નિમિષા પ્રિયાને યમનમાં થોડા દિવસમાં ફાંસી અપાશે, શું ભારત આમાં સીધી દખલ કરી શકે?

- લેેખક, સિરાજ
- પદ, બીબીસી તામિલ
10 જુલાઈના રોજ 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ' જૂથે ભારતની સુપ્રીમ કોર્ટમાં કેરળનાં નર્સ નિમિષા પ્રિયાને યમનમાં ફાંસીની સજાથી બચાવવા માટેના આદેશ માટે અરજી કરી છે.
અરજીમાં ભારત સરકાર આ હેતુ માટે રાજદ્વારી કાર્યવાહી કરે એવી માગ કરાઈ છે.
સુપ્રીમ કોર્ટના જજ સુધાંશુ ધુલિયા અને જયમાલ્ય બાગચીએ આ અરજી ગ્રાહ્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે 14 જુલાઈના રોજ આ કેસની સુનાવણી કરવાનું ઠરાવ્યું છે.
નિમિષા પ્રિયાને 16 જુલાઈએ ફાંસી અપાશે એવા અહેવાલો આવી રહ્યા છે, ત્યારે સુપ્રીમ કોર્ટે અરજદારોને અરજીની એક નકલ ભારતના ઍટર્ની જનરલને સબમિટ કરવા જણાવ્યું છે.
આ ઉપરાંત બેન્ચે કેન્દ્ર સરકારને ઍટર્ની જનરલ મારફતે આ કેસમાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનાં પગલાં લેવાયાં હોય તો એ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરવા વિનંતી કરી છે.
હવે અહીં સવાલ એ થાય છે કે શું ભારત સરકાર આ મામલામાં નિમિષા પ્રિયાને બચાવવા કે સજા ઘટાડવા કંઈ કરી શકે ખરી?
માહદી કુટુંબની માફી

નિમિષા પ્રિયા પર યમનના નાગરિક અને તેમના પ્રોફેશનલ પાર્ટનર તલાલ અબ્દો માહદીની હત્યાનો આરોપ છે. આ કેસમાં નિમિષા પ્રિયાને ફાંસીની સજા જાહેર કરાઈ છે અને તેઓ હાલ યમનના સના ખાતે કેન્દ્રીય કારાગારમાં બંધ છે.
એવું કહી શકાય કે યમનથી તેમને બચાવવાના તમામ કાયદાકીય રસ્તા હવે બંધ થઈ ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2017માં માહદીનો મૃતદેહ પાણીની ટાંકીમાં કપાયેલી અવસ્થામાં મળી આવ્યો હતો. એક માસ બાદ નિમિષાની યમનની સાઉદી અરેબિયા સાથેની સરહદ ખાતેથી ધરપકડ કરાઈ હતી.
નિમિષા પર માહદીને એનેસ્થેસિયાનો 'ઓવરડોઝ' આપવાનો અને તેના મૃતદેહનો નાશ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
જોકે, નિમિષાના વકીલનો દાવો છે કે માહદી નિમિષા પર શારીરિક અત્યાચાર કરતા, તેમણે નિમિષાના પૈસા અને પાસપૉર્ટ પર લઈ લીધા હતા. ઉપરાંત માહદી તેમને બંદૂક વડે ડરાવતા હતા.
એવી પણ દલીલ કરાઈ હતી કે નિમિષાએ માહદીને પોતાનો પાસપૉર્ટ મેળવવા માટે બેભાન કર્યા હતા, પરંતુ આકસ્મિક રીતે ડોઝ વધી ગયો હતો.
યમનના પાટનગર સનાની કોર્ટે વર્ષ 2020માં મોતની સજા કરી હતી. યમનની સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023માં નિમિષાની આ સજા વિરુદ્ધની અરજી ફગાવી દઈ, મોતની સજા બરકરાર રાખી હતી.
આ વર્ષે થોડા મહિના પહેલાં યમનના હૂથી નેતા મેહદી અલ-મશાદે મોતની સજાને મંજૂરી આપી.
જોકે, યમનમાં ઇસ્લામિક શરિયત કાયદો લાગુ હોઈ જો મૃતકના પરિવાર દ્વારા પૈસાના બદલે માફી આપવામાં આવે તો ફાંસીની સજાથી બચવાની એક તક રહે છે. આ વ્યવસ્થાને 'બ્લડ મની' અથવા 'તિયા' કહે છે.
નિમિષાના પરિવાર પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે તેમને 16 જુલાઈએ યમનમાં મોતની સજા કરાશે, આ વાતને ધ્યાને લઈને હવે આ સજાથી બચવા માટેનો એકમાત્ર રસ્તો માહદી કુટુંબની માફી જ રહે છે.
'અમે કેન્દ્ર સરકારને નાણાકીય મદદ માટે નથી કહ્યું'
સ્વયંસેવક જૂથ 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ' કેન્દ્ર સરકારને માહદી કુટુંબ સાથે વાટાઘાટ કરવા માટે મદદ કરવા અરજી કરી છે.
આ જૂથ વતી સિનિયર વકીલ રાકેન્ડ બસંત અને વકીલ સુભાષ ચંદ્રને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ જૂથ 2020માં નિમિષાને બચાવવાના હેતુ સાથે બન્યું હતું.
બીબીસી સાથે વાત કરતાં સુભાષ ચંદ્રને કહ્યું, "અમે ભારત સરકારને નિમિષાને બચાવવા માટે પૈસા આપવાનું નથી કહી રહ્યા. પૈસાની વ્યવસ્થા અમે ડોનેશન મારફતે કરી લઈશું."
તેમણે કહ્યું, "અમે ભારત સરકારને સત્તાવાર રીતે માહદી કુટુંબ સાથે વાટાઘાટમાં અમારી મદદ કરવાની વિનંતી કરી છે."
વર્ષ 2015માં જ્યારે હૂતી વિદ્રોહીઓએ મોટા ભાગના પશ્ચિમ પ્રદેશમાં કબજો કરી લીધો ત્યારે યમનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું.
યુનાઇટેડ નૅશન્સે યમનના ગૃહયુદ્ધને વિશ્વનું સૌથી ખરાબ માનવીય સંકટ ગણાવ્યું છે. વર્ષોથી યમનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે.
આ વાત તરફ ધ્યાન દોરતાં વકીલ સુભાષ ચંદ્રને કહ્યું કે, "આ કેસ પર ગૃહયુદ્ધની મોટી અસર થઈ હતી. નિમિષાની ધરપકડ 2017માં થઈ હતી, જ્યારે ગૃહયુદ્ધ ચરમસીમાએ હતું. તેમને ત્યાં યોગ્ય કાયદાકીય સંરક્ષણ મળ્યું નહોતું. કારણ કે એ સમયે ત્યાં કોઈ યોગ્ય સરકારી તંત્ર નહોતું."

ઇમેજ સ્રોત, Getty Images
'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ' દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કહેવાયું છે કે નિમિષા પર કબૂલાત સંબંધિત દસ્તાવેજો પર સહી કરવાનું દબાણ કરાયું હતું, જે યમનની સ્થાનિક ભાષામાં હતા. આ દસ્તાવેજોને કારણે તેમને મોતની સજા સંભળાવાઈ.
અરજીમાં કહેવાયું છે કે, "માહદી પરિવાર સાથે સીધી વાટાઘાટ હજુ સુધી શક્ય નથી બની શકી."
શરિયત કાયદા પ્રમાણે 'બ્લડ મની'ની જોગવાઈ ત્યારે જ લાગુ થાય જ્યારે પીડિતનું કુટુંબ ગુનેગાર સાથે સમાધાન કરવા માગે. એ સિવાયના મામલામાં કિસાસ (આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત)નો નિયમ લાગુ પડે છે.
અરજીમાં કહેવાયું છે કે, "યમનનું ન્યાયતંત્ર નિમિષાને દયા માટેની તક આપે છે. તેમ છતાં વાતચીતની વાત મહિનાઓથી આગળ વધી શકી નથી. યમનમાં ચાલી રહેલું ગૃહયુદ્ધ અને યમનમાં ભારતીય મુસાફરોના જવા પર પ્રતિબંધની વાતથી જૂથ માટે વાતચીત આગળ વધારવાનું કામ વધુ મુશ્કેલ બની ગયું છે."
ભારત અને યમનના સંબંધો કેવા છે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2015માં જ્યારે દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારત સરકારે યમનમાં ફસાઈ ગયેલા હજારો ભારતીયોના રેસ્ક્યૂ માટે 'ઑપરેશન રાહત' શરૂ કર્યું હતું. ભારતીય નેવી અને ઍરફોર્સની મદદ સાથે આ રેસ્ક્યૂ ઑપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
જોકે, નિમિષાની માફક કેટલાક લોકોએ એ સમયે યમનમાં જ રહેવાનું પસંદ કર્યું.
સપ્ટેમ્બર 2017માં કેન્દ્ર સરકારે ગૃહયુદ્ધ અને સલામતીનાં કારણો ટાંકીને ભારતીય નાગરિકોના યમન જવા પર પ્રતિબંધ મૂકી દીધો.
વધુમાં યમન હાલ ગૃહયુદ્ધને કારણે ત્રણ જૂથના કાબૂમાં છે.
સના સહિતના યમનના ભાગ હૂતી વિદ્રોહી જૂથના કાબૂમાં છે. હૂતી રાજકીય પાંખના વડા માહદી અલ મશાદ એ રિપબ્લિક ઑફ યમન (સના)ના પ્રમુખ છે. વિદ્રોહી જૂથે આ પાંખની સ્થાપના કરી છે.
સાઉદીના પીઠબળવાળી અને યુએનની માન્યતાપ્રાપ્ત સરકાર હાલ યમનના બીજા ભાગો પર કાબૂ ધરાવે છે, તેના પ્રમુખનું નામ રશદ અલ અલીમી છે.
આ બંને સિવાય યુનાઇટેડ આરબ અમીરાતના પીઠબળવાળી સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલનો એડન સહિતના યમનના ભાગ પર કાબૂ છે.

વકીલ સુભાષ ચંદ્રન કહે છે કે માહદી કુટુંબ સાથે વાત કરવામાં આ બધાં કારણસર ઘણા પડકારો છે. તેઓ કહે છે કે, "તેથી ભારત સરકારે કુટુંબ સાથે વાતચીત કરવામાં મદદ કરવી જોઈએ. આ હૂતીઓ સાથે સીધો સંપર્ક સાધીને કે તેમના સાથીદારો જેમ કે, ઈરાન અને ઓમાન સાથે વાત કરીને કરી શકાય."
જોકે, ભારત સરકારે હજુ સુધી હૂતી જૂથને માન્યતા નથી આપી. તેમની સાથે ભારત સરકારના પ્રત્યક્ષ રાજદ્વારી સંબંધો નથી. ભારતે સાઉદીના પીઠબળવાળી સરકારને માન્યતા આપી છે. તેના માટેના ભારતના રાજદૂતની કચેરી સાઉદી અરેબિયાના રિયાધમાં છે.
નિમિષાના પરિવાર વતી યમનમાં નિમિષાના કેસને હૅન્ડલ કરવા અધિકૃત કરાયેલી વ્યક્તિ સેમ્યુઅલ જેરોમે કહ્યું હતું કે, "જ્યારે 'ઑપરેશન રહાદ' ચલાવાયું ત્યારે હૂતીઓએ શાંતિપૂર્ણ રીતે સહકાર આપ્યો હતો. તેથી જો ભારત નિમિષા કેસમાં દખલ કરે તો તેનું નિરાકરણ નીકળશે."
તેઓ કહે છે કે અત્યાર સુધી નિમિષા બચ્યાં તેનું કારણ હૂતી જૂથનો ભારત પરનો વિશ્વાસ જ છે. તેમણે કહ્યું, "ભારત સરકારે ઝડપથી કંઈ કરવું પડશે, કારણ કે હવે ખૂબ ઓછો સમય બાકી છે."
આવી જ રીતે સીપીઆઇ (એમ)ના સાંસદ જૉન બ્રિટાસે ભારત સરકારને ઝડપથી આ મામલામાં દખલ કરવાની વિનંતી કરી છે.
તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને એવું પણ લખ્યું કે તેમણે ભારતના વિદેશમંત્રી જયશંકરને આ મામલે પત્ર પણ લખ્યો છે.
નિમિષાની સજા મામલે ભારત સરકાર શું કરી શકે?

ચેન્નાઈની લોયોલા કૉલેજના સમાજકાર્યના પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર ગ્લેડસન ઝેવિયરે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે, "ભારત માટે આ મામલામાં રાજદ્વારી સંબંધો થકી કે હૂતીઓ સાથે સીધી વાત કરીને આધિકારિક પગલાં લેવાનું મુશ્કેલ છે. આ યમનનો આંતરિક મામલો છે. અહીં એ વાત મહત્ત્વપૂર્ણ છે કે હૂતીઓનું રાજકારણ આત્યંતિક છે."
ગ્લેડસને કહે છે કે ભારત આ મામલામાં આદેશ ન કરી શકે, તે માત્ર વિનંતી જ કરી શકે.
તેમણે કહ્યું, "એક ગુનો થયો છે, એ વાત નકારી ન શકાય. કોઈ પણ દેશ પોતાના નાગરિકના મૃત્યુની વાતને જવા ન દઈ શકે. આપણે આ બાબતને અને પીડિતના પરિવારને ધ્યાને લઈને આ મુદ્દે વાત કરવી જોઈએ."
તેમણે એવું પણ કહ્યું કે, "ઇસ્લામિક શરિયત કાયદો બદલા કરતાં વધુ માફી પર ભાર મૂકે છે. તેથી સરકાર યમનનાં જનજાતીય જૂથોના મૌલવીઓ થકી આ મામલામાં વાટાઘાટ કરાવી શકે. આ મામલામાં પીડિત પરિવારની માફી મેળવવી એ શ્રેષ્ઠ રસ્તો છે."
ગ્લેડસન કહે છે કે એક રસ્તો એ પણ છે કે આ મામલામાં ભારત તરફ મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખતા દેશો, ઈરાન અને ઓમાનની મદદ લેવામાં આવે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












