ગુજરાત : ત્રણ સિંહબાળનાં મોત થતાં વિભાગે બે સિંહણ અને તેનાં છ બચ્ચાંને કેમ પાંજરે પૂર્યાં?

ગીર સિંહનાં મૃત્યુ કેમ થયા, સિંહો રૅસ્ક્યૂ, સીડીવી વાઇરસ અને સિંહોનાં મૃત્યુ, બબેસીઓસીસ, બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમરેલી જિલ્લાના કાગવદર ગામમાંથી ત્રણ દિવસના ગાળામાં સિંહોનાં ત્રણ બચ્ચાંનાં મોત થતાં વનવિભાગના સ્થાનિક અધિકારીઓ સતર્ક થઈ ગયા છે.

આ સાથે જ વનવિભાગે એ જ ગ્રૂપનાં છ બચ્ચાં અને બે સિંહણોને પાંજરે પૂરી તેમના વિવિધ પ્રકારના લૅબોરેટરી ટેસ્ટ કરવાની કવાયત હાથ ધરી છે, પણ સાથે જ ભારપૂર્વક જણાવ્યું છે કે પ્રાથમિક અહેવાલોમાં ચેપી રોગનાં કોઈ એંધાણ મળ્યાં નથી.

કાગવદર ગામ અમરેલીના જાફરાબાદ તાલુકામાં આવેલું છે. આ કંથારિયા ખાલસા ગામે ગત 4 નવેમ્બરે એક સિંહણે સાત વર્ષની બાળકી પર હુમલો કરતા તે બાળકીનું મૃત્યુ થયું હતું.

આ વિસ્તાર શેત્રુંજી વન્યપ્રાણી વિભાગની જાફરાબાદ રેન્જમાં આવે છે અને કેટલાક સિંહો ઘણાં વર્ષોથી આ વિસ્તારમાં સ્થાયી થયા હોવાનું વનવિભાગના સ્થાનિક અધિકારીઓ કહે છે.

ટૂંકા ગાળામાં સિંહનાં ત્રણ બચ્ચાંનાં મોત

ગીર સિંહનાં મૃત્યુ કેમ થયા, સિંહો રૅસ્ક્યૂ, સીડીવી વાઇરસ અને સિંહોનાં મૃત્યુ, બબેસીઓસીસ, બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા શેત્રુંજી વન્યપ્રાણી વિભાગના નાયબ વનસરંક્ષક ધનંજયકુમાર સાધુએ જણાવ્યું કે કાગવદર વિસ્તારમાં 27 જુલાઈ અને 28 જુલાઈના રોજ એક-એક સિંહબાળનું મૃત્યુ નોંધાયું હતું. ત્યાર પછી 30 જુલાઈએ વધારે એક સિંહના બચ્ચાનું મૃત્યુ ધ્યાને આવ્યું.

ધનંજયકુમાર સાધુએ કહ્યું, "આ ત્રણેય બચ્ચાં ત્રણથી ચાર મહિનાની ઉંમરનાં હતાં. પ્રાથમિક અહેવાલમાં પશુ ડૉક્ટરે જણાવ્યું છે કે સિંહોનાં આ બચ્ચાંનાં મોત ન્યુમોનિયા (જેમાં ફેફસાંમાં કફ ભરાઈ જાય છે) અને એનિમિયાને કારણે થયાં છે."

"આવાં મૃત્યુ અસામાન્ય ન કહેવાય, કારણ કે જન્મેલાં બધાં બચ્ચાં મોટાં થઈ શકતાં નથી. આ એક કુદરતી ક્રમ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ બચ્ચાંનાં મોત કોઈ ઝડપથી ફેલાતા ચેપી રોગથી નહીં, પરંતુ કુદરતી રીતે નબળાઈના કારણે થયાં છે."

અહીં નોંધનીય છે કે સિંહોનાં ત્રણ બચ્ચાંનાં મોત પછી રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમણે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાનું આ ઘટના તરફ ધ્યાન દોર્યું છે અને જરૂરી પગલાં લેવા રજૂઆત કરી છે.

પાંજરાં ફિટ કરી બે સિંહ અને તેનાં છ બચ્ચાંને પૂર્યાં

ટૂંકા ગાળામાં જ સિંહોનાં ત્રણ બચ્ચાંનાં મોત થતાં વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતર્ક થઈ ગયા અને તેમણે સિંહના તે ગ્રૂપમાં રહેલાં અન્ય સિંહોને રેસ્ક્યૂ કરવાનો નિર્ણય કર્યો.

વનવિભાગે કાગવદર અને બાલાનીવાવ ગામો વચ્ચે પાંજરાં ગોઠવ્યાં અને સિંહણો તથા સિંહબાળોને તેમાં પૂરી દેવાના પ્રયાસો ચાલુ કર્યા.

ધનંજયકુમાર સાધુએ બીબીસીને શુક્રવારે કહ્યું, "ત્રીજા બચ્ચાનું 30મી જુલાઈની બપોર પછી મોત થતાં અમે સાવચેતીના પગલારૂપે તે ગ્રૂપનાં અન્ય બચ્ચાં અને સિંહણોને રેસ્ક્યૂ કરી તેમની તબિયત ચકાસી લેવાનો નિર્ણય કર્યો."

"તેથી, અમે પાંજરા ફિટ કરી તે જ દિવસે તે ગ્રૂપનાં બાકી રહેલાં અન્ય છ બચ્ચાં અને બે સિંહણોને તેમાં પૂરવામાં સફળતા રહ્યા. રેસ્ક્યૂ કર્યા બાદ તેમના સ્વાસ્થ્યની તપાસ માટે આ છ બચ્ચાં અને બે સિંહણોને જાફરાબાદ નજીક આવેલાં બાબરકોટ વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઈ જવાયાં હતાં અને હજુ પણ તે વેટરનરી ડૉક્ટર અને અમારા સ્ટાફની દેખરેખ હેઠળ ત્યાં જ છે."

સિંહોને કોઈ ચેપી રોગ ન હોવાનો દાવો

ગીર સિંહનાં મૃત્યુ કેમ થયા, સિંહો રૅસ્ક્યૂ, સીડીવી વાઇરસ અને સિંહોનાં મૃત્યુ, બબેસીઓસીસ, બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર

કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ સામાન્ય રીતે શ્વાનકુળનાં શિયાળ, વરુ, લોંકડી, કૂતરાં વગેરે પ્રાણીઓને અસર કરતો વાઇરસ છે. સીડીવીનો ચેપ લાળ તેમજ શરીરમાંથી નીકળતા અન્ય પ્રવાહીથી ફેલાય છે, પરંતુ આ વાઇરસ સિંહોને પણ અસર કરી શકે છે.

આ વાઇરસ સિંહોની રોગપ્રતિકારક શક્તિ, ચેતાતંત્ર, શ્વસનતંત્ર વગેરે પર અસર કરી મોત નીપજાવે છે. 1994માં આફ્રિકા ખંડના તાન્ઝાનિયા દેશના સેરેન્ગેટીમાં CDVનો ચેપ ફેલાતા 1000 સિંહો મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ હતો.

ગીરના જંગલમાં સપ્ટેમ્બર-2018માં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ગીર પૂર્વ વન્યપ્રાણી વિભાગની દલખાણિયા રેન્જમાં સિંહોમાં સીડીવી ફેલાઈ જતાં ત્રણેક અઠવાડિયાંમાં જ સત્તરથી વધારે સિંહોના મૃત્યુ નોંધાયાં હતાં.

ગીર સિંહનાં મૃત્યુ કેમ થયા, સિંહો રૅસ્ક્યૂ, સીડીવી વાઇરસ અને સિંહોનાં મૃત્યુ, બબેસીઓસીસ, બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સીડીવીની સાથે બબેસીઓસિસ રોગ પણ ફેલાતા સિંહોનાં ટપોટપ મોત થયાં હતાં. બબેસીઓસીસ પ્રોટોઝોઆ વિષાણુથી થતો રોગ છે અને તે ઈતરડી કરડવાથી ફેલાય છે.

આ રોગના વિષાણુ લોહીમાં રહેલા રક્તકણોને અસર કરે છે, પરિણામે ભોગ બનેલાં પશુને એનિમિયા થઈ જાય છે અને મોત પણ થઈ શકે છે.

ગીરમાં 2020માં પણ ઉનાળાની શરૂઆતમાં બબેસીઓસીસ ફેલાયેલો અને ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જ, જસાધાર રેન્જ અને હડાળા રેન્જમાં વીસેક સિંહોનો ભોગ લીધો હતો.

પરંતુ શેત્રુંજીના નાયબ વનસંરક્ષકે કહ્યું, હાલ આવા કોઈ રોગની ભીતિ નથી.

તેમણે કહ્યું: "સીડીવી કે બબેસીઓસીસની હાલ કોઈ શંકા નથી, પરંતુ ત્રણ મૃત્યુ બાદ સ્થાનિક કક્ષાએથી ચકાસણી કરી લેવાની માગ ઊઠતા અમે છ બચ્ચાં અને બે સિંહણોને રેસ્ક્યૂ કરીને તેમનું ડીવૉર્મિંગ (ઈતરડી વગેરે જેવા પરોપજીવીઓને દૂર કરવાની પ્રક્રિયા) થઈ રહ્યું છે.

રેસ્ક્યૂ કરાયેલાં સિંહણો અને બચ્ચાં આમ તો સામાન્ય દેખાય છે, પરંતુ સાવચેતી રૂપે અમે તેમના લોહીના નમૂના લૅબોરેટરી ટેસ્ટ માટે મોકલ્યા છે અને રિપોર્ટ્સની રાહ જોઈ રહ્યા છીએ. રિપોર્ટ્સ નૉર્મલ આવશે તો અમે આ બચ્ચાં અને સિંહણોને તેમના વિસ્તારમાં મુક્ત કરી દઈશું."

ધનંજયકુમાર સાધુએ એમ પણ કહ્યું કે આ ગ્રૂપની ત્રીજી સિંહણનું રેસ્ક્યૂ કરવામાં નથી આવ્યું, કારણ કે તે એકદમ સ્વસ્થ દેખાતી હતી.

ધનંજયકુમાર સાધુએ ઉમેર્યું, "તેમ છતાં અમારો ફિલ્ડ સ્ટાફ તેની પર પણ નજર રાખી રહ્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન