બિહારમાં નીતીશ-લાલુ ફરી સાથે, શું 2024ની ચૂંટણીમાં ભાજપને આ યુતિ નુકસાન કરશે?

જે પી નડ્ડા અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જે પી નડ્ડા અને અમિત શાહ
    • લેેખક, પ્રેરણા
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • નીતીશકુમારે જે રીતે એનડીએ સાથે છેડો ફાડ્યો તેને ભાજપ માટે ફટકો ગણવામાં આવી રહ્યો છે
  • ભાજપ નેતાઓએ નીતીશકુમાર પર જનાદેશના અપમાનનો આરોપ લગાવ્યો છે.
  • બિહારની જનતા આ નવી સરકાર તરફ કેવું વલ અખત્યાર કરશે અને શું 2025ની વિધાનસભા ચૂંટણી પર તેની અસર થશે?
  • ભાજપના હાથમાંથી બિહારની સત્તા જતી રહેવી અને નીતીશ-તેજસ્વીની જોડીનું ફરી સાથે આવવું, શું સંકેત આપે છે?
  • રાજકીય વિશ્લેષકો માને છે કે "નીતીશકુમાર અને લાલુના ડૅડલી કૉમ્બિનેશનનો ઉપાય હાલ ભાજપ પાસે પણ નથી. જલદી જ 2024ની ચૂંટણીમાં ભાજપે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે."
લાઇન

બિહારના રાજકારણમાં ફરી એક વખત પાસું પલટાઈ ગયું છે. ભાજપનો હાથ છોડીને નીતીશકુમાર એ મહાગઠબંધનમાં પરત ફરી ગયા છે જેની સાથે તેમણે 2015ની ચૂંટણી જીતીને સત્તા પર કબજો યથાવત્ રાખ્યો હતો.

રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યા બાદ મુખ્ય મંત્રી સીધા રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા અને તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી.

તાલીઓના ગગડાટ સાથે અહીં નીતીશનું સ્વાગત કરવામાં આવ્યું, નીતીશ ખૂબ નરમ અને સહજ જોવા મળ્યા હતા.

નિષ્ણાતો કહે છે કે વર્ષ 2020નાં ચૂંટણી પરિણામ અને એનડીએ સરકારના ગઠન બાદ આ સહજતા નીતીશના ચહેરા પર ભાગ્યે જ જોવા મળી છે. નીતીશકુમાર પર સતત ભાજપનું દબાણ હતું અને નીતીશ એવા નેતાઓમાંના એક નથી જે કોઈ દબાણ હેઠળ કામ કરે. નીતીશની પોતાની એક શૈલી છે, કામ કરવાની રીત છે.

એનડીએમાં હંમેશાં મોટાભાઈની ભૂમિકામાં રહેનારા નીતીશ માટે ભાજપના વધતાં હસ્તક્ષેપ અને દબાણને પચાવી શકવું અઘરું બની રહ્યું હતું એટલે આરસીપીસિંહ પ્રકરણના બહાને તેમને એનડીએમાંથી નીકળવાનો મોકો મળી ગયો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બિહારના આ રાજકીય ઊલટફેરથી વિપક્ષી પાર્ટીઓમાં એક નવી ઊર્જા જોવા મળી શકે છે. નીતીશકુમાર સહિત મહાગઠબંધનના બધા મોટા ચહેરા સાથે રાબડી આવાસ બહાર થયેલી જૉઇન્ટ પ્રેસ કૉન્ફરન્સમાં તેજસ્વી યાદવે ત્યાં કહ્યું કે હિંદી પટ્ટી ધરાવતાં રાજ્યોમાં ભાજપનું હવે કોઈ પણ ઍલાયન્સ પાર્ટનર બચ્યું નથી.

તેમણે કહ્યું, "ભાજપ કોઈ પણ રાજ્યમાં પોતાના વિસ્તાર માટે ક્ષેત્રીય પાર્ટીઓનો ઉપયોગ કરે છે, પછી એ જ પાર્ટીઓને ખતમ કરવાનું મિશન ચાલુ કરી દે છે. બિહારમાં પણ એ જ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો."

line

જનાદેશનું અપમાન

ભાજપના નેતાઓ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પટણામાં નીતીશકુમારે રાજીનામું આપ્યું ત્યાર બાદ ભાજપના નેતાઓએ પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાનો પક્ષ જણાવ્યો હતો

બીજી તરફ રાજકીય ઊથલપાથલ બાદ પહેલાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલ અને પછી બિહાર ભાજપના તમામ મોટા નેતાઓએ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

પ્રેસ કૉન્ફરન્સમાં ભાજપ નેતાઓએ નીતીશકુમાર પર જનાદેશના અપમાનનો આરોપ લગાવ્યો છે.

સંજય જાયસવાલે કહ્યું, "આજે જે કંઈ થયું છે તે બિહારની જનતા અને ભાજપની સાથે દગાખોરી છે. આ એ જનાદેશનું ઉલ્લંઘન છે જે બિહારની જનતાએ આપ્યો હતો. 2005માં બિહારમાં જેમની સરકાર હતી, આ જનાદેશ તેમની વિરુદ્ધ હતું. આ પ્રદેશ શાંતિ ઇચ્છે છે. આ પ્રદેશ વિકાસ ઇચ્છે છે. બિહારની જનતા આ જરા પણ સહન નહીં કરે."

આ તરફ બિહારમાં ભાજપના જૂના ચહેરા અને નીતીશકુમાર સાથે નાયબ મુખ્ય મંત્રી રહી ચૂકેલા સુશીલ મોદી કહે છે કે જેડીયુ ગઠબંધન તોડવાનું બહાનું શોધી રહી હતી.

વર્તમાન રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ કહ્યું, "આ સફેદ જૂઠાણું છે કે ભાજપે નીતીશજીની સંમતિ વગર આરસીપીને મંત્રી બનાવ્યા હતા. આ ખોટી વાત છે કે ભાજપ જેડીયુને તોડવા માગતો હતો. તોડવાનું બહાનું શોધી રહ્યો હતો. ભાજપ 25માં પ્રચંડ બહુમતી સાથે આવશે."

line

ભાજપ માટે મોટો ઝટકો

નીતીશ કુમાર

ઇમેજ સ્રોત, Getty Images

બિહારની જનતા આ નવી સરકારને સહન કરશે અને શું 2025ની વિધાનસભા ચૂંટણી પર તેની અસર થશે? ભાજપના હાથમાંથી બિહારની સત્તા જતી રહેવી અને નીતીશ-તેજસ્વીની જોડીનું ફરી સાથે આવવું, શું સંકેત આપે છે?

આ સવાલોના જવાબમાં બિહારના વરિષ્ઠ પત્રકાર સુરુર અહમદ કહે છે, "જો લાંબા સમય માટે મહાગઠબંધન જળવાઈ રહે છે, તો ભાજપ માટે એ ખૂબ મોટું નુકસાન સાબિત થશે. 2024ની લોકસભા ચૂંટણીમાં જ તેની અસર સ્પષ્ટપણે જોવા મળી જશે."

"આ પહેલી વખત હશે કે જ્યારે લોકસભા ચૂંટણીમાં નીતીશ-તેજસ્વીની જોડી સાથે હશે. આ જોડીએ 2015ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો શું હાલ કર્યો હતો, તે કોઈથી છુપાયેલું નથી. જો આ જોડી 2024 સુધી સાથે રહે છે તો બિહારમાં મોદી મૅજિકની પણ કોઈ અસર નહીં રહે અને તે ભાજપ માટે મોટો ધક્કો હશે."

બીજી વાત એ છે કે ભાજપ બીજાં રાજ્યોમાં જ્યાં સમીકરણ બેસાડતાં સરકાર બનાવી રહી હતી, ત્યાં બિહારમાં તેની બનાવેલી સરકાર પડી ગઈ. તેને બચાવવા માટે કોઈ પણ રણનીતિ કામ કેમ ન કરી શકી?

સુરુર અહમદ કહે છે, "બિહારમાં કેન્દ્રીય નેતૃત્વએ હંમેશાં એક ભ્રામક સ્થિતિ બનાવીને રાખી. તેમણે બે-ત્રણ ભૂલો કરી. જેમ કે - સુશીલ મોદી, નંદકિશોર યાદવ, પ્રેમકુમાર, રવિશંકરપ્રસાદ. બિહાર ભાજપમાં જેટલી પણ ટૉપ લીડરશિપ રહી, તેમને ધીમે-ધીમે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા."

"ભાજપ જો એવું વિચારે છે કે દિલ્હીથી કોઈ નવા ચહેરાને બિહારમાં લૉન્ચ કરીને લોકોનું સમર્થન પ્રાપ્ત કરી લેશે, તો તેવું થવાનું નથી. આ બધું અત્યાધિક આત્મવિશ્વાસનું પરિણામ છે."

સુરુર અહમદ કહે છે કે જાતિને લઈને ખૂબ જ સજગ રાજ્ય બિહારમાં ભાજપ કોઈ ફિક્સ્ડ કાસ્ટ વોટ બૅન્ક વગર લાંબા સમય સુધી સર્વાઇવ કરી શકશે નહીં.

line

નીતીશ-લાલુની જોડીનો સામનો કરવો કેટલો સહેલો?

નીતીશકુમાર અને તેજસ્વી યાદવ

ઇમેજ સ્રોત, ANI

બિહારના રાજકારણ નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર નલિન વર્મા પણ એ જ માને છે. તેઓ કહે છે કે આજની ઘટના ભાજપ માટે એક મોટો ફટકો છે.

નલિન વર્મા કહે છે, "નીતીશકુમાર અને લાલુના ડૅડલી કૉમ્બિનેશનનો ઉપાય હાલ ભાજપ પાસે નથી. જલદી જ 2024ની ચૂંટણીમાં ભાજપે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે."

2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએએ બિહારની 40 લોકસભા સીટોમાંથી 39 સીટો જીતી હતી. ત્યારે ભાજપ સાથે જેડીયુ અને એલજેપી એનડીએનો ભાગ હતા.

નલિન વર્મા 2019ની આ જ સામાન્ય ચૂંટણીનો હવાલો આપતાં કહે છે કે કોઈ પણ રીતે હવે ભાજપ એટલી સીટો જીતી નહીં શકે, અને આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના સિંગલ ડિજિટ નંબર પર શિફ્ટ થવાની પૂરી શક્યતા છે.

"ભાજપ આરજેડીના એમવાઈ અને નીતીશની ઓબીસી વોટબૅન્કમાં પણ ગાબડું પાડી શકે છે. જ્યારે યુપીમાં એક હદ સુધી સમાજવાદી પાર્ટી અને બીએસપીની વોટબૅન્કને નબળી પાડવામાં પાર્ટી સફળ થઈ છે."

જોકે, એવી પણ ચર્ચા છે કે લાંબા સમયમાં આ ભાજપ માટે ફાયદાનો સોદો દર્શાવે છે. એવી અટકળો હતી કે ભાજપમાં 2020નાં ચૂંટણીપરિણામોને લઈને નારાજગી હતી કે જેડીયુને 122 સીટો ન આપવામાં આવી હોત તો, ભાજપ એકલા હાથે જ સરકાર બનાવી શકતો હતો.

હવે જ્યારે નીતીશકુમાર પોતે જ અલગ થઈ ગયા છે અને ફરી મહાગઠબંધનનો હાથ પકડી લીધો છે, તો ભાજપ તેને જનાદેશનો ઉલ્લંઘન ગણાવીને વિક્ટિમ કાર્ડ રમી શકે છે.

નલિન વર્મા આ શક્યતાઓને ફગાવે છે.

તેઓ કહે છે, "આવું પહેલી વખત તો થઈ રહ્યું નથી. નીતીશકુમારે પહેલાં પણ ભાજપને આ તક આપી હતી. પરિણામ શું આવ્યું? પાર્ટીએ 38 સીટોનું નુકસાન ભોગવવું પડ્યું."

વરિષ્ઠ પત્રકાર અહીં વર્ષ 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં નીતીશકુમારે પહેલી વખત મહાગઠબંધનના બૅનર હેઠળ ચૂંટણી લડી હતી.

લાલુ-નીતીશની જોડીએ ત્યારે બિહારની 243 સીટોમાંથી 181 સીટો જીતી હતી. ત્યાં ભાજપને માત્ર 53 સીટો મળી હતી. જ્યારે વર્ષ 2010ની ચૂંટણીમાં પાર્ટી 91 સીટો જીતવામાં સફળ રહી હતી.

તેઓ સ્પષ્ટપણે કહે છે કે હમણાં બિહારમાં થયેલા બદલાવનો ભાજપને કોઈ ફાયદો થવાનો નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન