ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં શું ભણવા જાય છે?

ઇમેજ સ્રોત, Ashraf Bhatt
- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે ઈરાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહીસલામત પરત લાવવા કાર્યવાહી શરૂ કરાઈ છે.
ઈરાનમાં ભણતા 110 ભારતીય વિદ્યાર્થીઓને આર્મેનિયા મારફત ફ્લાઇટમાં નવી દિલ્હી લાવવામાં આવ્યા છે.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે ગુરુવારે વહેલી સવારે 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી ઊતરી હતી. આ વિદ્યાર્થીઓને પહેલાં આર્મેનિયા લઈ જવાયા હતા અને ત્યાંથી સ્વદેશ લાવવામાં આવ્યા છે.
હવાઈમાર્ગ બંધ હોવાના કારણે અત્યારે તેમનું ભારત પાછા પાછા આવવું મુશ્કેલ થઈ ગયું છે.
ભારતમાં તેમના પરિવારજનો તેમની સુરક્ષા બાબતે ચિંતિત છે.
તેમાંનાં મોટા ભાગનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જમ્મુ-કાશ્મીરનાં છે. તેમના પરિવારજનોએ રવિવારે શ્રીનગરમાં પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાની માગ કરી હતી.
ઈરાનમાંના ભારતીય વિદ્યાર્થીઓના મુદ્દે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે, "તહેરાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સરકાર ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચિંતિત છે. કેટલાક વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે."
ભારત સરકારે પોતાના બધા નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના સ્તરે તહેરાનમાંથી નીકળીને કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય. વિદેશ મંત્રાલયે મંગળવારે ભારતીય નાગરિકોની મદદ માટે એક હેલ્પ સેન્ટર પણ શરૂ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર તરફથી કેટલાક વિદ્યાર્થીઓને આર્મિનિયા પણ પહોંચાડવામાં આવ્યા છે.
ઈરાનમાં અભ્યાસ

ઇમેજ સ્રોત, MOHD. FARZAN RIZVI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કલારૂસ વિસ્તારમાં રહેતા અશરફ ભટ્ટ સરકારી સ્કૂલમાં શિક્ષક છે.
તેમનાં પુત્રી રૌનક અશરફે ચાલુ વર્ષે તહેરાનમાં આવેલી ઈરાન યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સિસમાં એમબીબીએસના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો છે. તેઓ ત્રણ મહિના પહેલાં જ ભારતથી ઈરાન ગયાં છે.
પરંતુ હવે બદલાયેલી પરિસ્થિતિમાં રૌનક ઈરાનમાં ફસાઈ ગયાં છે. અશરફ ભટ્ટે બીબીસીને જણાવ્યું, "જ્યારે તે ભણવા માટે જતી હતી, ત્યારે અમે ખૂબ ખુશ હતા કે તે પોતાનું સપનું પૂરું કરવા જઈ રહી છે, પરંતુ હવે અમે બધા તેની સુરક્ષા બાબતે પરેશાન છીએ. જોકે, ભારતીય દૂતાવાસે બાળકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યાં છે."
તેમણે કહ્યું, "અમે ભારત સરકારના આભારી છીએ."
બીબીસીએ જ્યારે ફોન દ્વારા રૌનકનો સંપર્ક કર્યો ત્યારે તેઓ કુમ શહેરમાં હતાં.
રૌનકે જણાવ્યું, "અમે સોમવારે સવારે છ વાગ્યે (ઈરાની સમય અનુસાર) તહેરાનથી નીકળ્યાં હતાં અને 10 વાગ્યે અહીં પહોંચી ગયાં. અત્યારે અમે લોકો હોટલમાં રોકાયાં છીએ."
તેમનું કહેવું છે, "લગભગ એક હજાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અહીં છે. તેમાંથી 180 વિદ્યાર્થી મારી જ યુનિવર્સિટીના છે. બાકીના દેશના જુદા-જુદા ભાગોમાંથી છે."
તહેરાનની પરિસ્થિતિ અંગે રૌનકે જણાવ્યું, "જે ટીવી સ્ટેશન પર હુમલો થયો હતો, તે અમારી યુનિવર્સિટીથી ફક્ત બે મિનિટના અંતરે છે. જોકે, જ્યારે અમે કૉલેજ છોડતાં હતાં, ત્યાં સુધીમાં ત્યાં કોઈ બૉમ્બ નહોતો પડ્યો."
ભારતીય અધિકારીઓએ વિદ્યાર્થીઓના ભારત પાછા ફરવા અંગે હાલ પૂરતી કોઈ સ્પષ્ટ જાણકારી નથી આપી, કેમ કે, વર્તમાન સ્થિતિમાં હવાઈમાર્ગ બંધ છે અને ઈરાનમાંથી નીકળવા માટે કોઈ ત્રીજા દેશનો સહારો લેવો પડે તેમ છે.
કુપવાડાના જ ગુલામ મુહિદ્દીન સરાકરી, જેઓ હવે સેવાનિવૃત્ત થઈ ચૂક્યા છે, તેમની પુત્રી નૂર મુન્તહા શીરાઝ મેડિકલ કૉલેજમાં એમબીબીએસના બીજા વર્ષનાં વિદ્યાર્થિની છે.
ગુલામ મુહિદ્દીન રવિવારે શ્રીનગરમાં થયેલા પ્રદર્શનમાં સામેલ હતા. તેમણે જણાવ્યું, "આજે (મંગળવાર) સવારે મારી પુત્રીએ વીડિયો કૉલ દ્વારા જણાવ્યું કે દૂતાવાસ તેમને બસ દ્વારા કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહ્યું છે, પરંતુ એ ન જણાવ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યાં છે."
મુહિદ્દીનનું કહેવું છે, "અમે ઇચ્છીએ છીએ કે સરકાર અમારાં બાળકોને જલદી પાછાં લાવે."
સરકારી આંકડા અનુસાર, વર્ષ 2022 સુધી ઈરાનમાં લગભગ 1,500 ભારતીય સ્ટુડન્ટ્સ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા.
મેડિકલ ઉપરાંત ત્યાં એવા ભારતીય વિદ્યાર્થીઓ પણ છે, જેઓ ધાર્મિક શિક્ષણ માટે જાય છે.
ઈરાનનાં તહેરાન, કુમ અને શીરાઝ જેવાં શહેરોમાં ભારતીય વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. તેના ઉપરાંત, કુમ અને મશહદમાં શિયા સમુદાયનાં બાળકો ધાર્મિક શિક્ષણ મેળવે છે. ઇરાકના નઝફ પછી કુમ શિયા ધાર્મિક શિક્ષણનું એક મુખ્ય કેન્દ્ર મનાય છે.
ડૉક્ટરી શિક્ષણ સસ્તું

ઇમેજ સ્રોત, Getty Images
અશરફ ભટ્ટે જણાવ્યું કે તેમની પુત્રીએ નીટની પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં સફળ ન થઈ શકી. ત્યાર પછી તેમણે તેને ઈરાન મોકલવાનો નિર્ણય કર્યો, કેમ કે ત્યાં એમબીબીએસનો અભ્યાસ બીજા દેશોની સરખામણીએ ખૂબ સસ્તો છે.
ભારતીય વિદ્યાર્થી મેડિકલના અભ્યાસ માટે યુક્રેન જેવા દેશોમાં પણ જાય છે, પરંતુ ત્યાં પરિસ્થિતિ ખરાબ હોવાના લીધે હવે તેઓ ઈરાન તરફ જઈ રહ્યા છે.
અશરફ ભટ્ટ અનુસાર, ઈરાનમાં છ વર્ષના એમબીબીએસની કુલ ફી લગભગ 15થી 30 લાખ રૂપિયા છે, જ્યારે બાંગ્લાદેશમાં આ ફી બે ગણી એટલે કે 60 લાખ રૂપિયા સુધી હોય છે.
ઈરાનમાં એમબીબીએસના અભ્યાસ માટે મુખ્ય યુનિવર્સિટીઝમાં તહેરાનમાંની ઈરાન યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સિસ, ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સિસ, શાહિદ બેહેશ્તી યુનિવર્સિટી અને કેરમાન યુનિવર્સિટી સામેલ છે.
બીબીસીએ શ્રીનગરસ્થિત ઍજ્યુકેશન ઝોનનો ફોન દ્વારા સંપર્ક કર્યો, જ્યાં સજ્જાદ નામના એક કર્મચારીએ કૉલ રિસીવ કર્યો. સજ્જાદે જણાવ્યું કે તેમના ડાયરેક્ટર પણ અત્યારે ઈરાનમાં ફસાયેલા છે.
ઍજ્યુકેશન ઝોન અને આ પ્રકારની ઘણી એજન્સીઓ ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં ઍડમિશન અપાવવામાં મદદ કરે છે.
ઈરાનમાં ઍડમિશન પ્રક્રિયામાં મદદ કરનાર એક એજન્સીના એક કર્મચારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું, "ઈરાનમાં શિષ્યવૃત્તિ પણ સારી મળે છે, આ કારણે અહીંના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઈરાન તરફ જઈ રહ્યા છે."
વિદેશમાં શિક્ષણ અપાવતી સંસ્થાઓ અનુસાર, બીજા દેશોની સરખામણીએ ઈરાનમાં ખૂબ ઓછી ફી છે.
કાશ્મીરનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ઈરાન જવાનું એક મોટું કારણ ઓછી ફીની સાથોસાથ ત્યાંનાં રહેણીકહેણી અને વાતાવરણ પણ છે, જે તેમને પોતાના ઘર જેવો અહેસાસ કરાવે છે.
શિયા ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાભરના શિયા મુસલમાનો માટે ધાર્મિક શિક્ષણનું એક મુખ્ય કેન્દ્ર હવે ઈરાન બની ચૂક્યું છે. જોકે, ઇરાકના નઝફ અને સીરિયાનાં દમાસ્કસ શહેરમાં પણ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
પરંતુ, ઇરાકમાં સદ્દામ હુસૈનના શાસનકાળ દરમિયાન ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર ધીરે ધીરે ઈરાન તરફ શિફ્ટ થઈ ગયું. અહીંનાં મશહદ અને કુમ શહેરોમાં વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ લેવા માટે આવે છે.
ઈરાનમાં જે ભારતીય વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવાના હેતુથી જાય છે, તેમના માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમના અભ્યાસનો સમગ્ર ખર્ચ ઈરાની સરકાર ઉઠાવે છે.
કુમ શહેર તહેરાનથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલું છે, ધાર્મિક શિક્ષણનું એક મોટું કેન્દ્ર છે. અહીં પાંચથી છ મુખ્ય મદરેસા છે, જેમાં આધુનિક શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે.
કુમમાં લગભગ નવ વર્ષથી રહેતા મોહમ્મદ ફરઝાન રિઝવી, મદરેસા ઇમામ ખુમૈનીમાં અભ્યાસ કરે છે. ફોન પર થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું, "કુમ શહેરમાં પરિસ્થિતિ સામાન્ય છે."
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના રહેવાસી ફરઝાને કહ્યું, "અહીં ફક્ત હવાઈમાર્ગ બંધ છે, પરંતુ સ્કૂલ, બજાર બધું જ સામાન્ય રીતે ચાલી રહ્યું છે. હાલમાં અહીં કોઈ જોખમ જણાતું નથી."
ઈરાનના મશહદ અને કુમ, બંને શહેર શિયા મુસલમાનો માટે ધાર્મિક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ મનાય છે.
ફરઝાન રિઝવીએ જણાવ્યું, "મશહદ તહેરાનથી લગભગ 850 કિલોમીટર દૂર છે, અને ત્યાં પણ હાલ કોઈ જોખમ નથી."
સરકારની સલાહ

ઇમેજ સ્રોત, Seyed Abbas Araghchi
ઈરાનમાંના ભારતના દૂતાવાસે તહેરાનમાં રહેતા ભારતીય નાગરિકોને શહેર છોડીને કોઈ સુરક્ષિત સ્થળે જતા રહેવાની સલાહ આપી છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા સંઘર્ષ વચ્ચે ભારતીય દૂતાવાસે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે, "બધા ભારતીય નાગરિકો, જેઓ પોતાનાં સંસાધનો દ્વારા તહેરાનથી બહાર જઈ શકે છે, તેમણે તરત સુરક્ષિત સ્થળો તરફ રવાના થઈ જવું જોઈએ."
જ્યારે, જે ભારતીય નાગરિકો હજુ પણ તહેરાનમાં છે અને દૂતાવાસના સંપર્કમાં નથી, તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ તરત પોતાનું લોકેશન અને સંપર્ક નંબર ભારતીય દૂતાવાસને મોકલે.
આની પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તહેરાનને તરત ખાલી કરવાની સલાહ આપી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, "બધાએ તરત તહેરાન ખાલી કરી દેવું જોઈએ."
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની આ અથડામણ આગામી દિવસોમાં કયું રૂપ ધારણ કરશે, તે કહેવું અત્યારે મુશ્કેલ છે, પરંતુ બંને દેશોમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને વાપસી સરકાર માટે એક મોટો પડકાર બની ચૂક્યાં છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












