મૉન્સ્ટર : એ સીરિયલ કિલર જે મારી નાખ્યા બાદ 'માથું સાચવી રાખતો' અને 'મનુષ્યનું માંસ ખાતો'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
1978થી 1991 સુધીમાં જેફરી ડેમરે 17 લોકોની હત્યા કરી હતી અને એટલી ક્રૂરતાથી કરી હતી કે લોકો તેને મિલવાઉકી મૉન્સ્ટર તરીકે ઓળખતા થયા હતા. તેણે મિલવાઉકી શહેરમાં જ મોટા ભાગની હત્યાઓ કરી હતી.
અમેરિકાના ઇતિહાસમાં એવા ઘણા હત્યારાઓ જોવા મળ્યા છે જેણે એક પછી એક હત્યાઓ કરી હોય, પણ ડેમર જે રીતે હત્યા કરતો હતો તે ગુનાખોરીના જાણકારો અને લોકો માટે આંચકાજનક હતું. હત્યા પછી મૃતદેહના નિકાલની તેની રીત પણ કમકમાવે તેવી હતી.
આ હત્યારા વિશે એકથી વધારે ટીવી સિરિયલો, ફિલ્મો અને નાટકો પણ બન્યાં છે. તેના વિશે લખાયેલાં પુસ્તકો અને લેખોની સંખ્યા તો બહુ મોટી છે. તેની સાથે ભણનારા લોકોએ પણ તેના વિશે પુસ્તકો લખ્યાં છે.
આ બધા પછી હવે નેટફ્લિક્સ પર પણ તેની સિરીઝ આવી, જે દસ હપ્તામાં છે. મૉન્સ્ટરઃ ધ જેફરી ડેમર સ્ટોરી સિરીઝમાં તેના બાળપણ અને કિશાવસ્થાના કાળને પણ આવરી લેવાયો છે.
જોકે આ સિરીઝ રજૂ થઈ તે સાથે જ વિવાદ પણ શરૂ થયો છે. ખાસ તો એટલા માટે ટીકા થઈ રહી છે કે આ કહાણીમાં ભોગ બનેલા લોકોના દૃષ્ટિકોણની અવગણના કરવામાં આવી છે.
ડેમરની એક શિકાર ઍરોલ લિન્ડસેનાં બહેન રીટા ઇઝાબેલ કહે છે, "આ શોથી ભોગ બનેલા લોકોને કંઈક રાહત મળતી હોત તો બહુ વાંધો આવત નહીં, પરંતુ આ લોકો માત્ર પૈસા કમાવા માગે છે. આ નકરી કમાણીની લાલસા છે."
આજે પણ જેના ગુનાને કારણે લોકો રોષે ભરાઈ જાય છે તે જેફરી ડેમર કોણ હતો?

"સામાન્ય" બાળપણ

ઇમેજ સ્રોત, NETFLIX
પોલીસ અને ડેમરની સારવાર કરનારા ડૉક્ટરોને એક બાબતથી આશ્ચર્ય થયું હતું કે મોટા ભાગના સિરિયલ કિલરથી વિપરીત ડેમરનું બાળપણ સાધારણ રીતે જ વીત્યું હતું. તેને બચપણમાં કોઈ અત્યાચારનો કે શોષણનો ભોગ બનવું પડ્યું હતું એવું નહોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના વિસ્કૉન્સિન રાજ્યના મિલવાઉકી શહેરમાં મે 1960માં તેનો જન્મ થયો હતો.
તેના પિતા લાયોનલ ડેમર કૅમિસ્ટ હતા, જ્યારે તેનાં માતા જૉયસ ઍનેટ ટેલિફોન ઑપરેટર તરીકે કામ કરતાં હતાં. ડેમરના ગુનાને જાણ્યા પછીય પિતા તેમને જેલમાં મળવા આવતા રહ્યા હતા.
તેમની જીવનકથા લખનારા ઘણા લેખકોના જણાવ્યા અનુસાર, ડેમર દસ વર્ષનો થયો તે પછી તેનું વર્તન વિચિત્ર થવા લાગ્યું હતું તે બાબત તરફ તેના શાળાના કેટલાક શિક્ષકોનું ધ્યાન ગયું હતું. આ શિક્ષકોને લાગ્યું કે તેની માતાને માનસિક બીમારીનું નિદાન થયું હતું એટલે અને તેના પિતા મોટા ભાગે બહાર ગામ ફરતા હતા એટલે કદાચ તેનું વર્તન બદલાયું હતું.
જોકે તે પછી તે કિશોરાવસ્થામાં પહોંચ્યો પછી એવાં લક્ષણો દેખાવા લાગ્યાં હતાં, જે આગળ જતાં તેને હત્યારો બનાવે.
નેટફ્લિક્સ સિરીઝમાં દર્શાવાયું છે તે પ્રમાણે ડેમરને મરેલાં પ્રાણીઓની ચીરફાડ કરવામાં બહુ રસ પડતો હતો.
તેનું ઘર હાઈવે પર હતું એટલે ત્યાં વાહનની ટક્કરથી કોઈ પશુનું મોત થાય ત્યારે તે તેને ઉપાડી લાવતો અને તેનું શરીર ચીરતો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
એક મહિલા જે બાદમાં તેના પિતાનાં જીવનસાથી બન્યાં હતાં તે શેરી ડેમરે ટાઇમ મૅગેઝિનને જણાવ્યું હતું કે ડેમર મરેલાં પ્રાણીઓના ટિસ્યૂને પોચા કરવા અને હાડકાંને બહાર કાઢવા માટે ઍસિડનો ઉપયોગ કરતો હતો તેઓ પોતે જાણતાં હતાં. બાદમાં તેણે મનુષ્યોની હત્યા કરી ત્યારે પણ આ જ રીતે તેમના શરીરના ટીસ્યૂને પોચા કરવા તે ઍસિડનો ઉપયોગ કરતો હતો.
સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધ થયેલી વિગતો અનુસાર ડેમરે પોતાની પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેનાં માતાપિતાના છૂટાછેડા પછી તેની તરછોડાયાની લાગણી વધારે પ્રબળ બની હતી. હાઇસ્કૂલનો અભ્યાસના અંત ભાગમાં જ આ બન્યું હતું અને તે વખતે તેમના શિક્ષકોએ વર્તનમાં ફેરફાર જોયો તેનું કારણ પણ આ જ હતું.
એ જ સમયગાળામાં તેણે પ્રથમ વાર એક હત્યા કરી હતી. જૂન 1978માં તેણે સ્ટિવન હિક્સ નામના 18 વર્ષના કિશોરની હત્યા કરી, જે ડેમર રહેતો હતો તેની નજીકની એક જગ્યાએ કૉન્સર્ટ જોવા જઈ રહ્યો હતો.
ડેમર પોતે પણ 18 વર્ષનો જ હતો અને તે કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે તેણે સ્ટિવનને જોયા હતો. તેણે કહ્યું કે હું તને કૉન્સર્ટના સ્થળે મૂકી જઈશ. પછી કહ્યું કે પહેલાં મારા ઘરે જઈએ અને ડ્રિન્ક લઈએ.
સ્ટિવનને ઘરે લઈને આવ્યા પછી તેના માથા પર કસરત માટે તે ઉપયોગમાં લેતો હતો તે દંડને બે વાર જોરથી માર્યો હતો. બાદમાં ડેમરે પોલીસને એવું જણાવ્યું હતું કે સ્ટિવન કૉન્સર્ટમાં જવા ઉતાવળ કરી રહ્યો હતો અને તેને કંપની આપવા તૈયાર નહોતો એટલે તેણે ગુસ્સામાં આવીને તેની હત્યા કરી નાખી.

એક પછી એક હત્યાઓ

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટિવનની હત્યા કરી તે પછી તેણે ઘૃણા થાય તેવું કૃત્ય પણ કરેલું અને તે પછીના બધા ભોગ બનેલા લોકોનું પણ એવું જ કરેલું.
તેણે સ્ટિવનના શરીરના ટુકડા કરી નાખ્યા, ઍસિડથી ટિસ્યૂ ગાળી નાખ્યા અને હાડકાં અલગ કાઢીને તેને એક જગ્યાએ મૂકી દીધાં.
તેણે સ્ટિવનનું માથું આખું સાચવી રાખ્યું હતું, જેથી બાદમાં તેને જોઈને તેનો વિચાર કરી શકે. બીજી હત્યાઓ કરી ત્યારે પણ તે લોકોનાં માથાં તેણે સાચવી રાખ્યાં હતાં. આવી કબૂલાત ડેમરે પોતાના નિવેદનમાં કરી હતી.
એક હત્યા કર્યા પછી નવ વર્ષ સુધી બીજી કોઈ ઘટના બની નહોતી. તે પછી તે ઓહાયો યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો, પણ ત્યાંથી તેને સતત ગેરહાજરી અને બહુ ઓછા માર્ક્સ આવ્યા હતા એટલે એક સેમેસ્ટર પછી જ કાઢી મૂકવામાં આવ્યો હતો.
તેના પિતાએ ઘણા બધા ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને દરમિયાન જણાવ્યું હતું કે ઓહાયોમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો તે પછી તેણે ડેમરને સેનામાં મોકલી આપ્યો હતો. સેનામાં તે બહુ દારૂ પીતો હતો એટલે ત્યાંથી પણ તેને કાઢી મૂકવામાં આવ્યો હતો.
1981માં ડેમર મિલવાઉકીના છેવાડે તેનાં દાદીના ઘરે રહેવા ગયો હતો. અહીં તેને એક પુરુષમિત્ર મળ્યો હતો અને તે હવે ગે સેક્સમાં રચ્યોપચ્યો રહેતો હતો. ગે બારમાં રખડ્યા કરતો હતો, કેમ કે તેની પાસે કોઈ નોકરી નહોતી. તેની દારૂની લતને કારણે તેને કોઈ કામ મળતું નહોતું.
1987માં તેણે બીજી હત્યા કરી - આ વખતે 25 વર્ષના સ્ટિવન ટોઉમીની. બાદમાં ધરપકડ થઈ ત્યારે કબૂલાતમાં ડેમરે કહેલું કે ટોઉમી તેને એક બારમાં મળ્યો હતો અને તેણે એક હોટલની રૂમમાં સાથે આવવા માટે મનાવી લીધો હતો.
ડેમરે પૂછપરછમાં એવું કહેલું કે ટોઉમીની હત્યા કેવી રીતે કરેલી તે તેને યાદ નથી. તેણે કહેલું કે બીજા દિવસે તે જાગ્યો ત્યારે તેની બાજુમાં એક જુવાન મરેલો પડ્યો હતો અને તેના હાથમાં ઈજાઓ થયેલી હતી.
આ ઘટના પછી તેણે એક પછી એક હત્યાઓ કરી. મોટા ભાગે સરખી રીતે ઘટનાક્રમ સર્જાતો હતો. બારમાં યુવાન સાથે ભેટો થાય, તેને પોતે જ્યાં રહેતો હતો તે દાદીના ઘરે લઈ જાય. બાદમાં દાદી પણ તેનાથી કંટાળ્યાં હતાં એટલે કાઢી મૂક્યો હતો. હવે તેણે એક સસ્તું ઘર ભાડે રાખ્યું હતું ત્યાં યુવાનોને લઈને હતો. તેને નશો કરાવતો અને બાદમાં તેનું ગળું દબાવીને હત્યા કરી દેતો.
શરૂઆતમાં તે બારમાં યુવાનોને આકર્ષીને ઘરે લઈ આવતો હતો, પણ બાદમાં તેણે પોતે પૈસા આપશે એમ કહીને યુવાનોને લલચાવતો. પોતાના માટે નગ્ન થઈને પોઝ આપવાનો અને તેના માટે પૈસા આપીશ તેવી લાલચ આપતો.
આવી રીતથી તેણે રિચાર્ડ ગેરેરો, જૅમ્સ ડોક્સ્ટેટર, ઍન્થની સિઅર્સ, રેમન્ડ સ્મિથ, ઍડવર્ડ સ્મિથ, અર્નેસ્ટ મિલર, ડેવિડ થૉમસ, કર્ટિસ સ્ટ્રોટર, ઍરોલ લિન્ડ્સે, કૉનેર્ક સિન્થસોમ્ફન, ટૉરી હ્યુજીસ, ઑલિવર લેસી, મેટ ટર્નર અને જૉસેફ બ્રેડોફ્ટની હત્યાઓ કરી હતી.
હત્યા કરી નાખ્યા પછી તે શરીરના ટુકડા કરી નાખતો અને તેમાંથી કેટલાક ભાગને ફ્રીઝમાં સાચવી રાખતો હતો. તેને સેલાઇન જેવા સૉલ્યુશનમાં બોળીને તેને સાચવી રાખતો.
તળ મિલવાઉકીમાં તેણે એપાર્ટમૅન્ટ ભાડે રાખ્યું હતું ત્યાં આ રીતે તે શરીરના ટુકડા કરી નાખતો અને તેને સાચવી રાખતો હતો. આસપાસના પડોશીઓ ગંધ મારતી હોવાની ફરિયાદો પણ કરવા લાગેલા, પણ પાંચ વર્ષ સુધી પોલીસ અહીં પહોંચી નહોતી.

હત્યામાંથી બચ્યો

ઇમેજ સ્રોત, Getty Images
જુલાઈ 1991માં 32 વર્ષનો ટ્રેસ ઍડવર્ડ ડેમરને મળ્યો અને તેને પણ ફોટા પાડવા માટે 100 ડૉલર આપવાની વાત કરીને પોતાના ઘરે લઈ આવ્યો હતો.
તે પછી શું થયું તેનું વર્ણન આ કેસ ચાલ્યો ત્યારે ઍડવર્ડે કર્યું હતું તે પ્રમાણે તે જીવ બચાવીને ત્યાંથી છટકી શક્યો હતો. તેને બે પોલીસ મળી ગયા હતા એટલે તેને તે એપાર્ટમૅન્ટ પર દોરી ગયો હતો.
પોલીસે ત્યાં તપાસ કરી તો અંગો કપાયેલા શરીરના કેટલાક ફોટા મળ્યા એટલે ડેમરની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ પછી ડેમરે કબૂલ્યું કે તેણે 11 યુવાનોની હત્યા કરી હતી અને મિલવાઉકી પોલીસે તપાસ કરી ત્યારે છેલ્લા ભોગ બનેલા ચારનાં મસ્તક પણ મળી આવ્યાં હતાં.
ઍસિડમાં બોળીને રાખેલા હાર્ટ વગેરે જેવાં અંગો પણ મળી આવ્યાં હતાં. આ દૃશ્ય પોલીસ માટે પણ કમકમાટી જન્માવે તેવું હતું.
ડેમરે એ પણ કબૂલ્યું કે તેણે મનુષ્યના માંસનો આહાર પણ કર્યો હતો અને મૃત શરીર સાથે સમાગમ પણ કર્યો હતો.
તેની સામે મુકદ્દમો ચાલ્યો અને તેને ઓછામાં ઓછી 15 હત્યા માટે દોષિત જાહેર કરાયો. તેને 15 વર્ષની કેદની સજા થઈ હતી અને ઓહાયો સ્ટેટ જેલમાં તેને મોકલી અપાયો હતો.
બે જ વર્ષ પછી જેલમાં બીજા કેદી સાથે મારામારી થઈ ત્યારે તેના માથા પર ફટકો મારીને તેની હત્યા કરવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













