ટ્રમ્પનું માદુરો ઑપરેશન દુનિયાભરમાં સરમુખત્યારવાદી શક્તિઓ માટે શું સંદેશ આપે છે?

ડોનાલ્ડ ટ્રમ્પ, માદુરો તથા તેમનાં પત્નીનું અપહરણ, વેનેજુએલા, સરમુખત્યારવાદી શક્તિઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કેટલાક લોકોનું માનવું છે કે વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીને કારણે આગામી મહિનાઓ દરમિયાન વૈશ્વિક અસ્થિરતા સર્જાઈ શકે છે.
    • લેેખક, જેરેમી બોવેન
    • પદ, આંતરરાષ્ટ્રીય એડિટર

ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોની ધરપકડ કરીને અમેરિકન સેનાની મદદથી પોતાનું ધાર્યું કરવાની બાબતમાં દૃઢ વિશ્વાસ દર્શાવ્યો છે. તેમના આદેશ પ્રમાણે અમેરિકાએ માદુરોને જેલમાં ધકેલી દીધા છે અને હવે અમેરિકા વેનેઝુએલાને 'ચલાવશે'.

અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાની ફ્લોરિડા ક્લબ અને નિવાસસ્થાન, માર-એ-લાગો ખાતે એક પત્રકારપરિષદમાં આ જાહેરાત કરી હતી, જેનો અમેરિકન વિદેશનીતિ પર વ્યાપક પ્રભાવ પડશે. ટ્રમ્પે કહ્યું કે "જ્યાં સુધી આપણે સલામત, યોગ્ય અને ન્યાયી પરિવર્તન ન લાવી શકીએ, ત્યાં સુધી અમેરિકા વેનેઝુએલામાં સત્તા સંભાળશે".

તેમણે કહ્યું કે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે વાત કરી હતી, જેમણે તેમને કહ્યું હતું કે "તમે જે કહેશો તે અમે કરીશું... મને લાગે છે કે તેઓ ખૂબ જ માયાળુ હતાં, પરંતુ તેમની પાસે ખરેખર બીજો કોઈ વિકલ્પ નથી."

ટ્રમ્પે બહુ વિગતો આપી ન હતી, પરંતુ તેમણે કહ્યું કે "જરૂર પડે તો અમે સૈન્ય મોકલવાથી પણ ડરવાના નથી."

પરંતુ શું તેઓ માને છે કે તેઓ રિમોટ કંટ્રોલ દ્વારા વેનેઝુએલા પર શાસન કરી શકે છે? શું માર્કો રુબિયો અને અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથે જેની જોરદાર પ્રશંસા કરી હતી તે સૈન્ય કાર્યવાહી વેનેઝુએલાને નવો આકાર આપવામાં અને લેટિન અમેરિકાના નેતાઓને વશમાં કરવા માટે પૂરતી હશે?

એવું લાગે છે કે ટ્રમ્પ આવું જ કંઈક માને છે.

એક વાત સ્પષ્ટ છે કે તે કંઈ સાવ સરળ નહીં હોય.

પ્રતિષ્ઠિત થિંક ટેન્ક ઇન્ટરનૅશનલ ક્રાઇસિસ ગ્રૂપે ઑક્ટોબરમાં ચેતવણી આપી હતી કે માદુરોના પતનથી વેનેઝુએલામાં હિંસા અને અસ્થિરતા ફેલાઈ શકે છે.

તે જ મહિને 'ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સે' અહેવાલ આપ્યો હતો કે ટ્રમ્પના પ્રથમ શાસન વખતે સંરક્ષણ અધિકારીઓ અને ડિપ્લોમેટ્સે એ વાતનો કયાસ કાઢ્યો કે વેનેઝુએલામાં માદુરોનું પતન થાય તો શું થઈ શકે છે. તેમનો નિષ્કર્ષ એવો હતો કે સશસ્ત્ર જૂથો સત્તા માટે સ્પર્ધા કરતા હોવાથી હિંસક અરાજકતા પેદા થવાની સંભાવના હતી.

નિકોલસ માદુરોને હઠાવવા અને તેમને કેદ કરવા એ અમેરિકન સૈન્યશક્તિનું નોંધપાત્ર ઉદાહરણ છે.

અમેરિકાએ એક વિશાળ કાફલો તૈયાર કર્યો અને એક પણ અમેરિકન સૈનિકનો જીવ ગુમાવ્યા વગર તેનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું.

ડોનાલ્ડ ટ્રમ્પ, માદુરો તથા તેમનાં પત્નીનું અપહરણ, વેનેજુએલા, સરમુખત્યારવાદી શક્તિઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલાનાં ઉપ-રાષ્ટ્રપતિ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માદુરોએ ચૂંટણીમાં પોતાના પરાજયને ન સ્વીકારીને વેનેઝુએલાના લોકોની ઇચ્છાઓને અવગણી હતી. વેનેઝુએલાના ઘણા નાગરિકો માદુરોની વિદાયથી ચોક્કસ ખુશ થશે.

પરંતુ અમેરિકન કાર્યવાહીની દૂરગામી અસરો વેનેઝુએલાની સીમાથી દૂર બીજા દેશોમાં પણ વર્તાશે.

માર-એ-લાગોમાં આયોજિત પત્રકારપરિષદમાં વિજયોન્માદનો માહોલ હતો, કારણ કે તેઓ અમેરિકન સેના દ્વારા કરવામાં આવેલા સફળ અને આદર્શ ઑપરેશનની ઉજવણી કરતા હતા.

આ સૈન્ય અભિયાન તો માત્ર પ્રથમ તબક્કો છે.

છેલ્લાં 30 વર્ષમાં બળજબરીથી સત્તાપરિવર્તન કરાવવામાં અમેરિકાનો રેકૉર્ડ ઘણો નિરાશાજનક રહ્યો છે.

આખી પ્રક્રિયા સફળ રહેશે કે નિષ્ફળ તેનો આધાર રાજકીય ફોલોઅપ પર રહેલો છે.

2003માં અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો ત્યાર પછી ત્યાં ભયંકર વિનાશ સર્જાયો હતો. અફઘાનિસ્તાનમાં બે દાયકા રહીને અને અબજો ડૉલરનો ખર્ચ કર્યા પછી 2021માં અમેરિકા નીકળી ગયું અને રાષ્ટ્રનિર્માણના બધા પ્રયાસ ધોવાઈ ગયા હતા.

તેમાંથી એક પણ દેશ અમેરિકાના પડોશમાં ન હતો.

આમ છતાં ભૂતકાળમાં લેટિન અમેરિકામાં યુએસે જે હસ્તક્ષેપ કર્યો હતો અને ભવિષ્યમાં જ્યાં હસ્તક્ષેપ થવાનો ખતરો છે, તેની ભૂતાવળ પીછો છોડે તેમ નથી.

ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેમ્સ મોનરોએ 1823માં જે જાહેરાત કરી હતી તેને 'મોનરો ડોક્ટ્રાઇન' તરીકે નવું નિકનેમ આપ્યું હતું, જેમાં પશ્ચિમી ગોળાર્ધમાં અમેરિકાના પ્રભાવના ક્ષેત્રમાં દખલગીરી ન કરવા અન્ય સત્તાઓને ચેતવણી આપવામાં આવી હતી.

ટ્રમ્પે કહ્યું કે "મોનરો ડોક્ટ્રાઇન એ મોટી ડીલ છે, પરંતુ અમે તેમાં ઘણા આગળ વધી ગયા છીએ. અમારી નવી રાષ્ટ્રીય સુરક્ષાનીતિ હેઠળ પશ્ચિમી ગોળાર્ધમાં અમેરિકાના પ્રભાવની સામે ક્યારેય સવાલ કરવામાં નહીં આવે."

તેમણે કહ્યું કે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ પણ "ધ્યાન રાખવાની જરૂર છે."

ત્યાર પછી તેમણે ફોક્સ ન્યૂઝને કહ્યું કે, "મૅક્સિકોમાં પણ કંઈ કરવું પડશે."

ક્યુબા પણ અમેરિકાના લિસ્ટમાં છે જેના પર રુબિયો કામ કરે છે. રુબિયોનાં માતાપિતા ક્યુબન અમેરિકન છે.

લેટિન અમેરિકામાં સૈન્ય દખલગીરીનો અમેરિકાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

1994માં હૈતીમાં દખલગીરી કરવામાં આવી જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને સત્તા પરિવર્તન કરાવવા માટે 25 હજાર સૈનિકો અને બે ઍરક્રાફ્ટ કેરિયર મોકલ્યા હતા.

ત્યાર બાદ એક પણ ગોળી છોડ્યા વગર હૈતીનું શાસન પડી ભાંગ્યું. હૈતીમાં કોઈ સુધારો ન થયો અને છેલ્લાં 30 વર્ષમાં હૈતીના લોકો માટે દારુણ સ્થિતિ સર્જાઈ છે. હૈતી હવે એક નિષ્ફળ દેશ છે જ્યાં સશસ્ત્ર ગૅંગ્સ રાજ કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાને ફરીથી ગ્રેટ બનાવવાની વાત કરી છે, પરંતુ લોકશાહીની વાત નથી કરી. વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના માચાડો, જેઓ 2025માં નોબલ શાંતિ પુરસ્કાર જીત્યાં હતાં, તેમને દેશનું શાસન સોંપવાની વાત ફગાવી દીધી હતી.

"મને લાગે છે કે તેમના માટે લીડર બનવું બહુ મુશ્કેલ હશે, તેમને સમર્થન નથી... તેમના પ્રત્યે સન્માન નથી."

તેમણે એડમુંડો ગોન્ઝાલેઝનો ઉલ્લેખ કર્યો ન હતો, જેને વેનેઝુએલાના ઘણા લોકો 2024ની ચૂંટણીના યોગ્ય વિજેતા માને છે.

તેમના બદલે અમેરિકાએ માદુરોના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રીગ્સને હાલ પૂરતો ટેકો આપ્યો છે.

અમેરિકાની સેનાને માદુરોને સત્તા પરથી હઠાવવા માટે જરૂરી માહિતી પ્રાપ્ત કરવામાં કોઈને કોઈ આંતરિક ટેકો જરૂર મળ્યો હશે, પરંતુ અગાઉના રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝ દ્વારા સ્થાપિત શાસન હજુ પણ ટકેલું જણાય છે.

વેનેઝુએલાના સશસ્ત્ર દળો અમેરિકાની યોજનાઓ આગળ ઝૂકી જશે તેવી શક્યતા ઓછી છે, ભલે પછી તેમના જનરલોને અમેરિકાના હુમલાનો સામનો કરવામાં પોતાની અક્ષમતા બદલ અપમાન અનુભવાતું હોય.

વેનેઝુએલાના સૈન્ય અને તેના નાગરિક સમર્થકોએ ભ્રષ્ટાચારની જાળમાંથી બહુ ફાયદો મેળવ્યો છે, જેને તેઓ ગુમાવવા નહીં માંગે.

શાસન દ્વારા નાગરિક મિલિશિયા (સૈન્ય)ને હથિયારો આપવામાં આવ્યા છે. વેનેઝુએલામાં અન્ય હથિયારબંધ જૂથો પણ છે.

તેમાં અપરાધીઓના નેટવર્ક્સની સાથે સાથે કોલંબિયાના ગેરીલાઓ પણ સામેલ છે, જેમણે માદુરોના શાસનને ટેકો આપ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ, માદુરો તથા તેમનાં પત્નીનું અપહરણ, વેનેજુએલા, સરમુખત્યારવાદી શક્તિઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Truth Social/BBC

વેનેઝુએલામાં અમેરિકાનો હસ્તક્ષેપ ટ્રમ્પના વૈશ્વિક દૃષ્ટિકોણની ખાસિયતોને ધ્યાન પર લાવે છે.

તેઓ અન્ય દેશોની ખનિજ સંપત્તિની કેવી લાલસા રાખે છે તેને ક્યારેય છુપાવતા નથી.

તેમણે યુક્રેનને સૈન્ય સહાયના બદલામાં ત્યાંનાં કુદરતી સંસાધનોમાંથી નફો મેળવવાનો પ્રયાસ કર્યો છે.

ટ્રમ્પ વેનેઝુએલાના વિશાળ ખનિજ ભંડારોને નિયંત્રિત કરવાની પોતાની ઇચ્છા છુપાવતા નથી. વેનેઝુએલામાં ઑઇલ ઇન્ડસ્ટ્રીનું રાષ્ટ્રીયકરણ થયું તેમાં અમેરિકન કંપનીઓ લૂંટાઈ ગઈ હતી તે માન્યતા પણ તેઓ છુપાવતા નથી.

તેમણે કહ્યું હતું કે, "આપણે જમીનમાંથી જંગી પ્રમાણમાં સંપત્તિ બહાર કાઢવા જઈ રહ્યા છીએ, આ સંપત્તિ વેનેઝુએલાના લોકો અને વેનેઝુએલાની બહારના લોકો પાસે જશે, જેઓ એક સમયે વેનેઝુએલામાં રહેતા હતા. તે વળતરના સ્વરૂપમાં અમેરિકાને પણ મળશે."

તેના કારણે ગ્રીનલૅન્ડ અને ડેનમાર્કમાં ભય ફેલાશે કે ટ્રમ્પની નજર તેમના પર પણ પડશે.

અમેરિકાએ ગ્રીનલૅન્ડને પચાવી પાડવાની ઇચ્છા છોડી નથી. ગ્રીનલૅન્ડ આર્ક્ટિકમાં વ્યૂહાત્મક જગ્યાએ આવેલું છે અને ગ્લોબલ વૉર્મિંગને કારણે તેનો બરફ પીગળી રહ્યો હોવાથી તે વધુ સુલભ બની રહ્યો છે.

માદુરો સામેનું ઑપરેશન એવી ધારણાને પણ ગંભીર આંચકા સમાન છે કે દુનિયાનું શાસન ચલાવવાનો શ્રેષ્ઠ રસ્તો આંતરરાષ્ટ્રીય કાનૂનના નિર્ધારિત નિયમો પ્રમાણે નક્કી થયેલાં ધોરણોનું પાલન કરવાનો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા તે અગાઉ જ આ વિચાર નબળો પડી ગયો હતો, પરંતુ તેમણે અમેરિકામાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વારંવાર દેખાડ્યું છે કે જે કાયદા તેમને પસંદ નથી તેને તેઓ અવગણવામાં માને છે.

ટ્રમ્પના યુરોપીયન સહયોગીઓ તેમને ગુસ્સે કરતા ખચકાય છે જેમાં યુકેના વડા પ્રધાન કીએર સ્ટાર્મર પણ સામેલ છે. તેમને સૂઝતું નથી કે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાના સમર્થક છે તે વાત કેવી રીતે કહેવી. સાથે સાથે તેઓ એ હકીકતની પણ નિંદા કરવા નથી માંગતા કે માદુરો ઑપરેશન એ યુએનના ચાર્ટરનું ઘોર ઉલ્લંઘન છે.

અમેરિકા એવું કારણ આપે છે કે તેનું સૈન્ય તો માત્ર વેનેઝુએલાના રાષ્ટ્રપતિના વેશમાં રહેલા ડ્રગ લૉર્ડ સામે ધરપકડનું વૉરંટ બજાવવાની કામગીરી કરતું હતું, પરંતુ આ દલીલ નબળી છે. કારણ કે ટ્રમ્પે જાહેરાત કરી દીધી છે કે હવે તેઓ વેનેઝુએલા દેશ અને તેના ઑઇલ ઉદ્યોગ પર નિયંત્રણ ધરાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પ, માદુરો તથા તેમનાં પત્નીનું અપહરણ, વેનેજુએલા, સરમુખત્યારવાદી શક્તિઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

માદુરો અને તેમનાં પત્નીને પકડવામાં આવ્યાં તેનાથી થોડા કલાકો અગાઉ તેઓ કારાકાસ ખાતે પોતાના મહેલમાં ચીનના ડિપ્લોમેટને મળ્યા હતા.

ચીને અમેરિકન કાર્યવાહીની ટીકા કરી છે. ચીને કહ્યું કે, અમેરિકાનું વર્ચસ્વવાદી કૃત્ય આંતરરાષ્ટ્રીય કાનૂન અને સંપ્રભુતાનું ગંભીર ઉલ્લંઘન કરે છે અને લેટિન અમેરિકા તથા કેરેબિયન ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે ખતરો પેદા કરે છે.

અમેરિકાએ "અન્ય દેશોની સંપ્રભુતા અને સુરક્ષાનો ભંગ કરવાનું બંધ કરવું જોઈએ."

આમ છતાં ચીન અમેરિકાની આ કાર્યવાહીને એક ઉદાહરણ તરીકે જોઈ શકે છે.

ચીન તાઇવાનને પોતાનાથી અલગ થયેલો પ્રાંત માને છે અને ચીને જાહેરાત કરી છે કે તાઇવાનને પોતાના નિયંત્રણમાં લાવવું એ તેની રાષ્ટ્રીય પ્રાથમિકતા છે.

વૉશિંગ્ટનમાં સૅનેટ ઇન્ટેલિજન્સ કમિટીના ડેમૉક્રેટિક વાઇસ ચૅરમૅન સૅનેટર માર્ક વોર્નરને નિશ્ચિત રીતે આ આશંકા છે. તેમણે એક નિવેદન જારી કરીને કહ્યું કે ચીનના નેતા અને અન્ય લોકો આના પર નજર રાખશે.

"જો અમેરિકા ગુનાહિત પ્રવૃત્તિના આરોપી વિદેશી નેતાઓ પર હુમલો કરીને તેમને બંધક બનાવવામાં સૈન્ય શક્તિનો ઉપયોગ કરવાનો અધિકાર વાપરતો હોય તો ચીનને પણ તાઇવાનના નેતાઓ પર આવી સત્તા વાપરતા અટકાવી શકાશે? (રશિયાના રાષ્ટ્રપતિ) વ્લાદિમીર પુતિન શું યુક્રેનના રાષ્ટ્રપતિનું અપહરણ કરવા માટે આ પ્રકારની કાર્યવાહીને યોગ્ય નહીં ગણાવે? એક વખત આ સીમા વટાવી દેવાય ત્યાર પછી વૈશ્વિક અરાજકતાને નિયંત્રિત કરતા નિયમો તૂટવા લાગે છે, અને સત્તાવાદી શાસન તેનો સૌથી પહેલાં ફાયદો ઉઠાવશે."

ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે તેઓ જ નિયમો બનાવે છે અને તેમના નેતૃત્વ હેઠળ અમેરિકામાં જે વાત લાગુ થાય છે તેનો અર્થ એવો નથી કે તે વિશેષાધિકારો બીજાને પણ મળશે.

પરંતુ સત્તાની દુનિયા આ રીતે કામ નથી કરતી.

2026ની શરૂઆતમાં જ તેમણે એવું કાર્ય કર્યું છે જેના પરથી આગામી 12 મહિના સુધી વૈશ્વિક ઊથલપાથલના સંકેતો મળ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન