જાસ્મીન જાતીય હુમલાનો ભોગ બનેલી સ્ત્રીઓનાં વસ્ત્રો શા માટે એકઠાં કરે છે?

ઇમેજ સ્રોત, ASIF SAUD
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
દુનિયાભરમાં જાતીય સતામણી માટે તેનો ભોગ બનેલી સ્ત્રીને જ જવાબદાર ઠરાવવામાં આવે છે અને એવી સ્ત્રીઓને એ સવાલ અચૂક પૂછવામાં આવે છે કે તમે કેવાં વસ્ત્રો પહેર્યાં હતાં?
જાતીય સતામણીનો ભોગ બનેલી સ્ત્રીઓનાં વસ્ત્રો તેમની સાથે બનેલી ઘટના માટે જવાબદાર નથી હોતાં એ સાબિત કરવા ભારતીય કળાકાર, કર્મશીલ જાસ્મીન પાથેજા એવી મહિલાઓએ દાનમાં આપેલાં વસ્ત્રો એકઠાં કરે છે.
બેંગલોરમાં રહેતાં જાસ્મીને ઘરમાંનો એક નાનકડો ઓરડો આ પ્રકારનાં સંખ્યાબંધ વસ્ત્રોનું મ્યૂઝિયમ બન્યો છે.
તેમાં જોવા મળતાં વસ્ત્રો આપણી આસપાસની મહિલાઓ સામાન્ય રીતે પહેરતી હોય છે પણ અહીં સચવાયેલા દરેક વસ્ત્ર સાથે એક કથા સંકળાયેલી છે.
તમને આ પણ વાંચવું ગમશે

પીડાદાયક સ્મૃતિ

ઇમેજ સ્રોત, ASIF DAUD
બેંગલોરમાં ગયા વર્ષે નવા વર્ષની ઊજવણી દરમ્યાન મહિલાઓની મોટા પ્રમાણમાં જાતીય સતામણી કરવામાં આવી હતી.
એ ઘટનામાં સપડાયેલી એક મહિલાએ દાનમાં આપેલો એક રેડ-બ્લેક જમ્પસુટ આ ઓરડામાં સચવાયેલો છે.
એ વિશે વાત કરતાં જાસ્મીને કહ્યું હતું કે ''લોકોનું ટોળું નિરંકુશ બનીને મહિલાઓની જાતીય સતામણી કરતું હતું ત્યારે એ મહિલા ત્યાં હાજર હતાં.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''એ મહિલાએ તેને કઈ રીતે હેરાન કરવામાં આવી તેની, મુશ્કેલીમાંથી કઈ રીતે ઉગરી તેની વાત કરી હતી.''
જાસ્મીને રેડ અને બ્લેક પ્રિન્ટ્સ ધરાવતું ક્રીમ કલરનું એક ટ્યુનિક દેખાડ્યું હતું. એ વસ્ત્રમાંથી સાદગી છલકતી હતી.
કોઈમ્બતુરમાં ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે છેડતીનો ભોગ બનેલી એક મહિલાએ તે ટ્યુનિક જાસ્મીનને દાનમાં આપ્યું હતું.
ટ્યુનિક વિશે વાત કરતાં જાસ્મીને કહ્યું હતું કે ''છેડતી બાબતે ફરિયાદ ન કરવા એ મહિલાને જણાવવામાં આવ્યું હતું.''
ક્રીમ ટ્યુનિકની સાથે લટકાવવામાં આવેલો પિન્ક ડ્રેસ મોન્ટ્રીઅલની એક મહિલાએ મોકલાવ્યો હતો.
એ ડ્રેસ સાથે સંકળાયેલી કથા જણાવતાં જાસ્મીને કહ્યું હતું કે ''એ મહિલાએ મને કહેલું કે તમે આ ડ્રેસ નહીં સ્વીકારો તો હું તેને ફેંકી દઈશ. આ ડ્રેસ જોઈને એ મહિલાને ઘૃણા થતી હતી.''
''આ ડ્રેસ પહેર્યો હતો ત્યારે પોતાની સાથે શું થયું હતું એની વાત મહિલાએ કરી ન હતી, પણ તેની સાથે પીડાદાયક સ્મૃતિ દેખીતી રીતે સંકળાયેલી હશે.''
ઓરડામાં એક વાઈટ ડ્રેસ, એક સ્વિમ સૂટ, શેમ્પેન કલરનો એક ગાઉન, એક ટ્રાઉઝર અને એક સ્કૂલ યુનિફોર્મ વગેરે પણ જોવા મળ્યાં હતાં.
જાસ્મીન આ વસ્ત્રોને તમામ મહિલાઓ સતામણી અને જાતીય હિંસાનો સામનો કરતી હોવાની હકીકતનો આયનો ગણાવે છે.

આય નેવર આસ્ક ફોર ઇટ

ઇમેજ સ્રોત, ASIF DAUD
જાસ્મીને કહ્યું હતું કે ''સ્ત્રીએ કેવાં વસ્ત્રો પહેર્યાં છે તેની સાથે જાતીય સતામણીને કોઈ સંબંધ હોતો નથી.''
''આ પ્રકારની હિંસા માટે કોઈ બહાનું હોઈ શકે નહીં અને પોતાની જાતીય સતામણી થાય એવું કોઈ ઈચ્છતું નથી.''
આ બાબતને ધ્યાનમાં લઈને જાસ્મીને 'આય નેવર આસ્ક ફોર ઇટ' ઝૂંબેશ શરૂ કરી હતી.
જાસ્મીન કળાનો અભ્યાસ કરવા માટે પંદર વર્ષ પહેલાં કોલકાતાથી બેંગલોર આવ્યાં હતાં.
મહિલાઓની જાતીય સતામણી સામેની તેમની લડાઈ ત્યારથી ચાલી રહી છે.
જાસ્મીને કહ્યું હતું કે ''કોલકાતામાં સ્ત્રીઓની છેડતી થતી જ નથી એવું ન હતું, પણ બેંગલોરમાં હું નવી હતી. એ સમયે હું 23 વર્ષની હતી અને પરિવારથી દૂર એકલી હતી.''
''એ સમયે શેરીમાં થતી સતામણીને સામાન્ય છેડતી ગણવામાં આવતી હતી.''
''છોકરાઓએ છેડતી કરવી જોઈએ અને છોકરીઓએ તેનો સામનો કરવો જોઈએ એવું માનવામાં આવતું હતું.''
''છેડતીનો કોઈ વિરોધ કરતું ન હતું અને આ મુદ્દે બધા મૌન હતા. તેથી સ્ત્રીઓની સતામણી ચાલુ રહી હતી.''
આ વાતાવરણમાં મૌનના પડદાને તોડવા માટે સ્ત્રીઓ સાથે સંવાદ સાધવાનો નિર્ણય જાસ્મીને કર્યો હતો.
જાસ્મીને કહ્યું હતું કે ''એક દિવસ મેં તમામ ગર્લ સ્ટુડન્ટ્સને એક ઓરડામાં એકઠી કરી હતી.''
''જાહેર સ્થળની યાદ અપાવે તેવો એક-એક શબ્દ બોલવા મેં તેમને જણાવ્યું હતું. નકારાત્મક ભાવ ધરાવતા સંખ્યાબંધ શબ્દો ત્રણ જ મિનિટમાં સાંભળવા મળ્યા હતા.''

અપેક્ષિત પરિણામ

ઇમેજ સ્રોત, ASIF DAUD
એ પ્રયોગનું પરિણામ આશ્ચર્યજનક ન હતું.
જાહેર સ્થળોએ સ્ત્રીઓની જાતીય સતામણી સામાન્ય બાબત હતી અને દરેક મહિલાએ અલગ-અલગ પ્રકારે તેનો અનુભવ કર્યો હતો.
જાતીય સતામણીનો વિરોધ કરતી સ્ત્રીને જણાવવામાં આવતું હતું કે વાંક તમારો જ હશે.
તેમને કહેવામાં આવ તું હતું કે તમે જ કંઈક ઉશ્કેરણીજનક કર્યું હશે, શરીર દેખાય એવાં વસ્ત્રો પહેર્યાં હશે, મોડી રાતે બહાર રખડતાં હશો કે દારૂ પીતા હશો કે મજાક-મશ્કરી કરતાં હશો.
ટુંકમાં તમારી છેડતીનું કારણ તમે જ આપ્યું હશે.
જાસ્મીને કહ્યું હતું કે ''છોકરીઓને જાતને સંભાળીને રહેવાનું બાળપણથી જ શિખવવામાં આવે છે.''
''તેમનો ઉછેર ભયના વાતાવરણમાં થાય છે, જે છોકરીઓને સતત સતર્ક રહેવા સૂચવે છે.''
''છોકરીઓને કહેવામાં આવે છે કે તમે સતર્ક નહીં રહ્યા હો એટલે તમારી સતામણી થઈ હશે.''

બ્લેન્ક નોઈઝની રચના

ઇમેજ સ્રોત, ASIF DAUD
એ ભયનો સામનો કરવા માટે જાસ્મીને 2003માં ધ બ્લેન્ક નોઈઝ સંગઠનની રચના કરી હતી.
જાસ્મીને કહ્યું હતું કે ''દોષારોપણને લીધે શરમ જન્મે છે, શરમને કારણે અપરાધ કર્યાની લાગણી જન્મે છે. એ લાગણીને કારણે છોકરીઓ મૌન રહેતી થઈ જાય છે, જેના પરિણામે જાતીય હિંસાને ઉત્તેજન મળે છે એવું અમે માનીએ છીએ.''
જાસ્મીનના જણાવ્યા અનુસાર, ભયનો સામનો કરવાનું પહેલું પગલું એ વિશે વાત કરવાનું છે.
બ્લેન્ક નોઈઝે જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓના અનુભવ તેની 'આય નેવર આસ્ક ફોર ઈટ' ઝૂંબેશના ભાગરૂપે એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.
તેમણે બેંગલોર અને અન્ય શહેરોમાં સતામણીનો ભોગ બનેલી છોકરીઓ અને સ્ત્રીઓને તેમના અનુભવ જણાવવા આમંત્રણ આપ્યું હતું.
જાસ્મીને કહ્યું હતું કે ''કોઈ એક વ્યક્તિ તેના અનુભવનું આલેખન કરે તેનાથી અન્યોને એવું કરવાનું પ્રોત્સાહન મળતું હોય છે.''
આ માટે બ્લેન્ક નોઈઝે વાઈટ બોર્ડ્ઝ બનાવ્યાં છે.

વાઈટ બોર્ડ પર સતામણીની વિગત

ઇમેજ સ્રોત, ASIF DAUD
એ બોર્ડ પર છોકરીઓ અને સ્ત્રીઓ તેમનાં નામ, વય, તેમની સાથે બનેલી ઘટના, સમય, સ્થળ, ઘટના બની એ વખતે તેમણે શું પહેર્યું હતું એ, તેમણે શું કર્યું હતું અને તેમણે શું કરવું જોઈતું હતું તેની વિગત જાતે લખે છે.
એક મહિલાએ બોર્ડ પર લખ્યું હતું કે બસમાં પ્રવાસ વખતે મધ્યમ વયના એક પુરુષે તેની સતામણી કરી હતી. તેનો વિરોધ કર્યા વિના એ મહિલા અન્ય સીટ પર બેસી ગઈ હતી.
સાયકલ પર સવાર બે પુરુષોએ પોતાનો કઈ રીતે પીછો કર્યો હતો તેની વાત એક છોકરીએ બોર્ડ પર લખી હતી.
એક અન્ય મહિલાએ લખ્યું હતું કે અનેક શહેરોમાં અનેક વખત પુરુષોએ તેની શારીરિક છેડતી કરી હતી.
14થી 16 વર્ષની છોકરીઓ, 30થી 40 વર્ષની સ્ત્રીઓ અને તેમજ પ્રૌઢાઓએ પણ તેમના અનુભવ આ બોર્ડ પર આલેખ્યા છે.
ઘટના બની ત્યારે પોતે શું પહેર્યું હતું તેનો ઉલ્લેખ લગભગ તમામ છોકરીઓ, મહિલાઓએ કર્યો છે.
જાસ્મીનને મહિલાઓના વસ્ત્રોનું મ્યુઝિયમ બનાવવાનો વિચાર આ કારણસર આવ્યો હતો.

વસ્ત્રોનું મ્યુઝિયમ શા માટે?

ઇમેજ સ્રોત, ASIF DAUD
જાસ્મીને કહ્યું હતું કે ''ઘટના બની ત્યારે ક્યા વસ્ત્રો પહેર્યાં હતાં એ યાદ રાખવાનું અને સાથે લાવવાનું અમે છોકરીઓ, મહિલાઓને અચૂક જણાવી છીએ.''
''તેનું કારણ એ છે કે એ વસ્ત્રો સાથે સ્મૃતિ સંકળાયેલી હોય છે અને એ સ્મૃતિ તમારા અનુભવના સાક્ષી તથા તમારો અવાજ હોય છે.''
(આ સ્ટોરી સમાનતાનો જંગ લડતી ભારતીય મહિલાઓ વિશેની ખાસ શ્રેણીનો ભાગ છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












