ગુજરાતમાંથી 'માત્ર અડધા કલાક'માં નકલી પાસપોર્ટ અને વિઝા બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ કઈ રીતે ઝડપાયું?

ઇમેજ સ્રોત, Getty Images

- ગેરકાયેદસર પરદેશ જવા ઇચ્છુક લોકો માટે 'માત્ર અડધા કલાક'માં પાસપોર્ટ અને વિઝાની ગોઠવણ કરી આપતી ગૅંગ ઝડપાઈ.
- તપાસનો રેલો ગુજરાતના ગાંધીનગર સુધી પહોંચ્યો.
- કેવી રીતે આચરાતો હતો સમગ્ર કૌભાંડ? જાણવા વાંચો સમગ્ર અહેવાલ.

ગાંધીનગરના માણસા ખાતેથી દિલ્હી પોલીસની ટીમે કથિતપણે નકલી પાસપોર્ટ અને વિઝા બનાવી લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલનાર નારણ ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી હતી. આ અગાઉ પોલીસે આ મામલાના સૂત્રધાર અને અન્ય વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે આ ગેરકાયદેસરપણે વિદેશ જવા ઇચ્છુક લોકોને વિઝા ઑન ડિપાર્ચર જેવી સુવિધાઓ પૂરી પાડતા હતા. આવી રીતે આ ગૅંગ અત્યાર સુધી કુલ 200 લોકોને વિદેશ મોકલી ચૂકી હોવાનું અનુમાન છે.
દિલ્હી પોલીસના તપાસાધિકારીએ સમગ્ર મામલા અંગે વાત કરતાં કહ્યું હતું કે આ ગૅંગના લોકો નકલી પાસપોર્ટ, વિઝા, નકલી ડ્ર્રાઇવિંગ લાઇસન્સ માત્ર અડધા કલાકમાં બનાવી આપી શકતા હતા. આ સમગ્ર કેસના છેડા હવે ગુજરાત પણ પહોંચ્યા છે.
નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા અમુક દિવસોમાં IELTSનાં નકલી સર્ટિફિકેટ મેળવી અને ગેરકાયદેસર વિદેશ જવાના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે.
આ મામલામાં આરોપીઓ કેવી રીતે નકલી પાસપોર્ટ, વિઝા બનાવી અને ગેરકાયદેસર વિદેશ જવા માગતા લોકોને શિકાર બનાવતા તે અંગે તપાસાધિકારીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી.

કેવી રીતે સામે આવ્યો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતના મહેસાણા જિલ્લાના ચાર લોકોને વિદેશ જવા માટે નકલી દસ્તાવેજ રજૂ કરવાના આરોપમાં પકડ્યા હતા. આ તપાસ આગળ વધતાં દિલ્હી પહોંચી. જે બાદ દિલ્હી પોલીસ હરકતમાં આવી હતી.
આ મામલા અંગે દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટનાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ તનુ શર્માએ ગત 20 ઑગસ્ટના રોજ નકલી પાસપોર્ટ અને વિઝાનું રૅકેટ પકડાયો હોવાની જાણકારી આપી હતી. આ મામલે પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી.
ડીસીપીએ જણાવ્યું હતું કે, "આ ગૅંગ ઘણા સમયથી કાર્ય કરી રહી હોવાથી તેમને ખબર છે કે આ સિસ્ટમમાં કેવી રીતે કામ થાય છે. તેમને ખબર છે કે કેવી રીતે પાસપોર્ટ બને છે અને કેવી રીતે જુદા-જુદા દેશોના પાસપોર્ટ અને વિઝાના સ્ટૅમ્પ મેળવી શકાય છે. કેવી રીતે પાસપોર્ટ સ્ટીચ કરાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે જ્યારે રેડ કરી ત્યારે અમને તેમની પાસેથી નકલી રબર સ્ટૅમ્પ, જુદા જુદા દેશોના વિઝા મળી આવ્યા અને ખબર પડી કે આ સિવાય વિઝા મેળવવા માટે બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની વ્યવસ્થા પણ હતી. તેમની પાસે આ બધાની માત્ર અડધા કલાકમાં ગોઠવણ કરી આપવા માટેનું સેટઅપ હતું."
આ મામલામાં પકડાયેલ મુખ્ય સૂત્રધાર ઝાકિર કેટલા પૈસા કમાયા હતા તેનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે તેમણે વેબ સીરિઝમાં પણ પૈસા ઇનવેસ્ટ કર્યા હતા. આ મામલાના તાર છેક ગુજરાત સુધી પહોંચ્યા હતા.
અમુક મહિના પહેલાં ગુજરાતમાંથી કેટલાક લોકો અમેરિકા જવા માટે નકલી પાસપોર્ટ રજૂ કરતા પકડાયા હતા. આ વ્યક્તિઓને તુર્કીથી પાછા મોકલાયા હતા. આ વિગત સામે આવતાં સમગ્ર દિલ્હી પોલીસે અમદાવાદથી માનવતસ્કરીમાં સંકળાયેલા વિશાલ બારમટે નામની વ્યક્તિની ધરપકડ કરી હતી.
અહેવાલ અનુસાર આ સમગ્ર સિન્ડિકેટ દ્વારા ગુજરાતની ઘણી વ્યક્તિઓને આવી રીતે પરદેશ મોકલવામાં આવી હતી.

કેવી રીતે ચલાવાય છે ગેરકાયદેસર વિદેશ મોકલવાની પ્રવૃત્તિ?

ઇમેજ સ્રોત, Getty Images
મૂળ મહેસાણાના અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા અને પરદેશ મોકલવાનું જ કામ કરતાં એક એજન્ટે પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "અમદાવાદના નવા વાડજ, રાણીપ અને ઘાટલોડિયા વિસ્તારમાં મહેસાણાના એજન્ટો મારફતે 55થી 60 લાખ રૂપિયા લઈને ગેરકાયદે અમેરિકા મોકલવામાં આવે છે. અડધા પૈસા પહેલાં લેવાય છે અને બાકી પરદેશ પહોંચ્યા બાદ આપવાના હોય છે."
આ વ્યવસ્થા અંગે તેઓ કહે છે કે, "વિદેશ પહોંચ્યા પછી વીડિયો કૉલ પર બાળક સહીસલામત પહોંચી ગયા હોવાનું સાબિત કરાયા પછી બાકીના પૈસા ચૂકવાય છે. જો પૈસા ન ચૂકવાય તો જેને ગેરકાયદે અમેરિકા કે બીજા દેશમાં મોકલ્યો હોય ત્યાં એનો પાસપોર્ટ જપ્ત કરી લેવાય છે, જેથી એ ભારત પરત ના આવી શકે."
"આવા પાસપોર્ટ સાચવવા માટે એજન્ટોની એક 'પાસપોર્ટ સિન્ડિકેટ બૅંક' બનેલી હોય છે, જે એજન્ટો દ્વારા આ હેતુ માટે ઊભી કરવામાં આવેલી એક વ્યવસ્થા છે, જેમાં ગેરકાયદે પરદેશ ગયેલી વ્યક્તિને અમે જ નોકરી અપાવીએ છીએ અને હવાલાથી બાકીના પૈસા આવી જાય એટલે એનો 'સિન્ડિકેટ બૅન્ક'માં જમા થયેલો પાસપોર્ટ પરત અપાય છે."
મહેસાણાના સમાજશાસ્ત્રના નિવૃત પ્રોફેસર જે. ડી. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ઉત્તર ગુજરાતના ગામમાં યુવાનોને ખેતીમાં રસ રહ્યો નથી. મોટા ભાગના યુવાનો ખેતી કરવા માગતા નથી.
"ગામમાં જમીનના ભાવ વધ્યા પછી કેટલાક યુવાનો જમીન વેચી દુકાન કે ધંધો કરે છે પણ લગ્ન સમયે તકલીફ પડે છે. ભણેલી છોકરીઓ આવી પરિસ્થિતિમાં રહેવા માગતી નથી. જો ઓછું ભણેલો છોકરો પરદેશમાં હોય તો એનાં લગ્ન પણ ઝડપથી થઈ જાય છે, એટલે અહીંના લોકો જમીનનો ટુકડો વેચીને પણ ગેરકાયદે પરદેશ જાય છે."
"ગેરકાયદે પરદેશ ગયેલા યુવાનો વધુ પૈસા કમાઈને પરત આવે એટલે એ જોઈને બીજા યુવાનો પણ પરદેશ જાય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












