આપણું મગજ વારંવાર એક જેવી ભૂલો કેમ કરાવે છે? એવું ન થાય એટલા માટે શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રજ્ઞા અગ્રવાલ
- પદ, બીબીસી સંવાદદાતા, ધ કૉન્વર્સેશન

આપણે ભૂલોમાંથી પાઠ ભણીએ છીએ. આવું આપણામાંના મોટાભાગના લોકોને કહેવામાં આવ્યું છે.
અલબત, વિજ્ઞાન કહે છે કે આપણે આપણી ભૂલોમાંથી પાઠ ભણતા નથી. તેથી ભૂલનું પુનરાવર્તન કરીએ છીએ.
અહીં ‘ભૂલ’ એટલે હું શું કહેવા માગું છું?
દાખલા તરીકે ગરમ બર્નર પર હાથ મૂકીશું તો આપણો હાથ દાઝી જશે એ બાબતે આપણે બધા સહમત છીએ.
તેથી આપણે એવી ભૂલ બીજી વખત કરીએ તે અશક્ય છે.
તેનું કારણ એ છે કે આપણું મગજ અગાઉના અનુભવના આધારે શારીરિક રીતે પીડાદાયક જોખમ સામે પ્રતિકાર સર્જે છે, પરંતુ વિચારવાની વર્તનની અને નિર્ણય લેવાની વાત આવે છે ત્યારે આપણે ભૂલોનું પુનરાવર્તન કરીએ છીએ.
જેમ કે અવારનવાર એવું થવું કે તમે કોઈને મળવા જાવ અને તમે નક્કી કરેલા સમય કરતાં મોડા પહોંચો, છેલ્લી ઘડી સુધી કામ પૂરું કરવા માટે મથતા રહો અથવા લોકો સાથેના પ્રથમ અનુભવના આધારે જ તેમના વ્યક્તિત્વ વિશે ધારણા બાંધી લેવી.
આમ થવાનું કારણ એ છે કે આપણું મગજ ચોક્કસ રીતે માહિતી પ્રોસેસ કરે છે તથા પેટર્ન બનાવે છે અને આપણે આ પેટર્નનો ઉપયોગ વારંવાર કરીએ છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પેટર્ન વાસ્તવિક વિશ્વમાં આપણને નિર્ણય લેવામાં મદદ કરતા શૉર્ટકટ્સ છે, પરંતુ હ્યુરિસ્ટિક્સ તરીકે ઓળખાતા આ શૉર્ટકટ્સ આપણને ભૂલનું પુનરાવર્તન પણ કરાવે છે.

આળસુ દિમાગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેં મારા પુસ્તક ‘સ્વેઃ અનરેવલિંગ અનકૉન્શિયસ બાયસ’ નામનું પુસ્તકમાં લખ્યું છે.
જેમાં મેં જણાવ્યું છે કે આપણે બુદ્ધિસંપન્ન છીએ એવું માનવું આપણને ગમે છે, પરંતુ માણસ કુદરતી રીતે બુદ્ધિસંપન્ન નથી.
મગજ પર માહિતીનો ઓવરલોડ તેને થકવી નાખે છે. અને દિવસભર આપણે જેટલી માહિતી ગ્રહણ કરીએ છીએ તેનાથી મગજમાં ગૂંચવણ પણ અનુભવાય છે.
તેથી જ આપણું મગજ વધારાની માહિતીને ફિલ્ટર કરી નાખે છે.
આપણે વિશ્વને જુદા-જુદા હિસ્સામાં જોઈએ છીએ માટે વારંવાર સામે આવતી વસ્તુઓની આપણે નોંધ લેતા હોઈ છીએ, પછી ભલે તેમાં કોઈ પેટર્ન હોય કે ન હોય.
આપણે અલ્પ માહિતીના આધારે નિષ્કર્ષ કાઢીએ છીએ.
આસપાસ થતી ઘટનાઓ અંગેના મનન-ચિંતન માટે મગજે શૉર્ટકટ્સ વિકસાવ્યા હોય છે.
આ શૉર્ટકટ્સનો ઉપયોગ કરીને અલ્પ માહિતીના આધારે આપણું મગજ એવી વાસ્તવિકતાનું નિર્માણ કરે છે જેની પર આપણે ભરોસો કરવા માગતા હોઈએ છીએ.
તેનાથી આપણી પાસે આવતો માહિતીનો પ્રવાહ ઘટે છે, અને આપણે જે પહેલેથી જ જાણીએ છીએ તેવી બાબતો સંબંધી ખાલી જગ્યા પૂરવામાં મદદરૂપ થાય છે.
આપણું મગજ આખરે તો આળસુ છે અને સ્ક્રિપ્ટ તથા આપણે જે શૉર્ટકટ્સ બનાવ્યા છે તેમાં પરિવર્તન માટે બહુ મહેનત કરવી પડે છે.
તેથી એ જાણતા હોવા છતાં કે આપણે વારંવાર એ જ ભૂલ કરી રહ્યા છીએ, આપણે વર્તનની સમાન પેટર્નનો ઉપયોગ કરતા રહીએ (અને એક જેવી ભૂલ વારંવાર કરતા રહીએ) તેવી શક્યતા વધારે હોય છે.
આને કન્ફર્મેશન બાયસ કહેવામાં આવે છે.
નવી માહિતી તથા વિચારોને આવકારવાને બદલે આપણે જે માનીએ છીએ તેની પુષ્ટિ કરતા રહેવાની વૃત્તિ એટલે કન્ફર્મેશન બાયસ.
નવી પરિસ્થિતિમાં નિર્ણય લઈએ, ફેંસલો કરીએ ત્યારે આપણે વારંવાર ‘ગટ ઇન્સિટિંક્ટ’નો આશરો પણ લઇએ છીએ.
આ ગટ ઇન્સ્ટિંક્ટ એટલે ભૂતકાળના અનુભવોમાંથી આપોઆપ વિકસેલી વિચારસરણી.

પૂર્વગ્રહો

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીકવાર આપણે વર્તનની અમુક પેટર્નને વળગી રહીએ છીએ અને કહેવાતી ‘ઇગો ઇફેક્ટ’ને કારણે પણ એક જ ભૂલ વારંવાર કરીએ છીએ.
આ ઇગો આપણી ધારણાઓને જાળવી રાખે છે.
આપણે આપણા અહમને સલામત રાખવામાં મદદરૂપ થાય તેવા ઇન્ફોર્મેશન સ્ટ્રક્ચર અને ફીડબૅકની પસંદગી જ કરીએ છીએ.
એક પ્રયોગમાં જાણવા મળ્યું હતું કે લોકોને તેમની ભૂતકાળની સફળતાની યાદ અપાવવામાં આવે ત્યારે તેઓ એ સફળ વર્તણૂંકનું પુનરાવર્તન કરે તેવી શક્યતા વધારે હોય છે.
પરંતુ તેમને ભૂતકાળની નિષ્ફળતા યાદ કરાવવામાં આવે ત્યારે તેઓ, નિષ્ફળતા માટે જવાબદાર પોતાના વર્તનની પેટર્નમાં ફેરફાર કરે તેની શક્યતા ઓછી હોય છે.
તેથી વાસ્તવમાં લોકો ચોક્કસ પ્રકારનું વર્તન વારંવાર કરતા રહે તેવી શક્યતા હોય છે.
તેનું કારણ એ છે કે આપણે આપણી ભૂતકાળની નિષ્ફળતાઓ વિશે વિચારીએ ત્યારે આપણે હતાશા અનુભવીએ છીએ અને એ સમય આપણને રાહત આપે, જેનાથી આપણે પરિચિત હોઈએ એવો અહેસાસ કરાવે તેવું વર્તન આપણે કરતાં હોઈએ છીએ.

ઇમેજ સ્રોત, Getty Images
આપણે ધીરે-ધીરે તથા કાળજીપૂર્વક વિચારીએ ત્યારે પણ આપણા મગજને, આપણે ભૂતકાળમાં ઉપયોગમાં લીધેલી પેટર્ન પ્રત્યે પક્ષપાત હોય છે, પછી ભલે તેને કારણે ભૂલ થઈ હોય.
આ સ્થિતિને ફેમિલિયારિટી બાયસ તરીકે ઓળખવામાં આવે છે.
તેમ છતાં આપણે ભૂલમાંથી પાઠ ભણી શકીએ છીએ.
એક પ્રયોગમાં વાંદરાઓ તથા માણસોએ સ્ક્રીન પર ફરતા બિંદુઓ પર નજર રાખવાનું અને એ ડૉટ્સ કઈ દિશામાં આગળ વધી રહ્યાં છે તે નક્કી કરવાનું હતું.
એ પ્રયોગમાં સંશોધકોએ એવું તારણ કાઢ્યું હતું કે એક ભૂલ કર્યા પછી બન્ને ધીમા પડી ગયા હતા.
ભૂલ જેટલી મોટી હોય તેટલું જ મોટી ભૂલ પછીની ગતિ (સ્લોડાઉન) હોય છે, જે દર્શાવે છે કે માહિતી વધારે પ્રમાણમાં સંગ્રહિત થઈ રહી છે.
અલબત, એ માહિતીની ગુણવત્તા ઓછી હતી.
તો આપણા મગજે વિકસાવેલા શૉર્ટકટ્સ આપણને, ફરી એજ ભૂલ કરતા અટકાવવામાં મદદ કરી શકે તેવી કોઈ નવી માહિતીની અવગણના કરવા પ્રેરી શકે છે.
હકીકતમાં આપણે કોઈ કામ કરતી વખતે ભૂલ કરીએ ત્યારે ફ્રિકવન્સી બાયસને કારણે આપણે એ જ ફરી કરીએ ત્યારે ફરીથી એ જ ભૂલ કરવાની શક્યતા પ્રબળ બનાવે છે.
સરળતાથી સમજીએ તો આપણું મગજ એવું માનવા લાગે છે કે ભૂતકાળમાં આપણે કરેલી ભૂલો જ એ કાર્ય કરવાનો સાચી રીત છે, આ રીતે ‘એરર પાથ’ સર્જાય છે.
તેથી આપણે એ કામ જેટલી વધુ વખત કરીશું એટલી વખત ભૂલ થવાની શક્યતા વધશે અને તે આપણા દિમાગમાં કાયમી (કૉગ્નિટિવ) શૉર્ટકટ બની જશે.

સુધાર માટે કોઈ રસ્તો છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ બધું જાણીને લાગી શકે છે કે સુધારની શક્યતા છે ખરી? આપણે કશું કરી શકીએ?
આપણી પાસે એવી માનસિક ક્ષમતા છે જે વારંવાર એક ભૂલ માટે જવાબદાર મગજ દ્વારા વિકસાવવામાં આવેલા હ્યુરિસ્ટિક શૉર્ટકટ્સને માત આપી શકે.
તેને કૉગ્નિટિવ કન્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે.
તેમાં મગજના કયા ભાગ સામેલ હોય છે તેનો વધુ સારો ખ્યાલ, તાજેતરમાં ઉંદર પર કરવામાં આવેલા ન્યૂરોસાયન્સ સંબંધી અભ્યાસો આપે છે.
સંશોધકોએ દિમાગના બે હિસ્સા શોધી કાઢ્યા છે જેમાં ‘સેલ્ફ-એરર મૉનિટરિંગ ન્યૂરોન્સ’ એટલે કે ભૂલો પર નજર રાખે તેવા મગજના કોષો રહેલા હોય છે.
તે મગજના ફ્રન્ટલ કૉર્ટેક્સમાં આવેલા છે અને તે ભૂલોમાંથી પાઠ ભણવાની પ્રક્રિયાનો એક ભાગ હોય તેવું લાગે છે.
સંશોધકો હવે એ શોધી રહ્યા છે કે આ ક્રમ અલ્ઝાઇમર (સ્મૃતિભ્રંશ)ની સારવારની વધુ સારી સમજ વિકસાવવામાં મદદરૂપ થઈ શકે કે કેમ, કારણ કે વૃદ્ધાવસ્થામાં સુખાકારી માટે કૉગ્નિટિવ કંટ્રોલ (જ્ઞાનાત્મક નિયંત્રણ) જાળવી રાખવું જરૂરી હોય છે.
આપણે કૉગ્નિટિવ કંટ્રોલ અને સ્વ-સુધારણામાં સામેલ મગજની પ્રક્રિયા સંપૂર્ણપણે સમજી શકતા ન હોઈએ તો પણ કેટલુંક સરળ કામ આપણે કરી જ શકીએ.
તેમાનું પહેલું કામ, ભૂલ કરવા બાબતે મોકળાશભર્યું વલણ રાખવાનું છે.
ભૂલના સંદર્ભમાં આ વલણ ખોટું છે એવું લાગી શકે, પરંતુ વાસ્તવમાં તે આગળ વધવાનો સકારાત્મક માર્ગ છે.
આપણો સમાજ નિષ્ફળતા અને ભૂલોની નિંદા કરે છે.
પરિણામે આપણે આપણી ભૂલો માટે શરમ અનુભવીએ છીએ અને તેને છુપાવવાના પ્રયાસ કરીએ છીએ.
આપણે જેટલી વધારે દોષ તથા શરમની લાગણી અનુભવીએ છીએ, અન્યોથી આપણે ભૂલ છુપાવવાના પ્રયાસ કરીએ છીએ, તેટલી જ એ ભૂલના પુનરાવર્તનની શક્યતા વધી જાય છે.
આપણે પોતાના વિશે બહુ આકરું વલણ ન રાખીએ ત્યારે આપણે નવી માહિતી વધારે સારી રીતે મેળવી શકીએ છીએ અને તે ભૂલ સુધારણામાં મદદરૂપ થઈ શકે છે.
કોઈ કામ વધુ સારી રીતે કેવી રીતે કરવું તે શીખવા માટે થોડો વિરામ લેવામાં કશું ખોટું નથી.
આપણી નિષ્ફળતાને સ્વીકારવા, તેને ધ્યાનમાં લેવાથી ફ્રીકવન્સી બાયસ ઘટાડવામાં મદદ મળે છે, જે ભૂલના પુનરાવર્તનની શક્યતા ઘટાડે છે.
(આ લેખ બીબીસી મુંડો પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.પ્રજ્ઞા અગ્રવાલ યુનાઇટેડ કિંગ્ડમની લઓગબોરો યુનિવર્સિટી ખાતે સામાજિક અસમાનતા અને અન્યાય વિષયના પ્રોફેસર છે. ધ કન્વર્સેશનમાં પ્રકાશિત મૂળ લેખ અહીં વાંચી શકો છો.)














