અમદાવાદમાં ક્રૅશ થયેલા વિમાનના બ્લૅક બૉક્સમાંથી શું જાણવા મળશે, ઍર ઇન્ડિયાની તપાસ કેટલી આગળ વધી?

અમદાવાદ પ્લેન અકસ્માત, એઆઈ 171 દુર્ઘટના, ઍર ઇન્ડિયા તપાસ ક્યાં પહોંચી, બ્લેકબોકસ તપાસ, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભારતીય સેનાના નિષ્ણાતોની દેખરેખમાં કાટમાળને હઠાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા, ભારત

40 સેકન્ડથી પણ ઓછા સમયમાં. ઍર ઇન્ડિયાની ફ્લાઇટ 171 આટલા સમય સુધી જ હવામાં હતી. ત્યાર બાદ અમદાવાદના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જઈને તૂટી પડી. આ તાજેતરની સ્મૃતિમાં ભારતની સૌથી ચોંકાવનારી ઉડ્ડયન દુર્ઘટનાઓમાંની એક છે.

તપાસકર્તાઓ પાસે હવે બૉઇંગ 787 ડ્રીમલાઇનરના કાટમાળને શોધવા અને કૉકપિટ વૉઇસ અને ફ્લાઇટ ડેટા રેકૉર્ડર્સને ડિકોડ કરવાનું મુશ્કેલ કાર્ય છે. જેથી ટેક ઑફ પછીની સેકન્ડોમાં વિનાશક રીતે શું ખોટું થયું તેની કડીઓ જોડી શકાય.

યુએન ઍવિએશન બોડી ICAO દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ, પ્રારંભિક તપાસ અહેવાલ 30 દિવસની અંદર જાહેર થવો જોઈએ અને અંતિમ અહેવાલ આદર્શ રીતે 12 મહિનાની અંદર પૂર્ણ થવો જોઈએ.

કૅપ્ટન સુમિત સભરવાલ અને સહ-પાઇલટ ક્લાઇવ કુંદર આ વિમાનના પાઇલટ હતા. લંડન ગૅટવિક જતા આ વિમાને ગુરુવારે સ્થાનિક સમય મુજબ 13:39 વાગ્યે (08:09 GMT) પશ્ચિમ ભારતીય શહેર અમદાવાદથી ઉડાન ભરી હતી, જેમાં 242 લોકો અને લગભગ 100 ટન ઈંધણ ભરેલું હતું.

થોડીવારમાં જ કૉકપિટમાંથી મેડેનો કૉલ આપવામાં આવ્યો. આ તેનું છેલ્લું ટ્રાન્સમિશન હતું. આ પછી સતત વિમાનની ઊંચાઈ ઘટતી ગઈ અને આગમાં લપેટાઈ ગયું.

"જ્વલ્લેથી જ્વલ્લે થતો ક્રૅશ"

અમદાવાદ પ્લેન અકસ્માત, એઆઈ 171 દુર્ઘટના, ઍર ઇન્ડિયા તપાસ ક્યાં પહોંચી, બ્લેકબોકસ તપાસ, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) ના ભૂતપૂર્વ તપાસકર્તા કૅપ્ટન કિશોર ચિંતા આને "જ્વલ્લેથી જ્વલ્લે"થતો ક્રૅશ કહે છે - ટેક ઑફ પછી માત્ર 30 સેકન્ડ બાદ એક નિયંત્રિત ઉડાન જમીનદોસ્ત થઈ ગઈ.

કૅપ્ટન કિશોર ચિંતાએ બીબીસીને જણાવ્યું, "મારી જાણકારી મુજબ આવું ક્યારેય બન્યું નથી."

શું બંને એન્જિન પક્ષી અથડાવાથી કે બળતણનાં દૂષણને કારણે નિષ્ફળ થઈ ગયાં? શું ફ્લૅપ્સ અયોગ્ય રીતે લંબાવવામાં આવ્યાં હતાં, જેના કારણે ભારે ગરમીમાં ભારે લોડેડ જેટ પર લિફ્ટ ઓછી થઈ ગઈ હતી? શું એન્જિન સર્વિસિંગ દરમિયાન ચકાસવામાં કે જાળવણીમાં કોઈ ભૂલ થઈ હતી? કે પછી કોઈ અજાણતા જ ક્રૂના પગલાથી બંને એન્જિનનું બળતણ બંધ કરી દેવામાં આવ્યું હતું?

તપાસકર્તાઓ આ બધી શક્યતાઓ - અને તેનાથી પણ વધુની તપાસ કરશે. હવાઈ દુર્ઘટનાની તપાસ ત્રિકોણીકરણ અને નાબૂદી પર આધાર રાખે છે - શું ખોટું થયું તેનું સુસંગત ચિત્ર બનાવવા માટે રેકૉર્ડ કરેલા વિમાનના ડેટા સાથે કાટમાળમાંથી મેળવેલા ભૌતિક પુરાવાનું મૅચિંગ.

દરેક સળગી ગયેલા કેબલ, ક્ષતિગ્રસ્ત ટર્બાઇન બ્લેડ, વિમાન જાળવણી લૉગ અને ફ્લાઇટ ડેટા તથા કૉકપિટ વૉઇસ રેકૉર્ડર - જેને "બ્લૅક બૉક્સ" કહેવામાં આવે છે - માંથી સિગ્નલો અને અવાજોની તપાસ કરવામાં આવશે. તપાસ કેવી રીતે આગળ વધશે તે સમજવા માટે બીબીસીએ અકસ્માત નિષ્ણાતો સાથે વાત કરી.

કેવી રીતે તપાસ થાય?

અમદાવાદ પ્લેન અકસ્માત, એઆઈ 171 દુર્ઘટના, ઍર ઇન્ડિયા તપાસ ક્યાં પહોંચી, બ્લેકબોકસ તપાસ, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Reuters

ઓછામાં ઓછા ત્રણ તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે, ગંભીર વાત એ છે કે જમીન પરના પ્રથમ સંકેતો બે એન્જિનના કાટમાળમાંથી મળી શકે છે.

યુએસ નૅશનલ ટ્રાન્સપૉર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર પીટર ગોએલ્ઝ કહે છે, "નુકસાન પરથી તમે કહી શકો છો કે એન્જિન અથડાતા સમયે શક્તિ ઉત્પન્ન કરી રહ્યા હતા કે નહીં - વધુ ઝડપે ફરતી વખતે ટર્બાઇન અલગ રીતે તૂટે છે."

"શું ખોટું થયું તેનો આ પહેલો સંકેત છે."

ટર્બાઇન એ મહત્ત્વપૂર્ણ ઘટક છે, જે થ્રસ્ટ ઉત્પન્ન કરવા માટે ઊર્જા ઉત્પન્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

"જો એન્જિન પાવર ઉત્પન્ન ન કરતાં હોય, તો તપાસકર્તાઓ માટે આ એક ગંભીર કેસ છે - અને તેમનું ધ્યાન ઝડપથી કૉકપિટ તરફ જશે."

તપાસની ભારત જ નહીં વિશ્વને અસર થશે

અમદાવાદ પ્લેન અકસ્માત, એઆઈ 171 દુર્ઘટના, ઍર ઇન્ડિયા તપાસ ક્યાં પહોંચી, બ્લેકબોકસ તપાસ, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉકપિટમાં શું થયું તેનો ખુલાસો બૉઇંગ 787ના એન્હાન્સ્ડ ઍરબૉર્ન ફ્લાઇટ રેકૉર્ડર્સ (EAFRs) - અથવા "બ્લૅક બૉક્સ" – કરશે.

તપાસકર્તાઓ કહે છે કે, આ કહાનીને કહેવામાં મદદ કરશે. (ભારતીય અધિકારીઓ કહે છે કે ક્રૅશ સ્થળ પરથી રેકૉર્ડર્સ મળી આવ્યાં છે.)

આ ઉપકરણો પાઇલટ રેડિયો કૉલથી લઈને કૉકપિટની અંદરના અવાજો સુધી - વ્યાપક ફ્લાઇટ ડેટા અને કૉકપિટ ઑડિયો કૅપ્ચર કરે છે. વૉઇસ રેકૉર્ડિંગ વ્યક્તિગત પાઇલટ માઇક, રેડિયો ટ્રાન્સમિશન અને કૉકપિટમાં પૃષ્ઠભૂમિ અવાજ ઉપાડતા એરિયા માઇક્રોફોનમાંથી આવે છે.

ડેટા રેકૉર્ડર્સ ગિયર અને ફ્લૅપ લિવરની સ્થિતિ, થ્રસ્ટ સેટિંગ્સ, એન્જિન કામગીરી, બળતણ પ્રવાહ અને ફાયર હૅન્ડલ સક્રિયકરણને ઉચ્ચ ચોકસાઈ સાથે ટ્રેક કરે છે.

ગોએલ્ઝ કહે છે, "જો ફ્લાઇટ ડેટા રેકૉર્ડર બતાવે કે એન્જિન સંપૂર્ણ શક્તિથી કામ કરી રહ્યાં હતાં, તો આગળ તપાસકર્તાઓનું ધ્યાન ફ્લૅપ્સ અને સ્લેટ્સ તરફ જશે. જો તેમને જરૂર મુજબ લંબાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે, તો આ ખૂબ જ મુશ્કેલ તપાસ બની જાય છે."

ફ્લૅપ્સ અને સ્લેટ્સ ઓછી ગતિએ લિફ્ટ વધારે છે, જે વિમાનને ટેક ઑફ અને લૅન્ડ કરવામાં મદદ કરે છે, જેનાથી તે અટક્યા વિના ધીમી ગતિએ ઉડાન ભરી શકે છે.

"જો (આ ટ્રેઇલ) ફ્લાઇટ મૅનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમમાં સમસ્યા તરફ દોરી જાય છે, તો તે ગંભીર ચિંતાઓ ઊભી કરશે - ફક્ત બૉઇંગ માટે જ નહીં, પરંતુ સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગ માટે."

બૉઇંગ 787 ની ફ્લાઇટ મૅનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમ એક અત્યંત સ્વસંચાલિત સ્યૂટ છે જે નૅવિગેશન, પ્રદર્શન અને માર્ગદર્શનનું સંચાલન કરે છે. તે વિમાનના ઉડાન માર્ગ અને બળતણ કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા માટે સંખ્યાબંધ સેન્સરમાંથી ડેટાને એકીકૃત કરે છે.

2011 થી વિશ્વભરમાં 1,100 થી વધુ બૉઇંગ 787 ઉડાન ભરી રહ્યા છે, નિષ્ણાતો કહે છે કે તપાસકર્તાઓએ નક્કી કરવું પડશે કે શું આ એક પ્રણાલીગત સમસ્યા હતી જે વૈશ્વિક કાફલાને અસર કરી શકે છે - અથવા આ ફ્લાઇટ માટે અનન્ય એક વખતની જ નિષ્ફળતા હતી.

ગોએલ્ઝ કહે છે, "જો તે સિસ્ટમની સમસ્યા તરફ ઇશારો કરશે, તો નિયમનકારી સંસ્થાઓએ ખૂબ જ ઝડપથી કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડશે."

બૉઇંગ પર અસર

વીડિયો કૅપ્શન, 'પ્લેનનું પૈડું ઝાડ સાથે અથડાયું અને...' અમદાવાદ પ્લેન દુર્ઘટનાને નજરે જોનારે શું કહ્યું?

અત્યાર સુધી કોઈના તરફથી ભૂલ હોવાના કોઈ સંકેત મળ્યો નથી. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયાના બૉઇંગ 787 કાફલાના તાજેતરના નિરીક્ષણમાં - અત્યાર સુધીમાં 33 માંથી 24 વિમાનોની તપાસ કરવામાં આવી છે - "સલામતી અંગેની કોઈ મોટી ચિંતા જાહેર થઈ નથી," અને ઉમેર્યું હતું કે વિમાનો અને જાળવણી પ્રણાલીઓ હાલનાં ધોરણોનું પાલન કરે છે.

બૉઇંગના પ્રમુખ અને સીઈઓ કેલી ઓર્ટબર્ગે 12 જૂને જણાવ્યું હતું કે: "યુએન આઇસીએઓ પ્રોટોકૉલ અનુસાર, બૉઇંગ ઍર ઇન્ડિયા ફ્લાઇટ 171 અંગે માહિતી માટે ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) ને મોકલશે."

દિલ્હીમાં AAIB લૅબમાં ડેટાનું ડિકોડિંગ ભારતીય તપાસકર્તાઓ દ્વારા કરવામાં આવશે, જેમાં બૉઇંગ, એન્જિન નિર્માતા GE, ઍર ઇન્ડિયા અને ભારતીય નિયમનકારોના નિષ્ણાતોનો સમાવેશ થશે. NTSB અને UK ના તપાસકર્તાઓ પણ ભાગ લેશે.

ગોએલ્ઝ કહે છે કે, "મારા અનુભવમાં, ટીમો સામાન્ય રીતે શું થયું તે ખૂબ જ ઝડપથી નક્કી કરી શકે છે. પરંતુ તે કેમ થયું તે સમજવામાં ઘણો સમય લાગી શકે છે."

કાટમાળ અન્ય સંકેતો આપી શકે છે. કૅપ્ટન કિશોર ચિંતા કહે છે, "દરેક ભાગ- વાયર, નટ, બોલ્ટ - કાળજીપૂર્વક એકત્રિત કરવામાં આવશે."

કાટમાળનું મોંઘેરું મહત્ત્વ

અમદાવાદ પ્લેન અકસ્માત, એઆઈ 171 દુર્ઘટના, ઍર ઇન્ડિયા તપાસ ક્યાં પહોંચી, બ્લેકબોકસ તપાસ, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિમાનના ઉપલબ્ધ દરેક કાટમાળને ધરતી પર કોઈ સલામતસ્થળે ફરીથી ગોઠવવામાં આવે છે

સામાન્ય રીતે કાટમાળને નજીકના હેંગર અથવા સુરક્ષિત સુવિધામાં ખસેડવામાં આવે છે. નાક, પૂંછડી અને પાંખોની ટોચ ઓળખવા માટે પાથરવામાં આવે છે, અને પછી તેને એકસાથે ટુકડાઓને જોડવામાં આવે છે. તપાસકર્તાઓ કહે છે કે આ કિસ્સામાં ફ્લાઇટ ડેટા અને વૉઇસ રેકૉર્ડર્સ શું દર્શાવે છે તેના આધારે સંપૂર્ણ પુનર્નિર્માણ જરૂરી ન પણ પડે.

તપાસકર્તાઓ કહે છે કે કાટમાળનું મહત્ત્વ અકસ્માતે પ્રમાણે બદલાતું હોય છે. જુલાઈ 2014 માં પૂર્વી યુક્રેન ઉપર તોડી પાડવામાં આવેલી મલેશિયા ઍરલાઇન્સની ફ્લાઇટ MH17 માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો - નાકના પુનર્નિર્માણમાં રશિયા દ્વારા બનાવેલી મિસાઇલથી સ્પષ્ટ નુકસાન જોવા મળ્યું હતું.

કાટમાળમાં તપાસકર્તાઓ દૂષણની તપાસ કરવા માટે ઈંધણ ફિલ્ટર્સ, લાઇનો, વાલ્વ અને અવશેષ ઈંધણની પણ તપાસ કરશે એમ એક તપાસકર્તાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

ઉપરાંત, તેમનું માનવું હતું કે પ્રસ્થાન પહેલાં ઉપયોગમાં લેવાતા રિફ્યુઅલિંગ સાધનોને પહેલેથી જ "કદાચ ક્વૉરેન્ટાઇન અને તપાસવામાં આવ્યા હશે."

બસ આટલું જ નહીં. કૅપ્ટન કિશોર ચિંતા કહે છે કે તપાસકર્તાઓ ઍરલાઇન અને બૉઇંગની ACARS (ઍરક્રાફ્ટ કૉમ્યુનિકેશન્સ ઍડ્રેસિંગ ઍન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ) પાસેથી જાળવણી અને ફૉલ્ટ ઇતિહાસના રેકૉર્ડ એકત્રિત કરશે, જે બૉઇંગ અને ઍર ઇન્ડિયા બંનેને રેડિયો અથવા સૅટેલાઇટ દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરે છે.

તેઓ તાજેતરના મહિનાઓમાં વિમાન અને ક્રૂ દ્વારા સંચાલિત તમામ ફ્લાઇટ્સની સમીક્ષા કરશે, સાથે જ પાઇલટ દ્વારા રિપોર્ટ કરાયેલી ખામીઓના ટેકનિકલ લૉગ અને વિમાનને સેવામાં મુકતા પહેલાં લેવામાં આવેલા સુધારાત્મક પગલાંની સમીક્ષા કરશે.

અમદાવાદ પ્લેન અકસ્માત, એઆઈ 171 દુર્ઘટના, ઍર ઇન્ડિયા તપાસ ક્યાં પહોંચી, બ્લેકબોકસ તપાસ, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Getty Images

તપાસકર્તાઓ પાઇલટ લાઇસન્સ, તાલીમ રેકૉર્ડ, સિમ્યુલેટર કામગીરી અને પ્રશિક્ષક ટિપ્પણીઓની પણ તપાસ કરશે - જેમાં ઍડવાન્સ્ડ ફ્લાઇટ સિમ્યુલેટરમાં એન્જિન નિષ્ફળતા જેવાં દૃશ્યોને પાઇલટ્સે કેવી રીતે હેન્ડલ કર્યા તેનો સમાવેશ થાય છે.

કૅપ્ટન કિશોર ચિંતા "મને લાગે છે કે ઍર ઇન્ડિયાએ આ રેકૉર્ડ તપાસ ટીમને પહેલાંથી જ પૂરા પાડી દીધા હશે."

તપાસકર્તાઓ વિમાનના દૂર કરવામાં આવેલા અને બદલવામાં આવેલા તમામ ઘટકોના ઇતિહાસની સમીક્ષા કરશે, કોઈપણ પુનરાવર્તિત સમસ્યાઓ - અથવા આ ફ્લાઇટને અસર કરી શકે તેવી સમસ્યાઓના સંકેતો માટે નોંધાયેલી ખામીઓની તપાસ કરશે.

ગોએલ્ઝ કહે છે, "આ તપાસ ખૂબ જ જટિલ છે. તેમાં સમય લાગે છે, પરંતુ શું ખોટું થયું છે તેના પ્રારંભિક સંકેતો મળશે."

એક મોટું કારણ એ છે કે ટેકનૉલૉજી એટલી બધી આગળ વધી ગઈ છે.

તેઓ કહે છે, "1994માં મેં તપાસ કરેલા પ્રથમ અકસ્માતોમાંના એકમાં ફ્લાઇટ ડેટા રેકૉર્ડર ફક્ત ચાર પરિમાણોને ટ્રેક કરતું હતું."

"આજના રેકૉર્ડર્સ દર સેકન્ડે સેંકડનો ડેટા રેકૉર્ડ કરે છે. ફક્ત આના કારણે જ પ્લેન ક્રૅશની તપાસ કરવાની રીત સાવ બદલાઈ ગઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન