ચીની વડા પ્રધાનની 'હત્યાના કાવતરા' માટે જ્યારે ભારતીય વિમાનને બૉમ્બથી ફૂંકી માર્યું

ઇમેજ સ્રોત, JAICO PUBLICATION
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
જવાહરલાલ નહેરુની પહેલને કારણે એપ્રિલ 1955માં ઇન્ડોનેશિયાના બાંડુગ શહેરમાં આફ્રો-એશિયા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચીનની સરકારે તેના પ્રતિનિધિઓ તથા વડા પ્રધાન ચૂ એન લાઈને બાંડુગ લઈ જવા માટે ઍર ઇન્ડિયાના ‘કાશ્મીર પ્રિન્સેસ’ વિમાનને ચાર્ટર કર્યું હતું.
એ વિમાન 11 એપ્રિલે બપોરે સવા બાર વાગ્યે બૅન્ગકૉકથી હોંગકોંગના કાઈ ટાક ઍરપૉર્ટ પર પહોંચ્યું હતું, ત્યાં ફ્લાઇટ ઇજનેર એ એન કાર્નિકની દેખરેખ હેઠળ એ વિમાનની સફાઈ કરવામાં આવી હતી.
એ દરમિયાન સહ-પાઇલટ ગોડબોલેએ કહ્યું હતું કે, “આજે આપણને ચીનના વડા પ્રધાન ચૂ એન લાઈને જોવાની તક મળશે. તેઓ આપણા વિમાન મારફત પ્રવાસ કરવાના છે.”
તેમને આ સમાચાર ઍરપૉર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તરફથી મળ્યા હતા, જેઓ વિમાનની સફાઈ કરીને તેમાં ઈંધણ ભરી રહ્યા હતા.
ચીનના વડા પ્રધાન કયા વિમાનમાં પ્રવાસ કરવાના હતા તે હોંગકોંગમાં ઘણા લોકો જાણતા હતા. હોંગકોંગમાં તાઇવાનના સંખ્યાબંધ ચીન-વિરોધી એજન્ટો હોવાથી ચીન સરકારે તે સમાચાર ગુપ્ત રાખવા જોઈતા હતા.


સંક્ષિપ્ત : જ્યારે ચીનના વડા પ્રધાનની હત્યાનું કાવતરાના મૂળ સુધી પહોંચવાની જવાબદારી એક ભારતીય અધિકારીને સોંપાઈ

- એપ્રિલ 1955માં ઇન્ડોનેશિયાના બાંડુંગ શહેરમાં આયોજિત આફ્રો-એશિયા સંમેલનમાં હાજરી પુરાવવા ચીનના તત્કાલીન વડા પ્રધાન ચૂ એન લાઈ ભારતીય વિમાનથી સફર ખેડવાના હતા
- પરંતુ છેલ્લી ઘડીએ ચૂ એન લાઈએ આ પ્રવાસ રદ કર્યો અને પ્રવાસ ખેડતી વખતે વિમાનમાં ધડાકો થતાં 16 કર્મચારીઓનાં મૃત્યુ થયાં હતાં
- આ ઘટનામાં ચીનના વડા પ્રધાન બચી ગયા છતાં આ દુર્ઘટના અંગે તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી થાય એ વાતે ચીને ખાસ રસ લીધો
- અંતે આ સમગ્ર ઘટનાની તપાસ કરવાની જવાબદારી ભારતની ગુપ્તચર બ્યૂરોના ઑફિસર રામનાથ કાવને સોંપાઈ હતી
- તેઓ અંતમાં જવાબદારો સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા, તેમની આ સફળતા અને તપાસ કરવાના ગુણોથી ચૂ એન લાઈએ પ્રભાવિત થઈને તેમનાં વખાણ કરતો પત્ર તત્કાલીન ભારતીય વડા પ્રધાન નહેરુને લખ્યો હતો
- દુર્ઘટનાના જવાબદાર સુધી પહોંચવામાં કાવને સાંપડેલ સફળતાને પગલે ચૂ એન લાઈએ તેમને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કરીને તેમનું સન્માન કર્યું હતું
- આખરે કેવી રીતે કાવ આંતરરાષ્ટ્રીય સાજિશનાં મૂળ શોધવામાં સફળ રહ્યા? જવાબદારોનું શું થયું જાણવા માટે વાંચો બીબીસીનો ખાસ અહેવાલ.

કોકપિટમાં વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Getty Images
હોંગકોંગના કાઈ ટાક વિમાનમથકે ઍર ઇન્ડિયાનું ચાર્ટર્ડ વિમાન ચીનના વડા પ્રધાનની રાહ જોઈ રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિમાનના ટેક-ઓફના થોડા સમય પહેલાં જ તેના કૅપ્ટન ડીકે જટારને રેડિયો સંદેશ મળ્યો હતો કે ચીનના વડા પ્રધાને તેમની યાત્રા છેલ્લી ઘડીએ રદ કરી છે.
તેમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ ટેક-ઑફ કરી શકે છે. વિમાને 1 વાગ્યા 26 મિનિટે હોંગકોંગ ઍરપૉર્ટ પરથી ટેક-ઓફ કર્યું હતું.
એ વિમાન લોકહીડ કંપનીનું એલ-749 પ્લેન હતું અને જટાર તેને ઉડાવી રહ્યા હતા.
એ વિમાને ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ઉતરાણ કરવાનું હતું. એ સમયે પ્લેનમાં કૅપ્ટન સિવાય સાત કર્મચારીઓ અને 11 પ્રવાસીઓ હતા.
એ પૈકીના મોટા ભાગના ચીની પ્રતિનિધિ હતા, જેઓ બાંડુગ સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. વિમાને ટેક-ઓફ કર્યાને પાંચ કલાક થઈ ગયા હતા.
એ જ વખતે તેની કોકપિટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. એક જ સેકન્ડમાં વિમાનના એન્જિનમાંથી આગની જ્વાળા નીકળવા લાગી હતી.
પાઇલટે જોયું કે વિમાનમાં આગ લાગવાની સાઇન ઑન થઈ ગઈ છે અને પ્લેન ઝડપભેર નીચે જઈ રહ્યું છે.
વિમાનમાંના પ્રવાસીઓ ચીસો પાડવા લાગ્યા હતા. એ સમયે વિમાન 18,000 ફૂટની ઊંચાઈ પર ઊડતું હતું.

સળગતું વિમાન સમુદ્રમાં ખાબક્યું

ઇમેજ સ્રોત, Getty Images
પાઇલટે સૌથી પહેલાં ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલીને જણાવ્યું હતું કે હાલ તેઓ દક્ષિણ ચીન સમુદ્રના નાતુના દ્વીપ ઉપરથી પસાર થઈ રહ્યા છે.
એ પછી તેમણે વિમાનનું થ્રોટલ પૂરી તાકતથી દબાવીને વિમાનનું નાક નીચેની તરફ કરી દીધું હતું.
નજીકના કોઈ ઍરપૉર્ટ પર ઉતરાણ કરીને પ્રવાસીઓને બચાવી શકાય તેટલો સમય ન હતો. તેથી સૌથી ઉત્તમ ઉપાય પ્લેનને સમુદ્રના પાણીમાં ઉતારવાનો પ્રયાસ કરવાનો હતો.
વિમાન પાણીમાં ખાબક્યું ત્યારે તેમાં આગ ચાલુ જ હતી. વિમાનમાં સવાર 19 લોકો પૈકીના ત્રણ કર્મચારીઓનો જીવ બચ્યો હતો. બાકીના લોકો માર્યા ગયા હતા.
નીતિન ગોખલેએ તેમના પુસ્તક ‘આન એન કાવ જેન્ટલમૅન સ્પાય માસ્ટર’ લખ્યું છે કે “બચી ગયેલા લોકોમાં ફ્લાઇટ નેવિગેટર પાઠક, પ્લેનના મેકેનિકલ ઇજનેરર એ એન કાર્નિક અને સહ-પાઇલટ એમ સી દીક્ષિત હતા.”

ઇમેજ સ્રોત, BLOOMSBURY
પ્લેનના કૅપ્ટન જટાર ઍર ઈન્ડિયાના સૌથી અનુભવી પાઇલટો પૈકીના એક હતા. તેઓ તેમની સીટ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
ઍર હોસ્ટેસ ગ્લોરી એસ્પનસને અદમ્ય સાહસનો પરિચય આપતાં પ્લેન સમુદ્રમાં ખાબક્યું એ પહેલાં તમામ પ્રવાસી તથા ચાલકદળના સભ્યોના સીટ બેલ્ટ્સ આપ્યા હતા.

ઇમેજ સ્રોત, MINISTRY OF DEFENCE
મેન્ટનન્સ ઇજનેર કાર્નિક સમુદ્રના પાણીમાં નવ કલાક સુધી તરીને એક ટાપુ પર પહોંચ્યા હતા, જ્યાં માછીમારીઓ તેમને બચાવીને સિંગાપોર જઈ રહેલા એક બ્રિટિશ યુદ્ધજહાજમાં ચડાવી દીધા હતા.
બાદમાં તેમને અશોક ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

નહેરુને તપાસ કરાવવાની વિનંતી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચીનના પહેલા વડા પ્રધાન ચૂ એન લાઈએ છેલ્લી ઘડીએ પ્રવાસ રદ કર્યો ન હોત તો તેઓ પણ આ દુર્ઘટનામાં માર્યા ગયા હોત.
ચીનની સરકારે 2004માં બહાર પાડેલા ગુપ્ત દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું હતું કે “એપેન્ડિક્સની પીડા થવાને કારણે ચૂ એન લાઈનું બીજિંગમાં ઑપરેશન કરવામાં આવ્યું હતું. તેથી તેમણે થોડા દિવસ બાદ બાંડુગ જવાનો નિર્ણય કર્યો હતો.”
ઑપરેશનના ત્રણ દિવસ બાદ ચૂ એન લાઈ રંગુન ગયા હતા, જ્યાં તેમની મુલાકાત જવાહરલાલ નહેરુ અને બર્માના વડા પ્રધાન યુ નુ સાથે થઈ હતી. તેઓ રંગુનથી જવાહરલાલ નહેરુના પ્લેનમા બેસીને બાંડુગ પહોંચ્યા હતા.
વિમાન દુર્ઘટના પછી તરત જ ચીની રેડિયોના પ્રસારણમાં વિમાનમાં તોડફોડની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
તે પ્રસારણમાં જણાવવામાં આવ્યું હતું કે વિમાનને તોડી પાડીને ભારત-ચીનના સંબંધને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોય તેવી શંકા કરવા માટેનાં પૂરતાં કારણ છે.
ચીને એ માટે તાઇવાનની ગુપ્તચર એજન્સી કેએમટીને જવાબદાર ઠેરવી હતી.
વડા પ્રધાન ચૂ એન લાઈએ જવાહરલાલ નહેરુનો સંપર્ક કરીને ભારતને આ દુર્ઘટનાની તપાસનો હિસ્સો બનાવવાનો અનુરોધ કર્યો હતો.

રામનાથ કાવને સોંપાઈ જવાબદારી

ઇમેજ સ્રોત, Getty Images
નહેરુએ તેમના ભરોસાપાત્ર અને એ સમયના ગુપ્તચર બ્યૂરોના વડા બી એન મલિકને આ કામની જવાબદારી તેમના સર્વશ્રેષ્ઠ કર્મચારીને સોંપવા જણાવ્યું હતું.
મલિકે તપાસ માટે 37 વર્ષના રામનાથ કાવની પસંદગી કરી હતી. કાવ તેમની સાથે નાયબ ગુપ્તચર અધિકારી ચંદ્રપાલ સિંહને લઈ ગયા હતા.
એ પછી હિન્દુસ્તાન ઍરક્રાફ્ટ ફેકટરીના ઇજનેર વિશ્વનાથન પણ તપાસ ટુકડીના સભ્ય બન્યા હતા.
કાવે તે દુર્ઘટનામાં બચી ગયેલા ત્રણ ભારતીયો સાથે ગહન ચર્ચા કરી હતી.
નહેરુ મેમોરિયલ લાઇબ્રેરીને સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં કાવે લખ્યું હતું કે “તે વિમાને હોંગકોંગથી ટેક-ઑફ કર્યું તે પહેલાં તેની સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા તમામ લોકોની યાદી બનાવી લીધી હતી. તેમાં તમામ વિમાન કર્મચારીઓ તથા મેન્ટનન્સ ટુકડીના તમામ સભ્ય સામેલ હતા.”
સંમેલન ચાલુ હતું ત્યારે જ કાવ બાંડુગ પહોંચી ગયા હતા. એ સમયે ગુપ્તચર બ્યૂરોમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કામ કરતા એફ રુસ્તમજી તેમને નહેરુની પાસે લઈ ગયા હતા.
નહેરુએ એ જ સાંજે ચીનના વડા પ્રધાન સાથે કાવની મુલાકાત નક્કી કરાવી આપી હતી.

ઇમેજ સ્રોત, BLOOMSBURY
એ મુલાકાતની વાત કરતાં કાવે લખ્યું હતું કે “ચૂ એન લાઈએ બૉઈલર સૂટ પહેર્યો હતો. તેમની સાથેના દુભાષિયાએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને તે સારું અંગ્રેજી બોલતો હતો. ચૂ એન લાઈ ચીની ભાષામાં બોલતા હતા, પરંતુ અંગ્રેજી ભાષાની તેમની સમજ અન્ય લોકો કરતાં બહેતર હતી. મેં તેમની સાથે સૌપ્રથમ વખત ચીનની ગ્રીન ટી પીધી હતી. ખાવા માટે સૂકી લીચી અને બીજી ઘણી સામગ્રી આપવામાં આવી હતી.”

પાંચ દેશ બન્યા તપાસનો હિસ્સો
એ બેઠક દરમિયાન કાવ ચૂ એન લાઈને કશુંક સમજાવવા માટે કાગળ પર ચિત્ર દોરવા ઇચ્છતા હતા.
એ માટે તેમણે તેમની બ્રીફકેસમાંથી એક ફાઉન્ટન પેન બહાર કાઢી હતી.
કાવે લખ્યું છે કે “એ સમયે મને હવાઈ યાત્રાનો બહુ અનુભવ ન હતો. મેં પેનનું ઢાંકણ ખોલ્યું ત્યાં તેમાંથી શાહી લીક થવા લાગી હતી. મારા હાથ પણ શાહીવાળા થઈ ગયા હતા. મેં આમતેમ જોયું અને બ્રીફકેસમાંથી કેટલાક કાગળ કાઢીને તેને લૂંછવાનો પ્રયાસ કર્યો હતો.”
“ચૂ એન લાઈ કોઈને કશું કહ્યા વિના સોફા પરથી ઊભા થયા હતા અને ઓરડાની બહાર ચાલ્યા ગયા હતા. મને થોડું આશ્ચર્ય થયું હતું, પરંતુ થોડી વાર પછી તેઓ તેમના એક સાથી સાથે રૂમમાં પાછા ફર્યા હતા. એ વખતે તેમની પાસે ભીના ટુવાલ હતા. તેમણે મને ઇશારો કરીને મારા હાથ તેનાથી લૂંછી લેવા જણાવ્યું હતું.”

ઇમેજ સ્રોત, Getty Images
એ બેઠક દરમિયાન ચૂ એન લાઈએ કાવને સલાહ આપી હતી કે તેઓ જે કંઈ કહે તે બ્રિટિશ અધિકારીઓને જણાવવાનું નથી. એ પ્રકરણનાં ઘણાં આંતરરાષ્ટ્રીય પાસાં પણ હતાં.
પ્લેને હોંગકોંગથી ટેક-ઑફ કર્યું હતું, પરંતુ ઇન્ડોનેશિયાની સમુદ્ર સીમામાં તૂટી પડ્યું હતું. પ્લેનનું નિર્માણ અમેરિકામાં કરવામાં આવ્યું હતું, પરંતુ તેની માલિકી ભારતની હતી.
વિમાનમાં પ્રવાસ કરતા તમામ લોકો ચીની હતા. આ રીતે પાંચ દેશ બ્રિટન, ઇન્ડોનેશિયા, અમેરિકા, ભારત અને ચીન તપાસનો હિસ્સો બની ગયા હતા.
એ દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે કાવે પાંચ મહિના સુધી બ્રિટિશ, ચીની તથા હોંગકોંગની ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને કામ કર્યું હતું.
કાવની આકરી મહેનતનું પરિણામ દેખાવા લાગ્યું હતું અને સપ્ટેમ્બર – 1955માં એ સમજાવા લાગ્યું હતું કે ‘કાશ્મીર પ્રિન્સેસ’ વિમાન તૂટી પડ્યું એ દિવસે શું થયું હતું?

કાવના જીવ પર જોખમ
કાવ બીજિંગ પહોંચ્યા હતા અને ચૂ એન લાઈને ફરી મળ્યા હતા.
ચૂએ કાવને જણાવ્યું હતું કે કેએમટીના જાસૂસો તમારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા હોવાની માહિતી ચીન સરકારને મળી છે. તેથી તમારે સાવધ રહેવું જોઈએ.
કાવ બીજિંગથી હોંગકોંગ પહોંચ્યા ત્યારે હોંગકોંગની સ્પેશિયલ બ્રાન્ચના વડાએ તેમની સાથે મુલાકાત કરીને જણાવ્યું હતું કે તમારી સલામતીનો પૂરતો બંદોબસ્ત કરવાનો આદેશ મળ્યો છે.
એક બ્રિટિશ ઇન્સપેક્ટર એક અનમાર્ક્ડ કારમાં હંમેશાં કાવની સાથે રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કાવ પોતે પણ હોંગકોંગમાં પોતાની રીતે સાવધ રહેવા લાગ્યા હતા.
તેમણે રાતે ફરવાનું, ગલીઓમાં જવાનું અને અજાણી જગ્યાએ ખાવાનું બંધ કરી દીધું હતું.
તેમના હોટલ રૂમમાં કોઈ કબાટ ન હતો. તેથી તેઓ બહાર નીકળતા ત્યારે તપાસસંબંધી બધા કાગળ પોતાની સાથે બ્રીફકેસમાં જ રાખતા હતા.

ઇમેજ સ્રોત, BLOOMBURY
બાદમાં કાવે લખ્યું હતું કે “હોટલમાં પણ બ્રીફકેસ હંમેશાં મારી નજર સામે જ રાખતો હતો. બાથરૂમ જતો ત્યારે પણ બ્રીફકેસ સાથે લઈ જતો હતો. રાતે તેને ગાદલાની નીચે રાખીને ઊંઘતો હતો.”
દુર્ઘટનાની વૈજ્ઞાનિક તપાસ બાદ જાણવા મળ્યું હતું કે પ્લેન વ્હીલ બેના અન્ડરકેરેજમાં ટાઇમ બૉમ્બ મૂકવામાં આવ્યો હતો.
આ જાણવા મળ્યા પછી એ સવાલ થયો હતો કે તે કામ કોણે કર્યું હશે?
કાવે હોંગકોંગમાં બ્રિટિશ ગવર્નર સર એલેકઝેન્ડર ગ્રેંથમ અને તેમના જાસૂસો સાથે તપાસ કરતી વખતે ઘટનાનાં મૂળ સુધી ગયા હતા અને તેનાં પ્રત્યેક પાસાંની તપાસ કરી હતી.
કાવે ચૂ એન લાઈને જણાવ્યું હતું કે આ ઘટના પાછળ તાઇવાનના ચાઉ ચૂનો હાથ હોવાની ખબર પડી છે. ચાઉ ચૂ હોંગકોંગ ઍરક્રાફ્ટ એન્જિનિયરિંગ કંપનીની ગ્રાઉન્ડ મેન્ટનન્સ ટુકડીના સભ્ય હતા.
તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે હોંગકોંગના કેએમટીના એક ગુપ્તચર અધિકારીએ ચાઉ ચૂને આ કામ માટે તૈયાર કર્યા હતા. ચાઉ ચૂ શરૂઆતમાં એ કામ કરવા તૈયાર ન હતા, પરંતુ એ કામના બદલામાં 60,000 હોંગકોંગ ડૉલર ચૂકવાશે એવી લાલચ આપવામાં આવી એ પછી તેઓ આ કામ કરવા તૈયાર થયા હતા.
કેએમટીના અધિકારીઓ અને ચાઉ ચૂ વચ્ચે હોંગકોંગની અનેક હોટલોમાં અનેક મુલાકાતો થઈ હતી. એ પછી ચાઉને વિમાનમાં બૉમ્બ ગોઠવવાની તાલીમ આપવામાં આવી હતી. આ બધાની પાછળ તાઇવાનના તત્કાલીન નેતા ચ્યાંગ કાઈ શેકનો દોરીસંચાર હતો.

ચાઉ ચૂ ભાગવામાં સફળ થયા

ઇમેજ સ્રોત, Getty Images
ચૂ એન લાઈ એક ભારતીય ચાર્ટર્ડ વિમાન મારફત હોંગકોંગથી બાંડુગ સંમેલનમાં ભાગ લેવા જવાના છે તે જાહેર થઈ ગયું પછી તેમના વિમાનને બૉમ્બ વડે ઉડાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
કાવ હોંગકોંગ પહોંચ્યા ત્યારે ત્યાંના પોલીસ કમિશનર મેક્સવેલે તેમને જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ચાઉ ચૂએ પ્લેનમાં બૉમ્બ રાખ્યો હતો, પણ ચાઉ ચૂ 18 મેની સવારે દસ વાગ્યે હોંગકોંગથી એક અમેરિકન વિમાન મારફત તાઇવાન ભાગી જવામાં સફળ થયા છે.
ચાઉ ચૂનું વિમાન તાઇવાન ઍરપૉર્ટ પર ઊતર્યું કે તરત જ કેએમટીના ગુપ્તચર અધિકારી તેને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. એ પછી બહારની દુનિયાના લોકોને તેના કોઈ સમાચાર મળ્યા નહીં.
હોંગકોંગ પોલીસે 1955ની 12 જૂને જાહેરાત કરી હતી કે ‘કાશ્મીર પ્રિન્સેસ’ પ્લેન દુર્ઘટના બાબતે નક્કર માહિતી આપનારને એક લાખ હોંગકોંગ ડૉલરનું ઇનામ આપવામાં આવશે.
જોકે, કોઈ વ્યક્તિ પોલીસને મદદ કરવા આગળ આવી ન હતી.
કાવે તો એ માહિતી પણ મેળવી લીધી હતી કે ઘટનાના એક દિવસ પહેલાં ચાઉ ચૂને મૂવીલૅન્ડ હોટલમાં બોલાવવામાં આવ્યા હતા અને બ્રાઉન કાગળમાં લપેટીને તેને ટાઇમ બૉમ્બ આપવામાં આવ્યો હતો.
બીજા દિવસે કેએમટીનો એક એજન્ટ તેમને પોતાની કારમાં હોંગકોંગના ઍરપૉર્ટ સુધી મૂકી આવ્યા હતા.
નીતિન ગોખલેએ લખ્યું છે કે “વિમાનમાં વિસ્ફોટ પછી ચાઉ ચૂ કેએમટીના તેના હેન્ડલર્સ પાસે ઇનામ લેવા ગયો હતો, પરંતુ તેને ઇનામ આપવાનો ઇનકાર કરતાં જણાવાયું હતું કે તૂટી પડેલા વિમાનમાં ચૂ એન લાઈ ન હતા એટલે તેને ઇનામ મળશે નહીં. આ જાણકારી પણ કાવે મેળવી લીધી હતી.”
કાવે કરેલી તપાસથી ચૂ એન લાઈ બહુ પ્રભાવિત થયા હતા. તેમણે નહેરુને પત્ર લખીને કાવની કાર્યપદ્ધતિનાં વખાણ કર્યાં હતાં.
તેમણે કાવને પોતાના નિવાસસ્થાને ભોજન માટે નોતરું આપ્યું હતું. એ સમયે કાવ જુનિયર ઑફિસર હતા અને આ બાબત તેમના માટે બહુ મોટા સન્માન જેવી હતી.
આભાર વ્યક્ત કરવા માટે તેમણે કાવને પોતાનું અંગત સીલ આપ્યું હતું, જે અંતિમ સમય સુધી કાવના સ્ટડી ટેબલનો હિસ્સો બની રહી હતી.
એ તપાસ પછી કાવ ભારત પાછા ફર્યા ત્યારે તેમનું સ્વાગત એક હીરોની માફક કરવામાં આવ્યું હતું.

સીઆઈએનું કાવતરું?

ઇમેજ સ્રોત, BLOOMSBURY
એ ઘટનાના કમસે કમ બે દિવસ પહેલાં ચીનને આ ષડ્યંત્રની ખબર પડી ગઈ હતી.
સવાલ એ છે કે ચીન સરકારને તાઇવાની ગુપ્તચરોના કારનામાની ખબર અગાઉથી પડી ગઈ હતી તો પછી તેમણે તે દુર્ઘટનાને અટકાવાનો પ્રયાસ શા માટે કર્યો ન હતો?
આરકે યાદવે તેમના પુસ્તક ‘મિશન આર ઍન્ડ ડબલ્યુ’માં લખ્યું છે કે “ચૂ એન લાઈ તથા તેમની સરકારે તે દુર્ઘટનાને રોકવાના પ્રયાસ કર્યા ન હતા. તેનું કારણ એ હતું કે તેઓ આ ઘટના મારફત હોંગકોંગની કેએમટીના ગુપ્ત ઠેકાણાંને બહાર લાવવા ઇચ્છતા હતા, જેથી તેમને ત્યાંથી હઠાવી શકાય.”
“એ ઉપરાંત ચીનને આ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ હતો, કારણ કે ઘટનાના બીજા દિવસથી જ ચીની વિદેશ મંત્રાલય એવું કહેવા લાગ્યું હતું કે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ તથા ચ્યાંગ કાઈ શેકે કેએમટી સાથે મળીને ચીનના વડા પ્રધાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો.”

ઇમેજ સ્રોત, MANAS PUBLICATION
જોકે, સીઆઈએ અને કેએમટી વચ્ચેની સાઠગાંઠનો કોઈ પુરાવો ચીન સરકાર રજૂ કરી શકી ન હતી.
તે દુર્ઘટના માટે વાપરવામાં આવેલો ટાઇમબૉમ્બ અમેરિકામાં બનાવવામાં આવ્યો હતો. એ સિવાયનો કોઈ પુરાવો ન હતો.
અમેરિકાએ મુખ્ય આરોપી ચાઉ ચૂના હોંગકોંગથી પ્રત્યર્પણની માગ કરી હતી, પરંતુ તાઇવાને તેનો ઇન્કાર કર્યો હતો.
મુખ્ય આરોપી ચાઉ ચૂને પોલીસ ક્યારેય પકડી શકી ન હતી, પરંતુ તેના સાથીઓને અનેક દિવસો સુધી હોંગકોંગમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
બ્રિટન સરકારે 1956ની 11 જાન્યુઆરીએ બ્રિટનમાં જાહેરાત કરી હતી કે કેએમટીના અધિકારીઓએ ચાઉ ચૂને હોંગકોંગને હવાલે કરવાનો ઇન્કાર કર્યો છે.
એ દુર્ઘટનામાંથી બચી ગયેલા ત્રણ લોકો પૈકીના એક એમસી દીક્ષિત વર્ષો સુધી જીવંત રહ્યા હતા. 2022ની પાંચમી ડિસેમ્બરે 105 વર્ષની વયે તેમનું દિલ્હીમાં અવસાન થયું હતું.














