વેનેઝુએલા બાદ એ પાંચ દેશો જે હોઈ શકે છે ટ્રમ્પના નિશાના પર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટોમ બેનૅટ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ તેમની વિદેશ નીતિની મહત્ત્વાકાંક્ષાઓ દ્વારા આકાર પામી રહ્યો છે.
વેનેઝુએલા સામેની ધમકીઓ પછી, ટ્રમ્પે રાત્રે નાટ્યાત્મક દરોડા પાડીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને તેમનાં પત્નીને કારાકાસસ્થિત તેમના મજબૂત કિલ્લેબંધીવાળા કમ્પાઉન્ડમાંથી પકડી લીધા હતા. આ ઑપરેશનનું વર્ણન કરતી વખતે ટ્રમ્પે 1823ના 'મોનરો સિદ્ધાંત' (Monroe Doctrine) નો ઉલ્લેખ કર્યો હતો, જે પશ્ચિમી ગોળાર્ધમાં અમેરિકાના વર્ચસ્વની હિમાયત કરે છે.
ટ્રમ્પે હવે તેનું નામ બદલીને 'ડોનરો સિદ્ધાંત' (Donroe Doctrine) આપ્યું છે. તાજેતરના દિવસોમાં વૉશિંગ્ટનના પ્રભાવ હેઠળ રહેલા દેશોને પણ તેમણે ચેતવણી આપી છે. હવે ટ્રમ્પની નજર કયા દેશો પર હોઈ શકે છે?
ગ્રીનલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા પાસે ગ્રીનલૅન્ડમાં પહેલેથી જ એક સૈન્ય મથક - 'પિટુફિક સ્પેસ બેઝ' - છે, પરંતુ ટ્રમ્પ હવે આ આખા ટાપુને મેળવવા માંગે છે.
તેમણે પત્રકારોને જણાવ્યું કે, "રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી આપણને ગ્રીનલૅન્ડની જરૂર છે, કારણ કે આ પ્રદેશ અત્યારે રશિયન અને ચીની જહાજોથી ઘેરાયેલો છે."
ડેનમાર્ક રાજ્યનો ભાગ ગણાતો આ વિશાળ આર્કટિક ટાપુ અમેરિકાના ઉત્તર-પૂર્વથી આશરે 2000 માઇલ દૂર આવેલો છે. તે પૃથ્વી પરના એવા દુર્લભ ખનિજોથી સમૃદ્ધ છે, જે સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનો અને લશ્કરી સાધનોના ઉત્પાદન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
હાલમાં આ ખનિજોના ઉત્પાદનમાં ચીન અમેરિકા કરતા ઘણું આગળ છે. ગ્રીનલૅન્ડ ઉત્તર એટલાન્ટિકમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે, જે આર્કટિક સર્કલ સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. આગામી વર્ષોમાં ધ્રુવોનો બરફ ઓગળતાં અહીં નવા દરિયાઈ માર્ગો ખૂલવાની પણ શક્યતા છે.
ગ્રીનલૅન્ડના વડાપ્રધાન જેન્સ ફ્રેડરિક નીલ્સને ટ્રમ્પને જવાબ આપતાં ટાપુ પર અમેરિકાના નિયંત્રણની વાતને એક 'કલ્પના' ગણાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "હવે કોઈ દબાણ કે આડકતરી ધમકીઓ નહીં ચાલે. દેશ પચાવી પાડવાની કલ્પનાઓ હવે છોડી દો. અમે સંવાદ અને ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ તે યોગ્ય માધ્યમો દ્વારા અને આંતરરાષ્ટ્રીય કાયદાના આદર સાથે થવું જોઈએ."
સોમવારે ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને જણાવ્યું કે, "જ્યારે ટ્રમ્પ એમ કહે કે તેઓ ગ્રીનલૅન્ડ ઈચ્છે છે, ત્યારે તેમની વાતને ગંભીરતાથી લેવી જોઈએ."
તેમણે ડેનમાર્કના સરકારી પ્રસારણકર્તા 'ડીઆર'ને જણાવ્યું કે, "મેં ડેનમાર્કનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ગ્રીનલૅન્ડ વારંવાર કહી ચૂક્યું છે કે તે યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ બનવા માંગતું નથી."
કોલંબિયા

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વેનેઝુએલામાં થયેલા ઑપરેશનના થોડા જ કલાકોમાં ટ્રમ્પે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોને ચેતવણી આપતાં કહ્યું કે તેઓ 'પોતાનું ધ્યાન રાખે'.
વેનેઝુએલાના પાડોશી દેશ કોલંબિયામાં તેલના મોટા ભંડાર છે અને તે સોનું, ચાંદી, નીલમ, પ્લેટિનમ તથા કોલસાનો મુખ્ય ઉત્પાદક છે. આ પ્રદેશ ડ્રગ્સના વેપાર (ખાસ કરીને કોકેઈન) માટેનું મુખ્ય કેન્દ્ર પણ છે.
સપ્ટેમ્બરમાં જ્યારે અમેરિકાએ કેરેબિયન અને પૂર્વીય પેસિફિકમાં નૌકાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું, ત્યારે ટ્રમ્પે કોઈ પણ પુરાવા વિના દાવો કર્યો હતો કે તેમાં ડ્રગ્સ લઈ જવામાં આવી રહ્યું છે. ત્યારથી ટ્રમ્પ અને કોલંબિયાના ડાબેરી રાષ્ટ્રપતિ વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. અમેરિકાએ ઑક્ટોબરમાં રાષ્ટ્રપતિ પેટ્રો પર પ્રતિબંધો લાદતાં કહ્યું હતું કે તેઓ ડ્રગ કાર્ટેલ્સને વિકસવા દઈ રહ્યા છે.
રવિવારે 'ઍરફોર્સ વન'માં વાતચીત દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા કોલંબિયા વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરશે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, "તે મને યોગ્ય લાગે છે." ઐતિહાસિક રીતે કોલંબિયા ડ્રગ્સવિરોધી ઝૂંબેશમાં અમેરિકાનો નજીકનો મિત્ર રહ્યો છે અને વાર્ષિક કરોડો ડૉલરની લશ્કરી સહાય મેળવે છે.
ઈરાન

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં ઈરાન સરકાર મોટા પાયે વિરોધપ્રદર્શનોનો સામનો કરી રહી છે. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું છે કે જો વધુ દેખાવકારોનાં મોત થશે, તો ત્યાંના સત્તાવાળાઓ પર 'ખૂબ જોરદાર હુમલો' કરવામાં આવશે.
તેમણે પત્રકારોને જણાવ્યું કે, "અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. જો તેઓ ભૂતકાળની જેમ નિર્દોષ લોકોને મારવાનું શરૂ કરશે, તો યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તેમને સખત વળતો ફટકો પડશે."
સૈદ્ધાંતિક રીતે ઈરાન 'ડોનરો સિદ્ધાંત'ના દાયરામાં આવતું નથી, તેમ છતાં ગયા વર્ષે તેના પરમાણુ મથકો પર હુમલો કર્યા પછી ટ્રમ્પે ઈરાની શાસનને વધુ કાર્યવાહીની ધમકી આપી છે.
મેક્સિકો

ઇમેજ સ્રોત, Getty Images
2016માં ટ્રમ્પના સત્તામાં આવવાનો માર્ગ 'દીવાલ બનાવો'ના નારાથી પ્રશસ્ત થયો હતો. 2025માં તેમના કાર્યકાળના પ્રથમ દિવસે જ તેમણે 'ગલ્ફ ઑફ મેક્સિકો' (મેક્સિકોના અખાત)નું નામ બદલીને 'ગલ્ફ ઑફ અમેરિકા' (અમેરિકાનો અખાત) કરવાના ઍક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.
તેમણે વારંવાર દાવો કર્યો છે કે મેક્સિકો ડ્રગ્સ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઘૂષણખોરી રોકવામાં નિષ્ફળ રહ્યું છે. ટ્રમ્પે રવિવારે કહ્યું કે મેક્સિકો મારફતે અમેરિકામાં ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે, તેથી આપણે કંઈક કરવું પડશે.
ક્યુબા

ઇમેજ સ્રોત, Getty Images
ફ્લોરિડાથી માત્ર 90 માઇલ દૂર આવેલું આ ટાપુ રાષ્ટ્ર 1960થી અમેરિકી પ્રતિબંધો હેઠળ છે. ક્યુબાના વેનેઝુએલા સાથે ગાઢ સંબંધો છે. ટ્રમ્પે સૂચન કર્યું છે કે ક્યુબા હવે પતનની અણી પર છે, તેથી ત્યાં લશ્કરી હસ્તક્ષેપની જરૂર નથી.
તેમણે કહ્યું, "મને નથી લાગતું કે આપણે કોઈ કાર્યવાહી કરવાની જરૂર છે, કારણ કે તે આપમેળે જ પતન પામી રહ્યું છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત વેનેઝુએલાનું તેલ હતું, જે હવે બંધ થઈ ગયો છે."
અમેરિકી સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયોએ પણ ક્યુબામાં શાસન પરિવર્તનની હિમાયત કરતા કહ્યું છે કે, "જો હું હવાનામાં સરકારમાં હોત, તો અત્યારે ચિંતિત હોત. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બોલે છે, ત્યારે તેને ગંભીરતાથી લેવા જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












