ન હતી કે તેઓ વિમાનના મુસાફર હતા અને બચી ગયેલા પૅસેન્જર છે. તેમને મોઢા પર ઈજા હતી અને હાથ પણ દાઝી ગયા હતા."

તેઓ વધુમાં કહે છે કે "તેઓ પરેશાન લાગતા હતા. તેઓ ક્યારેક અંદર જતા, તો ક્યારેક બહાર આવતા હતા. તેમની મારી સાથે વાત થઈ ત્યારે તેઓ સતત બોલી રહ્યા હતા કે મારા પરિવારના લોકો અંદર છે, મારે તેમને બચાવવા છે. એનાથી વધારે મારી સાથે કોઈ વાત કરી નહોતી. મેં તેમને ઍમ્બ્યુલન્સ સુધી પહોંચાડીને અમારી ટીમને સોપ્યા હતા. જેમણે તેમને સિવિલ હૉસ્પિટલ પહોંચાડ્યા હતા."

વધુ માહિતી આપતા સંધુએ જણાવ્યું, "વિશ્વાસકુમાર રમેશને અમારી ટીમ તેમને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈને જઈ રહી હતી ત્યારે તેમણે અમારી ટીમ સાથે વાત કરતાં કહ્યું હતું કે પ્લેન ક્રૅશ થયા એમાંથી એક વ્યક્તિ બચ્યો તે હું છું. બાકી બધા સળગી ગયા છે. તેમણે એ પણ કહ્યુ હતું કે તેઓ ઇમરજન્સી વિન્ડો પાસે બેઠા હતા, જેવી ઇમરજન્સી વિન્ડો તૂટી ગઈ અને તેઓ બહાર પડ્યા હતા. તેમણે અમારી ટીમને કહ્યું કે તેમને ખબર જ નથી કે તેઓ કૂદ્યા કે બહાર ફેંકાઈ ગયા."

"અમને રાત્રે 9 વાગે ઑફિસથી ફોન આવ્યો કે વિમાનમાંથી એક પૅસેન્જર બચી ગયા છે, તેમને 108ની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, તેમની માહિતી આપો. અમારી ઑફિસ દ્વારા તેમનું નામ અને ફોટો મોકલ્યાં હતાં. તેમનો ફોટો જોઈને અમને ખબર પડી કે અમે તેમને રેસ્ક્યૂ કર્યા હતા. કન્ફર્મેશન માટે અમારી ટીમ દ્વારા જે નામ લખ્યું હતું તે મૅચ થઈ ગયું હતું. અમે જે બીજા વ્યક્તિને રેસ્ક્યૂ કર્યા તે રમેશ જ હતા."

સતિન્દરસિંહ સંધુ કોણ છે?

અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદમાં પ્લેન દુર્ઘટના, પ્લેન દુર્ઘટનાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Siddharaj Solanki/Bloomberg via Getty Images

સતિન્દરસિંહ સંધુ પંજાબના આનંદપુર સાહિબના થલુહ ગામના છે. તેમના પરિવારમાં માતાપિતા તેમજ તેમનાં પત્ની અને બે બાળકો છે.

તેમનો પરિવાર પંજાબમાં તેમના ગામમાં જ રહે છે. તેઓ એકલા અમદાવાદ રહે છે. તેઓ 1992માં નવમા ધોરણમાં ભણતા હતા ત્યારથી અમદાવાદમાં રહે છે.

12 જૂનના રોજ તેમનાં પત્ની અને બાળકો પંજાબથી અમદાવાદ આવવા નીકળ્યાં હતાં.

સતિન્દરસિંહે જણાવ્યું, "દુર્ઘટનાના દિવસે 12 જૂનના રોજ મારાં પત્ની અને બાળકો 3 વાગ્યાની ટ્રેનમાં અમદાવાદ આવવાનાં હતાં. મેં તેમને ફોન કરીને કહ્યું કે અહીં વિમાન ક્રૅશ થયું છે. તમે ટ્રેનમાં બેસી જજો. પહેલાં તેમને લાગ્યુ કે હું મજાક કરું છું, પરંતુ જ્યારે મેં તેમને 20 સેકન્ડનો એક વીડિયો મોકલ્યો તો તેમને મારી ચિંતા થવા લાગી હતી. જોકે મેં તેમને કહ્યું કે ચિંતા ન કરો, હું સુરક્ષિત છું. મારા પરિવારના લોકોને એટલે ચિંતા હતી કે આ દુર્ઘટના સર્જાઈ ત્યાંથી મારી ઑફિસ 200-300 મીટરના અંતરે જ છે. જો વિમાન થોડું આગળ આવ્યું હોત તો કદાચ હું આજે ના હોત."

તેઓ વધુમાં કહે છે કે "જ્યારે મારા પરિવારે અમદાવાદ પહોંચીને મને જોયો તો તેઓ મને ભેટીને રડવા લાગ્યાં હતા. તેમના ચહેરા પર ખુશી હતી, જે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ પણ નથી. મેં દુર્ઘટનામાં લોકોને મદદ કરી હતી કે તે અંગે મારા પરિવારને ખૂબ જ ગર્વ છે."

અગાઉ પણ દુર્ઘટનામાં સંધુએ રેસ્ક્યૂ ઑપરેશન કર્યાં છે

વીડિયો કૅપ્શન, Ahmedabad plane crash : 'મારા દીકરાનાં લગ્નની વાત ચાલી રહી હતી...' દીકરો ગુમાવનારાં માતાની વ્યથા

સંધુ કહે છે કે "હું 10 વર્ષથી કામ કરું છું. હું કૉલેજમાં હતો ત્યારે એનસીસીમાં હતો. વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં અમદાવાદમાં જે માનસી ટાવર પડી ગયું હતું ત્યાં હું રેસ્ક્યૂ ટીમમાં હતો. ત્યાર બાદ 2020માં કોવિડમાં પણ મેં સતત કામ કર્યુ છે."

તેમણે ઉમેર્યુ, "જોકે પ્લેન ક્રૅશની ઘટના મેં પહેલી વાર જોઈ છે. મેં એનસીસીમાં ટ્રેનિંગ લીધી છે, મારા પિતા પણ આર્મીમાં હતા, જેથી મદદ અને રેસ્ક્યૂમાં હું પહેલેથી જ જોડાઉં છું. આ ઘટના જોઈને શરૂઆતમાં તો હું પણ ચિંતામાં હતો, પરંતુ જેમ-જેમ રેસ્ક્યૂ ઑપરેશન આગળ વધ્યું તેમ હું તે ભૂલીને કામમાં લાગી ગયો. એ દિવસે હું રાત્રે 3 વાગ્યા સુધી ઘટનાસ્થળે જ હતો અને રેસ્ક્યૂ ઑપરેશનમાં જોડાયેલો હતો."