અમેરિકાએ ઈરાન પર શું આ શક્તિશાળી હથિયારોથી હુમલો કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લુઇસ બારુચો
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા પૂર્ણ કરી લીધા છે. આ હુમલાઓ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન ખાતે થયા છે.
જોકે ઈરાનની સરકારી ટીવી ચૅનલના ડેપ્યુટી પૉલિટિકલ ડિરેક્ટર હસન અબેદીનીએ સરકારી ટીવી ચૅનલ પર દાવો કર્યો હતો કે ઈરાને પરમાણુ સ્થળો 'પહેલેથી જ ખાલી' કરી દીધાં છે.
અમેરિકા પાસે એક એવો બૉમ્બ છે, જે ઈરાનનાં ભૂમિગત પરમાણુ ઠેકાણાંને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ બૉમ્બનું નામ GBU-57A/B મૅસિવ ઑર્ડેનન્સ પેનિટ્રેટર છે. તેને વિશ્વનો સૌથી મોટો બિન-પરમાણુ 'બંકર બસ્ટર' બૉમ્બ માનવામાં આવે છે અને એકમાત્ર અમેરિકા તેનું માલિક છે.
સટીક નિશાન લગાડનાર અંદાજે 13 હજાર 600 કિલોગ્રામનું આ હથિયાર સંભવિત રીતે ઈરાનનાં ભૂમિગત પરમાણુ ઠેકાણાં ફોર્ડો સુધી પહોંચી શકે છે.
ઈરાનનું આ કેન્દ્ર પર્વતમાં ખૂબ ઊંડાઈએ આવેલું છે.
અમેરિકાએ અત્યાર સુધી ઇઝરાયલને આ બૉમ્બ આપ્યો નથી, પરંતુ આ શસ્ત્ર શું છે, તેના પડકારો શું છે અને તેનો ઉપયોગ થવો શક્ય છે?

આ બૉમ્બ છ મીટર લાંબો છે અને તે વિસ્ફોટ કરતાં પહેલાં સપાટીથી લગભગ 200 ફૂટ (61 મીટર) નીચે પ્રવેશી શકે છે એવું માનવામાં આવે છે. એક પછી એક એમ અનેક બૉમ્બ ફેંકી શકાય છે, જે દરેક બૉમ્બ વિસ્ફોટની સાથે ઊંડાણમાં અસરકારક રીતે ડ્રિલિંગ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૉઇંગ દ્વારા ઉત્પાદિત એમઓપીનો ઉપયોગ યુદ્ધમાં ક્યારેય થયો નથી, પરંતુ ન્યૂ મૅક્સિકો રાજ્યમાંના અમેરિકન લશ્કરી પરીક્ષણ ક્ષેત્ર વ્હાઇટ સૅન્ડ્સ મિસાઇલ રેન્જમાં તેનું પરીક્ષણ જરૂર કરવામાં આવ્યું છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ બૉમ્બ મૅસિવ ઑર્ડનન્સ ઍર બ્લાસ્ટ (એમઓએબી) કરતાં પણ વધુ શક્તિશાળી છે. એમઓએબી 9,800 કિલોગ્રામ વજનનું હથિયાર છે અને 'મધર ઑફ ઑલ બૉમ્બ્સ' તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ 2017માં અફઘાનિસ્તાન યુદ્ધમાં કરાયો હતો.
બ્રિટનમાં બ્રેડફૉર્ડ યુનિવર્સિટીમાં પીસ સ્ટડીઝના એમિરેટ્સ પ્રોફેસર પોલ રોજર્સ કહે છે, "અમેરિકન ઍરફોર્સે એમઓએબી જેવાં જ કદનાં શસ્ત્રો વિકસાવવાના નોંધપાત્ર પ્રયાસો કર્યા હતા. તેમાં વિસ્ફોટક સામગ્રી અત્યંત સખત ધાતુના આવરણની અંદર સમાયેલી હતી. પ્રયાસોના પરિણામે GBU-57A/B મૅસિવ ઑર્ડનન્સ પેનિટ્રેટરનું નિર્માણ થયું છે."
સ્ટીલ્થ બૉમ્બર તરીકે પણ ઓળખાતા અમેરિકન બી-2 સ્પિરિટ પ્લેન જ એમઓપીને ડિલિવર કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યા છે.
ઘણી વાર બી-2 તરીકે ઓળખાતા આ વિમાનનું નિર્માણ નૉર્થ્રોપ ગ્રૂમૅન દ્વારા કરવામાં આવે છે અને તે અમેરિકન ઍરફોર્સના શસ્ત્રાગારમાંનાં સૌથી અદ્યતન યુદ્ધવિમાનો પૈકીનું એક છે.
ઉત્પાદક કંપનીના જણાવ્યા મુજબ, બી-2 નામનું આ વિમાન 18,000 કિલોગ્રામ પેલોડનું વહન કરી શકે છે. જોકે, અમેરિકન ઍરફોર્સે જણાવ્યું છે કે તેણે લગભગ 27,200 કિલોગ્રામ વજનનું વહન કરતાં બે GBU-57A/B બંકર બસ્ટરનું સફળ પરીક્ષણ કર્યું છે.

આ લાંબા અંતરનું બૉમ્બર વિમાન રિફ્યૂઅલિંગ વિના લગભગ 11,000 કિલોમીટર અને ફ્લાઇટમાં એક રિફ્યૂઅલિંગ સાથે 18,500 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે.
નૉર્થ્રોપ ગ્રૂમૅનને મતે, આ ક્ષમતા પ્લેનને ગણતરીના કલાકોમાં વિશ્વના લગભગ કોઈ પણ સ્થળે પહોંચવા માટે સક્ષમ બનાવે છે.
પ્રોફેસર રોજર્સના કહેવા મુજબ, એમઓપીનો ઉપયોગ ઈરાન જેવા દુશ્મન દેશ સામે ક્યારેય કરવામાં આવશે તો બી-2 બૉમ્બર્સ અન્ય વિમાનો સાથે તેમાં જોડાશે. દાખલા તરીકે, સ્ટીલ્થ સ્ટ્રાઇક ઍરક્રાફટનો ઉપયોગ દુશ્મનના સંરક્ષણને કચડવા માટે થઈ શકે છે.
એ પછી નુકસાનના મૂલ્યાંકન અને વધુ હુમલાઓ જરૂરી છે કે કેમ તે નક્કી કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે.
તેમના અંદાજ મુજબ, અમેરિકા પાસે આવા એમઓપી બૉમ્બનો ભંડાર મર્યાદિત છે. અમેરિકા પાસે કદાચ 10 કે 20 બૉમ્બનો ઑપરેશનલ ભંડાર છે, એવું પ્રોફેસર રોજર્સ જણાવે છે.


ફોર્ડો એ ઈરાનનું બીજું પરમાણુ સંવર્ધન કેન્દ્ર છે અને નાતાન્ઝ પછીનું મુખ્ય કેન્દ્ર છે. તે તહેરાનથી દક્ષિણ-પશ્ચિમમાં 95 કિલોમીટર દૂર કોમ શહેરની નજીકના એક પર્વતમાં બનાવાયું છે.
તેનું નિર્માણકાર્ય 2006ની આસપાસ શરૂ થયું હોવાનું માનવામાં આવે છે. એ કેન્દ્ર 2009માં કાર્યરત્ થયું હતું અને એ જ વર્ષે તહેરાને તેના અસ્તિત્વનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.
ખડકો અને માટી હેઠળ અંદાજે 260 ફૂટ નીચે દટાયેલું હોવા ઉપરાંત ફોર્ડો સપાટીથી હવામાં પ્રહાર કરતી ઈરાની તથા રશિયન મિસાઇલ સિસ્ટમ્સથી સુરક્ષિત હોવાનું કહેવાય છે.
ઇન્ટરનૅશનલ ઍટમિક ઍનર્જી એજન્સીએ (આઈએઈએ) માર્ચ 2023માં એ સ્થળ પર 83.7 ટકા શુદ્ધતાના એટલે કે લગભગ શસ્ત્રોના ગ્રેડના સમૃદ્ધ યુરેનિયમ કણો શોધી કાઢ્યા હતા.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ જણાવી ચૂક્યા છે કે ઈરાન પર હુમલો કરવાનું ધ્યેય તેના મિસાઇલ તથા પરમાણુ કાર્યક્રમને ખતમ કરવાનું છે. આ મિસાઇલ્સ અને પરમાણુ કાર્યક્રમને બેન્જામિન નેતન્યાહૂએ "ઇઝરાયલના અસ્તિત્વ પરનો ખતરો" ગણાવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ફોર્ડો તે ઉદ્દેશ્યનો એક ભાગ છે.
અમેરિકામાં ઇઝરાયલના રાજદૂત યેચીએલ લીટરે શુક્રવારે ફૉક્સ ન્યૂઝને કહ્યું હતું, "આ સમગ્ર કામગીરી ખરેખર તો ફોર્ડોના સંપૂર્ણ નાશ સાથે પૂર્ણ થવી જોઈએ."

પ્રોફેસર રોજર્સના કહેવા પ્રમાણે, ઇઝરાયલ પાસે એમઓપીને તહેનાત કરવાની ક્ષમતા નથી અને અમેરિકા પ્રત્યક્ષ સામેલ થયા વિના તેના ઉપયોગની મંજૂરી આપશે નહીં.
પ્રો. રોજર્સ કહે છે, "અમેરિકા ઇઝરાયલને તેનો ઉપયોગ ચોક્કસપણે કરવા દેશે નહીં અને ઇઝરાયલ પાસે એવાં કદનાં વિમાનો નથી."
ખાસ કરીને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા આ બૉમ્બ તહેનાત કરશે કે નહીં તેનો આધાર મોટા ભાગે સામેલગીરી વધારવાની તેની તૈયારી પર છે.
પ્રોફેસર રોજર્સ ઉમેરે છે, "ટ્રમ્પ ઇઝરાયલને મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે કે નહીં તેના પર મોટો આધાર છે."
કૅનેડામાં જી-7ની બેઠકમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે લશ્કરી રીતે સામેલ થવા માટે વૉશિંગ્ટને શું કરવું પડશે? ટ્રમ્પે જવાબ આપ્યો હતો, "હું એ વિશે વાત કરવા ઇચ્છતો નથી."
ઇઝરાયલના રાજદૂત લીટરને ફોર્ડો પરના હુમલામાં અમેરિકન હસ્તક્ષેપની શક્યતા વિશે એબીસી ન્યૂઝ સાથેના તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં લીટરે જણાવ્યું હતું કે ઇઝરાયલે ફક્ત અમેરિકા પાસેથી રક્ષણાત્મક મદદ માગી છે.
તેમણે કહ્યું હતું, "અમારી પાસે તાકીદની ઘણી યોજનાઓ છે, જેનો ઉપયોગ અમે ફોર્ડો માટે કરીશું."
"તમે જાણો છો તેમ, બધું ઉડાન ભરવા અને દૂરથી બૉમ્બમારો કરવાની વાત હોતું નથી."
ઈરાન કાયમ કહેતું રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે અને તેણે પરમાણુ હથિયારો વિકસાવવાનો પ્રયાસ ક્યારેય કર્યો નથી.
જોકે, આઈએઈએના 35 રાષ્ટ્રોના બોર્ડ ઑફ ગવર્નર્સે ગયા અઠવાડિયે, 20 વર્ષમાં પહેલી વાર ઈરાનને પરમાણુ અપ્રસારની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ ઔપચારિક રીતે દોષી જાહેર કર્યું હતું.

ઈરાનની પરમાણુ સુવિધાઓ પરના ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલા છતાં પ્રોફેસર રોજર્સ માને છે કે "ઊંડાણમાં દટાયેલી ઈરાનની પરમાણુ સુવિધાને નુકસાન કરવામાં ઇઝરાયલ કોઈ પણ રીતે સફળ થયું હોય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે."
"ઇઝરાયલ પોતે જે કરી શકે તેમ નથી તેના માટે તેને મૂળભૂત રીતે એમઓપી જેવી કોઈ વસ્તુની જરૂર પડશે."
અમેરિકાસ્થિત આર્મ્સ કંટ્રૉલ ઍસોસિયેશનમાં નૉન-પ્રોલિફરેશન નીતિના ડિરેક્ટર કેલ્સી ડેવનપૉર્ટ કહે છે, "ફોર્ડો કાર્યરત હશે ત્યાં સુધી ઈરાન નજીકના ગાળામાં પ્રસારનું જોખમ ઊભું કરશે. તહેરાન પાસે સ્થળ પર વેપન્સ-ગ્રેડ સ્તર સુધી સંવર્ધન વધારવાનો અથવા યુરેનિયમને અઘોષિત સ્થાન પર લઈ જવાનો વિકલ્પ છે."
જોકે, પ્રોફેસર રોજર્સના કહેવા મુજબ, એમઓપીનો ઉપયોગ કરવામાં આવે તો પણ ઈરાની સ્થળોની અજ્ઞાત ઊંડાઈ અને રક્ષણને કારણે સફળતાની ખાતરી નથી.
પ્રો. રોજર્સ કહે છે, "આ ચોક્કસ શસ્ત્ર હાલ અસ્તિવમાં રહેલા કોઈ પણ અન્ય શસ્ત્ર કરતાં, ભૂગર્ભમાંની ઈરાની પરમાણુ ક્ષમતાને નુકસાન પહોંચાડવાની શ્રેષ્ઠ ક્ષમતા ધરાવે છે, પરંતુ એ નુકસાન કરી શકશે? કોને ખબર?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












