જાતિય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, iStock
- લેેખક, પ્રિયંકા દૂબે
- પદ, બીબીસી સંવાદદાતા
મારી સ્મૃતિમાં જળવાયેલી મીના, સવિતા, કજરી, રીટા, સુગંધા અને સીમા આજે પણ ઘણી વખત સવારે મારાં સપનામાં આવી જાય છે.
ઘણી વખત જ્યારે હું લાંબી યાત્રાઓ પર હોઉં છું ત્યારે એવી જ પાછલી કોઈ યાત્રા દરમિયાન મળેલી નીતુ, કવિતા, રબિયા અને સાવનીના ચહેરા અચાનક મારી આસપાસથી પસાર થતાં જંગલોમાંથી દેખાય છે.
ક્યારેક એકલા હું ઘરની બારીમાંથી કૉલોનીના પાર્કમાં રમતાં બાળકોને જોવ છું તો ગુડિયા, શીનુ, સંગીતા અને રવિતાનો અવાજ મારા કાનોમાં ફરી ગુંજવા લાગે છે.
આ બધી એ મહિલાઓ અને છોકરીઓ છે જેમની સાથે રિપોર્ટર તરીકે મારી મુલાકાત છેલ્લાં આઠ વર્ષ દરમિયાન થઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમાંથી કોઈના પણ અસલી નામ અહીં લખવામાં આવ્યા નથી.
તેમાંથી મોટાભાગની મહિલાઓ કે છોકરીઓ શારીરિક હિંસાનો શિકાર બની છે અથવા તો પીડિતાની માતાઓ કે નજીકની પરિવારજન છે.
ઉપર લખાયેલાં નામોની સાથે-સાથે ઘણી બીજી મહિલાઓ પણ છે, જેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોતાના પર વિતેલી હિંસાની ઘટનાઓને મારી સાથે શૅર કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાંથી કેટલીક મહિલાઓની કહાણીનો હાલ જ પ્રકાશિત થયેલા મારા પુસ્તક 'નો નેશન ફૉર વીમેન'માં ઉલ્લેખ છે.

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER UK
ભારતમાં વધતી શારીરિક હિંસા પર સતત રિપોર્ટિંગ બાદ લખવામાં આવેલાં પુસ્તકમાં કુલ 13 ચેપ્ટરમાં સામેલ વીસ જેટલી મહિલાઓના જીવનમાંથી કોઈનું પણ જીવન મારી આંખોથી ઓઝલ થયું નથી.
શું કોઈ પણ રિપોર્ટર પોતાની યાત્રાઓથી પરત ફર્યા બાદ તે પાત્રો અથવા તેમની કહાણીઓને ખરેખર છોડી શકે, જેણે થોડા જ કલાકો પહેલાં વિશ્વાસ અને કરુણાના એક નાજુક પુલ પર ચાલીને પ્રાપ્ત કર્યાં હતાં?
ઉદાહરણ માટે મને બુંદેલખંડના કોતરોમાં આવેલા વસેલા છેવાડનાના ગામડાનાં ફૂલબાઈનો ચહેરો આજ દિવસ સુધી યાદ છે.
તેમની 14 વર્ષીય દીકરીને બળાત્કારના પ્રયાસ બાદ જીવતી સળગાવી દેવામાં આવી હતી.
બુંદેલી ભાષામાં વાત કરી રહેલાં ફૂલબાઈ અને હું ભલે શરૂઆતમાં એકબીજાની ભાષા સમજી શકતાં ન હતાં, પરંતુ અમારી આંખો સંવાદ કરી રહી હતી.


મને યાદ છે, ફૂલબાઈએ અચાનક પોતાની એક રુમની ઝૂંપડીના કોઈ ખૂણામાં છૂપાવીને રાખેલી એક જૂની પિત્તળની થાળી લઈને મારી સામે બેસી ગયાં.
ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતાં ફૂલબાઈએ કહ્યું, "આ થાળી મેં મારી મોડી (દીકરી)નાં લગ્ન માટે પૈસા ભેગા કરીને ખરીદી હતી. પણ સળગાવી દીધી... ખરાબ કરીને સળગાવી દીધી તેમણે મારી દીકરીને."
સાત વર્ષ પહેલાંનું ફૂલબાઈનું એ રુદન આજે પણ મારા કાનોમાં ગુંજે છે.
પશ્ચિમ બંગાળના બરદમાન જિલ્લાનાં એ માતાનું રુદન હજુ સુધી ભૂલી શકાયું નથી કે જેમની હોનહાર દીકરીનાં શરીરને બળાત્કાર બાદ ડુંગળીની છાલની જેમ છોલીને તેમનાં જ ઘરની બહાર વહેતી એક નહેરમાં ફેંકી દેવાઈ હતી.
ઉત્તર પ્રદેશનાં બદાયૂંનાં એ માતાની ચીસ પણ હજુ સુધી કાનોમાં સંભળાય છે, જેમની સગીર દીકરીને પાડોશના થાણેદાર ઉઠાવીને લઈ ગયા હતા.
બળાત્કાર બાદ પોલીસની ગાડીથી ઘરની સામે છોડી દેવાયેલી બાળકીના પિતા 'મારું મોઢું કાળું થઈ ગયું' કહેતા-કહેતા દસ દિવસોની અંદર જ દુનિયા છોડી ગયા.
ત્રિપુરાની એ માતાની ચીસ પણ હજુ યાદ છે, જેમની દીકરીએ ભારતના અંતિમ છેડા પર વસેલા એક આદિવાસી ગામમાં સ્થાનિક પંચાયતની ચૂંટણીમાં ઊભા રહેવાનું સાહસ બતાવ્યું, પરંતુ ચૂંટણીની તારીખ પહેલાં જ બળાત્કાર બાદ દીકરીની નિર્મમ હત્યા કરી દેવાઈ.
આ દરેક મા અને દીકરીઓનો અવાજ મારા કાનોમાં ગુંજે છે.

ઇમેજ સ્રોત, iStock
આ પીડિત પરિવાર દેશની અલગ-અલગ કોર્ટમાં ન્યાય મેળવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.
સાક્ષીઓને તોડવાનો પ્રયાસ, સમજૂતીનું દબાણ, આર્થિક તંગી, સામાજિક બહિષ્કારની સાથેસાથે શારીરિક હિંસાના મામલે પીડિતને જ દોષી માનતી માનસિકતા સામે દિવસ-રાત લડી રહ્યા છે.
એક તરફ જ્યાં આ મહિલાઓનાં જીવનમાં ફેલાયેલો હિંસાનો અંધકાર રિપોર્ટર તરીકે મારા મન પર પોતાનાં નિશાન છોડતો રહ્યો છે, ત્યાં બીજી તરફ તેમના સંઘર્ષ અને જીવનશૈલી મનને રોશની પણ આપે છે.
એ માટે મારી જ જેમ નાનાં શહેરોમાંથી આવતી ઘણી મહિલા પત્રકાર જ્યારે પિતૃસત્તાની હદમાં બંધાયેલા પોતાના ખાનગી સ્પેસમાં પ્રતિરોધ વ્યક્ત કરી પહેલા ઍસાઇનમૅન્ટ પર નીકળે છે, ત્યારે તે અજાણી રીતે સદીઓથી ચાલી આવતી સામાજિક કંડિશનિંગને પણ તોડી રહી હોય છે.
તેવામાં ફૂલબાઈની કહાણીને અવાજ આપતા સમયે તે ક્યાંક ને ક્યાંક પોતાનો અવાજ અને પોતાના કવચને પણ શોધી રહી હોય છે.
હિંદીના પ્રખ્યાત લેખક નિર્મલ વર્માએ પોતાના ઉપન્યાસ 'રાત કા રિપોર્ટર'માં લખ્યું છે, 'સારો રિપોર્ટર એ છે કે જે પોતાના કામના સંમોહનથી બચી શકે.'
પરંતુ કામથી મળતી યાતનાઓથી બચવા તેમણે કંઈ પણ લખ્યું નથી.
આ યાતના કોઈ પણ રિપોર્ટર માટે એટલી ખાનગી છે કે તેને બતાવવી કોઈ પોતાની વ્યક્તિને આત્માના જખમ દેખાડવા સમાન છે.
પરંતુ અંધકાર ભરેલી લોકોની કહાણીઓ સાથે જોડાયેલું આ અંધારું હંમેશાં કરુણા, સંવેદના અને માનવતાની રોશની પોતાની સાથે લઈને ચાલે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












