'મારી માતા પર બળાત્કાર થયો અને મારો જન્મ થયો'

ઇમેજ સ્રોત, SLATER KING
- લેેખક, એમ્મા આઈલ્સ
- પદ, બીબીસી ન્યૂઝ
બ્રિટિશ સરકારે જાહેર કર્યું છે કે બળાત્કારના પરિણામે જન્મેલાં બાળકોને ઇંગ્લૅન્ડ તથા વેલ્સમાં ટૂંક સમયમાં જ ગુનાનો ભોગ બનેલા લોકો તરીકે ઓળખવામાં આવશે. બળાત્કારનો ભોગ બનેલી માતાઓની કૂખે જન્મેલા લોકો અહીં તેમની જીવનકથા કહે છે અને તેઓ ભૂતકાળને તેમનું ભવિષ્ય શા માટે નિર્ધારિત નહીં કરવા દે તે સમજાવે છે.
પ્રિય તાસ,
હવે તું 10 દિવસની થઈ ગઈ છે, પરંતુ તું જ્યારે આ વાંચીશ ત્યારે ઘણી મોટી થઈ ગઈ હોઈશ.
હું તને બહુ જ પ્રેમ કરું છું.
તસનીમે તેમનાં માતા લ્યુસીની ડાયરીમાં આ લખાણ પહેલી વખત વાંચ્યું ત્યારે તેમની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં હતાં. તસનીમ બહુ નાનાં હતાં ત્યારે આગ લાગવાને કારણે લ્યુસી મૃત્યુ પામ્યાં હતાં. જોકે, એ ઘટનામાં આ ડાયરી બચી ગઈ હોવાનું તસનીમ જાણતાં ન હતાં.
એ રાતે જે બન્યું હતું તેની એકમાત્ર દૃશ્યમાન નિશાની તરીકે તસનીમના ગાલ પર દાઝ્યાનું ઝાંખું નિશાન જોવા મળે છે.
આગની જ્વાળાઓ ઘરને લપેટમાં લઈ રહી હતી ત્યારે તસનીમના પપ્પા દીકરીને ધાબળામાં વીંટીને ઘરની બહાર લઈ ગયાં હતાં અને બગીચામાંના સફરજનના એક ઝાડ નીચે મૂક્યાં હતાં.
પપ્પાએ દીકરીનો જીવ બચાવ્યો હતો, પરંતુ તેઓ એ જ વ્યક્તિ હતા, જેમણે ઘરમાં પેટ્રોલ છાંટીને આગ ચાંપી હતી અને તેમાં તસનીમનાં કાકી અને દાદીનું પણ મોત થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તસનીમ પહેલેથી જાણતાં હતાં કે તેમના પિતા જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા દોષિત હત્યારા છે, પરંતુ લ્યુસીની ડાયરી, તસનીમે પુરાવાની ફાઈલ જોવાની માગણી ન કરી ત્યાં સુધી, 18 વર્ષ સુધી પોલીસ સ્ટૉરેજમાં પડી રહી હતી અને એ ડાયરીમાં બીજો ઘટસ્ફોટ પણ હતો.
ડાયરી વાંચતા તસનીમને ખબર પડી હતી કે તેમના પિતાએ તેમનાં માતા લ્યુસીનું જાતીય શોષણ કર્યું હતું અને તેના પરિણામે તેમનો જન્મ થયો હતો.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લ્યુસીની ભવિષ્યની આશા અને સપનાં ઉપરાંત એ ડાયરીમાં તેમણે જે પીડા સહન કરી હતી તેની વિગત પણ હતી.
તસનીમના ટેક્સી ડ્રાઈવર પિતા અઝહર અલી મહેમૂદ લ્યુસી કરતાં 10 વર્ષ મોટા હતા અને તેમણે લ્યુસી 12 વર્ષનાં હતાં ત્યારથી જ તેમની માવજત કરી હતી તથા તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
આ સત્ય જાણીને તસનીમ હચમચી ઊઠ્યાં હતાં. તેમને એવું લાગ્યું હતું કે આ બધામાંથી પસાર થતી હોય તેવી તેઓ વિશ્વની એકમાત્ર વ્યક્તિ છે, પરંતુ સંશોધન સૂચવે છે કે તસનીમ આવી એકમાત્ર વ્યક્તિ નથી.
યુનાઇટેડ કિંગ્ડમમાં કેટલા લોકો બળાત્કાર અને સતામણીના કારણે જન્મ્યા છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ ઈંગ્લૅન્ડ અને વેલ્સમાં માત્ર 2021માં જ બળાત્કારના પરિણામે 3,300 સ્ત્રીઓ ગર્ભવતી થઈ હોવાનો ડરહામ યુનિવર્સિટી અને સેન્ટર ફૉર વીમેન્સ જસ્ટિસનો અંદાજ છે.
ઈંગ્લૅન્ડ અને વેલ્સને આવરી લેતા આગામી વિક્ટિમ્સ ખરડામાંની જોગવાઈ મુજબ, બળાત્કારના પરિણામે જન્મેલાં તમામ બાળકોને અપરાધનો ભોગ બનેલાં લોકો તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.
પ્રધાનોના જણાવ્યા મુજબ, એ આ બાળકોને થૅરપી તથા કાઉન્સેલિંગ તેમજ તેમના કેસની માહિતી મેળવવાની સુવિધા ઉપરાંત વધારાનો ટેકો મેળવવાનો અધિકાર પણ આપશે. આ બાળકોને આલ્કોહોલ તથા ડ્રગ ડિપેન્ડન્સી સંબંધી સેવાઓ તેમજ શિક્ષણ અને આવાસના લાભ માટે વધુ હકદાર બનાવવાનું વચન પણ તેમાં આપવામાં આવ્યું છે.
જોકે, યુનાઇટેડ કિંગ્ડમમાં બળાત્કારના પરિણામે જન્મેલાં તસનીમ જેવાં બાળકોને સમર્પિત કોઈ સખાવતી સંસ્થા કે સહાયક સેવાઓ ન હોવાને કારણે તેમણે નિષ્ણાતની મદદ વિના જ લાગણીના જટિલ યુદ્ધનો સામનો જાતે જ કરવો પડે છે.
તસનીમ કહે છે, “આપણાં માતા-પિતા વચ્ચે બહુ પ્રેમ હતો એવું આપણે માનતા હોઈએ છીએ. તેનાથી તમે જે જાણતા હો તે અને તમારા પરિવાર તથા તમારા વિશેની સમજણ એ બધું જ બદલી નાખે છે, કારણ કે મારો સંબંધ એક બળાત્કારી તથા હત્યારા સાથે છે. મને એવા ભયાનક વિચારો આવતા હતા કે હું મોટી થઈને તેમના જેવી જ બનીશ તો શું થશે?”
લ્યુસીની ડાયરીમાંનું કેટલુંક લખાણ વાંચવાનું તસનીમ માટે બહુ પીડાદાયક હતું. તેઓ લ્યુસીની ડાયરીમાં સ્પષ્ટ જોવા મળતા મા-દીકરી વચ્ચેના પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે.
તસનીમ કહે છે, “મને મારી જાત વિશે કશું ખરાબ ન લાગવું જોઈએ, કારણે કે મારાં માતા એવું ઇચ્છતાં ન હતાં.”

નીલ ઊંડો શ્વાસ લે છે અને પરબીડિયું ખોલે છે.
વેસ્ટ યોર્કશાયરના ઇલ્કલીમાં દત્તક સંતાન તરીકે ઉછરેલા નીલનું બાળપણ સુખમય હતું, પરંતુ તેઓ તેમને જન્મ આપનાર માતા વિશે જાણવા સદા ઉત્સુક રહેતા હતા. તેઓ મનમાં પરીકથાની રાજકુમારીનું ચિત્ર બનાવતા હતા અને એક દિવસ માતા સાથે મુલાકાતનાં સપનાં જોતા હતા.
હવે 27 વર્ષના થયેલા નીલ, તેમણે માતાની ભાળ મેળવવા માટે જે ખાનગી જાસૂસની સેવા લીધી હતી તેમણે આપેલો પત્ર ખોલે છે, પરંતુ એ વાંચતા તેમને એવું લાગે છે કે કોઈ ઊંડી ખીણ ઊઘડી રહી છે અને તેઓ તેમાં ગબડી રહ્યા છે.

નીલનાં માતા તરુણી હતાં ત્યારે પાર્કમાં કોઈ અજાણ્યા પુરુષે તેમના પર બળાત્કાર કર્યો હતો અને તેના પરિણામે નીલનો જન્મ થયો હતો.
નીલ કહે છે, “આવા શબ્દો વાંચવા માટે આપણે કોઈ તૈયારી કરી શકતા નથી.”
આવી હિંસક, તિરસ્કૃત ઘટનાને પરિણામે પોતાનો જન્મ થયો હોવાનું જાણવાથી એવું લાગે છે કે “જાણે કોઈએ તમારી છાતીમાં મુક્કો માર્યો હોય અને તમારી અંદરના હિસ્સાને ફાડી નાખ્યો હોય.”
નીલ ઉમેરે છે, “તમે શરમ અનુભવો છો, પીડા અનુભવો છે, મૂંઝવણ અનુભવો છો. તમને તમામ પ્રકારની ભૂંડી, સૌથી ભયાનક અનુભૂતિ થાય છે. જાણે કે ભાંગી પડવા જેવો અનુભવ થાય છે.”
નીલ માનતા હતા કે તેઓ તેમના વિશે બધું જ જાણે છે, પણ એ બધું વેરવિખેર થઈ ગયું હતું. અજાણ્યા હુમલાખોરનો ચહેરો પાછળ દેખાય છે એવા ડરથી તેઓ અરીસામાં જોઈ શકતા નથી.
પ્રેમ નહીં, પણ હિંસાના પરિણામે જન્મવાનો શું અર્થ? નીલના જન્મદાત્રી તેમને મળવા ક્યારેય તૈયાર થશે?

જેલનો વજનદાર દરવાજો પાછળ બંધ થાય છે ત્યારે તસનીમનું હૈયું જોરજોરથી ધડકે છે. એક ગાર્ડ તેમને નાનકડા, ઠંડા ઓરડામાં લઈ જાય છે. ત્યાં એક ટેબલ અને બે ખુરશી તેમની રાહ જોઈ રહ્યાં છે.
રૂમની બીજી બાજુનો દરવાજો ખૂલે છે અને તસનીમ તેમના પિતાને પહેલી વાર નિહાળે છે. જેલના ગ્રે ટ્રેક સૂટમાં સજ્જ એ માણસની ઊંચાઈ તસનીમે ધાર્યું હતું તેના કરતાં ઘણી ઓછી છે, પરંતુ તેમનું આચરણ મોટું છે. તેઓ તસનીમને આલિંગન આપે છે. તેમણે તસનીમ માટે, “ઉજવણી” કરવા માટે ચોકલેટ કેક ખરીદી છે.

ઇમેજ સ્રોત, WEST MERCIA POLICE
તસનીમ આવું ઇચ્છતાં ન હતાં. તેઓ લાગણીને નિયંત્રણમાં રાખવા ઇચ્છતાં હતાં. તેઓ ઇચ્છતાં હતાં કે તેમના પિતા તેમણે જે કૃત્ય કર્યું છે તેની શું અસર થઈ છે તે સમજે, પરંતુ તસનીમ સામે એ માણસ હતો, જેણે તેમનાં માતા લ્યુસી સાથે છળ કર્યું હતું, તેમના પર નિયંત્રણ રાખ્યું હતું.
તસનીમ જેલમાંથી બહાર નીકળી જાય છે અને ફરીથી ક્યારેય ત્યાં જતાં નથી. તેમની પાસે જરૂરી હોય તેવા બધા જવાબ છે.

પોતાની જન્મદાત્રીને પ્રથમ વાર મળવા જવા ટ્રેન સ્ટેશનની બહાર રાહ જોઈ રહેલા નીલના પેટમાં બધું ઉપરતળે થઈ રહ્યું છે. તેમણે આ ક્ષણ વિશે, શું કરવું અને શું કહેવું એ વિશે અનેક વખત વિચાર્યું હતું, રિહર્સલ કર્યું હતું.
એક મહિલા દેખાય છે. નીલ જાણે છે કે એ જ તેમની જન્મદાત્રી છે. બન્ને એકમેકની આંખોમા જુએ છે. નીલ તેમના જેટલા વિહવળ થઈ જાય છે.
નીલ કહે છે, “તમારી સાથે જેમણે દુષ્કર્મ કર્યું હતું એ માણસ જેવો હું દેખાતો હોઉં તો હું હમણાં જ ચાલ્યો જાઉં.”
“ના. એવો નથી દેખાતો,” એવું જન્મદાત્રી કહે છે અને નીલને ખભા પરથી મોટો બોજ ઊતરી ગયાની અનુભૂતિ થાય છે.
માતા-પુત્ર સાથે ચાલે છે અને એકમેકના જીવનની વાતો કરે છે. માતા તેમના પરિવાર વિશે વાત કરે છે, તેમનાં સાવકાં ભાઈ-બહેન વિશે વાત કરે છે, જેમના વિશે નીલ કશું જ જાણતા નથી. બંનેના હાવભાવ, અંગભંગીમા સમાન છે. હાસ્ય પણ.
તેઓ ગર્ભવતી થયાં એ રાતે શું થયું હતું એ નીલ પૂછતા નથી. એ જાણવાની જરૂર પણ નથી. એ પૂછીને નીલ તેમને ફરી એ ઘટનાની યાદ અપાવવા ઇચ્છતા નથી. જન્મનો સંબંધ છે ત્યાં સુધી નીલના કોઈ પિતા નથી. નીલ પાસે જન્મદાત્રી છે અને તે પૂરતું છે.

“મમ્મી, મારો જન્મ બળાત્કારને કારણે થયો છે?”
સેમી કારમાં તેમની બાજુમાં બેઠેલા મોટા દીકરા તરફ નજર કરે છે. તેઓ દીકરાને મદદ કરવા ઇચ્છે છે, પીડામાંથી બચાવવા ઇચ્છે છે, પણ એ કેવી રીતે કરવું તે જાણતાં નથી.
સેમી કહે છે, “ના. તું મારું સંતાન છે.”
એ 2013નું વર્ષ હતું અને શું થયું હતું, તેઓ કેવી રીતે ગર્ભવતી થયાં હતાં, દીકરો જેને પિતા કહે છે તે અર્શિદ હુસૈને સેમી 14 વર્ષનાં હતાં ત્યારે તેમના પર કેવી રીતે બળાત્કાર કર્યો હતો અને તેની કેવી સતામણી કરતો હતો એ બધું જ સેમીએ તેમના 12 વર્ષના પુત્રને જણાવ્યું હતું.
હુસૈને સેમીને ખાતરી કરાવી હતી કે તેઓ રિલેશનશિપમાં છે. હુસેન એ વખતે 24 વર્ષના હતા અને તેમણે એવી ખાતરી બીજી અનેક છોકરીઓને પણ કરાવી હતી.
જોકે, સેમી આખરે હુસૈનના નિયંત્રણમાંથી મુક્ત થઈ ગયાં હતાં. તેમને અને સાઉથ યોર્કશાયરના રોધરહામનાં 1,000થી વધુ બાળકોને જાતીય શોષણમાંથી બચાવવામાં સરકારી સેવાઓ કેટલી નિષ્ફળ રહી હતી એ વિશે બોલવાનું સેમીએ શરૂ કર્યું હતું.
હુસૈનને પોલીસ પૂછપરછ કરી રહી છે અને સેમીના પુત્રનું ડીએનએ હુસૈન વિરુદ્ધના પુરાવાનો એક ભાગ છે, પરંતુ એ બધાનો અર્થ પામવા પોતાનો દીકરો કેટલો સંઘર્ષ કરી રહ્યો છે એ સેમીની નજર સામે છે. તે દરેક વસ્તુ બાબતે સવાલ કરે છે.

આ કેસ રાષ્ટ્રીય સમાચારમાં છવાયેલો છે. આ બધું જગજાહેર છે અને તેઓ એકલતા અનુભવી રહ્યાં છે. સેમીએ માતા તરીકેની ફરજ બજાવવાના શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે, પરંતુ તેમને એવું લાગે છે કે ભૂલ તેમણે જ કરી હતી.
તેઓ રસોડાની ભોંય પર ફસડાઈ પડે છે અને રડે છે. તેઓ તેમના પુત્રને બહુ પ્રેમ કરે છે, પરંતુ તેમને લાગે છે કે તેઓ દીકરાના જીવનમાં નહીં હોય તો વધારે સારું થશે.
તસનીમ અને નીલની જેમ સેમીએ પણ પોતાની પીડાની જાણ લોકોને ન થાય એવી રીતે વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો.
2021માં તેમની મુલાકાત એક અન્ય માતા મેન્ડી સાથે થઈ હતી. સેમીને આખરે એવું લાગ્યું હતું કે કોઈ સમજદાર વ્યક્તિ મળી છે, તેની સાથે તેઓ મુક્તપણે વાતો કરી શકે તેમ છે.
હુસૈનને 35 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી છે. હેલિફેક્સ ખાતેના મેન્ડીના ઘરના કિચન ટેબલ પર સેમી બેઠાં છે. મેન્ડીનો કૂતરો ટોફી ખુરશી નીચે ટૂંટિયું વાળીને પડ્યો છે. મેન્ડી સેમીને પોતાની કથા કહે છે. એ 30 વર્ષ પછી પણ અત્યંત પીડાદાયક છે.
મેન્ડીને યાદ છે કે તેઓ 11 વર્ષનાં હતાં ત્યારે પ્રથમ વાર તેમની જાતીય સતામણી કરવામાં આવી હતી. તેમના પિતા સ્પેશિયલ પોલીસ કૉન્સ્ટેબલ અને સાલ્વેશન આર્મીના સભ્ય તરીકે સમુદાયમાં બહુ આદરણીય હતા. તેઓ કપડાં ઉતારીને દીકરીને સ્નાનઘરમાં લઈ ગયા હતા.
એ પછી દર બીજી રાતે સતામણી થતી હતી. પિતા મેન્ડીના બેડરૂમમાં છાને પગલે ઘૂસી જતા હતા. મેન્ડીએ એ બધું કોઈને કહેવાની હિંમત કરી ન હતી. પિતા ડરામણા હતા અને મેન્ડીને લાગતું હતું કે તેઓ ફસાઈ ગયાં છે.
પછી એક દિવસ મેન્ડીને ખબર પડી કે તેઓ ગર્ભવતી છે.
મેન્ડીએ સેમીને કહ્યું, “એ કોઈને ઝેર પીવડાવવા જેવું હતું. મારા પિતાએ મારી સાથે એવું જ કર્યું હતું. તેણે અમારાં જ જિન્સનું મારામાં આરોપણ કર્યું હતું.”
મેન્ડીને સમજાતું ન હતું કે શું કરવું, પરંતુ દીકરી ગર્ભવતી છે એ વાતની જાણ પિતાને થઈ ત્યારે મેન્ડી પાસે કોઈ વિકલ્પ રહ્યો ન હતો. તેમણે બાળકને જન્મ આપવાનો હતો અને એ બાળકે તેના દાદાને ડેડી કહેવાનું હતું.
મેન્ડીએ સંતાનને જન્મ આપ્યો ત્યારે તેના પિતા પ્રસૂતિકક્ષમાં હાજર હતા. દાયણોએ મેન્ડીનો નવજાત દીકરો તેના પિતાના હાથમાં આપ્યો હતો.
મેન્ડી કહે છે, “તેમણે મને ખતમ કરી નાખી હતી. સૌથી પહેલાં તેમણે મારા સંતાનને હાથ લગાડ્યો હતો. મને થતું હતું કે તેમને કહી દઉં કે તમારા હાથ તેનાથી દૂર રાખો. તેનાથી દૂર રહો.”
“એ મારું સંતાન હતું, બહુ કિંમતી હતું. હું તેની કાયમ માટે સંભાળ રાખવાની હતી.”
તેથી તક મળી ત્યારે મેન્ડી પારણામાં થોડાં બાળોતિયાં અને બેબી મિલ્ક મૂકીને ચાલી નીકળ્યાં હતાં અને ત્યાં પાછા ક્યારેય ગયાં ન હતાં.
સેમીએ મેન્ડીને પૂછે છે કે સુખી સંબંધમાંથી જન્મેલા સંતાન અને જાતીય સતામણીને કારણે જન્મેલા સંતાન વચ્ચે ફરક હોય છે એવું તમે માનો છો?

મેન્ડી કહે છે, “હા. મારો દીકરો પ્રેમનું પરિણામ ન હતો. તેનું ગર્ભાધાન મારા પ્રેમને કારણે થયું ન હતું. એક રાક્ષસને કારણે હું ગર્ભવતી થઈ હતી, પરંતુ હું મારા દીકરાને ખરેખર પ્રેમ કરું છું.”
મેન્ડીના તે દીકરાને, તેના પતિ પેટે ઔપચારિક રીતે દત્તક લીધો હતો. હવે તેઓ અન્ય સંતાનો સાથે ખુશીથી રહે છે.
મેન્ડી પિતાના દુર્વ્યવહારમાંથી તો બચી ગયાં, પરંતુ તેના પરિણામથી બચી શક્યાં નથી. તેમનો પુત્ર આનુવાંશિક વિકલાંગતા સાથે જન્મ્યો હતો.
આજે 30 વર્ષ પછી પણ મેન્ડી એ દીકરાની 24 કલાક સંભાળ રાખે છે. તેને પ્લેસ્ટેશન અને કુસ્તી પસંદ છે. માતા સાથેના દુર્વ્યવહારને કારણે પોતાનો જન્મ થયો હતો એ સમજવાની ક્ષમતા તેનામાં નથી અને મેન્ડીએ તેની સ્પષ્ટતા કરવી પડતી નથી, પરંતુ તેની તેમના આખા જીવન પર અસર થઈ છે.
મેન્ડી સેમીને કહે છે, “હું હંમેશાં કહીશ કે હું બચી ગઈ, પણ મારો પુત્ર પીડા ભોગવી રહ્યો છે. તેણે આ રીતે જન્મ આપવાનું કહ્યું ન હતું, કારણ કે મારી સાથે જે ગુનો થયો એ તેની સાથે પણ થયો.”
સેમી અને મેન્ડી એકમેકને મળ્યાં ન હતાં ત્યાં સુધી બંનેને એવું લાગતું હતું કે તેઓ એકલાં છે.
સેમી કહે છે, “તમે ગમે તે પરિસ્થિતિમાંથી પસાર થયા હો, પરંતુ તમે હંમેશાં આગળ વધી શકો છો અને ખુશ રહી શકો છો, એ મેન્ડીએ મને શીખવાડ્યું છે. લોકોએ આ વિશે વાત કરવાની જરૂર છે.”
કર્મશીલો કહે છે કે આખરે આ મુદ્દો સ્પોટલાઈટમાં આવી રહ્યો છે. બહુ મોડું થયું છે, પરંતુ ડેઈઝી’સ બિલ તરીકે ઓળખાતા વિક્ટિમ્સ ખરડામાં સરકાર સુધારા કરી રહી છે તે સારી વાત છે.
નીલ અને તસ્નીમ માટે સૂચિત સુધારા, તેમના જેવા લોકોનો અવાજ સાંભળવામાં આવી રહ્યો હોવાની સ્વીકૃતિ છે. તેમને આશા છે કે આ બાબતે વાત કરવાથી, બળાત્કારના પરિણામે જે લોકો જન્મ્યા છે તેમને સમજાશે કે તેઓ એકલા નથી.
તસનીમ કહે છે, “આ બાબતને કલંક ગણવામાં આવે છે, પરંતુ એવું ન હોવું જોઈએ. તમારો સંબંધ કોની સાથે છે એ મુદ્દો નથી. મારું આગવું અસ્તિત્વ છે અને એ મારી ભૂલ નથી. હું તો તેનો ભોગ બની છું.”
તસનીમ ઉમેરે છે, “મને લાગે છે કે હું મારાં માતા સાથે વાત કરી શકીશ તો તેમને જણાવીશ કે તેઓ કેટલાં બહાદુર છે. હું તેમને એટલું જ કહીશ કે બધું બરાબર છે. હું પણ ઠીક છું.”














