કેરળની નર્સને યમનમાં ફાંસીની સજાની તારીખ નક્કી કરાઈ, આખો કેસ જાણો

બીબીસી ગુજરાતી નિમિષા પ્રિયા ભારતીય નર્સ યમન કેરળ
ઇમેજ કૅપ્શન, નિમિષા નર્સ તરીકે નોકરી કરવા યમન ગયાં હતાં

કેરળનાં નર્સ નિમિષા પ્રિયાને 2017માં યમનમાં એક હત્યાના કેસમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. હવે તેમની ફાંસીની સજા માટે તારીખ જાહેર કરાઈ છે.

નિમિષા પ્રિયાનાં માતા તરફથી આ કેસ સંભાળતા માનવ અધિકાર કાર્યકર્તા સેમ્યુઅલ જેરોમે જણાવ્યું કે નિમિષાને બચાવવા તેમનો પરિવાર ઘણા પ્રયાસો કરે છે. પરંતુ હવે તેમને 16મી જુલાઈએ ફાંસી આપવાનો નિર્ણય લેવાયો છે.

નિમિષા પ્રિયા હાલમાં યમનની રાજધાની સનામાં સેન્ટ્રલ જેલમાં કેદ છે. સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ એક્શન કાઉન્સિલ અને નિમિષાનાં માતા પ્રેમાકુમારીએ તેમને બચાવવા ઘણા પ્રયાસ કરે છે.

પ્રેમાકુમારીએ આ માટે ભારત સરકાર પાસેથી ખાસ મંજૂરી મેળવી હતી અને ગયા વર્ષે એપ્રિલમાં તેઓ યમન પણ ગયાં હતાં.

યમનમાં શરિયતનો કાયદો લાગુ થાય છે. તેથી મૃતક પરિવારને બ્લડ મની તરીકે એક રકમ ચૂકવીને તેમની પાસેથી માફી મેળવે ત્યાર પછી જ નિમિષાને મૃત્યુદંડની સજાથી બચાવી શકાય છે.

નિમિષા પ્રિયાના પરિવારની માગ છે કે ભારત સરકાર આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને નિમિષાને મોતની સજામાંથી બચાવી લે.

ભારતીય વિદેશ મંત્રાલયે અગાઉ નિવેદન બહાર પાડીને ખાતરી આપી છે કે તેઓ આ મામલે શક્ય તમામ પ્રયાસ કરશે.

યમનના રાષ્ટ્રપતિ રશદ મોહમ્મદ અલ-અલીમીએ સોમવાર, 30 ડિસેમ્બરે નિમિષા પ્રિયાની મોતની સજાને મંજૂરી આપી હતી.

નિમિષા પર 2017માં યમનના એક નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા કરવાનો આરોપ છે. ત્યારથી તેઓ જેલમાં જ છે.

નિમિષા કેરળના પલક્કડ જિલ્લાનાં વતની છે.

નિમિષાને મોતની સજામાંથી બચાવવા માટે કેરળમાં તેમના શહેરમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે "સેવ નિમિષા ઇન્ટરનૅશનલ ઍક્શન કમિટી" નામે એક ઝુંબેશ ચાલે છે.

આ ઝુંબેશ અંતર્ગત ભારત સરકારને પણ તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

નિમિષાની સજા માફ કરાવવા કરાયેલ મધ્યસ્થીના પ્રયાસો કેમ નિષ્ફળ રહ્યા?

બીબીસી ગુજરાતી નિમિષા પ્રિયા ભારતીય નર્સ યમન કેરળ
ઇમેજ કૅપ્શન, નિમિષાનાં માતા પ્રેમાકુમારીએ દિલ્હી હાઇકોર્ટમાં 2023માં એક અરજી દાખલ કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિમિષા પર જે વ્યક્તિની હત્યાનો આરોપ છે, તે તલાલ અબ્દો મહદીના પરિવાર પાસેથી માફી મેળવવા પ્રયાસ કરાયા હતા, પરંતુ તેમાં સફળતા નથી મળી.

કેટલાક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે મધ્યસ્થી કરવા માટે જેટલા ભંડોળની જરૂર હતી એટલું ભંડોળ એકઠું કરી શકાયું ન હતું.

મનોરમા ઑનલાઇન મુજબ, "યમનમાં નિમિષાની મુક્તિ માટે સેમ્યુઅલ જેરોમે પહેલ કરી છે. સેમ્યુઅલે કહ્યું કે મધ્યસ્થી માટે જૂથના નેતાઓ સાથે વાતચીત કરવા જેટલાં જોઈએ એટલાં નાણાં એકઠાં થઈ શક્યાં ન હતાં."

સેમ્યુઅલ જેરોમે કહ્યું કે, "નાણાં ન ચૂકવાયા તેના કારણે વાતચીત અટકી ગઈ. જો વાતચીત ચાલુ રહી હોત તો અત્યાર સુધીમાં નિમિષાનો છુટકારો થઈ ગયો હોત."

જોકે, નિમિષાના પરિવારના વકીલ સુભાષચંદ્રને દાવો રકર્યો છે કે યમનમાં મધ્યસ્થી તરીકે કામ કરતી ટીમે જુલાઈ 2024માં 20 હજાર ડૉલર (લગભગ 19 લાખ રૂપિયા) માંગ્યા હતા. તેમણે કહ્યું કે,"ગયા અઠવાડિયે તેમણે ફરીથી 20 હજાર ડૉલર માંગ્યા. અમે તે રકમ મોકલાવી દીધી. અમે ભારતીય દૂતાવાસ મારફત યમનના વકીલોને કુલ 38 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પરંતુ કમનસીબે બે દિવસ અગાઉ જ સમાચાર મળ્યા કે યમનના રાષ્ટ્રપતિએ નિમિષાની મોતની સજાને મંજૂરી આપી દીધી છે."

સુભાષચંદ્રને એમ પણ કહ્યું કે, "અત્યાર સુધી મૃતક (તલાલ અબ્દો મહદી)ના પરિવાર સાથે કોઈ સીધી વાતચીત કે ચર્ચા થઈ શકી નથી. યમનમાં રાજકીય સંઘર્ષની સ્થિતિ હોવાના કારણે આ વાતચીત કરવાનું વધુ મુશ્કેલ બની ગયું છે."

નિમિષા પ્રિયાનો આખો મામલો શું છે?

બીબીસી ગુજરાતી નિમિષા પ્રિયા ભારતીય નર્સ યમન કેરળ
ઇમેજ કૅપ્શન, નિમિષા 2011માં કેરળ આવ્યાં અને ટોમી થૉમસ સાથે લગ્ન કર્યાં હતાં

ડિસેમ્બર 2023માં બીબીસીનાં સંવાદદાતા ગીતા પાંડેના એક અહેવાલ પ્રમાણે નિમિષા પ્રિયા એક તાલીમબદ્ધ નર્સ છે અને 2008માં તેઓ કેરળથી યમન નોકરી કરવા ગયાં હતાં. તેમને યમનની રાજધાની સનાની એક સરકારી હૉસ્પિટલમાં નોકરી મળી હતી.

નિમિષા 2011માં કેરળ આવ્યાં અને ટોમી થૉમસ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી પતિ-પત્ની બંને યમન ગયાં, જ્યાં ડિસેમ્બર 2012માં તેમને એક દીકરીનો જન્મ થયો હતો.

થૉમસે બીબીસીને જણાવ્યું કે તેમને ત્યાં કોઈ સારી નોકરી ન મળવાથી નાણાકીય તકલીફો વધી ગઈ. તેથી તેઓ 2014માં દીકરીને લઈને કોચીન આવી ગયા.

તે જ વર્ષે નિમિષાએ પોતાની ઓછા પગારની નોકરી છોડીને એક ક્લિનિક ખોલવાનો નિર્ણય લીધો. યમનના કાયદા મુજબ તેના માટે એક સ્થાનિક ભાગીદાર રાખવાનું જરૂરી હતું. તેથી નિમિષાએ મહદીને પોતાના ભાગીદાર બનાવ્યા.

મહદી પાસે કપડાંની દુકાન હતી અને તેમનાં પત્નીએ નિમિષા જ્યાં કામ કરતાં હતાં તે જ ક્લિનિકમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. જાન્યુઆરી 2015માં નિમિષા જ્યારે ભારત આવ્યાં ત્યારે મહદી પણ તેમની સાથે આવ્યા હતા.

નિમિષા અને તેમના પતિએ મિત્રો અને પરિવારજનોની મદદથી નાણાકીય ટેકા માટે 50 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. એક મહિના પછી નિમિષા પોતાનું ક્લિનિક શરૂ કરવા યમન પરત ફર્યાં હતાં.

તેઓ પોતાના પતિ થૉમસ અને દીકરીને ત્યાં બોલાવવા પ્રયાસ કરી રહ્યાં હતાં, એ જ સમયે યમનમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું.

આ ગાળામાં ભારતે યમનમાંથી 4600 ભારતીયો અને એક હજાર વિદેશી નાગરિકોને સલામત બહાર કાઢ્યા. પરંતુ નિમિષા તે વખતે ભારત પાછાં ન આવ્યાં.

થોડા જ સમયમાં નિમિષાની તકલીફો શરૂ થઈ ગઈ. તેમણે પોતાના ભાગીદાર મહદી સામે ફરિયાદો શરૂ કરી.

નિમિષાનાં માતા પ્રેમકુમારીએ દિલ્હી હાઇકોર્ટમાં 2023માં એક અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું, "મહદીએ નિમિષાના ઘરમાંથી તેમનાં લગ્નના ફોટા ચોરી લીધા હતા. ત્યાર બાદ તેણે આ ફોટામાં ચેડાં કર્યાં અને તેણે નિમિષા સાથે લગ્ન કર્યાં હોવાનો દાવો કરવા લાગ્યો."

તેમાં જણાવાયું હતું કે મહદીએ ઘણી વાર નિમિષાને ધમકી આપી હતી. તેમણે "નિમિષાનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. નિમિષાએ જ્યારે પોલીસને ફરિયાદ કરી તો પોલીસે તેમની છ દિવસ સુધી ધરપકડ કરી લીધી હતી."

નિમિષા પ્રિયા પર હત્યાનો આરોપ અને સજા

બીબીસી ગુજરાતી નિમિષા પ્રિયા ભારતીય નર્સ યમન કેરળ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિમિષા પ્રિયાના પરિવારના વકીલ મુજબ આ કેસમાં હજુ પણ કાનૂની વિકલ્પો બાકી છે

2017માં નિમિષાના પતિ થૉમસને માહિતી મળી કે મહદીની હત્યા થઈ ગઈ છે.

થૉમસને યમનથી સમાચાર મળ્યા કે, "નિમિષાને તેના પતિની હત્યાના આરોપમાં પકડવામાં આવ્યાં છે".

થૉમસ માટે આ આઘાતજનક સમાચાર હતા, કારણ કે નિમિષાના પતિ તો તેઓ હતા. પરિવારનું કહેવું છે કે મહદીએ નિમિષાના ફોટોગ્રાફને એડિટ કર્યા હતા અને પોતે નિમિષા સાથે લગ્ન કર્યાંનો દાવો કર્યો.

પાણીની એક ટાંકીમાંથી મહદીના શરીરના ટુકડા મળી આવ્યા હતા. એક મહિના પછી યમન-સાઉદી અરેબિયા સરહદે નિમિષાની ધરપકડ કરવામાં આવી.

બીબીસી ન્યૂઝ મુજબ, "દિલ્હી હાઇકોર્ટમાં ફાઇલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે મહદીએ ક્લિનિકની માલિકીના બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા અને તેના પર પોતાની માલિકીનો દાવો કર્યો હતો. તે ક્લિનિકમાંથી રૂપિયા પણ લેતો હતો અને નિમિષાનો પાસપોર્ટ પણ આંચકી લીધો હતો."

નિમિષા પ્રિયા પાસે હવે કયા કાનૂની વિકલ્પો બચ્યા છે?

બીબીસી ગુજરાતી નિમિષા પ્રિયા ભારતીય નર્સ યમન કેરળ
ઇમેજ કૅપ્શન, યમનના કાયદા મુજબ જો મહદીનો પરિવાર નાણાં લઈને તેના બદલામાં નિમિષાને માફ કરી દે તો નિમિષાને મૃત્યુદંડમાંથી બચાવી શકાય છે

નિમિષા પ્રિયાના પરિવારના વકીલ સુભાષચંદ્રને મહિનાઓ અગાઉ એક સમાચાર ચેનલને જણાવ્યું કે આ કેસમાં હજુ પણ કાનૂની વિકલ્પો ખુલ્લા છે.

તેમણે કહ્યું, "યમનમાં શરિયતના કાયદા છે. તે કાયદા મુજબ જો મહદીનો પરિવાર નિમિષાને માફ કરી દે તો નિમિષાને મૃત્યુદંડમાંથી બચાવી શકાય છે. પરંતુ યમનની હાલની સ્થિતિના કારણે અમે ત્યાં જઈ શકતા નથી. તેના કારણે અમે ભારત સરકારની મદદ માંગી છે."

સુભાષચંદ્રને વધુમાં જણાવ્યું કે, "જો ભારત સરકાર હસ્તક્ષેપ કરે અને પીડિતાના પરિવાર સાથે વાતચીત કરાવે તો ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ દ્વારા નક્કી થયેલી રકમ ચૂકવવા માટે નિમિષા પ્રિયાનો પરિવાર તૈયાર છે."

તેમણે કહ્યું કે, "શરૂઆતમાં જ જૂથના નેતાઓ સાથે વાતચીત થઈ હતી. પરંતુ મૃતકના પરિવારે હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો. મૃતકનો પરિવાર નાણાંના બદલામાં માફી આપવા તૈયાર થાય તો આ મામલો તાત્કાલિક ઉકેલાઈ જશે."

સુભાષચંદ્રને જણાવ્યું કે નિમિષાને બચાવવા માટે હવે માત્ર 30 દિવસનો સમય છે. જે બહુ ઓછો છે.

સુભાષચંદ્રને કહ્યું કે, "2017માં યમનમાં રાજકીય સંઘર્ષ થયો હતો અને તે જ સમયે આ ઘટના બની હતી. તેથી તે સમયે આ મામલે કોઈ કાયદાકીય મદદ મળી શકી ન હતી. તે દરમિયાન નિમિષા પાસે ઘણા દસ્તાવેજો પર સહી કરાવવામાં આવી હતી. આ હત્યાના ગુનાની કબૂલાત કરતા દસ્તાવેજો હતા."

તેમણે દાવો કર્યો કે સ્થાનિક કોર્ટમાંથી નિમિષાને કોઈ કાનૂની સહાયતા નહોતી મળી. "સજા જાહેર કરાયા પછી સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલમાં એક અપીલ દાખલ કરાઈ હતી. પરંતુ તેમાં પણ સજા ચાલુ રખાઈ હતી."

તેમણે જણાવ્યું કે યમનમાં હાલમાં ચાલતા રાજકીય સંઘર્ષના કારણે ભારત સરકારે લોકોને ત્યાં જવાની મનાઈ કરી છે. નિમિષા પ્રિયાનાં માતા પ્રેમાકુમારી ત્યાં જઈ શકે તે માટે મંજૂરી આપવા દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.

મંજૂરી મળ્યા પછી પ્રેમાકુમારી યમન ગયાં અને નવ મહિનાથી ત્યાં જ છે.

સુભાષચંદ્રનના કહેવા મુજબ, "આ કેસમાં હવે માત્ર કેન્દ્ર સરકાર જ કંઈક કરી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.