શું તમે કદી તમારા ભૂતપૂર્વ પ્રેમી કે પ્રેમિકાના દોસ્ત બની શકો?

ઇમેજ સ્રોત, RyanKing999
- લેેખક, એમિલી હોલ્ટ
- વાંચવાનો સમય: 4 મિનિટ
સંબંધ વિચ્છેદ મુશ્કેલ હોય છે. જેની સાથે આપણે નિકટતા ધરાવતાં હોઈએ, તે વ્યક્તિ એકાએક આપણા જીવનમાંથી જતી રહે છે. ભૂતપૂર્વ પ્રેમી કે પ્રેમિકાના મિત્ર બનવું પણ એટલું જ પીડાદાયક હોય છે.
ડેટિંગને લગતા પુસ્તક 'મિલેનિયલ લવ'નાં લેખિકા ઓલિવિયા કહે છે, "સાચું કહું તો, મારાં ઘણાં ઓછાં એવાં મિત્રો છે, જેઓ તેમના ભૂતપૂર્વ પાર્ટનર સાથે દોસ્તી ધરાવતાં હોય."
અહીં ચાર પ્રશ્નો આપવામાં આવ્યા છે, જે તમારે મૈત્રી ટકાવી રાખવી કે પછી સંપર્ક કાપી નાખવો જોઈએ - તે નક્કી કરતાં પહેલાં પૂછવા જરૂરી છે.
1. સંબંધ કેટલો ગંભીર હતો?

ઇમેજ સ્રોત, Getty Images
"મારે જે એકાદ બે પુરુષો સાથે ટૂંકા ગાળાનો અને અનૌપચારિક રોમૅન્ટિક સંબંધ રહ્યો હતો, તે સંબંધ હવે મિત્રતામાં પલટાયો છે," એમ ઓલિવિયાએ બીબીસી રેડિયો 4ના વિમૅન્સ આવરને જણાવ્યું હતું.
તેઓ કહે છે, "કહેવાનો અર્થ એ છે કે, 'અમે ત્યાં સુધી પહોંચી ચૂક્યાં છીએ, કે જેથી અમારા માટે કોઈ તણાવ વિના નિકટતાપૂર્ણ મિત્રતા ટકાવી રાખવી સરળ બની જાય છે.'"
પણ જ્યારે ગંભીર સંબંધોની વાત આવે છે, ત્યારે ઓલિવિયા કહે છે કે, તેઓ તેમની સાથે સુમેળભર્યા સંબંધ ધરાવે છે, પણ તેઓ ગાઢ મિત્રો નથી.
ડેટિંગ અને રિલેશનશિપ કોચ કૅટ મૅન્સફિલ્ડ કહે છે કે, અનૌપચારિક સંબંધોમાં જીવન સાથે જોડાયેલી ઓછી ગંભીર સમસ્યાઓ હોવાથી તે સંબંધનું મૈત્રીમાં સરળતાથી રૂપાંતરણ થવાની શક્યતા રહે છે.
પરંતુ, અમુક વખત અનૌપચારિક સંબંધો વધુ તીવ્ર ભાવનાઓને જન્મ આપી શકે છે, કારણ કે, તે ઘણી વખત વધુ તીવ્ર હોય છે, એમ તેઓ જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅટના મતે, "તેનો આધાર સંબંધ કેવી રીતે સમાપ્ત થયો? સંબંધનો અંત કોણે આણ્યો? આ સંબંધ વિચ્છેદ પરસ્પરની સંમતિથી થયો હતો કે, કોઈ એક વ્યક્તિએ સંબંધ પૂરો કરવાનો નિર્ણય લીધો હતો? વગેરે જેવાં પરિબળો પર રહે છે."
2. શું તમે તેમનાથી ઉબાઈ ચૂક્યા છો?

ઇમેજ સ્રોત, Olivia Petter
સૌથી મોટા અવરોધો પૈકીનો એક અવરોધ છેઃ શું તમે તે વ્યક્તિમાંથી રોમાન્સને અલગ કરી શકશો ખરા?
કૅટ કહે છે, "તમારે બ્રેક-અપને બરાબર સમજી લેવું પડે છે, કેવળ વ્યવહારુ રીતે નહીં, બલ્કે સાંવેદનિક રીતે પણ આગળ વધવું જરૂરી છે."
તેઓ સમજાવે છે કે, સંબંધ બહાર પણ તમારી વચ્ચે કેટલી સમાનતાઓ છે, જેમકે, વાસ્તવિક રુચિઓ. જો સંબંધ પૂર્ણપણે આકર્ષણ પર જ નભેલો હોય, તો તેને ચાલુ રાખવો વધુ કઠિન થઈ જશે.
આ ઉપરાંત, તમે શા માટે મિત્રો રહેવા માગો છો, તે વિશે પ્રામાણિક રહેવું પણ આવશ્યક છે.
કૅટ કહે છે, "જો તમને હજુયે એવી આશા હોય કે, સામેની વ્યક્તિ તેનું મન બદલશે કે પછી તમે તેમની ડેટિંગ લાઇફ પર નજર રાખવા માટે તેમની સાથે જોડાયેલા છો, તો તે મિત્રતાના સ્વાંગમાં છૂપાયેલો લગાવ છે."
અંતમાં, મિત્રો બનીને રહેવું માત્ર ત્યારે જ કારગત નીવડે છે, જ્યારે બંને વ્યક્તિઓએ સંબંધના અંતને ખરા અર્થમાં સ્વીકારી લીધો હોય અને બંનેમાંથી એક પણ પાર્ટનર કોઈ છૂપો હેતુ ન ધરાવતો હોય, એમ તેઓ ઉમેરે છે.
3. સંબંધમાં કેટલો સમય વીતી ચૂક્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રેમીમાંથી તરત જ મિત્રો બની જવાનો સમય પાર કરવો મુશ્કેલ છે.
"થોડો વિરામ લઈને આત્મચિંતન માટે થોડો સમય નીકાળવો જરૂરી છે," એમ ઓલિવિયા કહે છે.
કૉમેડિયન તથા લેખિકા રોઝી વિલ્બી કહે છે કે, તેઓ તેમની ઍક્સ-ગર્લફ્રૅન્ડ્ઝ સાથે સફળ સંબંધો જાળવી રાખી શક્યાં છે.
રોઝી અને તેમનાં ઍક્સ-ગર્લફ્રૅન્ડ ડૉનાએ રોઝીનાં માતાના અવસાન પછી તરત જ સંબંધ તોડી નાખ્યો હતો અને ઘરમાં આગ લાગવાથી બંનેનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
તેઓ કહે છે કે, તેમણે લગભગ ત્રણ સપ્તાહ સુધી એકમેકનો સંપર્ક સાધ્યો ન હતો.
"તે સમયે અમે કદાચ આટલું જ કરી શક્યાં હતાં, કારણ કે, અમે ગાઢ સંબંધ ધરાવતાં હતાં અને અમને એકબીજાંની જરૂર હતી," એમ રોઝી કહે છે.
હવે 25 વર્ષ પછીઃ "ડૉના મારી બહેન જેવી છે," એમ રોઝી કહે છે.
4. શું તમારા નવા પાર્ટનરને તેની સામે કોઈ વાંધો તો નથીને?

ઇમેજ સ્રોત, Rosie Wilby
કૅટ કહે છે કે, જો તમે મિત્રો બનીને રહેવાનું નક્કી કરો છો, તે સ્થિતિમાં - જો બીજી વ્યક્તિ નવા સંબંધમાં જોડાય છે, તો તમે બંને શું કરશો - તે વિશે તમારે બંનેએ ખુલીને ચર્ચા કરવી જોઈએ.
અને જો નવા પાર્ટનરને આ મૈત્રી સામે વાંધો હોય, તો તમારે તેની ચિંતાને ગંભીરતાથી લેવી જોઈએ, એવી સલાહ કૅટ આપે છે.
તેઓ જણાવે છે, "વાત કેવળ અસુરક્ષાની નથી હોતી, કેટલીક વખત તેની સાથે વાજબી ચિંતા પણ જોડાયેલી હોય છે."
તમારે તમારા ભૂતપૂર્વ પાર્ટનર સાથે આ વિશે વાત કરવી જોઈએ જેથી, "સંપર્ક ઓછો કરી શકાય, મોટાભાગે ગ્રૂપમાં જ મળી શકાય, વગેરે જેવા ઉપાયો વિચારી શકાય," એમ તેઓ કહે છે.
ઓલિવિયા કહે છે કે, સ્ત્રીઓ તેમના પુરુષ પાર્ટનર્સની ઍક્સ પાર્ટનર્સને જોખમ તરીકે જોતી હોય છે.
પરંતુ, રોઝી કહે છે કે, એલજીબીટી સમુદાયોમાં ભૂતપૂર્વ પાર્ટનરના મિત્ર બનીને રહેવું સામાન્ય બાબત છે.
"ત્યાં તદ્દન જુદા જ વ્યવહારો ચાલતા હોય છે," એમ તેઓ કહે છે.
5. સંપર્ક ક્યારે તોડી નાખવો?

ઇમેજ સ્રોત, Getty Images
કૅટ કહે છે કે, જો સ્થિતિ સંવેદનાત્મક રીતે કે શારીરિક રીતે અપમાનજનક હોય, એકમેક પ્રત્યેનો વિશ્વાસ તૂટી ગયો હોય કે પછી વ્યક્તિ હજુયે કોઈની સાથે રોમૅન્ટિક રીતે જોડાયેલી હોય, તો તેવી સ્થિતિમાં મિત્રતા શક્ય નથી હોતી.
"કેટલીક વખત આ પ્રકરણ બંધ થઈ ચૂક્યું છે, તે હકીકત સ્વીકારી લેવામાં જ બંનેનું હિત રહેલું હોય છે," એમ તેઓ કહે છે.
ઓલિવિયા કહે છેઃ "મેં જેમની સાથેનો સંપર્ક સદંતર તોડી નાખ્યો છે, તે એવા લોકો છે, જેમણે મને એક યા અન્ય રીતે ગંભીર નુકસાન પહોંચાડ્યું હોય."
તેઓ કહે છે કે, તેમની મોટાભાગની મિત્રો ભૂતપૂર્વ પ્રેમીઓ સાથે સંપર્કમાં નથી.
"મને લાગે છે કે, ભૂતકાળને ભૂતકાળમાં જ છોડી દેવાનો અભિગમ પ્રવર્તે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












