‘હું વિશ્વના શ્રેષ્ઠ ઍથ્લીટો પૈકી એક હતો અને એક દિવસ ચાલી સુધ્ધાં નહોતો શકતો’

ઇમેજ સ્રોત, BBC/WALL TO WALL
- લેેખક, સેમ્યુઅલ સ્પેન્સર
- પદ, .
વર્ષ 2016માં નાઇલ વિલ્સન રિયો ઑલિમ્પિકમાં હૉરિઝોન્ટલ બાર પર કરતબ બતાવી કાંસ્ય પદક જીત્યા હતા. પરંતુ એ જ વર્ષે તેમને એક એવી ઈજા થઈ જે તેમના મતે ત્રણ વર્ષ બાદ જિમ્નેસ્ટિક્સમાંથી તેમની નિવૃત્તિનું કારણ બની.
તેમણે બીબીસી થ્રીને જણાવ્યું કે, “હું ખૂબ ખરાબ રીતે માથાના ભાગે લૅન્ડ થયો હતો. અને ગરદનનો એ તુચ્છ દુખાવો અસલિયતમાં ક્યારેય મટ્યો જ નહીં.”
વર્ષ 2019માં વધુ એક ઈજા થઈ જેમાં તેમની કમરની ગાદી ખસી ગઈ. આ બનાવમાં તેમની કરોડરજ્જુનાં હાડકાં વચ્ચે રહેલી માંસપેશી પોતાની જગ્યા પરથી ખસી ગઈ હતી.
આ સ્થિતિના ઇલાજ માટે સર્જરીની જરૂરિયાત હતી. જેના કારણે એક જમાનાના આ ઍથ્લીટને ચાલતા ફરી વખત શીખવું પડ્યું.
તેઓ દુખાવાનો અહેસાસ ઘટાડવા માટે દારૂ પીવા લાગ્યા, તેમજ જિમ્નેસ્ટિક્સ છોડી દેવાના કારણે રોમાંચના અનુભવને લઈને તેમને જે ખાલીપો અનુભવાતો હતો તેની ભરપાઈ માટે તેઓ રુલેટ વ્હીલ પર જુગાર રમવા લાગ્યા.
તેઓ કહે છે કે, “સમયાંતરે તેમણે આ સ્થિતિની સૌથી નીચી સપાટીનો અનુભવ કર્યો.” પરંતુ બાદમાં તેમણે મદદ માટે હાથ લંબાવ્યો અને આ સ્થિતિમાંથી બહાર નીકળવાની શરૂઆત થઈ.

‘હું હતો એવો ઍથ્લીટ ફરી નહીં બની શકું એ સ્વીકારવું અઘરું હતું’

ઇમેજ સ્રોત, GETTY
27 વર્ષીય કૉમનવેલ્થ ગોલ્ડ મેડાલિસ્ટ અને ડાન્સિંગ ઑન આઇસના એક પ્રતિસ્પર્ધી હવે અન્યની ગો હાર્ડ ઓર ગો હૉમના ‘વૉરિયર’ તરીકે મદદ કરવાની ઇચ્છા ધરાવે છે.
બીબીસી થ્રીના આ શોમાં નાઇલ જેવા ઉચ્ચ દરજ્જાના ઍથ્લીટ ખૂબ જ કઠોર શારીરિક પડકારોની શ્રેણી વડે નૅગેટિવ પૅટર્નમાં અટકી ગયેલા પ્રતિસ્પર્ધીઓને તાલીમ આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાઇલ નૅગેટિવ પૅટર્ન અંગે બધું જાણે છે. તેઓ કહે છે કે, “હું વ્યસની પ્રકૃતિથી ક્યારેય છૂટકારો નહીં મેળવી શકું. આના કારણે જ હું જિમ્નેસ્ટિક્સમાં આટલો મજબૂત બની શક્યો. દારૂ પીવા અને જુગાર રમવાને લઈને પણ આ જ પ્રક્રિયા હતી – ‘હું આમાં શ્રેષ્ઠ બનીશ’, મારું કંઈક આવું વલણ હતું.”
આ ઝનૂની સ્વભાવે જ લીડ્સમાં જન્મેલા આ જિમ્નાસ્ટને તેમની રમતમાં કીર્તિ અપાવી. જેમાં પાંચ કૉમનવેલ્થ ગોલ્ડ મેડલ, વર્ષ 2015માં વર્લ્ડ ચૅમ્પિનશિપમાં સિલ્વર અને વર્ષ 2016માં બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ જ કારણે તેઓ ડાન્સિંગ ઑન આઇસમાં આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ સ્કોર કરનાર પ્રતિસ્પર્ધી બની શક્યા છે.
તેનો અર્થ એવો પણ થાય છે કે તેમણે હંમેશાં પોતાની જાતને રિકવરી માટે પૂરતો સમય નથી આપ્યો.
નાઇલ જણાવે છે કે, “વર્ષ 2019માં મારી સર્જરી થઈ, જેના કારણે બાદમાં ચેતાતંતુને નુકસાન થયું. એવું નહોતું કે મેં ડૉક્ટરોની વાત નહોતી માની. પરંતુ મેં રમતમાં પરત ફરવા બાબતે ઉતાવળ કરી હતી. બહાર નીકળીને સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા જાગૃત થાય છે.”
તેઓ વર્ષ 2021માં તેમની ઈજાને કારણે નિવૃત્ત થયા, જે ખૂબ ‘દુ:ખદાયક’ હતું.
“હું વિશ્વનો સૌથી શ્રેષ્ઠ જિમ્નાસ્ટ બનવા માગતો હતો, પરંતુ અચાનક આ તક તમારા હાથેમાંથી છીનવાઈ જાય છે, આના કારણે મને આઘાત લાગ્યો અને માનસિક શક્તિઓ ધ્વસ્ત થઈ ગઈ.”
“એ હકીકત કબૂલવાનું અઘરું હતું કે હું એક સમયે હતો એવો ઍથ્લીટ હવે નહીં બની શકું. બરાબર એ જ સમયે મારા વર્તનની અધોગતિ શરૂ થઈ. દુખાવાની તીવ્રતાને કારણે હકારાત્મક રહેવું ઘણું મુશ્કેલ હતું. હું વિશ્વના સૌથી ફિટ ઍથ્લીટો પૈકી એક હતો અને બાદમાં હું માંડમાંડ ચાલી શકતો. મેં દુખાવાની તીવ્રતામાં ઘટાડો અનુભવાય એ માટે દુખાવાથી રાહત માટેના ઉપાયો કર્યા અને ઘણો દારૂ પીવા લાગ્યો.”
તેઓ ઉમેરે છે, “મને આ બધું મુશ્કેલ પણ લાગ્યું. કારણ કે હું ખૂબ જ વધુ સમય ઓનલાઇન રહેતો. હું એક પ્રેરણા હતો, એક શક્તિશાળી, પ્રભાવશાળી વ્યક્તિ હતો અને અચાનક હું આ બધું નહોતો. બસ આ જ સમયે મારું માનસિક સ્વાસ્થ્ય કથળવા લાગ્યું.”

‘અત્યારે એક પગલું ભરો અને કાલે બીજું’

ઇમેજ સ્રોત, BBC/WALL TO WALL
સમયાંતરે નાઇલને સમજાયું કે કંઈક બદલવાની જરૂરિયાત છે. “મારે હાથ લંબાવીને મદદ માગવી પડી. હું એક પ્રકારે વિચારવાના ચક્રમાં ફસાયેલો હતો, તેનાથી છૂટવા માટે બાદમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ. પરંતુ અચાનક હું આ બધું કરવા માગતો હતો, હું સાવ તળિયે પહોંચી ગયો હતો.”
“મને ખબર છે કે બધા આવી સ્થિતિનો અનુભવ નથી કરી રહ્યા, પરંતુ મને તરત થેરાપિસ્ટ અને ડૉક્ટર પાસે મોકલાયો. સદ્નસીબે જેવા અનુભવ મને થઈ રહ્યા હતા બરાબર એવા જ અનુભવોમાંથી પસાર થનાર કેટલાક લોકો મારા જીવનમાં હતા.”
આ લોકોએ તેમને શીખવ્યું કે રિકવરી એ સમયાંતરે થતી પ્રક્રિયા છે. “તમે એક જ દિવસમાં પર્વત સર નહીં કરી લો. તમે આજે એક ડગલું ભરો અને કાલે બીજું.”
આ પૈકી અમુક પગલાં શારીરિક હતાં, જેમ કે એક જાતને બાકાત રાખતી યોજનામાં સામેલ થવું જેથી તેમના પર યુકેનાં તમામ જુગારખાનાંમાં પ્રતિબંધિત લાદી દેવાય.
બીજા તબક્કા નાનાં ડગલાં સમાન હતાં, પરંતુ એ એટલું જ મહત્ત્વપૂર્ણ હતું. તેઓ સમજાવતાં કહે છે, “એ સાવ નાનું ડગલું હોઈ શકે.”
“જેમ કે પથારીમાંથી બહાર નીકળવું. તમે એક મોમેન્ટમનું નિર્માણ કરો અને પછી ધુરા સંભાળી લો.”
આ પાઠ ગો હાર્ડ ઑર ગો હૉમમાં તેમની મેન્ટરિંગ ટેકનિકના કેન્દ્રમાં હતો.
બીબીસી થ્રીના આ શોમાં તેમની જોડી કૅરીસ સાથે જામી હતી, કૅરીસ એ એક પ્રતિસ્પર્ધી છે જેઓ વધુ સ્વતંત્ર બનવા માગે છે.
નાઇલ જુદા જુદા ટ્રેનિંગ સેશનો થકી તેમને હળવેકથી તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી, તેમને સ્વાધીન બનાવવા માટે મદદ કરી રહ્યા છે. તેમાં કૅરીસના પાણીના ડરને દૂર કરવા માટે પૂલ-બૅઝ્ડ વર્કઆઉટ જેવી પ્રવૃત્તિઓ સામેલ હતી.
“મેં ખૂબ હળવેકથી શરૂઆત કરી. મેં કહ્યું, ‘આપણે અડધા કલાક માટે મજા કરીશું અને પછી તમારે મારા માટે બે વસ્તુ કરવાની છે. આપણે દર અઠવાડિયે આ કરીશું.’”
તેઓ જે લોકોને પોતે વ્યસનનો સામનો કરી રહ્યા હોય તેવું લાગતું હોય તેમને પણ આ પ્રક્રિયા અનુસરવાની સલાહ આપે છે.
“તમારી જાતને સાંભળવાનો પ્રયત્ન કરો અને જાણો તમે કોણ છો. તમારે તમારી જાતને પૂછવાનું છે કે, ‘શું દારૂ પીવા માટે મારી પાસે નક્કર કારણ છે? અને જો તમે આવું દુખાવો દૂર કરવા કરી રહ્યા હો તો તમારે તમારી જાત સાથે પ્રમાણિક બનવું જોઈએ અને મદદ માગવી જોઈએ.’”
જો તમે કે તમારી ઓળખીતી વ્યક્તિ વ્યસન સામે ઝઝૂમી રહ્યાં હો તો તમને બીબીસી ઍક્શન લાઇન મારફતે મદદ મેળવી શકો છો.














