'મારાં તેર બાળકોને પૂર તાણીને લઈ ગયું', એ માતા જેની સામે આખો પરિવાર તણાઈ ગયો

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, વિલ રોસ
- પદ, આફ્રિકા એડિટર, બીબીસી વર્લ્ડ સર્વિસ
"પાણી મારાં 13 બાળકોને તાણી ગયું. મારી પત્ની અને મારા પર આભ પડ્યું છે. મારાં બાળકો ભગવાને છીનવી લીધાં છે, હું થાકી ગયો છું. હારી ગયો છું."
આફ્રિકાના દેશ ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધી 400થી વધુ લોકોનો ભોગ લેવાયો છે, અને પીડિતોમાં સામેલ તુલિનાબો લુમુંબા નામની વ્યક્તિએ ઉપરના શબ્દો કહ્યા છે.
પુરમાં તેમનાં 13 બાળકો તણાઈ ગયાં અને પરિવાર બરબાદ થઈ ગયો. નિસ્તેજ ચહેરે એક પાથરણા પર સૂતાંસૂતાં તેમણે બીબીસી સાથે આ વાત કરી હતી.
તેમણે જણાવ્યું, "અમારી પાસે ખાવા માટે કશું જ નથી. પૂરને કારણે અમારો બધો પાક, ઘરવખરી તણાઈ ગયાં. કોઈ અમને રહેવા માટે આશરો આપે તો સારું."
તેમનાં પત્ની તુમાની યામુંગું કહે છે, "એક બાળકને સ્તનપાન કરાવી રહી હતી. વરસાદ પડી રહ્યો હતો. અચાનક જ એક બાજુની દીવાલ પડી, તે પછી એક સેકંડમાં જ બીજી બાજુની દીવાલ પડી અને પાણીના પ્રવાહમાં અમે બધાં તણાઈ ગયાં. મારો પુત્ર પછી મળ્યો જ નહીં."
આફ્રિકન દેશ ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોના પૂર્વ વિસ્તારોમાં આવેલાં બે ગામોમાં અંદાજે 400થી વધુ લોકોનું પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં મૃત્યુ થયાં છે. સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડામાં મૂશળધાર વરસાદ પછી 200 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.
કિવુ લેક પાસે આવેલાં અનેક ગામડાંમાં લોકો પૂરને કારણે ગુમ થયેલા પોતાના સ્વજનોને શોધવા માટે કીચડ અને કાટમાળ દૂર કરી રહ્યા છે. કૉંગોના રેડ ક્રોસ સ્વયંસેવકો પાસે મૃતદેહો લઈ જવા માટે બૅગ પણ બચી નથી. તેમણે દક્ષિણ કિવુ પ્રાંતમાં આવેલા બુશુશુ અને ન્યામુકુબી જેવાં ગામડાંમાં ધાબળામાં વીંટીને લઈ જવાતા મૃતદેહોનો ઢગલો કરવો પડી રહ્યો છે.
પૂર આવ્યાને હવે ચાર દિવસો વીતી ગયા છે પરંતુ મૃત્યુઆંક હજુ વધી રહ્યો છે. મંગળવારે દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂરમાં જીવિત બચી ગયેલ 27 વર્ષીય જેંટિલ નાજીમાના એએફપી ન્યૂઝ એજન્સીને કહે છે, “મારા હવે કોઈ સંબંધી બચ્યા નથી. મારી પાસે નથી કોઈ જમીન કે કોઈ આશ્રયસ્થાન, જ્યાં હું આશરો લઈ શકું. મારા પતિ જ જીવિત બચ્યા છે. મારા બધાં બાળકો અને માતાપિતા મૃત્યુ પામ્યાં છે.”
આ સિવાય ન્યામુકુબી ખાતે એક દિગ્મૂઢ બની ગયેલાં માતા કહે છે કે તેમના પતિ બચી ગયા અને તેઓ હૉસ્પિટલમાં છે પરંતુ તેમનાં બધાં બાળકો ગુમ છે.

- ગત અઠવાડિયે પાડોશી રવાંડામાં આવેલા ભયાનક પૂર બાદ ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં પૂર અને ભૂસ્ખલનની આપત્તિમાં 400 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં
- ઘટના બાદ સ્થળ પર કામ કરી રહેલા લોકોએ આ આપત્તિ બાદ સર્જાયેલ માનવીય કટોકટી વધુ તીવ્ર બની હોવાનું જણાવ્યું હતું
- ઘટનામાં કેટલાક પરિવારોએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું, આપત્તિ બાદ ઘણાં બાળકોનો પણ પત્તો મળી નથી શક્યો

એવી તારાજી થઈ કે ‘હૉસ્પિટલમાં પથારીઓ ખૂટી પડી’

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લાકડાનાં પાટિયાં અને લોખંડના સળિયાથી બનેલાં મોટા ભાગનાં ઘરો પૂરના પાણીમાં વહી ગયાં હતાં.
મેડિકલ ડિરેક્ટર બાઉમા નગોલા કહે છે, “હૉસ્પિટલમાં લોકોનો ધસારો જોઈને ઘટનાની તીવ્રતાનો ખ્યાલ આવે છે. બધા બેડ ફુલ હોવાને કારણે લોકોએ હવે જમીન પર સૂવું પડે છે.”
રેડ ક્રોસ કાર્યકર્તા આઇઝેક હબામુંગુ કહે છે, “અમને એવું લાગે છે કે ઘણા લોકોના મૃતદેહો નદીઓમાં જ વહી ગયા છે. ત્રણ દિવસ પછી એ દેખાઈ રહ્યા છે. અમે વિચારીએ છીએ કે અમે આ સ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળી શકીશું.”
સ્વાસ્થ્ય ક્ષેત્રની સંસ્થા મેડિસિન્સ સાન્સ ફ્રંટિયર્સ(એમએસએફ) ના પ્રવકતા અનુસાર, “અમુક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ ગયા છે.”
બીબીસી ન્યૂઝડેના એક કાર્યક્રમમાં ઇગોર ગાર્સિયા બાર્બેરોએ જણાવ્યું હતું કે, “સૌથી વધુ પ્રભાવિત થયેલા બે વિસ્તારોમાં એમએસએફ કામ કરી રહ્યું છે. શહેરોના અડધાથી લઈને ત્રણ ચતુર્થાંશ ભાગ સુધીના વિસ્તારો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે.” આ ગામડાં માનવીય કટોકટીનો સામનો કરી રહ્યાં હતાં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કૉંગોનો પૂર્વ ભાગ પહેલેથી જ અનેક ગંભીર કટોકટીઓનો સામનો કરી રહ્યો છે. કારણ કે હજારો લોકો ઉત્તર કિવુમાં થઈ રહેલા સંઘર્ષને કારણે અહીંથી જતાં રહ્યા હતા. એનો અર્થ છે કે સહાય પહેલેથી મર્યાદિત હતી.”
કૉંગોની સિવિલ સોસાયટીના પ્રતિનિધિ ક્રિસ્ટીયન ઝીંડુલા બાઝિબુહે રૉયટર્સ સાથેની વાતચીતમાં બાર્બેરોની વાત સાથે સહમત થાય છે અને કહે છે, “આ અત્યાર સુધી અમે અનુભવેલું સૌથી ભયાનક પૂર હતું.”
રૉયટર્સના રિપોર્ટ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે આ કરુણાંતિકાને કારણે ત્રણ હજાર પરિવારો ઘરવિહોણા બન્યા છે.
દક્ષિણ કિવુના રેડ ક્રોસે પૂરમાંથી બચી ગયેલા પણ ઘરવિહોણા હોય એવા લોકોની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી છે. છાવણીઓમાં રહી રહેલા લોકો પર હુમલા અને બળાત્કારનો ખતરો રહેલો છે.
કિવુ તળાવની બીજી તરફ આવેલા રવાંડામાં પણ ગયા અઠવાડિયે આવેલા પૂરને કારણે 130થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એંટોનિયો ગુટરેસે કહ્યું હતું કે આ પ્રકારનાં પૂર ઝડપથી થઈ રહેલા કલાઇમેટ ચેન્જ સ્થિતિનું વધુ એક પ્રમાણ છે.














