ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણી: ગામમાં તલાટીએ કયાં કામો કરવાનાં હોય છે? તલાટીની સત્તાઓ કઈ છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં 22 જૂને 8,326 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

જ્યારે મતગણતરી 25 જૂનના દિવસે થશે. ચૂંટણીપંચે જણાવ્યા અનુસાર કુલ 5115 સરપંચપદની ચૂંટણી યોજાશે.

ગ્રામપંચાયત પર ગામમાં સુવિધાઓ કરવાની જવાબદારી હોય છે તો વિભિન્ન કામો કરવા માટે ગ્રામપંચાયત વેરા પણ ઉઘરાવે છે.

ગ્રામપંચાયતોમાં સરપંચ એ વહીવટી વડા હોય છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ સરપંચને કેટલાંક અધિકારો તેમજ જવાબદારીઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રામપંચાયતમાં સરપંચના મંત્રી એ તલાટી હોય છે. ગામમાં અલગઅલગ વેરાઓ ઉઘરાવવા કે પછી ગ્રામપંચાયતના આવક ખર્ચના હિસાબો રાખવાની જવાબદારી તલાટી કમ મંત્રીની હોય છે.

બીબીસી ગુજરાતી સાથે સમજો

ગામમાં જન્મ, મરણ કે લગ્નની નોંધણી તલાટીએ કરવાની હોય છે. ગામમાં સામાન્ય સભા, ગ્રામસભા કે ગ્રામપંચાયતની કોઈ પણ સભા હોય તે તલાટીની ગેરહાજરીમાં થઈ શકે નહીં. દરેક સભાનો સેક્રેટરી તલાટી હોય છે. દરેક સભામાં પસાર થયેલા ઠરાવોનું પાલન કરવાનું અને કરાવવાનું કામ તલાટી કમ મંત્રીનું છે.

ગ્રામપંચાયતની આર્થિક બાબતોમાં ગ્રામપંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી બન્નેની સહી જરૂરી છે.

તલાટી જે ગામમાં ફરજ બજાવતા હોય તે ગામની સાચી માહિતી પરિસ્થિતિ અને મુશ્કેલીઓ અંગે તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર સમક્ષ યથાર્થ રજૂ કરવાની હોય છે.

સાદરા ખાતે આવેલા પંચાયતી રાજ તાલીમ કેન્દ્રના પ્રિન્સિપાલ તેજસ ઠાકરે જણાવ્યું કે, "તલાટીની ભરતી અને નિયમો ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તલાટીની નિમણૂક ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઑફિસર દ્વારા કરવામાં આવે છે."

તલાટીએ ગામમાં શુ કામ કરવાના હોય છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી એમ બે અલગ-અલગ પોસ્ટ છે. રેવન્યુ તલાટીએ જમીન મહેસૂલને લગતાં કામ કરવાનાં હોય છે. જ્યારે તલાટી કમ મંત્રીએ ગ્રામપંચાયતના સેકેટરી તરીકે કામ કરવાના હોય છે. જોકે અત્યારે રેવન્યુ તલાટીનાં કામ પણ ગામના તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવતા હોય છે.

આણંદ જિલ્લાના ભાદરણ ગામના તલાટી કમ મંત્રી ધવલસિંહ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ગ્રામપંચાયતના દફ્તરો, રજિસ્ટરો પોતાની કસ્ટડીમાં રાખવા, પહોંચ બુક તેમજ બૅન્કની પાસબુક અને ચેકબુક પોતાની કસ્ટડી રાખવાની હોય છે."

રેવન્યુ વિભાગની વેબસાઇટ અનુસાર ગ્રામસભાની પ્રથમ બેઠકમાં વાર્ષિક હિસાબોનું પત્રક રજૂ કરવું, પાછલા વર્ષનો વહીવટી અહેવાલ રજૂ કરવો, ચાલુ નાણકીય વર્ષ માટે યોજાયેલા વિકાસનાં કાર્યો અને કાર્યક્રમોનો અહેવાલ રજૂ કરવો તેમજ છેલ્લી ઑડિટ નોંધ અને તેના ઉપર આપેલા જવાબો રજૂ કરવાના હોય છે.

ગુજરાત લોકલ ફંડ ઑડિટ ઍક્ટ મુજબ ઑડિટ નોંધ મળ્યાની તારીખથી ચાર મહિનામાં ઑડિટ પેરાના ખુલાસાઓ તૈયાર કરીને મોકલી આપવાના હોય છે.

ધવલસિંહ સોલંકીએ જણાવ્યું કે, "ગ્રામપંચાયતના ખર્ચના રોજમેળ, માસિક અને વાર્ષિક હિસાબોની કામગીરી તેમજ ગ્રામપંચાયતના ઍકાઉન્ટના ઑડિટ કરવાના તેમજ ઑડિટ પેરાનો જવાબ આપવાના તેમજ ઑડિટ અહેવાલ ગ્રામસભામાં રજૂ કરવાની જવાબદારી તલાટી કમ મંત્રીની છે."

તેજસ ઠાકરે જણાવ્યું કે, "ગ્રામપંચાયતની મિલ્કત જેમ કે રોડ બને, ટેબલ, ખુરશી કે કમ્પ્યુટર વગેરેની મિલ્કત રજિસ્ટરમાં નોંધ કરવાની હોય છે. તલાટી કમ મંત્રીએ ગ્રામપંચાયતમાં સરપંચના મંત્રી તરીકે કામગીરી કરવાની હોય છે."

તેજસ ઠાકરે જણાવ્યું કે, "પાણી વેરો, ઘરવેરો કે સફાઈવેરો કે અન્ય વેરાની તેમજ ફીના મેળવેલા નાણાંની પહોંચ આપવાની, તેમજ ઉઘરાવેલા નાણાંનું ચલણ ભરવાની જવાબદારી તલાટી કમ મંત્રીની છે."

રેવન્યુ વિભાગની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર ગુજરાત પંચાયત કાર્યરીતિ બાબતના નિયમો 1997ના નિયમો મુજબ સરપંચ, ઉપસરપંચ કે સભ્યની ખાલી બેઠકોની માહિતી તલાટીએ તાલુકા વિકાસ અધિકારી નાયબ કલેક્ટરને સમયસર મોકલવાની હોય છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
ડીજીટલ ગુજરાતના કયા કામો તલાટીએ કરવાના હોય છે?

ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર ઑનલાઇન કેટલીક યોજનાઓનાં કાર્યો સહિત કેટલાંક અન્ય કામ કરવાનાં હોય છે. તલાટી કમ મંત્રીએ ખેડૂતોની નોંધણી, શ્રમ ઈ કાર્ડ બનાવવાં, શ્રમિકોની નોંધણી, વિશ્વકર્મા કારીગરોની નોંધણી વગેરે ઑનલાઇન નોંધણી કરવાની હોય છે.

ધવલસિંહે જણાવ્યું કે, "ગુજરાત ડિજિટલ પોર્ટલ પર આવકના દાખલા કાઢવા, વિધવા સહાય કે વૃદ્ધ સહાય માટે દાખલા આપવા, રૅશનકાર્ડમાં નામ કમી કરાવવું કે ઉમેરવું આ દરેક કામ તલાટીએ કરવાના હોય છે. ડિજિટલ ગુજરાત પોર્ટલમાં જે કોઈપણ ઍફિડેવિટ કરવાની હોય તે માટે તે ગામના બાબતે ઍક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સત્તા તલાટીને આપવામાં આવેલી છે."

તેજસ ઠાકરે જણાવ્યું કે, "પેઢીનામું કરવાનું કામ તલાટીએ કરવાનું હોય છે. ગ્રામપંચાયતના બજેટનો મુસદ્દો તલાટીએ તૈયાર કરવાનો હોય છે. બજેટ મંજૂર ગ્રામપંચાયતની બૉડીએ કરવાનું હોય છે. વાર્ષિક હિસાબોની નકલ એક જૂન સુધી તાલુકા પંચાયતમાં મોકલી આપવાની જવાબદારી તલાટીની છે."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
તલાટીએ મહેસૂલને લગતાં કયાં કામ કરવાનાં હોય છે?

ગુજરાત રાજયમાં પંચાયત ધારો અમલમાં આવ્યો ત્યારે તલાટી કમ મંત્રી જ હતા જે ગ્રામપંચાયત અને મહેસૂલનાં કામ કરતા હતા.

ગુજરાત સરકારે વર્ષ 2008માં પહેલી વાર રેવન્યુ તલાટીની ભરતીની જાહેરાત આવી અને 2010માં ભરતી થઈ. મહેસૂલનાં કામો રેવન્યુ તલાટીને ફાળવવામાં આવ્યાં હતાં. જોકે દરેક ગામોમાં રેવન્યુ તલાટી ફાળવાયા ન હોવાથી અને રેવન્યુ તલાટીની સંખ્યા ઓછી હોવાથી સરકારે 2011માં ઠરાવ કરીને તમામ કામગીરી તલાટી કમ મંત્રીને પરત સોંપી હતી.

ધવલસિંહ સોલંકીએ જણાવ્યું કે, "ખેતરમાં કયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તેનો સરવે કરવો અને તેનો દાખલો આપવાનો હોય છે. ગામમાં કેટલી સરકારી કેટલી ખેતીલાયક જમીન કેટલી ગૌચરની જમીન કેટલી સરકારી જમીન તેમજ ગામમાં કેટલાં તળાવો અને કૂવા છે તેનો હિસાબ રાખવાનો હોય છે. પંચાયત વેરાની માફક જમીન મહેસૂલ તલાટીએ વસૂલવાનો અને તેની પહોંચ આપવાની હોય છે."

ધવલસિંહે જણાવ્યું કે, "મહેસૂલી નકશા જાળવવા તેમજ તેની નકલ આપવી, સેવા સેતુના કાર્યક્રમ કરાવવાના હોય છે. પૂર આવવું કે ભૂકંપ થવો કે કોઈ રોગચાળો ફાટી નીકળવો તે અંગેની માહિતી રાખવી અને તે અંગે કામ કરવાનાં હોય છે. ખેડૂતોની ઑનલાઇન નોંધણી કરવાની હોય છે."

તલાટી પાસે કેવી કેવી સત્તાઓ હોય છે?

તલાટી કમ મંત્રીને ગ્રામપંચાયતનાં કામો સિવાયની સ્વાયત્ત સત્તાઓ આપવામાં આવી છે. ધવલસિંહ સોલંકીએ આપેલી માહિતી મુજબ

-ગામમાં જન્મતાં બાળકોના જન્મની નોંધણી કરવી, મૃત્યુ પામનારની મૃત્યુની નોંધણી કરવી તેમજ લગ્નની નોંધણી કરવાની સત્તા તલાટી કમ મંત્રીની છે.

-ગ્રામપંચાયતના જાહેર માહિતી અધિકારી તલાટી કમ મંત્રી છે.(આરટીઆઈની માહિતી આપનાર)

-વ્યવસાય વેરાના નોંધણી રજિસ્ટાર તરીકેની સત્તા છે.

તલાટીએ અન્ય કઈ યોજનાઓ અંગે કામ કરવાનાં હોય છે?

આ અંગે ધવલ સિંહે જણાવ્યું કે, "સમાજ કલ્યાણની યોજનાઓ જેમકે પ્રધાનમંત્રી આવાસ યોજના, બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના તેમજ ઈડબલ્યુએસ આવાસ યોજના વગેરેના ઑનલાઇન ફૉર્મ ભરાય છે. ફૉર્મ ભરાયા બાદ સ્થળની સ્થિતિની માહિતી તેમજ લાભાર્થીએ પહેલાં લાભ લીધો છે કે નહીં તે અંગેનો રિપાર્ટ તલાટીએ આપવાનો હોય છે. ત્યાર બાદ લાભાર્થીના ખાતામાં પૈસા જોડાય છે."

તલાટી કયાં કામ અંગે નિર્ણય આપી શકે?
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

તેજસ ઠાકરે જણાવ્યું કે, "તલાટીને સીધો કોઈ નિર્ણય કરવાની સત્તા નથી. ગામમાં રસ્તા કે અન્ય કોઈ બાબતે લોકો વચ્ચે તકરાર હોય તો તલાટી સમાધાનની ભૂમિકામાં રહી શકે છે. પરંતુ તેને કોઈ નિર્ણય લેવાની કે ચુકાદો આપવાની સત્તા નથી."

તેજસ ઠાકરે જણાવ્યું કે, "ગામમાં દબાણ હટાવવાની જવાબદારી સરપંચની છે. પરંતુ દબાણ બાબતે જો નોટિસ તૈયાર કરવાની થાય તો તે નોટિસ તલાટીએ તૈયાર કરવાની હોય છે. નોટિસ આપવાની જવાબદારી સરપંચની છે. જો સરપંચના કહેવાથી કે નોટિસથી દબાણ ન હટે તો તેને હટાવવાની જવાબદારી તાલુકા વિકાસ અધિકારીની હોય છે."

તલાટી કમ મંત્રી સામે કયા શિક્ષાત્મક પગલાં લઈ શકાય?

ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ તલાટી કમ મંત્રી સામે શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે.

ગુજરાત પંચાયત અધિનિયમ અનુસાર તલાટીને સોંપાયેલાં કામો, ફરજો કે સત્તાઓ બજવવામાં ગેરવર્તણૂક કરનાર કે શરમજનમ વર્તણૂક માટે દોષિત સાબિત થનાર સામે પગલાં લઈ શકાય છે.

ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ દોષિત સાબિત થનાર સામે તેનો ઇજાફો અટકાવવો, બઢતી અટકાવવી , પાયરી ઉતારવા, બેદકારીને કારણે અથવા આદેશ ભંગને કારણે પંચાયતને થયેલા નુકસાન પગારમાંથી પૂર્ણત: અથવા અંશત: વસૂલવું તેમજ ફરજિયાત નિવૃત્તિ, નોકરીમાંથી સસ્પેન્ડ અને બરતરફ સુધીનાં પગલાં લઈ શકે છે.

તેજસ ઠાકરે જણાવ્યું કે, "તલાટી કમ મંત્રીનો વાર્ષિક ખાનગી અહેવાલ 2018 સુધી સરપંચ લખતા હતા, પરંતુ હવે વિસ્તરણ અધિકારીને આ કામગીરી સોંપાઈ છે. ઉપરાંત તલાટી અંગે કોઈ ફરિયાદ હોય તો સરપંચ તેને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીથી કલેક્ટર સુધી રજૂઆત કરી શકે છે. ગ્રામપંચાયતના બજેટનો મુસદ્દો તૈયાર કરવાનું કામ તલાટીનું છે જો તેમને તૈયાર ન કર્યો હોય તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી થઈ શકે છે."

સરકારી કર્મચારીની બદલીની માફક તલાટી કમ મંત્રીની પણ દર ત્રણ વર્ષે બદલી કરવામાં આવે છે. કેટલાક સંજોગોમાં વહેલા તો કેટલાક સંજોગામાં મોડી બદલી થતી હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન