મોદી-શાહ સામે બિહાર વિપક્ષની એકતાની પ્રયોગશાળા બની રહ્યું છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા

- તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે બુધવારે બિહારની રાજધાની પટનામાં બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર અને નાયબ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવ સાથે એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.
- પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન થર્ડ ફ્રન્ટ, મેઇન ફ્રન્ટ, વિપક્ષી એકતા, પીએમ મોદી સામે વિપક્ષી ઉમેદવાર કોણ. આ બધા મુદ્દા પર ખૂબ સવાલ-જવાબ થયા હતા.
- નીતીશકુમાર અને વિપક્ષના નેતૃત્વને લઈને જ્યારે ચંદ્રશેખર રાવને સવાલ પૂછવામાં આવ્યો તો નીતીશકુમાર ઊભા હતા અને ચંદ્રશેખર રાવ બેઠા હતા.
- બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર તેમને વારંવાર 'ચાલો' કહી રહ્યા હતા અને ચંદ્રશેખર રાવ વારંવાર નીતીશકુમારને બેસવા માટે કહી રહ્યા હતા.
- વીડિયોમાં તેજસ્વી થોડા ગુમસુમ જોવા મળ્યા, તેમને ખબર પડતી ન હતી કે કઈ રીતે પ્રતિક્રિયા આપવી.
- આ બધાની વચ્ચે એ મામલો ક્યાંક ગુમ થઈ ગયો છે કે ચંદ્રશેખર રાવ આખરે બિહાર કેમ ગયા હતા?
- વર્ષ 2024માં ભાજપને તેમાંથી 22-25 સીટોનું નુકસાન થશે તો તેની ભરપાઈ તેના માટે અઘરી સાબિત થશે.
- આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએને પડકાર આપવાના ઉદ્દેશથી બિહારનો આ પ્રયોગ ઘણો નવીન અને મોટો પણ છે, બીજા કોઈ રાજ્યમાં આવો પ્રયોગ હજી થયો નથી.

તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ બુધવારે બિહારની રાજધાની પટનામાં હતા. બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર અને નાયબ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવ સાથે તેમણે એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન થર્ડ ફ્રન્ટ, મેઇન ફ્રન્ટ, વિપક્ષી એકતા, પીએમ મોદી સામે વિપક્ષી ઉમેદવાર કોણ. આ બધા મુદ્દા પર ખૂબ સવાલ-જવાબ થયા હતા.
આ બધાની ચર્ચા સોશિયલ મીડિયા અને રાજકારણમાં થઈ રહી હતી. ચર્ચા ત્રણ નેતાઓની બૉડી લૅન્ગ્વેજની પણ થઈ રહી છે. નીતીશકુમાર અને વિપક્ષના નેતૃત્વને લઈને જ્યારે ચંદ્રશેખર રાવને સવાલ પૂછવામાં આવ્યો તો નીતીશકુમાર ઊભા હતા અને ચંદ્રશેખર રાવ બેઠા હતા.
જવાબમાં તેમણે કહ્યું, "હું કહેવાવાળો કોણ. હું કહીશ તો કોઈ વિરોધ પણ કરશે. તમે કેમ ઉતાવળ કરી રહ્યા છો."
આ દરમિયાન બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર તેમને વારંવાર 'ચાલો' કહેતા જોવા મળી રહ્યા છે અને ચંદ્રશેખર રાવ વારંવાર નીતીશકુમારને બેસવા માટે કહી રહ્યા છે.

ઇમેજ સ્રોત, NITISHKUMAR
વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે ચંદ્રશેખર રાવ જાણે આરામથી સમય કાઢીને આ મુદ્દે બોલવા બિહાર આવ્યા હતા.
જ્યારે ત્રીજા ફ્રન્ટ વિશે સવાલ પૂછવામાં આવ્યો, તો નીતીશકુમારે મેઇન ફ્રન્ટનો નવો મુદ્દો છેડ્યો, વીડિયોમાં તેજસ્વી થોડા ગુમસુમ જોવા મળ્યા. તેમને ખબર પડતી ન હતી કે કઈ રીતે પ્રતિક્રિયા આપવી. નીતીશ જ્યારે ઊભા હતા ત્યારે તેઓ પણ ઊભા હતા. નીતીશ બેઠા તો તેઓ પણ બેસી ગયા.
સોશિયલ મીડિયા પર આ પ્રેસ કૉન્ફરન્સની નાની-નાની ક્લિપ ખૂબ વાઇરલ થઈ રહી છે. બિહારથી દિલ્હી સુધીના નેતા અને પત્રકાર દરેક માટે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
આ બધાની વચ્ચે એ મામલો ક્યાંક ગુમ થઈ ગયો છે કે ચંદ્રશેખર રાવ આખરે બિહાર કેમ ગયા હતા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારી ફાઇલોના પ્રમાણે આખો કાર્યક્રમ, ગલવાન ખીણ અને હાલ જ હૈદરાબાદમાં એક દુર્ઘટના દરમિયાન મૃત્યુ પામેલા લોકોના સન્માન માટે આયોજિત કરવામાં આવ્યો હતો. પણ તેની ચર્ચા થઈ રહી નથી, એટલે જ ચંદ્રશેખર રાવના બિહાર પ્રવાસના ઉદ્દેશ શોધવામાં આવી રહ્યા છે.

બિહાર જ કેમ?

ઇમેજ સ્રોત, @TELANGANACMO
બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે હાલ જ ભાજપ સાથે સંબંધ તોડીને આરજેડી સાથે ગઠબંધન કરી લીધું છે.
આ ગઠબંધન બાદ રાષ્ટ્રીય સ્તરે સીટોનાં સમીકરણમાં ઘણાં પરિવર્તનો આવી ગયાં છે, એવું ઘણા રાજકીય વિશ્લેષકો માને છે.
પીટીઆઈના વરિષ્ઠ પત્રકાર નચિકેતા નારાયણ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "બિહાર ભાજપના ઘણા નેતા છુપાઈને કહી રહ્યા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને આ કારણોસર ખૂબ મોટું નુકસાન વેઠવું પડી શકે છે."
"નીતીશકુમાર એકલા બિહારમાં મોટી શક્તિ નથી, પરંતુ આટલા મોટા ગઠબંધન બાદ બિહારમાં એનડીએ અને બિન-એનડીએ ગઠબંધન વચ્ચેનું અંતર વધી ગયું છે."
"ગત લોકસભા ચૂંટણીમાં બિહારની 40 સીટોમાંથી 39 એનડીએના ખાતામાં આવી હતી, જેમાં 16 સીટો નીતીશકુમારની જેડીયુ અને 6 સીટો એલજેપીને મળી હતી. ભાજપ 17 સીટ જીતી શક્યો હતો. વર્ષ 2024માં ભાજપને તેમાંથી 22-25 સીટોનું નુકસાન થશે તો તેની ભરપાઈ કરવી અઘરી સાબિત થશે."
આ કારણોસર માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએને પડકારવાના ઉદ્દેશથી બિહારનો આ પ્રયોગ ઘણો નવીન અને મોટો પણ છે. બીજા કોઈ રાજ્યમાં આવો પ્રયોગ હાલ થયો પણ નથી. આ જ કારણ છે કે બિહાર વિપક્ષના રાજકારણના કેન્દ્રમાં છે.

જેપી આંદોલનથી મહાગઠબંધનના પ્રયોગ સુધી

ઇમેજ સ્રોત, TELANGANACMO
આરજેડી નેતા શિવાનંદ તિવારી કહે છે કે કેસીઆર અને નીતીશકુમારનું મળવું એટલે પણ મહત્ત્વનું છે, કેમ કે બંને પોતપોતાના ગઢમાં ભાજપ સામે મજબૂતીથી ઊભા છે.
"કેસીઆર તેલંગાણામાં ભાજપની સામે ખૂબ લડ્યા છે. જે દિવસે પીએમ મોદી હૈદરાબાદ પહોંચ્યા એ દિવસે કેસીઆર વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંત સિંહાની સભામાં હાજર હતા. નીતીશકુમાર પણ એ જ રીતે બિહારમાં ભાજપને ખુલ્લો પડકાર આપતા જોવા મળી રહ્યા છે. ચંદ્રશેખર રાવ એ માટે જ બિહાર પહોંચ્યા. આ એક શરૂઆત છે."
"બુધવારની પ્રેસ કૉન્ફરન્સમાં બે-ત્રણ મહત્ત્વની વાત કહેવામાં આવી. પહેલી એ કે આ જ 'મુખ્ય મોરચો' હશે. બીજું વિપક્ષ તરફથી વડા પ્રધાનપદના ઉમેદવારના નામની હવે જરૂર નથી. જો તેના પર વિપક્ષમાં સંમતિ બની જશે, તો આ મોટી વાત હશે. બિહારનું આ રીતે મહત્ત્વનું યોગદાન હશે."
સ્વતંત્રતાના આંદોલનથી માંડીને જેપીના આંદોલન સુધી બિહારમાં થયેલા રાજકીય પ્રયોગોએ ભારતના રાજકારણ પર દૂરગામી અસર છોડી છે.
પછી એ 1917નો મહાત્મા ગાંધીનો ચંપારણ સત્યાગ્રહ હોય કે જેણે મહાત્મા ગાંધીને આખા દેશમાં નવી ઓળખ અપાવી કે પછી 1942માં ભારત છોડો આંદોલન કે પછી જેપીનું વિદ્યાર્થીઆંદોલન કે પછી મંડલઆંદોલન - બધા જ પ્રયોગ આજના ઇતિહાસમાં નોંધાયેલા છે.
નીતીશકુમારે આ વખતવાળો પ્રયોગ સૌથી પહેલાં વર્ષ 2015માં કર્યો હતો, જેને મહાગઠબંધન ગણાવવામાં આવ્યું હતું.
વર્ષ 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતીશકુમાર આરજેડી અને કૉંગ્રેસની સાથે લડ્યા હતા. ત્યારે મહાગઠબંધનને 243માંથી 178 સીટો પર જીત મળી હતી, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએને 58 સીટો જ મળી હતી. મહાગઠબંધનને 41.9 ટકા વોટ મળ્યા હતા, જ્યારે એનડીએ 34.1 ટકા વોટ સુધી સીમિત રહી ગયું હતું.
વર્ષ 2022માં નીતીશે ફરી એ જ મહાગઠબંધનનો સાથ પસંદ કર્યો. જો આ ગઠબંધન 2024 સુધી ચાલે તો ભાજપને ખબર છે કે નીતીશકુમારનું સાથે ન હોવું તેમના માટે કેટલી મોટી મુસીબતનું કારણ બની શકે.
નચિકેતા કહે છે, "આ વખતે જેડીયુ તૂટવાના આરે હતી. જો નીતીશકુમાર એનડીએથી અલગ ન થાત તો પાર્ટી જ તૂટી જાત. તેમનું રાજકારણ ખતમ થઈ જાત, તેનું અનુમાન નીતીશકુમારને હતું. તેને જ બચાવવા માટે નીતીશકુમાર આ દાવ રમ્યા."
"મહાગઠબંધનમાં આવીને નીતીશકુમાર બિહારના રાજકારણમાં અને સાથે જ બિહારની બહાર પણ પોતાને પ્રાસંગિક રાખી શકે છે. વિપક્ષના રાજકારણમાં પોતાના માટે 'નવા રોલ'ની શોધમાં પણ છે."
તે ભૂમિકા કે. ચંદ્રશેખર રાવ તેમને અપાવવાની ઑફર કરતાં બુધવારની પ્રેસ કૉન્ફરન્સમાં જોવા મળ્યા. નીતીશકુમાર પણ હસતાં-હસતાં ઑફરને મૌન સંમતિ આપતા જોવા મળ્યા.

બિહારના નુકસાનની ભરપાઈ ક્યાંથી?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, છેલ્લા થોડા દિવસો દરમિયાન ભાજપે ઘણાં રાજ્યોમાં સત્તા હસ્તગત કરી, જેમાં મહારાષ્ટ્ર સૌથી મહત્ત્વનું છે.
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 સીટ છે. વર્ષ 2019માં ભાજપ-શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યાં હતાં અને ગઠબંધનને 41 બેઠક પર જીત મળી હતી, જેમાં શિવસેના 18 સીટ જીતી હતી.
હવે જ્યારે શિવસેનામાં તિરાડ પડી ગઈ છે, રાજ્યની સત્તા પર ભાજપ શિવસેનાના શિંદે જૂથ સાથે મળી ગયો છે. પરંતુ તેનાથી શિવસેનાનું ઉદ્ધવ જૂથ, એનસીપી અને કૉંગ્રેસની વધારે નજીક આવી ગયું છે. આવું ચૂંટણીવિશ્લેષક યોગેન્દ્ર યાદવનું માનવું છે.
યોગેન્દ્ર યાદવ જય કિસાન આંદોલન અને સ્વરાજ ઇન્ડિયાના સંસ્થાપકોમાંથી એક છે, અને તેઓ પોતાનાં ચૂંટણી વિશ્લેષણો માટે પણ ઓળખાય છે.
બિહારમાં નીતીશના પક્ષ બદલવા અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની મુશ્કેલીઓ વિશે તેઓ કહે છે કે બિહારમાં તૂટની ભરપાઈ, ભાજપ મહારાષ્ટ્રમાં સત્તા પ્રાપ્ત કરીને નથી કરી શકતી. તેઓ તેની પાછળના તર્ક પણ ગણાવે છે.
તેમનું કહેવું છે કે રાજ્યની સત્તા ભલે ભાજપે પ્રાપ્ત કરી લીધી હોય, પરંતુ લોકસભાનું ગણિત બગડી ગયું છે.
તેઓ કહે છે, "મહારાષ્ટ્રમાં એનસીપી, કૉંગ્રેસ અને શિવસેના ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે સાથે આવ્યા હતા."
"ત્યારે એ ખબર ન હતી કે વર્ષ 2024માં તેઓ સાથે લડશે કે નહીં. પરંતુ સત્તા પરથી બહાર થયા બાદ ત્રણેય પાર્ટીઓ પાસે સાથે આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. બીજી તરફ હવે એવું લાગે છે કે ભાજપ અને શિવસેનાનું શિંદે જૂથ 2024 માટે એકસાથે જ રહેશે."
યોગેન્દ્ર યાદવ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી વિશે પોતાનો મત આપતાં કહે છે કે, "સત્તા પર રહેવું એક વાત છે, પરંતુ જનતાને એ જણાવવું કે શિંદે જૂથ જ અસલી શિવસેના છે તે અલગ વાત છે. મારું માનવું છે કે જનતા સામે ઉદ્ધવ ઠાકરે જ એ કહી શકશે કે મારી સાથે કેટલો અન્યાય થયો છે."
"વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના આધારે જોઈએ તો શિવસેના, એનસીપી અને કૉંગ્રેસનો વોટ શૅર ભાજપની સરખામણીએ વધારે છે. મારું અનુમાન છે કે શિવસેનાના બે તૃતીયાંશથી ત્રણ ચતુર્થાંશ વોટ ઉદ્ધવ ઠાકરેની પાસે જ રહેશે. તેવામાં બિહારની ભરપાઈ મહારાષ્ટ્ર સાથે કરી શકાતી નથી."

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, યોગેન્દ્ર યાદવ એમ પણ માને છે કે થોડી ભરપાઈ તેલંગણામાં ભાજપ કરી શકે છે. પરંતુ સાથે જ તેઓ એમ પણ કહે છે કે ભાજપ ઓડિશામાં ગઈ વખત જેટલી સીટો જીતી શકશે નહીં. તેવામાં બિહારનું નુકસાન જેવું હતું તેવું જ રહેશે. મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ જેવાં રાજ્યોમાં ભાજપ આમ પણ શીર્ષ પર છે.
તેવામાં બિહારમાં સીટોની આશા એ જ રાજ્યો પાસેથી કરી શકાય, જ્યાં તેઓ અત્યાર સુધી નબળા છે અથવા જ્યાં ગઠબંધનના સાથીઓ સાથે થોડું સારું પ્રદર્શન કરી રહ્યો છે.
તેવામાં ક્ષેત્રીય પાર્ટીઓની ભૂમિકા 2024ની લોકસભા ચૂંટણીમાં મહત્ત્વની નિવડવાની છે.
નચિકેતા કહે છે, "ભાજપની જીત અને હાર માટે અત્યારથી કોઈ ભવિષ્યવાણી કરવી થોડી મુશ્કેલ છે. એવું બની શકે કે અલગ-અલગ રાજ્યોની નાની રાજકીય પાર્ટીઓ પાછળથી ભાજપને સમર્થન આપી દે."
"વર્ષ 2024માં કેન્દ્ર અને બિનભાજપ સરકાર બનવાની સ્થિતિમાં બિહારનો આ પ્રયોગ મહત્ત્વપૂર્ણ બની રહેશે, જેમાં ક્ષેત્રીય પાર્ટીઓની ભૂમિકા પણ મહત્ત્વની હશે અને કૉંગ્રેસની પણ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













