'વાવ-થરાદ'ને નવો જિલ્લો બનાવવાના નિર્ણયનો સ્થાનિકો જ કરી રહ્યા છે ઠેરઠેર વિરોધ, રોષનાં આપ્યાં આ કારણો

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી આઠ તાલુકા અલગ કરી નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરવાની સાથે જ વિરોધ પણ શરૂ થઈ ગયો છે.
દિયોદરના રહેવાસીઓએ વાવ-થરાદને બદલે દિયોદરને જિલ્લો બનાવવાની માગ સાથે બંધ પાળ્યો છે, તો ભાભરને જિલ્લો બનવવાની માંગ ઊઠી છે. ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈએ તો આ નિર્ણયનો જાહેરમાં વિરોધ કર્યો છે.
બીજી તરફ કાંકરેજ તાલુકાને નવા જિલ્લાને બદલે પાટણ જિલ્લામાં સમાવેશ કરવાની માંગ ઊઠી છે.
આ વિરોધને ખાળવા માટે ભાજપના સ્થાનિક નેતાઓએ પોસ્ટરોનો આશરો લીધો છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે વાવ-થરાદને નવો જિલ્લો અને નવાં મ્યુનિસિપલ કૉર્પોરેશન બનાવવાની જાહેરાતથી ગુજરાતનું શહેરીકરણ થયું છે.
નોંધનીય છે કે નવા વર્ષની પહેલી કૅબિનેટની મિટિંગમાં એટલે કે ગત બુધવારે ગુજરાત સરકારે કચ્છ પછી રાજ્યના બીજા સૌથી મોટા જિલ્લા બનાસકાંઠાનું વિભાજન કરી નવો 'વાવ-થરાદ' જિલ્લો બનવવાની સાથે નવ નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી.
આ સમગ્ર ઘટનાક્રમને નજીકથી જોતા વિશ્લેષકોનું માનવું છે કે નવ નવી મહાનગરપાલિકાઓની જાહેરાત થતાં ગુજરાતના 34 જિલ્લામાંથી 17 જિલ્લામાં મહાનગરપાલિકા બનતાં '50 ટકા ગુજરાત'નું શહેરીકરણ થયું છે.
વર્ષ 2012થી બનાસકાંઠામાંથી નવા જિલ્લા બનાવવાની માગ અવારનવાર ઊઠતી રહેતી હતી. જોકે, હવે જ્યારે આ જાહેરાત કરાઈ છે ત્યારે રાજકારણીઓની સાથોસાથ સ્થાનિકો પણ વિરોધ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા જિલ્લા અને નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત બાદ થઈ રહેલી 'ટીકા' અને 'વિરોધ'નાં કારણો જાણવા માટે બીબીસી ગુજરાતીએ સ્થાનિકો અને જાણકારો સાથે વાત કરી હતી.
થરાદને નવા જિલ્લાનું વડું મથક જાહેર કરવાના નિર્ણયનો વિરોધ

ઇમેજ સ્રોત, Kalpesh Thakor
વાવ-થરાદ નામના નવા જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાનો સમાવેશ થશે.
નવી જાહેરાત બાદથી બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા રહેશે. તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાનો બનાસકાંઠામાં કરવામાં આવ્યો છે.
નવા જાહેર કરાયેલ વાવ-થરાદનું વડું મથક થરાદમાં રહેશે જેનો વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિકો નવા જિલ્લાનું વડું મથક થરાદને બદલે દિયોદર રાખવાની માંગ કરી રહ્યા છે. આ માંગ સાથે જ દિયોદરમાં બંધ પાળવામાં આવ્યો હતો.
ત્યારે ભાભરના લોકોએ પણ નવા જિલ્લાનું વડું મથક થરાદને બદલે ભાભરમાં રાખવાની માંગ ઉઠાવી છે.

દિયોદરના વેપારી જશવંતસિંહ ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "નવો જિલ્લો બનવાથી અમને આનંદ છે, પણ દિયોદરમાં તમામ સરકારી કચેરીઓની સુવિધા છે અને આસપાસના તમામ તાલુકાઓ નજીકમાં છે, ત્યારે નવો જિલ્લો બનતાં નવી સરકારી કચેરીઓ ઊભી કરવાથી સરકારી તિજોરીઓ પર ભારણ વધશે. આથી અમે દિયોદરના લોકો થરાદને નવા જિલ્લાનું વડું મથક બનાવવાનો વિરોધ કરી રહ્યા છીએ, એટલે જ દિયોદર બંધનું એલાન કરાયું છે."
ભાભરના અગ્રણી વિક્રમસિંહ રાઠોડે પણ આ નિર્ણય સામે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "થરાદને નવા જિલ્લાનું વડું મથક બનવવાથી નાના તાલુકાના લોકોને ભારણ પડશે. અહીં કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી નથી અને ભાભર વેપારનું વડું મથક છે, ત્યારે થરાદને બદલે ભાભરને વડું મથક બનાવવું જોઈએ."
તો કાંકરેજના કનકસિંહ ઠાકોરે કહ્યું કે કાંકરેજનો પાટણ જિલ્લામાં સમાવેશ કરાય તો તેમના તાલુકાની જનતાને ફાયદો થાય. કાંકરેજને નવા જિલ્લામાં સમાવી સરકારે તેમની સમસ્યામાં વધારો કર્યો છે.
શું કહે છે નેતાઓ?

ઇમેજ સ્રોત, Mavji Patel/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપના નેતાઓનો દાવો છે કે થરાદને નવા જિલ્લાનું વડું મથક જાહેર કરવાના નિર્ણયથી વિસ્તારના વિકાસ માટે વધુ કામ કરી શકાશે.
ભાજપના ભૂતપૂર્વ સાંસદ પરબત પટેલે કહ્યું કે, "થરાદમાં સારી સંખ્યામાં સરકારી કૉલેજ અને અન્ય સરકારી કચેરીઓ હોવાથી વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત કરાઈ છે. થરાદ વડું મથક બનશે તો એનો સામાન્ય લોકોને ચોક્કસપણે ફાયદો થશે."
ધાનેરાના કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે ધાનેરાનો નવા જિલ્લામાં સમાવેશ કરાયાની વાતને 'તઘલખી નિર્ણય' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કાંકરેજ અને ધાનેરા બનસકાંઠા જિલ્લામાં જ રહેવાં જોઈએ, જેથી સામાન્ય લોકોને વધુ સુવિધા મળી શકશે.
બીજી તરફ ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી પટેલે કહ્યું હતું કે, "સામાજિક આગેવાનો અને સરપંચોએ વાવ-થરાદ તાલુકામાં ધાનેરાને ન સામેલ કરવાની માગણી કરી હતી. જેના કારણે મુખ્ય મંત્રીને પત્ર પણ લખ્યો છે, પણ કોઈ જવાબ મળ્યો નથી."
માવજી પટેલેનો દાવો છે કે, "અમને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય કરાયો છે. જેનાથી વેપારીઓ અને વિદ્યાર્થીઓને ભારે નુકસાન થાય એમ છે. કારણકે અહીંના વેપારીઓને વેપાર માટે અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પાલનપુર અને અમદાવાદ નજીક પડે છે ત્યારે એનો સમાવેશ બનાસકાંઠામાં જ થવો જોઈએ. આ નિર્ણયની જાહેરાત થઈ ત્યારે મેં મુખ્ય મંત્રીને મળવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સમય અપાયો નહીં. એ સમય આપશે એટલે રજૂઆત કરીશું , નહીંતર અમે પણ દિયોદરની માફક વિરોધ કરીશું."
સરકારી ગ્રાન્ટમાં શો ફેર પડશે?

ઇમેજ સ્રોત, IRUSHIKESHPATEL/FB
નવા જિલ્લાની જાહેરાત કરતા ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી, ભૌગોલિક, આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યું છે."
"આના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓના રહેવાસીઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જેટલું અંતર કાપવું પડતું, તેમાં સરેરાશ 35થી 85 કિમી ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે."
આ ઉપરાંત તેમણે નવો જિલ્લો બનવાથી સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં વધારો થશે એવો તેમજ બંને જિલ્લાની જનતાને મળતી માળખાકીય સુવિધાઓમાં વધારો થશે એવો દાવો કર્યો હતો.
નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં નવા જિલ્લા અને નવ નવી મહાનગરપાલિકાઓના નિર્ણયથી 'એક મોટા વિસ્તારનું શહેરીકરણ' થયું છે.
આ નિર્ણયને કારણે આ વિસ્તારોમાં ઝડપથી વિકાસ થવાની અને લોકોની જીવનજરૂરિયાતને લગતી પાણી-વીજળીની સમસ્યાઓનો ઝડપથી ઉકેલ આવવાની સંભાવના હોવાનું નિષ્ણાતો માને છે.
ગુજરાતના નિવૃત્ત સનદી સેવાના અધિકારી જે.એન. સિંહે આ અંગે કહ્યું હતું કે, "કચ્છ પછી બીજો મોટો જિલ્લો બનાસકાંઠા હતો. બે જિલ્લામાં વહેંચાવાથી સરકારી પ્રક્રિયાઓ સરળ થશે. આ વિસ્તારમાં પાણી અને વીજળીની સમસ્યા છે, એ ઝડપથી દૂર થશે તો નવા ઉદ્યોગો આવશે અને રોજગાર પણ વધી શકે એમ છે."
બીજી તરફ સનદી સેવાના ભૂતપૂર્વ અધિકારી ડૉ. અમરજિતસિંહે નવો જિલ્લો બનવાથી વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ વધુ તીવ્ર ગતિએ થશે એવો દાવો કર્યો હતો.
તેમણે કહ્યું કે, "આ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી ઉદ્યોગો અને રોજગાર વધશે અને આ વિસ્તારના તાલુકાઓમાંથી શહેરો તરફ જવાનું પ્રમાણ ઘટશે, કારણ કે આ વિસ્તારમાં ડેરી, મધ અને બટાકા તથા દાડમની ખેતી સારા પ્રમાણમાં થાય છે. નર્મદાના પાણી ત્યાં પહોંચ્યાં છે, ત્યારે ઍગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી આવશે તો જિલ્લાનો વિકાસ થશે."
શું કહે છે રાજકીય વિશ્લેષકો?

ઇમેજ સ્રોત, Paresh Padiyar
સૌરાષ્ટ્રના અખબાર ફૂલછાબના ભૂતપૂર્વ તંત્રી તેમજ રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા અનુસાર, આ જાહેરાતને સમગ્ર રાજ્યના પરિપેક્ષ્યમાં જોઈએ તો આ 'ભાજપની લાંબા ગાળાની વ્યૂહરચના' છે. હવે રાજ્યમાં 34 જિલ્લા થયા છે, ત્યારે સરકારે નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરી છે. 34 જિલ્લમાં 17 મહાનગરપાલિકાઓ હશે.
તેઓ આ નિર્ણય 'રાજકીય લાભ'ના હેતુથી લેવાયેલ પગલું હોવાનો ઇશારો કરતાં કહે છે કે, "આવું જ અગાઉ તામિલનાડુમાં ડીએમકે સરકારે 2021માં અને બિહારમાં જનતા દળ યુનાઇટેડની સરકારે 2022માં કર્યું હતું, જેના કારણે એ લોકો સત્તા પર પરત આવ્યા હતા. હવે વિધાનસભા ક્ષેત્રના ડિલિમિટેશનનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે નવો જિલ્લો અને નવી મહાનગરપાલિકાઓની રચના થતાં એનો નવા સીમાંકનમાં ભાજપને ફાયદો થઈ શકે છે."
કૌશિક મહેતા આ સંપૂર્ણ પ્રક્રિયાનો ચૂંટણીમાં ભાજપને લાભ થવાનું અનુમાન કરતા કહે છે કે, આગળ કહ્યું કે, "2012માં નવું સીમાંકન થયું એ પહેલાં 2002માં જૂનાગઢમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન બનાવાયું હતું, ત્યાર બાદ 2010માં ગાંધીનગર નવી મહાનગરપાલિકા બનાવાઈ હતી. ત્યાર બાદ ભાજપતરફી પરિણામો જોવા મળ્યાં છે. હાલની જાહેરાતમાં અર્ધશહેરી વિસ્તારોને મહાનગરપાલિકામાં સમાવવાનો નિર્ણય કરાયો છે."
કૌશક મહેતા ઉદાહરણ આપતાં જણાવે છે કે, "જેમ કચ્છ લોકસભાની બેઠકમાં મોરબીની વિધાનસભા બેઠક આવ્યા પછી જ્ઞાતિવાર સમીકરણો બદલાયાં છે, એવી જ રીતે ભાજપનો ગઢ ગણાતી ખાડિયા બેઠક નવા સીમાંકનમાં જમાલપુર ખાડિયા થઈ પછી જ્ઞાતિવાર સમીકરણો બદલાયાં છે. એવી રીતે નવા સીમાંકન વખતે જ્ઞાતિવાર ગણિતો બદલાશે અને એનો ભાજપને ફાયદો થઈ શકે છે."
તો જાણીતા રાજકીય વિશ્લેષક પ્રફુલ્લ ત્રિવેદીનું માનવું છે કે નવી નવ મહાનગરપાલિકા બનવાથી હવે જે તે શહેરમાં આવેલાં નાનાં ગામોનો શહેરમાં સમાવેશ થશે, એટલે સુવિધા વધશે પણ પ્રાથમિક સુવિધા માટે સરકાર જમીન સંપાદિત કરશે. એટલે જમીનના ભાવ વધશે અને ખેડૂતો જમીનના ભાવ વધતા ખેતીની જમીન વેચશે એટલે ખેતીની જમીન ઘટતી જશે.
પ્રફુલ્લ ત્રિવેદી આ નિર્ણયથી ખેતી માટે ઉપલબ્ધ જમીન અને એકંદરે ખેતી અને વહીવટી ખર્ચની બાબતે લોકો પર નકારાત્મક અસર થવાની વાત કરે છે.
તેઓ કહે છે કે, "વર્ષ 2010માં જ્યારે ગાંધીનગરમાં ગામડાં ભેળવવામાં આવ્યાં ત્યારે જમીનના બાવ વધતાં ખેડૂતોએ જમીન વેચી. આ વખતે પણ આવું બની શકે છે. કારણ કે જિલ્લા પંચાયતને જમીન એનએ, એનઓસી કરી આપવાની સત્તા નથી, મહાનગરપાલિકા બનતાં આ સત્તા મળશે. જમીનો વેચાશે તો માઠી અસર ખેતી પર થશે."
તેમણે આગળ કહ્યું કે, "એટલું જ નહીં મહાનગરપાલિકાઓ થતાં પ્રાથમિક સુવિધા વધવાની સાથે વહીવટી ખર્ચ વધશે એટલે વેરા પણ વધશે. જેનું ભારણ લોકો પર આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












