બેલ્જિયમ : શા માટે યોજાયું બળાત્કાર પીડિતાઓનાં કપડાંનું પ્રદર્શન?

બેલ્જિયમમાં યોજાયેલું પ્રદર્શન

ઇમેજ સ્રોત, CAW OOST BRABANT

મહિલાઓ સાથે થતા બળાત્કાર કે જાતીય હિંસા પાછળ અનેકવાર તેમના ભડકાઉ કપડાંને કારણ તરીકે દર્શાવવામાં આવે છે.

આ ધારણાને તોડવા માટે બેલ્જિયમમાં એક અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

અહીં એ કપડાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં હતાં જે પીડિતાઓએ બળાત્કારના સમયે પહેર્યાં હતાં.

બ્રસેલ્સના મોલેનબીક જિલ્લામાં યોજાયેલાં આ પ્રદર્શનને 'ઇઝ ઇટ માય ફૉલ્ટ?' એટલે કે 'શું આ મારી ભૂલ હતી?' એવું નામ આપવામાં આવ્યું હતું.

આ કપડાંમાં ટ્રેકસૂટ, પાયજામા અને ડ્રેસ સામેલ હતા જે પીડિતાઓએ આયોજકોને આપ્યા હતા.

આ પ્રદર્શનનું આયોજન પીડિત સહાયતા સમૂહ સીએડબ્લ્યૂ ઈસ્ટ બ્રાબેટની તરફથી કરવામાં આવ્યું હતું.

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

સીએડબલ્યૂની લિસવેથ કેન્સે કહ્યું, "આ પ્રદર્શનની મુલાકાત લઈને તમે અનુભવશો કે આ સાવ સાધારણ કપડાં છે. આ એવાં કપડાં છે જે કોઈપણ પહેરે છે."

"આ પ્રદર્શનમાં એક બાળકનું શર્ટ પણ છે જેમાં લખ્યું છે માય લિટલ પોની. જે આપણી સમક્ષ એક કડવું સત્ય ઉજાગર કરે છે."

હંમેશાં જોવા મળે છે કે જાતીય સતામણીના મામલામાં પીડિતા પર જ આરોપ લગાવવામાં આવે છે.

એવું કહી દેવામાં આવે છે કે તેમની સાથે થયેલી જાતીય સતામણી માટે તે ખુદ જ જવાબદાર હતી.

બે વર્ષ પહેલાં એક વેબસાઇટ સાથેની વાતચીતમાં લિસવેથે કહ્યું હતું કે બેલ્જિયમમાં થતા બળાત્કારોના માત્ર 10 ટકા મામલા જ પોલીસમાં રિપોર્ટ થાય છે અને દસમાંથી એકમાં જ આરોપીને સજા થાય છે.

તે કહે છે કે આપણો સમાજ જ પીડિતાઓને તેમની સાથે થયેલા ખોટાં વર્તનને જણાવવાથી રોકે છે.

કેન્સ કહે છે, "પીડિતા પર જ ઉત્તેજક કપડાં પહેરવાં, ફ્લર્ટ કરવું અથવા મોડીરાત્રે ઘરે આવવાનો આરોપ લગાવવામાં આવે છે."

"જ્યારે આ ગુનાનો જવાબદાર માત્ર તે આરોપી જ હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો