સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સમલૈંગિક યુગલોને સામાજિક લાભો આપવા અંગે પૂછ્યા સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુચિત્ર મોહંતી
- પદ, બીબીસી માટે
ગુરૂવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સમલૈંગિક યુગલોને પ્રાથમિક સામાજિક લાભો આપવા માટે રસ્તો શોધવા જણાવ્યું હતું.
આ સામાજિક લાભોમાં યુગલોનાં લગ્નોને કાયદેસર માન્યતા અભાવની સ્થિતિમાં પણ તેમને જૉઇન્ટ બૅંક એકાઉન્ટ, વીમા પૉલિસીમાં પોતાના પાર્ટનરને નૉમિની બનાવવાના વિકલ્પ સહિતના લાભો આપવાની વાત કરાઈ છે.
સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફી દલીલમાં કહેવાયું હતું કે સમલૈંગિક વિવાહ સામે લેવાતાં કાયદાકીય પગલાં સંસદના કાર્યક્ષેત્ર અંતર્ગત આવે છે. સુપ્રીમ કોર્ટ આ દલીલ સાથે મૌખિકપણે સંમતી વ્યક્ત કરી હતી.
કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે જો સમલૈંગિક યુગલોને કાયદાકીય પવિત્રતા બક્ષવાની અરજી સ્વીકારી લેવાય તો ભવિષ્યમાં ક્યારેક અમુક વ્યક્તિ ‘સાવ નિકટના સંબંધી રહેલી વ્યક્તિઓ વચ્ચે બંધાતા યૌન સંબંધો’ અંગે પણ કોર્ટમાં પહોંચી શકે છે.
તેમણે દલીલમાં આગળ કહ્યું હતું કે, “આવી વ્યક્તિ કોર્ટ પહોંચીને એવું કહી શકે કે જો બે પુખ્ત વયની વ્યક્તિ પ્રતિબંધિત કક્ષાના શારીરિક સંબંધો બાંધે તેમ છતાં રાજ્યને આવા સંબંધો બાબતે દખલ કરવાની કોઈ જરૂર નથી.”
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવાં યુગલો વચ્ચેના લગ્નસંબંધને કાયદેસર માન્યતાના અભાવની સ્થિતિમાં સામાજિક લાભો આપી શકાય કે કેમ, એ અંગેના જવાબ સાથે 3 મેના રોજ હાજર રહેવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટની બેન્ચે એકમેક સાથે રહેતી વ્યક્તિઓ વચ્ચે સ્થપાતા સંબંધો અંગે સરકારના વલણ અંગે પૂછતાં કહ્યું કે, “અમે આ ક્ષેત્રમાં પ્રવેશીએ એ સામે તમે ખૂબ જ શક્તિશાળી દલીલ કરી છે કે આ મુદ્દો સંસદનો છે. આ ક્ષેત્ર ધારાસભાનો છે. તો હવે શું?”
ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આગામી સુનાવણી માટેની મુદ્દત જાહેર કરતા કહ્યું કે, “સરકાર કાયદાકીય માન્યતા આપ્યા વગર આ લોકો (LGBTQIA) જે અમુક મુદ્દાનો સામનો કરી રહ્યા છે તે અંગે વિચારી શકે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સર્વોચ્ચ ન્યાયાલયે સૉલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, “તમે આ મુદ્દે લાગતાવળગતા સત્તામંડળ સાથે ચર્ચા કરીને આગામી મુદત સુધી જવાબ આપી શકશો. ”

- સુપ્રીમ કોર્ટમાં છેલ્લા કેટલાક દિવસોથી સમલૈંગિક વિવાહ અને સંબંધોને માન્યતા આપવા બાબતની અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે
- સમલૈંગિક સંબંધોને કાયદેસર માન્યતા આપવાની દલીલ કરતા સમર્થકો સરકાર અને કોર્ટને આ મુદ્દે મોકળું મન રાખી વિચારવાની અપીલ કરી રહ્યા છે
- જોકે, સરકાર અને કેટલાંક સંગઠનો આવા સંબંધોનાં ભયસ્થાનો અંગે કોર્ટમાં ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે
- સુનાવણીમાં તાજેતરમાં શું થયું?

કોર્ટના સવાલ, સરકારના જવાબ

ઇમેજ સ્રોત, LAKSHMIPRASAD S
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બેન્ચે આવાં યુગલો માટે સુરક્ષાની અનુભૂતિ અને સામાજિક કલ્યાણના વાતાવરણનું કેવી રીતે નિર્માણ કરી શકાય એ અંગે પણ પૂછ્યું. તેમજ ખંડપીઠે આ મુદ્દો આગળ વધારતાં પૂછ્યું કે સમાજમાં આવા સંબંધોને બહિષ્કૃત ન ગણવામાં આવે એ વાત કઈ રીતે સુનિશ્ચિત કરી શકાય.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચે સમલૈંગિક યુગલો દ્વારા વૈવાહિક સમાનતા મુદ્દે કરાયેલી જુદી જુદી અરજીઓ અંગે સુનાવણી કરતાં કહ્યું કે, “માન્યતા એ વૈવાહિક માન્યતાથી અલગ મુદ્દો છે. તેનો મતલબ આવાં યુગલોને અમુક લાભો આપવાનો છે, અને બે વ્યક્તિઓના સંબંધને વિવાહ માનવાની જરૂરિયાત નથી.”
બેન્ચે મહેતાને કહ્યું કે, “જો તમે એક સાથે રહેવાના અધિકારને મૂળભૂત ગણાવો તો તેના કારણે ઊભી થતી તમામ સામાજિક અસરોને કાયદાકીય માન્યતા મળે એ જોવાની રાજ્યની ફરજ છે. તેમજ કોર્ટ લગ્નના મુદ્દામાં જઈ રહી નથી.”
જસ્ટિસ સંજય કિશન કૌલ, એસ. રવીન્દ્ર ભટ્ટ, હીમા કોહલી અને પી. એસ. નરસિંહા પણ આ બેન્ચના અન્ય જજો છે. બેન્ચે કહ્યું હતું કે, “કોર્ટને જોડાણની વ્યાપક અનુભૂતિનું તત્ત્વ જોઈએ છે. કોર્ટને પ્રતિનિધિત્વવાળી લોકશાહી દેશ માટે કેટલું હાંસલ કરી શકે એ હકીકત અંગે પણ જાણ છે.”
બેન્ચે ઉમેર્યું કે બૅન્કિંગ, વીમો, ઍડમિશન વગેરે જેવી ઘણી સામાજિક જરૂરિયાતો છે જે ક્ષેત્રમાં કેન્દ્રે કંઈક કરવું પડશે.

ઇમેજ સ્રોત, Getty Images
મહેતાએ કહ્યું કે સરકાર સમલૈંગિક યુગલોને કાયદાકીય માન્યતા આપ્યા વગર તેમને અસર કરતા કેટલાક મુદ્દા પર ધ્યાન આપી શકે છે.
અગાઉની દલીલોમાં મહેતાએ કોર્ટને એક કાલ્પનિક સ્થિતિ અંગે વિચારવા કહ્યું હતું. આ દલીલમાં તેમણે કહ્યું હતું કે, “પાંચ વર્ષ પછી કોઈ વ્યક્તિ એવું કહી શકે કે એ પ્રતિબંધિત કક્ષામાં આવતા સંબંધો બાબતે રસ ધરાવે છે.”
મહેતાએ દલીલ કરી કે ‘નિકટનો સંબંધ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે સ્થપાતા વૈવાહિક સંબંધો’ એ વિશ્વ માટે નવી વાત નથી, પરંતુ આવા સંબંધોને ક્યાંય માન્યતા નથી અપાઈ.
મહેતા જણાવે છે કે, “આવા લોકો સ્વાયત્તતાના અધિકાર અંગે દાવો કરી શકે. તેઓ કહી શકે કે તેમને પસંદગી અને ખાનગી ક્ષેત્રમાં અમુક રીતે વર્તવાનો અધિકાર છે. આ બધું અત્યારે અસુગમ ભલે લાગે, પરંતુ આપણે એક સમયે સમલૈંગિક વિવાહના મુદ્દાને પણ અસુગમ માનતા હતા.”
બેન્ચે કહ્યું, “એ અસુગમ હશે... ગમે તેટલી અસુગમ લાગતી આ વાત અંગે કોઈ વ્યક્તિ આવીને દલીલ કરી શકે કે અભિમુખતા એટલી ચોક્કસ બાબત છે કે હું સાવ નિકટના સંબંધી સાથે શારીરિક સંબંધ રાખવાનું કૃત્ય કરી શકું... આ વાત અંગે કોઈ કોર્ટ વિચાર નહીં કરે.”
મહેતાએ કહ્યું કે જો સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અંતર્ગત સમલૈંગિક વિવાહને પરવાનગી અપાય તો પર્સનલ લૉ વચ્ચે સામંજસ્ય સાધી શકાશે નહીં.














