ડેટિંગ ઍપથી પ્રેમ અને લિવ-ઇનમાં હત્યા, દિલ્હીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાનો ભેદ કેવી રીતે ઉકેલાયો?

ઇમેજ સ્રોત, ANI
દિલ્હી પોલીસે છ મહિના પહેલાં મેહરૌલી વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખવાનો દાવો કર્યો છે. પોલીસે આ મામલે લિવ-ઇન પાર્ટનરની હત્યાના આરોપમાં આફતાબ નામના યુવકની ધરપકડ કરી છે.
આરોપ છે કે આફતાબે 18 મેએ પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી અને એના મૃતદેહના ટુકડા કરીને જંગલમાં અલગઅલગ જગ્યાએ ફેંકી દીધા.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આફતાબ અને યુવતી મુંબઈમાં કામ કરતી વખતે નજીક આવ્યાં હતાં અને બન્ને એકબીજાંના પ્રેમમાં હતાં. જોકે, પરિવારજનો આ સંબંધથી ખુશ નહોતા.
પોલીસના મતે યુવતીનો પરિવાર મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. પરિવારની નારાજગીના પગલે બન્ને દિલ્હી આવી ગયાં હતાં અને છતરપુરમાં એક ઘર ભાડે રાખીને રહેતાં હતાં.
પોલીસે જણાવ્યું કે યુવતીએ જ્યારે આફતાબ પર લગ્ન કરવાનું દબાણ શરૂ કર્યું, ત્યારે તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા. 18 મેએ તેમની વચ્ચે લગ્નની વાતને લઈને ઝઘડો થયો અને ગુસ્સામાં આફતાબે યુવતીનું ગળું દાબી હત્યા કરી નાખી.
દિલ્હી પોલીસના ઍડિશનલ ડીસીપી (સાઉથ) અંકિત ચૌહાણે જણાવ્યું, "આફતાબે સ્વીકાર્યું છે કે હત્યા બાદ તેણે પોતાની પ્રેમિકાના મૃતદેહના ટુકડા કર્યા. મૃતદેહમાંથી ગંધ ના આવે એ માટે એણે મોટી સાઇઝનું ફ્રીઝ ખરીદ્યું અને એમાં એને રાખી દીધા. ધીરેધીરે એ રાતના સમયે મૃતદેહના ટુકડા શહેરના અલગઅલગ વિસ્તારમાં ફેંકી આવતો હતો."

એફઆઈઆરમાં શું-શું નોંધાયું?

બીબીસી મરાઠી સેવાના સંવાદદાતા મયંક ભાગવતને પોલીસ પાસેથી મળેલી એફઆઈઆરની કૉપીમાં આ કેસ સાથે સંકળાયેલી મહત્ત્વની કડીઓ સામે આવી છે.
શ્રદ્ધાના પિતાએ પોલીસમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનાં પત્ની અને તેઓ કેટલાય સમયથી અલગઅલગ રહે છે. શ્રદ્ધા વર્ષ 2018માં મુંબઈના એક કૉલ સેન્ટરમાં કામ કરતી હતી ત્યારે તેમની મુલાકાત આફતાબ પુનાવાલા નામના યુવક સાથે થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના જણાવ્યા અનુસાર "2019માં શ્રદ્ધાએ પોતાની માતાને જણાવ્યું કે તે આફતાબ સાથે લિવ-ઈનમાં રહેવા ઇચ્છે છે, પણ મારી પત્નીએ આ મામલે ઇન્કાર કર્યો કે આપણે ત્યાં બીજા ધર્મ કે બીજી જાતિમાં લગ્ન નથી થતાં. અમે ઇન્કાર કર્યો તો દીકરીએ કહ્યું કે તે 25 વર્ષની છે અને તેને તેના નિર્ણયો લેવાનો હક છે."
આ જ વાત પર એણે પોતાની માતા સાથે ઝઘડો કરીને ઘર છોડી દીધું અને આફતાબ સાથે રહેવા લાગી.
એફઆઈઆર અનુસાર 'શ્રદ્ધા અને આફતાબ કેટલાક દિવસ નયા ગામમાં રહ્યાં અને પછી વસઈ વિસ્તારમાં રહેવા લાગ્યાં. મારી દીકરીએ વચ્ચે વચ્ચે ફોન કરીને એની માને જણાવ્યું હતું કે આફતાબ એની સાથે મારપીટ કરતો હતો.'

હત્યાની જાણ કઈ રીતે થઈ?

શ્રદ્ધાના પિતાનો દાવો છે કે એમની પુત્રી એમને મળવા આવી હતી અને એ વખતે પોતાની આપવીતી સંભળાવી હતી. એ વખતે તેમણે શ્રદ્ધાને આફતાબનું ઘર છોડી દેવા કહ્યું હતું પણ આફતાબે માફી માગતાં એ પરત જતી રહી હતી.
શ્રદ્ધાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે વાત ન માનવાને લીધે તેમણે શ્રદ્ધા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, સપ્ટેમ્બરમાં શ્રદ્ધાની એક મિત્રે તેમના પુત્રને ફોન કરીને જણાવ્યું કે લગભગ બે મહિનાથી શ્રદ્ધાનો ફોન બંધ આવી રહ્યો છે.
જ્યારે શ્રદ્ધાનું કોઈ પગેરું ના મળ્યું ત્યારે તેમના પિતાએ મહારાષ્ટ્રના માનિકપુર પોલીસસ્ટેશનમાં પુત્રીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆરમાં તેમણે આફતાબ સાથે શ્રદ્ધાના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આશંકા વ્યક્ત કરી હતી કે શ્રદ્ધાના ગાયબ થવા પાછળ આફતાબનો હાથ હોઈ શકે.
પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આફતાબની શોધખોળ આરંભી હતી.

ડેટિંગ ઍપ પર મળ્યા હતાં બન્ને
દિલ્હી પોલીસના ઍડિશનલ ડીસીપી (સાઉથ)એ જણાવ્યું, "યુવતીના પિતાએ ત્યારે ખબર પડી કે એમની પુત્રી લાપતા છે જ્યારે એનો સંપર્ક નહોતો થઈ રહ્યો. એ વખતે એમણે મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. મુંબઈ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે છોકરીનું છેલ્લું લૉકેશન દિલ્હી હતું. એ બાદ યુવતીના પરિવારજનોએ દિલ્હીના મેહરૌલી પોલીસસ્ટેશનમાં ફરિયાદ લખાવી."
પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બન્ને ડેટિંગ ઍપ થકી મળ્યાં હતાં. મુંબઈમાં લિવ-ઈનમાં રહેતાં હતાં અને દિલ્હી આવીને પણ સાથે જ રહેતાં હતાં. દિલ્હીમાં એમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને ઘણી વખત વાત મારપીટ પર પણ પહોંચી જતી.
પોલીસે જણાવ્યું કે તમામ ડિજિટલ અને સાઇન્ટિફિક ઍવિડન્સ એકઠા કરવામાં આવ્યા છે અને એની તપાસ કરાઈ રહી છે. પોલીસે એ ફ્રિઝ પણ મેળવી લીધું છે, જેમાં કથિત રીતે મૃતદેહના ટુકડા રાખવામાં આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે આફતાબની ઓળખના આધારે મેહરૌલીના જંગલમાંથી હાકડાં પણ એકઠાં કરાયાં છે.














