તિસ્તા સેતલવાડ : 2002 રમખાણોના કેસમાં વચગાળાના જામીન આપતા જજ શું બોલ્યા?

ઇમેજ સ્રોત, AFP
સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણ મામલામાં ગુનાઈત ષડ્યંત્ર અને અન્ય મામલાના કેસમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે.
નોંધનીય છે કે તિસ્તા સેતલવાડ, ગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર અને પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ સામે ગુજરાત પોલીસે 2002નાં રમખાણો મામલે ખોટા પુરાવા ઊભા કરવા સહિતના આરોપો અંતર્ગત કેસ નોંધ્યો હતો. તેઓ છેલ્લા લગભગ બે માસથી ગુજરાતમાં ન્યાયિક હિરાસતમાં હતાં.
અગાઉ તિસ્તા સેતલવાડની જામીનઅરજી સ્થાનિક કોર્ટો દ્વારા ફગાવી દેવાઈ હતી, તેમજ ગુજરાત હાઈકોર્ટમાં તેની સુનાવણી ખૂબ મોડે રાખવામાં આવી હતી. જે મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પસેથી જવાબ માગ્યા હતા.
ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની ખંડપીઠે આ જામીનઅરજી મંજૂર કરી હતી.
સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની અરજી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુનાવણી માટે મોડી તારીખ (19 સપ્ટેમ્બર) આપવા પર આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે.
દેખીતી રીતે નારાજ મુખ્ય ન્યાયાધીશ લલિતે આગળની સુનાવણી દરમિયાન કહ્યું હતું, "આ મુદ્દે આવતીકાલે બપોરે બે વાગ્યે સુનાવણી હાથ ધરીશું."
"આવા કેસોમાં મહિલાને આટલી મોડી તારીખ આપવામાં આવી હોય તેના દાખલા આપજો... કે પછી આ મહિલાને અપવાદરૂપ રાખવામાં આવી છે. શું ગુજરાત હાઈકોર્ટમાં આ સામાન્ય પરંપરા છે?"


સુપ્રીમ કોર્ટમાં દલીલોના અંશો

- સુપ્રીમ કોર્ટે આદેશમાં આવતીકાલે તિસ્તાને રજૂ કરવા અને કોર્ટને યોગ્ય લાગે તેવી શરતો પર મુક્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે
- જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી તિસ્તાને પાસપોર્ટ સરન્ડર કરવા અને સંપૂર્ણ સહયોગ આપવાનું કહેવામાં આવ્યું છે
- સુપ્રીમ કોર્ટે તિસ્તાને તેમનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં સરન્ડર કરવાનો નિર્દેશ આપ્યો
- કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટ તેના આદેશથી પ્રભાવિત થયા વિના તેની નિયમિત જામીન અરજીનો નિર્ણય કરે
- ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ અરજદારે 2002થી સમગ્ર રાજ્યને બદનામ કર્યું છે
- અરજદારના વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે એવા 28 કેસ છે, જેમાં ગુજરાત હાઈકોર્ટના એક જ જજે બે દિવસમાં જામીન આપ્યા પરંતુ અમારા કેસમાં સંલગ્ન ન્યાયાધીશે લાંબો સમય સુધી અમારો કેસ મુલતવી રાખ્યો હતો
- તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે, આ મહિલાએ સમગ્ર રાજ્ય, રાજ્યના ન્યાયતંત્ર, હાઈકોર્ટને બદનામ કર્યું છે. તમે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશની પીઠ પાછળ આવું કંઈક કહી શકતા નથી
- સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે અત્યાર સુધી તિસ્તાની કસ્ટડીમાં પૂછપરછમાં તમને શું મળ્યું? તેમની કેટલી વખત પૂછપરછ કરવામાં આવી હતી?
- જવાબમાં તુષાર મહેતાએ કહ્યું હતું કે તેમની 7 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી, તેમણે ઘણા પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને સહકાર આપ્યો નથી

સુપ્રીમ કોર્ટમાં શું દલીલો થઈ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીના સહયોગી સુચિત્ર મોહંતી જણાવે છે કે સુપ્રીમ કોર્ટે આદેશમાં આવતીકાલે તિસ્તાને રજૂ કરવા અને કોર્ટને યોગ્ય લાગે તેવી શરતો પર મુક્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી તિસ્તાને પાસપોર્ટ સરન્ડર કરવા અને સંપૂર્ણ સહયોગ આપવાનું કહેવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટે તિસ્તાને તેમનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં સરન્ડર કરવાનો નિર્દેશ આપ્યો અને સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટ તેના આદેશથી પ્રભાવિત થયા વિના તેની નિયમિત જામીન અરજીનો નિર્ણય કરે.
ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ અરજદારે 2002થી સમગ્ર રાજ્યને બદનામ કર્યું છે.
અરજદારના વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે એવા 28 કેસ છે, જેમાં ગુજરાત હાઈકોર્ટના એક જ જજે બે દિવસમાં જામીન આપવા જેવી તારીખો આપી હતી, પરંતુ અમારા કેસમાં સંલગ્ન ન્યાયાધીશે લાંબો સમય સુધી અમારો કેસ મુલતવી રાખ્યો હતો.
એસજી મહેતાએ સિબ્બલની દલીલો અને રજૂઆતોનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ મહિલાએ રાજ્ય, તેની ન્યાયતંત્ર અને સમગ્ર રાજ્ય વહીવટીતંત્રને બદનામ કર્યું છે.
તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે, "આ મહિલાએ સમગ્ર રાજ્ય, રાજ્યના ન્યાયતંત્ર, હાઈકોર્ટને બદનામ કર્યું છે. તમે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશની પીઠ પાછળ આવું કંઈક કહી શકતા નથી."
સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે અત્યાર સુધી તિસ્તાની કસ્ટડીમાં પૂછપરછમાં તમને શું મળ્યું? તેમની કેટલી વખત પૂછપરછ કરવામાં આવી હતી?
જવાબમાં તુષાર મહેતાએ કહ્યું હતું કે તેમની 7 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી, તેમણે ઘણા પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને સહકાર આપ્યો નથી.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, TWITTER
માનવાધિકાર કાર્યકર્તા તિસ્તા સેતલવાડે ગુજરાત હુલ્લડના પીડિતો ઉપરાંત સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર કેસમાં માનવાધિકારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ કેસના આરોપીઓ વતી જસ્ટિસ યુયુ લલિત વકીલ તરીકે હાજર રહ્યા હતા, એટલે તેમણે સુનાવણીમાંથી ખસી જવાની તૈયારી દાખવી હતી.
જોકે અરજદાર તિસ્તા સેતલવાડ વતી હાજર રહેલા વકીલ કપીલ સિબ્બલે જસ્ટિસ યુયુ લલિત જો ખંડપીઠમાં બેસે તો વાંધો ન હોવાનું જણાવ્યું હતું, એ પછી તેમણે સુનાવણી હાથ ધરી હતી.
ખંડપીઠે નોંધ્યું હતું કે, "જ્યારથી અરજદારને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં, ત્યારથી તેઓ કસ્ટડીમાં જ છે. તેમની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી."
"આથી નીચલી અદાલતના ચુકાદા સામે રાહત મેળવવા માટે સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જ્યાં આ કેસની સુનાવણી 19 સપ્ટેમ્બર પર રાખવામાં આવી છે, એટલે આ અપીલ દાખલ કરવામાં આવી છે."
સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં તિસ્તા સેતલવાડે અપીલ કરી હતી કે સ્પેશિલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) આ કેસમાં તેમને આરોપી નથી બનાવ્યાં.
આ સિવાય પ્રત્યક્ષદર્શીઓના નિવેદન સાથે ચેડાં કરવા સંબંધિત કોઈ પુરાવા એસઆઈટીને નથી મળ્યા.
2002નાં રમખાણ કેસોના પીડિતોને બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોવાનો આરોપ તિસ્તાએ જામીન અરજીમાં મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે સિટના રિપોર્ટમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તિસ્તા સેતલવાડે શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે મળીને "નિર્દોષ લોકોને હાનિ પહોંચાડવા માટે ખોટી અને દુષ્ટતાપૂર્ણ ગુનાહિત કાર્યવાહી કરી હતી."
26 જૂનના રોજ તિસ્તા ઉપરાંત આરબી શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કસ્ટોડિયલ ડૅથના અન્ય એક કેસમાં સંજીવ ભટ્ટ અગાઉથી જ જેલમાં છે.

તિસ્તા સેતલવાડ વિરુદ્ધનો કેસ શું છે?

ઇમેજ સ્રોત, GUJARAT POLICE
ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચે પાછલી 26 જૂનના રોજ તિસ્તા સેતલવાડની વર્ષ 2002નાં ગુજરાત રમખાણો મામલે ધરપકડ કરી હતી. સેતલવાડની એનજીઓ પર રમખાણ અંગે ભ્રામક જાણકારીઓ આપવાનો આરોપ છે.
એસઆઈટીએ તિસ્તા, શ્રીકુમાર અને સંજવ ભટ્ટ વિરુદ્ધ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય લોકોને બદનામ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
એસઆઈટીએ પોતાના એક રિપોર્ટ દ્વારા એવો દાવો કર્યો હતો કે તિસ્તા, શ્રીકુમાર ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહમદ પટેલ પાસેથી ગુજરાત સરકારને અસ્થિર કરવા અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને બદનામ કરવા માટે 30 લાખ રૂપિયા લીધા હતા.
અમદાવાદની સેશન્સ કોર્ટે બીજી જુલાઈએ સેતલવાડ અને શ્રીકુમારને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં હતાં. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી.
તિસ્તાની બિનસરકારી સંસ્થા 'સિટીઝન ફૉર જસ્ટીસ ઍન્ડ પીસ'માં ગુજરાતનાં રમખાણોનો ભોગ બનેલા લોકોના નામે ભેગા થયેલા કરોડો રૂપિયાના ફંડનો અંગત ઉપયોગ કરવાનો પણ આરોપ છે.
ગૃહમંત્રી અમિત શાહે સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કેટલાય લોકો પર નરેન્દ્ર મોદી અને તેમની સરકારને બદનામ કરવા આરોપ લગાવ્યો હતો.
ગુજરાત રમખાણ મામલે SITના રિપોર્ટ વિરુદ્ધની ઝકિયા જાફરીની અરજી નકારી સુપ્રીમ કોર્ટે એવાં અવલોકન કર્યાં હતાં કે આ કેસ 'અન્ય દ્વારા પ્રેરિત' હતો. તેમજ તેમાં ભૂમિકા ભજવનાર તમામ પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાએ તિસ્તા અને અન્યો સામે થયેલ સમગ્ર કેસની તપાસ માટે એક SITની રચના કરી હતી.
તિસ્તા સેતલવાડની ધરપકડ કરવા ગયેલી ટીમના સભ્ય અને ફરિયાદી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર બારડે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "તિસ્તા સેતલવાડ, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે SIT તથા જુદાં જુદાં કમિશનો સમક્ષ ખોટી રજૂઆતો કરી અને નિર્દોષ લોકોને કાનૂની સજા થાય એવું ષડ્યંત્ર રચવાના પ્રયાસના ગુના હેઠળ આ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે."
બારડે કહ્યું કે, "આ ત્રણ સામે IPCની છ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે."
આ સમગ્ર મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 486, 471, 194, 211, 218 અને 120 (બી) અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ છે.
ત્રણેય આરોપીઓએ કાયદાની પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવવા માટે નિર્દોષ વ્યક્તિઓ સામે ખોટા પુરાવા ઊભા કરવાનું કાવતરું રચ્યું હતું. આ નિર્દોષ વ્યક્તિઓને એવા ગુનામાં ફસાવવા માટે પ્રયત્ન કરાયા હતા કે જેમાં તેમને ફાંસીની સજા પણ થઈ શકતી હતી.
આ સિવાય SITની તપાસમાં એ બહાર આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ ઈજા પહોંચાડવાના ઇરાદે નિર્દોષ વ્યક્તિઓ પર નિરાધાર કાયદાકીય કાર્યવાહી થાય તેવા પ્રયત્નો કર્યા હતા.
આ સિવાય આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ગુનો બન્યો તે સમયે સરકારી અધિકારી હતા અને તેમણે આ હોદ્દા પર હતા તે દરમિયાન નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા માટે ખોટી માહિતીને સાચા પુરાવા તરીકે રજૂ કર્યા હતા.

તિસ્તાના પક્ષનો દાવો

ઇમેજ સ્રોત, ANI
તિસ્તા સેતલવાડ તરફથી મુંબઈના સાંતાક્રુઝ પોલીસસ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેની અટકાયત ગેરકાયદેસર હતી અને તેના જીવને જોખમ છે.
તિસ્તા સેતલવાડની ફરિયાદમાં આરોપ છે કે ગુજરાત પોલીસે તેમના પરિસરમાં ઘૂસણખોરી કરી અને એફઆઈઆરની નકલ બતાવ્યા વિના તેમને કસ્ટડીમાં લીધાં હતાં. તેમના વતી નોંધાવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન તેમને હાથમાં પણ ઈજા થઈ છે. તેણે ફરિયાદમાં પોતાના જીવને ખતરો ગણાવ્યો હતો.
તિસ્તા સેતલવાડ ગુજરાતનાં રમખાણોમાં સરકાર સામે ઊભાં રહે છે અને એટલે જ તેમને હેરાન કરવામાં આવતા હોવાનું તેમના મિત્રોનું માનવું છે.
તિસ્તાએ લગભગ એક દાયકા સુધી પત્રકારત્વ કર્યું છે. તેમણે વિવિધ અખબારો માટે 1984નાં હુલ્લડો, બાબરી મસ્જિદના ધ્વંસ પછીનાં રમખાણોનું કવરેજ કર્યું છે.
તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદે સાથે મળીને 'કમ્યુનલ કૉમ્બેટ' નામે મૅગેઝિન શરુ કર્યું હતું. માનવાધિકાર માટે કામ કરનારા લોકો સાથે તેમણે કામ કર્યું છે.
ગુજરાતનાં રમખાણો સંદર્ભે તેમણે અનેક વખત લખ્યું છે. છેક સંયુક્ત રાષ્ટ્ર સુધી તેમણે ગુજરાતનાં રમખાણોની વાત કરી છે.
કૉંગ્રેસના દિવંગત નેતા અહેસાન જાફરીનાં પત્ની સાથે મળીને તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી કેટલીય વખત સરકારી અધિકારીઓને પડકાર્યા હતા.
તેમની ધરપકડ બાદ સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારના રક્ષણની બાબતનાં વિશેષ દૂત મૅરી લૉવલોરે તિસ્તાને 'નફરત અને ભેદભાવ વિરુદ્ધનો મજબૂત અવાજ' ગણાવ્યાં હતાં.
આવી જ રીતે ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ પણ તેમની ધરપકડની ઘટનાને વખોડી કાઢી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













