'તેઓ હાથ-પગ ભાંગી નાખે છે, સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે', ભયંકર હિંસા વચ્ચે જીવતા લોકોની પીડા

ઇમેજ સ્રોત, CONSUELO ALZAMORA
- લેેખક, સેસિલિયા બારિયા
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
હૈતીમાંથી લગભગ તમામ વિદેશીઓ રવાના થઈ ચૂક્યા હતા, ત્યારે આ સ્ત્રીએ તેના ચાર વર્ષના પુત્ર સાથે અહીં જ રહેવાનું નક્કી કર્યું હતું.
એલચી કચેરીઓ બંધ થઈ ગઈ હતી. હૈતીમાં કામ કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘ અને તમામ માનવતાવાદી સંગઠનો પણ દેશ છોડી જતાં રહ્યાં હતાં.
હૈતીમાં રહેતા વિદેશી લોકોની સંખ્યા એક હાથની આંગળીઓના વેઢે ગણી શકાય એટલી છે અને તેમાં 36 વર્ષીય કોન્સુએલો અલ્ઝામોરાનો સમાવેશ થાય છે. તેઓ મૂળ ચિલીનાં ઓક્યુપેશનલ થૅરપિસ્ટ છે અને તેમણે હૈતીમાં એક પુનર્વસનકેન્દ્રની સ્થાપના કરી હતી.
બીબીસી સાથે ફોન પર વાત કરતાં કોન્સુએલોએ કહ્યું હતું કે, “આ ગામ મને મારા ઘર જેવું લાગે છે. આ મારું જીવન છે.”
તેઓ આ કેરિબિયન દેશમાં છેલ્લા એક દાયકાથી કામ કરી રહ્યાં છે અને અમેરિકાના આ સૌથી ગરીબ દેશમાં જોરદાર હિંસા વચ્ચે પણ તેઓ દર્દીઓના પુનર્વસનનું કામ ચાલુ રાખવા ઇચ્છે છે.
હૈતીની દક્ષિણે આવેલા લેસ સાયેસ ગામથી વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “અહીં જીવવું એ યુદ્ધમાં રહેવા જેવું છે. અહીં ગળાકાપ લડાઈ ચાલતી રહે છે. તેઓ મશીનગન કાઢે છે અને લોકોને વીંધી નાખે છે.”

કૉલેરા અને હિંસાગ્રસ્ત આ દેશમાં કમસે કમ 50 લાખ લોકો કુપોષિત

ઇમેજ સ્રોત, Getty Images
વ્યાપક ભ્રષ્ટાચાર, સશસ્ત્ર ગુંડા ટોળકીઓ, હત્યાઓ, અપહરણોથી ખદબદી રહેલા આ દેશમાં કોન્સુએલોએ ભયાનકતાનો અનુભવ કર્યો છે.
માર્ગો તથા જીવનજરૂરી ચીજોના પુરવઠા પર શક્તિશાળી ગુંડા ટોળકીઓના અંકુશ છે. સરકાર વિરુદ્ધનો સામાજિક અસંતોષ વિરોધમાં પરિવર્તિત થઈ ગયો છે અને તેને લીધે લૂંટફાટ અને પોલીસ સાથે અથડામણો રોજિંદી બીના બની ગયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જુલાઈ-2021માં રાષ્ટ્રપ્રમુખ જોવેનેલ મોઈસેની હત્યા કરવામાં આવી ત્યારે આ દેશને સખત ફટકો લાગ્યો હતો. તેના એક મહિના પછી થયેલા ધરતીકંપમાં 2,200થી વધુ લોકો માર્યા ગયા હતા.
કૉલેરા અને હિંસાથી ગ્રસ્ત આ દેશમાં કમસે કમ 50 લાખ લોકો કુપોષિત છે અને આ દેશ જંગી માનવીય આપત્તિનો સામનો કરી રહ્યો છે.
સરકારે વિદેશી લશ્કરની મદદ માગી છે, પરંતુ હૈતીના કેટલાક લોકો તેની ટીકા કરે છે અને આવી મદદને દખલગીરી માને છે.
વીજળી કે ગૅસોલીન અને ક્યારેક ગૅસ વિના રાંધતા તેમજ પાડોશીના કૂવામાંથી પાણી લાવતાં કોન્સુએલો તેમના પ્રિય દેશમાં નિર્દય કટોકટી વચ્ચે કેવી રીતે જીવન જીવી રહ્યાં છે તેની આ કથા છે.
તેમણે જણાવ્યું હતું કે, “હું દસ વર્ષ પહેલાં ઑર્ગેનાઇઝેશન અમેરિકા સોલિડેરિયા નામના સંગઠનના સ્વયંસેવક તરીકે અહીં આવી હતી અને રાજધાનીથી આશરે 180 કિલોમીટર દૂર આવેલા લેસ સાયેસમાં આંતરરાષ્ટ્રીય તબીબી ટીમો સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.”
હું અહીં રહી, કારણ કે હું આ દેશના પ્રેમમાં પડી ગઈ છું, કારણ કે અહીં ઘણુંબધું કરવાનું છે. હું જે પુનર્વસનકેન્દ્રમાં કામ કરતી હતી એ થોડાં વર્ષો પછી બંધ થઈ ગયું હતું. તેથી મેં મારા એક સાથી કર્મચારી સાથે મળીને 2016માં નવા પુનવર્સનકેન્દ્રની સ્થાપના કરી હતી.
આ ગામમાં મને ગમતી બાબતો પૈકીનું એક સામુદાયિક જીવન છે. તે મારા ચિલીમાંના જન્મ સ્થળ સાન કાર્લોસ જેવું જ છે. અહીં ગમે તે સ્થળે પગપાળા જઈ શકાય છે.
પરિસ્થિતિ સારી હતી, ત્યારે હું સવારે સાડા છ વાગ્યે જાગી જતી હતી અને કસરત કરતી હતી. મારા દીકરાને સ્કૂલે લઈ જતી હતી અને પછી કામ પર જતી હતી. ક્યારેક આખો દિવસ ક્લિનિકમાં કામ કરતી હતી અને ક્યારેક અમે ફિલ્ડમાં એટલે કે વિવિધ ગામોમાં દર્દીઓના પુનવર્સન માટે જતાં હતાં.
અમે મોબાઇલ ક્લિનિક અને બાળકો માટે વધુ એક પુનર્વસન પ્રોજેક્ટની યોજના બનાવી હતી, પરંતુ પારાવાર અશાંતિના કારણે એ શક્ય બન્યું ન હતું.


લેસ સાયેસમાં સરકારવિરોધી પ્રદર્શન શરૂ થયું હતું

ઇમેજ સ્રોત, CONSUELO ALZAMORA
આ સશસ્ત્ર ટોળકીઓનો આતંક 2018ની આસપાસ શરૂ થયો હતો. એ પૈકીની એક ટોળકીએ પોર્ટ-ઓ-રિકોની દક્ષિણ એક્ઝિટ પર કબજો જમાવ્યો પછી રાજધાનીથી દક્ષિણમાં જવાનો કોઈ માર્ગ ખુલ્લો રહ્યો નથી.
તેમણે અમને વિખુટા પાડી દીધા છે અને ગુજરાન ખર્ચ વધતો જાય છે. તેનું કારણ સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી મોંઘવારી નથી, પણ જીવનજરૂરી સામગ્રી ભરેલા ટ્રક્સ અહીં પહોંચી શકતા નથી. તેથી અમને ગૅસોલિન એટલે કે ઈંધણ, પાણી કે તબીબી સામગ્રી મળતી નથી.
આ ગામ છેલ્લા બેએક મહિનામાં ઘણું બદલાઈ ગયું છે. અહીંના શાંત, સુંદર જીવન પર આ વર્ષની 22 ઑગસ્ટે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
એ દિવસે લેસ સાયેસમાં સરકારવિરોધી પ્રદર્શન શરૂ થયું હતું. અમે પુનર્વસનકેન્દ્ર સપ્ટેમ્બરની શરૂઆતમાં બંધ કરી દીધું હતું, કારણ કે આખા ગામમાં ચારે બાજુ બેરિકેડ્ઝ ગોઠવવામાં આવી હતી અને બહાર જવાનું શક્ય નહોતું.
હવે પરિસ્થિતિ વધારે ખતરનાક છે. મારા દીકરાની સ્કૂલ વિરોધપ્રદર્શનના કારણે બંધ થઈ ગઈ છે. ગમે ત્યારે વિરોધપ્રદર્શન થાય છે. વિરોધ પ્રદર્શનકર્તાઓ કોઈ ખુલ્લી દુકાન જુએ તો તેમાંથી બધું લૂંટી લે છે. બીજું કંઈ ખુલ્લું હોય તો તેઓ પથ્થરમારો કરે છે અને પોલીસ આવે ત્યારે તેઓ ગોળીબાર શરૂ કરે છે.
તેથી શક્ય હોય ત્યારે જ અમે કામ પર જઈએ છીએ, કારણ કે પરિસ્થિતિ ખતરનાક બની ગઈ છે. રાતે ગોળીબારનો અવાજ સંભળાય તો સાવધ થઈ જવું પડે છે. અમે સાથી કર્મચારીઓ રોજ સવારે ફોન કરીને એકમેકને પૂછી લઈએ છીએ કે, બહાર જવું શક્ય છે કે કેમ? 14 લોકોની અમારી ટીમમાં ફીઝિકલ થૅરપિસ્ટ્સ છે, ઓક્યુપેશનલ થૅરપિસ્ટ્સ છે, રીહેબિલિટેશન ટેકનિશિયન છે અને પ્રોસ્થેટિસ્ટ્સનો સમાવેશ થાય છે.
બહાર અનેક ટાયરોને આગ ચાંપવામાં આવી હોય તો અમે કામ પર જતાં નથી. કામ પર જવાનો કોઈ અર્થ પણ નથી હોતો, કારણ કે દર્દીઓ કેન્દ્ર સુધી આવી શકવાના નથી એ અમે જાણીએ છીએ.
દાખલા તરીકે, અમે આખો સપ્ટેમ્બર કેન્દ્ર બંધ રાખ્યું હતું, કારણ કે અત્યંત હિંસક વિરોધપ્રદર્શન થતું હતું અને અમે ઘરની બહાર પગ મૂકવાની સ્થિતિમાં ન હતાં.

લેસ કેયેસમાં ખુલ્લેઆમ ગોળીબાર થતો હતો

ઇમેજ સ્રોત, Getty Images
આખો દિવસ વિરોધપ્રદર્શન ચાલતું હતું અને તેમાં ગોળીબાર થતો હતો. અહીં પોલીસ એકદમ નજીકથી ગોળીબાર કરે છે.
છેલ્લા કેટલાક સપ્તાહોમાં આ ગામમાં આશરે 20 લોકો માર્યા ગયા છે અને સંખ્યાબંધ લોકો ઘવાયા છે.
સદનસીબે મને કશું થયું નથી, પણ વિરોધ પ્રદર્શનકર્તાઓ સામે આવી જાય ત્યારે મને ડર લાગે છે કે, હું અલગ હોવાના કારણે તેઓ મને માર મારશે, તેઓ મારા પર પથ્થર ફેંકશે કે હુમલો કરશે.
તેનું કારણ એ છે કે, અમે વિદેશીઓ છીએ અને તેઓ અમેરિકા તથા ફ્રાન્સની જે બાબતોનો તિરસ્કાર કરે છે તેના અમે પ્રતિનિધિ છીએ. સ્થાનિક લોકોએ મને કહ્યું છે કે અમને કશું થશે નહીં, કારણ કે બધા અમને જાણે છે અને તેથી તેઓ મને મેયર કહે છે.
લેસ કેયેસમાં સૌથી ખતરનાક બાબત ખુલ્લેઆમ થતો ગોળીબાર છે. અહીં પોલીસ કોઈની પરવા કરતી નથી. મૃતકો પૈકીના મોટા ભાગના લોકો પોલીસ ગોળીબારનું નિશાન બનેલા હોય છે.
મજ્જાતંતુની બીમારી, સેરેબ્રલ પોલ્સીના દર્દીઓની સારવાર અમે કરીએ છીએ. મોટરસાયકલ એક્સિડન્ટમાં ઈજા થઈ હતી. તેવા લોકોની સારવાર પણ કરીએ છીએ.

'અમારી પાસે ઈંધણ કે વીજળી કે પાણી કશું ન હતું'

ઇમેજ સ્રોત, CONSUELO ALZAMORA
આજકાલ અમારી પાસે ગોળીબારથી હાડકાં ભાંગ્યાં હોય તેવા, કરોડરજ્જુમાં ઈજા પામેલા લોકો વધારે આવે છે.
બે સપ્તાહ પહેલાં પોલીસ ગોળીબારમાં ઘાયલ થયેલા 16 વર્ષીય એક છોકરાને અમારે ત્યાં લાવવામાં આવ્યો હતો. વિરોધપ્રદર્શન દરમિયાન પોલીસે તેના માથામાં પાછળથી ગોળી મારી હતી. આવી ઘટના બને ત્યારે લોકો ગૂંચવાઈ જાય છે, ક્રોધિત થાય છે. તેઓ બાળકના મૃતદેહને લઈને તેની સાથે શેરીઓમાં ચક્કર લગાવે છે, જેથી બધા લોકોને ખબર પડે કે પોલીસે તેની હત્યા કરી છે.
કેટલાય સપ્તાહો સુધી બૅન્કો તથા ટ્રાન્સફર હાઉસ બંધ રહ્યાં હતાં. અમારી પાસે પૈસા ખૂટી પડ્યા હતા. અમે કશું ખરીદી શકીએ તેમ ન હતા. અમારી પાસે ઈંધણ કે વીજળી કે પાણી કશું ન હતું.
વાસ્તવમાં અમે ત્રણ મહિના સુધી વીજળી વિના રહ્યા હતા. પીવાનું પાણી શોધવાનું તો બહુ મુશ્કેલ હોય છે. દેશના સમગ્ર દક્ષિણ પ્રદેશમાં આવું થઈ રહ્યું છે અને ઈંધણ મળી પણ જાય તો તેનો ભાવ પ્રતિગેલન 45 ડૉલર હોય છે.
અહીં પાણીના ટ્રક આવતા નથી, પણ હું નસીબદાર છું કે મને મારા પાડોશીના કૂવામાંથી પાણી મળી રહે છે. ગુંડા ટોળકીઓના અંકુશ હેઠળના માર્ગો પરથી પાણીનાં ટેન્કર અહીં પહોંચી શકતા નથી.

'જીવનજરૂરી ચીજોના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે'

ઇમેજ સ્રોત, CONSUELO ALZAMORA
હું મારા દીકરા અને બે સ્ત્રીઓ સાથે આ ઘરમાં રહું છું. અમે એક ડોલ પાણીમાં સ્નાન કરી લઈએ છીએ. અમારી પાસે ગૅસ ખૂટી પડે ત્યારે કોલસા વડે રાંધીએ છીએ. જોકે, હવે મને પ્રોપેન ગૅસ મળી ગયો છે.
અમે સ્થાનિક માર્કેટમાંથી ખરીદી કરીએ છીએ અને ત્યાં જે મળે તે ખાઈએ છીએ. ઘણી વાર સપ્તાહો સુધી ઈંડાં કે ચિકન ઉપલબ્ધ હોતાં નથી. એક વખત ટામેટાં વગર બે સપ્તાહ પસાર કરવા પડ્યાં હતાં. એક અઠવાડિયું મારા દીકરા માટે દૂધ પણ મળ્યું ન હતું.
વિરોધપ્રદર્શન ચાલુ હોય ત્યારે ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ હોય છે. તેથી અમે નૂડલ્સ, ચોખા, કેળાં કે ફિશ ખાઈને ચલાવીએ છીએ.
વધુ એક મુશ્કેલી એ છે કે, જીવનજરૂરી ચીજોના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે. મોંઘવારી એટલી છે કે લોકોએ ભૂખ્યા રહેવું પડે છે. એ જોઈને મને પીડા થાય છે. મારી પાસે થોડા પૈસા હોય છે. તેથી મારા ઘરમાં આશરે 10 લોકોને જમાડી શકું છું.
ભૂખ્યા હોય તેવા લોકોને ભોજન આપવાનો પ્રયાસ પણ કરું છું. આ બહુ દુઃખદ છે.
પોર્ટ-ઓ-રિકોમાં સશસ્ત્ર ગુંડા ટોળકીઓ દક્ષિણ એક્ઝિટ પર પૈસા એકઠા કરવા પગદંડો જમાવ્યો છે. તેઓ માફિયા જેવા છે. એ રસ્તા પરથી પસાર થતા તમામ વાહનચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવે છે, પણ તેઓ હંમેશાં લોકોને આસાનીથી જવા દેતા નથી.
તમે દક્ષિણમાંથી બસમાં પોર્ટ-ઓ-રિકો જતા હો તો તમારા પર ગોળીબારની 50 ટકા અને હેમખેમ રહેવાની 50 ટકા શક્યતા હોય છે. મશીન ગનધારી પુરુષોની ટોળકી બસ અટકાવે ત્યારે ડ્રાઈવરે તેને પૈસા ચૂકવવા પડે છે, પણ ક્યારેક પૈસા ચૂકવ્યા વિના તે બસ હંકારી જાય તો મશીન ગનધારી લોકો બસમાં બેઠેલા તમામ લોકોની હત્યા કરે છે. તેમાં 20થી 30 લોકો માર્યા જાય છે, પણ કોઈ કશું કહી શકતું નથી.
થોડા મહિના પહેલાં મારા એક દોસ્તનું અપહરણ કરવામાં આવ્યું હતું, પણ આખરે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા, કારણ કે કોઈ પરદેશી લોકો નાણાં ચૂકવી દેતા હોવાથી અપહરણકર્તાઓ તેમની હત્યા કરતા નથી.
તેઓ તમારી હત્યા કદાચ ન કરે, પણ તેઓ અત્યંત હિંસક હોય છે. તેઓ તમને માર મારે છે, તમારા હાથ ભાંગી નાખે છે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે.

2018થી અત્યાર સુધીમાં પોર્ટ-ઓ-રિકોમાં હજ્જારો અપહરણ થયાં છે

ઇમેજ સ્રોત, CONSUELO ALZAMORA
હું છેલ્લા એક વર્ષથી પોર્ટ-ઓ-રિકો જઈ શકી નથી. મારે ત્યાં જવું અનિવાર્ય હોય તો પણ જમીન માર્ગે હું ત્યાં જઈ શકતી નથી.
પ્લેન મારફતે ત્યાં પહોંચવા માટે અઢીસો ડૉલર ખર્ચવા પડે છે. પ્લેનનો બિઝનેસ એટલો જોરદાર ચાલે છે કે અહીંથી રોજ પાંચ ફ્લાઇટ્સ રવાના થાય છે.
2018થી અત્યાર સુધીમાં પોર્ટ-ઓ-રિકોમાં હજારો અપહરણ થયાં છે. અપહરણ અહીં મોટો ધંધો છે. ગુંડા ટોળકી પ્રત્યેક અપહ્યત વ્યક્તિની મુક્તિપેટે એક લાખ ડૉલરની માગણી કરે છે. તેઓ દસ લોકોનું અપહરણ કરે તો તેમને 10 લાખ ડૉલર મળે છે, પણ તેને રોકવાનાં કોઈ પગલાં લેવાતાં નથી.
હૈતીમાં કોનું અપહરણ થયું છે તે બધા જાણતા હોય છે. કૅનેડાના એક અન્ય મિત્રના પરિવારનું અપહરણ કરવામાં આવ્યું હતું.
તેમાં માતા-પિતા અને તેમની 18 વર્ષની પુત્રી હતાં. છોકરીએ બળાત્કારનો ઇનકાર કર્યો એટલે તેની હત્યા કરવામાં આવી હતી.
હું જ્યાં રહું છું તે લેસ કેયેસમાં અપહરણનું દૂષણ પ્રવેશ્યું નથી. એ કારણસર જ હું હજુ હૈતીમાં છું. જે દિવસે એ દૂષણ અહીં પ્રવેશશે તે દિવસે અહીં મારું રહેવું મુશ્કેલ બની જશે, કારણ કે હું અપહરણનું પર્ફેક્ટ ટાર્ગેટ છું.
અહીં જૂજ વિદેશી નાગરિકો છે અને રાજધાનીમાં પણ બહુ ઓછા વિદેશીઓ છે, કારણ કે હૈતીમાં તમામ વિદેશી સંગઠનોએ કામકાજ બંધ કરી દીધું છે. બધા વિદેશીઓ અદૃશ્ય થઈ ગયા છે. હૈતીમાં એવી કહેવત છે કે, હૈતીવાસીઓ એકલા મરે છે, એકમેકને મારે છે.
મારા દીકરાને શું ચાલી રહ્યું છે તે થોડું થોડું સમજાય છે. દાખલા તરીકે, ગઈ કાલે અમે લોકો પાડોશમાં ગયા હતા. મારા દીકરાને રેતીમાં રમવું ગમે છે. એ વખતે ગોળીબાર થયો હતો.
આવી પરિસ્થિતિ હોવા છતાં મને લેસ કેયેસમાં રહેવું ગમે છે. અહીં મને ઘર જેવું લાગે છે. આ મારું ઘર છે, મારું ગામ છે, મારી જિંદગી છે અને હું મારા કામને પ્રેમ કરું છું.

'દર્દીઓને જોઉં છું ત્યારે બધું ઝળહળી ઊઠે છે'

ઇમેજ સ્રોત, CONSUELO ALZAMORA
હૈતીમાં 10 વર્ષના વસવાટ દરમિયાન મને ઘણા સારા અનુભવ પણ થયા છે. હું સવારે ઊઠીને કામ પર જાઉં છું અને દર્દીઓને જોઉં છું ત્યારે મારા માટે બધું ઝળહળી ઊઠે છે.
અહીં કામ કરીને હું કમાણી નથી કરતી, અહીં ટકી રહેવા માટે નાણાં ખર્ચવા પડે છે, પરંતુ લોકોનું જીવન બહેતર બનાવી શકીએ એ સારી વાત છે. સપ્તાહમાં એક જ વખત નહીં, આ કામ રોજ કરવાનું હોય છે.
જેમ હું ઘણા લોકોને મદદરૂપ થઈ છું, તેમ ઘણા લોકોએ પણ મને મદદ કરી છે. ઘણી વાર તેઓ મારી પાસેથી પૈસા લેતા નથી.
મારી અંદર લાગણી છલકાય છે, પરંતુ હું રડી ન પડાય તેના પ્રયાસ કરું છું.
બીજી તરફ મને આશા છે કે, હૈતીમાં પરિસ્થિતિ સુધરશે. ગયા વખતે પરદેશ જઈને પાછી અહીં આવી ત્યારે પરિસ્થિતિ જોઈને મને આઘાત લાગ્યો હતો, હું નિરાશ થઈ ગઈ હતી.
હું વિચારતી હતી કે, મારી પાસે ટેલિફોન કે પાણી કે વીજળી કે પૈસા કે ઈંધણ ન હોય એ કેવું કહેવાય, પરંતુ જે થયું છે તેને જોતાં લાગે છે કે અમે ચક્રના અંત તરફ પહોંચી ગયાં છીએ અને આનાથી વધુ ખરાબ કશું થશે નહીં.
હૈતીમાં રહીને હું એ શીખી છું કે, જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ સ્થાયી હોતી નથી.
વિરોધીઓએ રાષ્ટ્રપ્રમુખની હત્યા કરી તે પણ ભયાનક કામ હતું. અમે વિચારેલું કે હવે બળવો થશે, પરંતુ થોડા સપ્તાહ પછી રાબેતો સ્થપાઈ ગયો હતો. હવે ફરીથી હિંસા શરૂ થઈ છે.
પરિસ્થિતિને જેવી હોય તેવા સ્વરૂપે સ્વીકારતા હું શીખી ગઈ છું. ઓછું ભોજન મળે તો ઓછું જમવાનું. એક મહિનો થશે, બે મહિના થશે, પરંતુ આ સમય પણ વીતી જશે.
મને ખાતરી છે કે, અમે જે અનુભવી રહ્યા છીએ તે થવાનું જ હતું અને એ સ્મૃતિનો એક હિસ્સો બની જશે.














