લખીમપુર ખીરી : મૃતક યુવતીઓનો પરિવાર, પોલીસ અને આરોપીના પરિવારજનો શું કહી રહ્યાં છે?- ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, નિઘાસનથી
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના જે ગામમાં બે દલિત છોકરીના મૃતદેહ શેરડીના ખેતરમાં એક વૃક્ષ પર લટકેટલી હાલતમાં મળી આવ્યા, તેમનો પરિવાર મીડિયાકર્મી, પોલીસ અને પ્રશાસનના લોકો અને નેતાઓની ભીડ વચ્ચે પોતાની જાતેને સંભાળવાની કોશિશ કરી રહ્યો છે.
જ્યારે અમે તેમના ઘરે પહોંચ્યા ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. ઘરથી બહાર નીકળવું શક્ય નહોતું. ઘરની છત નીચે લોકોની સંખ્યામાં વાધારો થઈ રહ્યો હતો.
આવી પરિસ્થિતિમાં ખૂણામાં છોકરીઓનાં માતાનાં ડૂસકાંનો અવાજ સંભળાઈ રહ્યો હતો.
ખાટલા પર આડા પડેલાં તેઓ રડવા માંડ્યા, "તને મારા હાથમાંથી છીનવી લીધી, માણસોએ. ખેંચીને લઈ ગયા. હવે કોણ અમને ભોજન રાંધી આપશે? દીકરી, અમને ચા આપો, હજુ સુધી તેં ચા ન બનાવી, અમારી ઢિંગલી ક્યાં ગઈ રે. સેવા કરતી હતી, હવે અમારી સેવા કોણ કરશે. અમારી સેવા કરનાર દીકરી ક્યાં છે? લૂંટીને લઈ ગયા, અમારા હાથમાંથી છીનવી ગયા. આ શું થઈ ગયું દીકરી. હાય દીકરી રે..."
રડતાં-રડતાં તેઓ પોતાની જાતને હાથથી મારવા લાગ્યાં અને બેહોશ થઈ ગયાં. પાસે બેઠેલાં એક મહિલાએ પણ તેમને ભાનમાં લાવવાના પ્રયત્ન કર્યા. આ મહિલાએ મને જણાવ્યું કે જ્યારથી મૃત દીકરીઓ અંગે માતાને સમાચાર મળ્યા છે, ત્યારથી તેમણે કંઈ ખાધું નથી, બસ તેઓ સતત રડી રહ્યાં છે.
આ ઘટનાથી વિસ્તારના લોકો આઘાતમાં છે. એક વ્યક્તિએ કહ્યું, "આવી ઘટના ક્યારેય વિસ્તારમાં નથી બની."
પોલીસે આ મામલે છ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ લોકોમાં એક દલિત અને પાંચ મુસ્લિમ સામેલ છે. જોકે, સ્થાનિકોએ જણાવ્યું કે ધાર્મિક મુદ્દાને લઈને વિવાદ જેવી કોઈ સ્થિતિ નથી. પરંતુ ઘટનાના કારણે હવે અહીં ડરની પરિસ્થિતિ છે.
માતાની ખરાબ થતી જતી પરિસ્થિતિને પાસે બેઠેલા તેમના પુત્ર જોઈ રહ્યા હતા. તેઓ ઊઠ્યા અને પાણી લેવા જતા રહ્યા અને ફરી પાછા પાસે આવીને બેસી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમુક વારમાં જ ચાલુ વરસાદમાં ઘરે પહોંચેલા પોલીસના ક્ષેત્રાધિકારી એસએન તિવારીએ બીબીસીને જણાવ્યું કે પરિવારને આર્થિક મદદ માટે સાડા ત્રણ લાખ રૂપિયા તેમના બૅન્કના ખાતામાં પહોંચાડી દેવાયા છે. કુલ મદદની રકમ લગભગ 50 લાખ રૂપિયા છે. આ સિવાય આવાસ અને નોકરીને લઈને પણ પરિવારની મદદ કરવાની કોશિશ કરાઈ રહી છે.

લખીમપુર ખીરીમાં દલિત છોકરીઓની હત્યા

- બંને છોકરીઓ સગાં બહેન હતાં
- છોકરીઓની ઉંમર 15-17 વર્ષની વચ્ચે હતી
- બુધવારે બંનેના મૃતદેહ વૃક્ષ પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા
- પોલીસનો દાવો - આરોપી બંને સગી બહેનોને પરાણે નહોતા લઈ ગયા
- પોસ્ટમૉર્ટેમ રિપોર્ટમાં રેપ અને ગળું દાબવાની વાતની પુષ્ટિ
- મામલામાં પોલીસે છ લોકોની ધરપકડ કરી છે
- પોલીસનો દાવો - કોઈ આરોપી સગીર નથી, તમામ પુખ્ત વયના છે

સમાચાર કેવી રીતે મળ્યા?
મૃતક છોકરીઓના ભાઈની ઉંમર 20 વર્ષ છે અને તેઓ દિલ્હીમાં પેપર નૅપકિન બનાવવાનું કામ કરે છે. મૃતદેહ મળ્યાના અમુક સમય બાદ તેમને ગામની એક વ્યક્તિએ ફોન કર્યો હતો.
સંદેશ હતો, "તમારી બહેનોને મારીને લટકાવી દીધી છે."
આ ક્ષણ યાદ કરીને તેઓ જણાવે છે કે, "નાની બહેન ભણવામાં હોશિયાર હતી. તે આગળ ભણવા માગતી હતી. અમે વિચાર્યું કે તે ભણી જશે તો તેની નોકરી લાગી જશે. મોટી બહેનને સીવણકામ કરવાનું પસંદ હતું. બંને અત્યંત શરમાળ હતી અને ફોન પર પણ વાત નહોતી કરતી. ફોન કરતો ત્યારે તે મમ્મીને ફોન આપી દેતી અને કહેતી કે પૂછી લો ભાઈ કેમ છે?"
બે બહેનોમાંથી નાની ભણી રહી હતી, જ્યારે મોટી બહેને માતાની તબિયતના કારણે ભણવાનું છોડી દીધું હતું. અમુક સમય પહેલાં જ તેમનાં માતાનું ઑપરેશન થયું હતું.
તેમણે કહ્યું, "ક્યારેક તેમનું બીપી લૉ થઈ જાય છે તો ક્યારેક તેઓ બેહોશ થઈ જાય છે. એક-દોઢ વર્ષથી દવા ચાલી રહી છે. મહિનાના ચાર-પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. ક્યારેક ઠીક પણ થઈ જાય છે તો દવા નથી લાવવી પડતી."
માતા અને બહેનોના સંબંધ વચ્ચે તેમણે કહ્યું, "મા બંને બહેનોની પોતાની સાથે રાખતાં. તેઓ પણ મમ્મીની દેખરેખ કરતી. તેમને ઘરમાંથી બહાર નહોતી જવા દેતી. તે બંને પણ ઘરમાંથી બહાર નહોતી જતી. કેવી રીતે જણાવું કે હવે કેવી રીતે ચાલશે. અમારી સાથે ખૂબ જ અન્યાય થયો. તેમને (આરોપીઓને) ફાંસી થવી જોઈએ."
તેઓ અમને એક ઓરડામાં લઈ ગયા જ્યાં બહાર પડી રહેલ વરસાદના કારણે અમુક બકરીઓ બંધ હતી. સાથે જ એક સાઇકલ અને બીજા સામાન સિવાય વચ્ચે એક તખતો રાખ્યો હતો. જેની પાસે લાકડાની મેજ પર કાળા રંગનું સિલાઈમશીન ઢાંકેલી અવસ્થામાં મૂકેલું હતું.
મશીન તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું, "આ મોટી બહેનનું સિલાઈમશીન હતું."
મેં પૂછ્યું, "અને નાની બહેન ક્યાં ભણતી હતી." મારો પ્રશ્ન સાંભળતાં જ તેઓ બહેનની લાલ રંગની બૅગ લઈ આવ્યા જે પુસ્તકથી ભરેલ હતી.

'મારી બહેનો ગાય જેવી હતી'

મૃત બાળકીઓના પરિવાર સાથે વાત કરીએ તો બંને છોકરીઓની એવી તસવીર સામે આવે છે કે સંપૂર્ણ ઘર તેમના પર નિર્ભર હતું. પરિવારની સૌથી મોટી દીકરીનાં લગ્ન સાત વર્ષ પહેલાં જ થઈ ચૂક્યાં હતાં.
તેઓ કહે છે કે, "મારાં લગ્ન વખતે બન્ને (મૃતક છોકરીઓ) ખૂબ નાની હતી. તે સમયની તસવીરો પણ છે અમારી પાસે. બંને સાથે મારે ખૂબ બનતું હતું. તેઓ ક્યારેય ઝઘડતી નહોતી. તે મારી સામે પેદા થઈ, તેને ખોળામાં રમાડી હતી."
બહેને જણાવ્યું, "હું સાસરેથી આવતી તો બન્ને મને ભોજન-પાણી આપતી, મારાં બાળકોને રમાડતી, તે ખૂબ જ સીધી હતી. તેમને કોઈ શોખ નહોતો. તેઓ અત્યંત સાદગીપસંદ હતી. ઘરમાંથી બહાર નહોતી નીકળતી, ઘરે રહીને જ કામ કરતી હતી. હવે મા માટે ખૂબ મુશ્કેલ થઈ જશે. તેમની દવા કોણ કરશે. તેઓ કામ પણ નથી કરી શકતાં. ખૂબ ધીરેધીરે ચાલે છે."
ભાઈની પાસે બેસેલાં મોટાં પરિણીત બહેન પોતાના સૌથી નાના બાળકને ખોળામાં રમાડી રહ્યાં હતાં. તેમનો ચહેરો ભાવશૂન્ય હતો.
ધીરેધીરે ટીવી કૅમેરા અને ચૅનલના માઇક સાથેના રિપોર્ટરો સિવાય કૉંગ્રેસના એક જૂથના લોકોએ બે ઓરડાવાળા આ ઘરને ભરવાનું શરૂ કરી દીધું.
એક ટીવી પત્રકાર સારા ઍંગલ માટે બેદરકાર રીતે જૂતાં સાથે જ તખતા પર ચઢી ગયો. બીજાએ વચ્ચે મૂકેલ તખતાને કોઈનેય પૂછ્યા વગર દીવાલ સાથે ટેકવી દીધો, જેથી વધુ લોકો ઘરમાં આવી શકે. ભાઈ-બહેનને એ નહોતું સમજાઈ રહ્યું કે ઘરમાં શું થઈ રહ્યું છે.
બાળકને રમાડતાં બહેન બોલ્યાં, "માસીને ઘણો યાદ કરી રહ્યો છે. ઘણો પસંદ કરતો હતો. હું ના તો બાળકનાં કપડાં ધોતી, ન તો નવડાવતી, બધું કામ તેઓ જ કરતી. તે જ આને ભોજન-પાણી આપતી. પથારી કરી દેતી. ત્રણેય બાળકોની ખૂબ કાળજી લેતી."
બોલતાં બોલતાં તેઓ રડી પડ્યાં અને કહ્યું, "અમને એટલું દુ:ખ છે કે અમારાં આંસુ જ નથી નીકળતાં, અમારી બહેનો ખૂબ સારી હતી."

કેવી રીતે બની ઘટના?


પોલીસે શું કહ્યું?
ઘટનાના એક દિવસ બાદ લખીમપુર ખીરીના પોલીસ અધીક્ષક સંજીવ સુમને પત્રકારપરિષદમાં કહ્યું કે આરોપી બંને સગી બહેનોને પરાણે લઈ ગયા હોવાની વાતનો ઈન્કાર કરી દીધો.
તેમનું કહેવું હતું કે એક મુખ્ય આરોપી આ છોકરીઓના ઘર પાસે રહેતો હતો અને છોકરીઓને ફોસલાવીને ખેતરમાં લઈ ગયો હતો. પોલીસ પ્રમાણે આ આરોપીએ જ છોકરીઓની અન્ય ત્રણ છોકરા સાથે મિત્રતા કરાવી હતી.

છોકરીઓના પરિવારજનોનો પોલીસ પર આરોપ
બીજી તરફ છોકરીઓના પરિવાર અનુસાર, આરોપીઓ તેમની દીકરીઓને ઉઠાવીને લઈ ગયા હતા.
તેમના પિતાએ વાતચતીમાં કહ્યું કે છોકરા મોટરસાઇકલ પર આવ્યા હતા અને તેમની દીકરીઓને 'ઉઠાવીને' લઈ ગયા. મોટરસાઇકલ પર ત્રણ લોકો હતા.
તેમણે જણાવ્યું કે ઘટનાના સમયે તેઓ ખેતરે હતા અને ઘરે તેમનાં પત્ની હતાં.
તેમણે કહ્યું, "એ વખતે તેઓ (પત્ની) નહાઈ રહ્યાં હતાં અને અંદર કપડાં પહેરવા ગયાં હતાં. છોકરીઓ બહાર હતી. ત્યારે (તેઓ તેમને) ઉઠાવીને લઈ ગયા. તેઓ પાછળ બૂમો પાડતાં ભાગ્યાં તો તેમણે (છોકરાઓએ) તેમને લાત મારી દીધી."
પિતા પ્રમાણે જ્યારે તેઓ ઘર પર આવ્યા ત્યારે તેમને ઘટના વિશે ખબર પડી. તેમણે છોકરીઓને શોધવાની કોશિશ કરી પરંતુ તે ન મળી. તે બાદ તેમણે આ વાત ગામલોકોને કહી. ઘણી વાર સુધી શોધ્યા બાદ કોઈએ શેરડીના ખેતરમાં શોધવાની વાત કરી. ઘણા કલાકો બાદ સાંજે પાંચ વાગ્યે તેમના મૃતદેહો મળ્યા.
તેમના મોઢામાંથી મુશ્કેલીથી શબ્દ નીકળ્યા, "બળાત્કાર (કરાયો હતો) શેરડીના (ખેતરમાં) તેમની સાથે. તેમને મારીને લટકાવી દીધી હતી."
તેમણે કહ્યું, "પોલીસ છોકરીઓના મૃતદેહ લખીમપુર લઈ આવ્યા. અમે અહીં જ રહી ગયા. સાથે કોઈ ન ગયું. તેથી કહેવાયું કે બૉડી મગાવવા માટે ચક્કાજામ કરવામાં આવે."
પિતા પ્રમાણે પોલીસ છોકરીઓના મૃતદેહ તેમનાથી પૂછ્યા વગર લઈ ગઈ હતી.
આ અંગે બીબીસી સાથેની વાતચીતમાં પોલીસના ક્ષેત્રાધિકારી (સીઓ) એસએન તિવારીએ કહ્યું, "એ સમયે હું નહોતા. હું બહાર હતો. હું પછી આવ્યો. જો આવું કંઈ થયું હશે તો તેને હું જરૂર જોઈશ."
છોકરીઓના ભાઈ પ્રમાણે તેઓ એક આરોપીને ઓળખતા હતા, "તેનું ખેતર અમારી સામે છે. તે તેના ખેતરે આવતો-જતો રહેતો હતો. (અન્ય છોકરાને) હું નહોતો ઓળખતો."

આરોપીના સ્વજનોનો આક્ષેપ
પત્રકારપરિષદમાં લખીમપુર ખીરીના પોલીસ અધીક્ષકે આરોપીઓનાં નામ પણ જણાવ્યાં.
આ અંગે આરોપીઓના પરિવારજનોનું કહેવું છે કે પોલીસે જે છોકરાને પકડ્યા છે તેઓ સગીર છે તેથી પોલીસે તેમનાં નામ જાહેર નહોતાં કરવા જોઈતાં.

આરોપો પર પોલીસ શું કહે છે?

લખીમપુર ખીરીના પોલીસ અધીક્ષક સંજીવ સુમને બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે છોકરીઓના પોસ્ટમૉર્ટેમના રિપોર્ટ આવી ગયા છે જેમાં બળાત્કારની પુષ્ટિ થઈ છે.
તેમણે કહ્યું, "પોસ્ટમૉર્ટેમ રિપોર્ટમાં પહેલાં છોકરીઓ સાથે બળાત્કાર, પછી ગળું દબાવીને તેમને મારવાની અને પછી તેમને લટકાવી દેવાની વાત સામે આવી છે. આ રિપોર્ટ આરોપીઓનાં નિવેદનોથી મળતો આવે છે. મોટી બહેનના શરીર પર ઈજાનાં અમુક નિશાન પણ છે, એવાં નિશાન જે અમુક વ્યક્તિ દ્વારા બળજબરીપૂર્વક ખેંચીને લઈ જતી વખતે વિરોધ કરવાથી પડે છે. રિપોર્ટ એ વાતની ખરાઈ કરે છે કે છોકરીઓ સાથે બળાત્કાર થયા જેનો તેમણે વિરોધ કર્યો હતો."
પરિવારજનો દ્વારા અપહરણના આરોપ અને છોકરીઓ આરોપીઓને ઓળખતી ન હોવાની વાત અંગે પોલીસ અધીક્ષકે કહ્યું કે, "તમે કહી શકો કે પોલીસ અને પરિવાર બંનેની પોતપોતાની થિયરી યોગ્ય છે. પોલીસની થિયરી સાચી હતી કારણ કે છોકરીઓને મોટરસાઇકલ પર બેસીને જતી સાક્ષીએ જોઈ હતી, જેનું નિવેદન પણ લેવાયું છે. સીડીઆરના રિપોર્ટમાં પણ આ વાત સામે આવી છે કે બંને પહેલાંથી એક બીજાને જાણતાં હતાં અને મિત્રો હતાં."
"પરંતુ પરિવારજનોની વાતને પણ ખોટી ન ઠેરવી શકાય કારણ કે તેઓ બંને સગીર હતાં, આવી પરિસ્થિતિમાં જો તેઓ પોતાની ઇચ્છાથી જવા માગતી હોત તેમ છતાં તેની એ પ્રકારે નોંધ ન કરી શકાય. આઈપીસીના કાયદામાં બાળકોની સ્વેચ્છાને કોઈ માન્યતા નથી અપાઈ. આવી પરિસ્થિતિમાં અમે એ જ કરીશું જે કાયદામાં અપાયું છે."
આરોપીઓના પરિવારજનોનો આરોપ છે કે તેઓ સગીર વયના છે, પોલીસ અધીક્ષકે આ બાબતે કહ્યું કે, "અત્યાર સુધી પોલીસને કોઈ પણ પુરાવા કે દસ્તાવેજ નથી મળ્યા જેનાથી એવું સાબિત થઈ શકે કે આરોપી સગીર છે. મેડિકલ પુરાવાથી પણ સામે આવ્યું છે કે તેઓ પુખ્ત વયના છે. જો તપાસ દરમિયાન અમને એવો કોઈ પુરાવો મળશે જે એ વાત સાબિત કરે કે તેઓ પુખ્ત હતા તો અમે કાયદાને અનુરૂપ જ કામ કરીશું પરંતુ હાલ અમે તેમને પુખ્ત વયના માનીને જ ચાલી રહ્યા છીએ."
આરોપીઓને કેવી રીતે પકડાયા? આ પ્રશ્ના જવાબમાં તેઓ કહે છે કે, "જ્યારે એફઆઈઆર દાખલ કરાઈ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું, અડધી રાતના એક વાગી ચૂક્યા હતા. અમે ચાર ટીમો બનાવી અને આરોપીઓની તલાશમાં કામ શરૂ કર્યું.આ મામલે જે મુખ્ય આરોપી છે, અમે સૌથી પહેલાં તેને પકડ્યો અને પૂછપરછ કરી. તે બાદ અન્ય આરોપીઓને પકડ્યા. એક વ્યક્તિ રાસ(વિસ્તારનું નામ)માં રહી રહી હતી, તેની પોલીસે ઘર્ષણ બાદ ધરપકડ કરી. મોડી સવાર સુધી તમામ આરોપીઓને પકડી લેવાયા હતા."

આરોપીનો પરિવાર શું કહે છે?

છોકરીઓનું ગામ દલિત બહુમતીવાળું ગામ છે. તેમના ગામની બાજુમાં એક બીજું મુસ્લિમ બહુમતીવાળું ગામ છે. આ ઘટનાના કેટલાક આરોપીઓ અહીં રહેતા હતા.
વરસાદમાં અમે એક આરોપીના ઘરે પહોંચ્યા જ્યાં અન્ય બે આરોપીઓનાં માતા પણ અમને મળ્યાં. બધાએ દાવો કર્યો હતો કે તેમનાં બાળકોની ઉંમર 18 વર્ષથી ઓછી છે.
મુખ્ય આરોપીના પિતા પણ ત્યાં બેઠા હતા. તેમણે કહ્યું, "અમને પોલીસ સવારે દસ-11 વાગ્યે ઉપાડી ગઈ હતી. જ્યારે અમે બહાર આવ્યા ત્યારે પોલીસે પૂછ્યું, તમારો છોકરો ક્યાં છે. મેં કહ્યું, દિલ્હી ગયો છે. તો તેણે કહ્યું, તેને બોલાવો. મેં તરત જ પુત્રને ફોન કર્યો. તે પીલીભીત પહોંચી ગયો હતો. તેથી મેં ત્યાં ઊતરી જવાનું કહ્યું, તો એ એક ઢાબા પર ઊતરી ગયો. બાદમાં પોલીસે તેને તેમની કારમાં બેસાડ્યો. અમને બીજી કારમાં રાખવામાં આવ્યા. અમને છોકરાને મળવા દેવાયા નહીં. જે દિવસે ઘટના બની તે દિવસે તે આખો દિવસ ઘરે જ હતો. અમારી માતા બીમાર હતી, તેથી અમે હૉસ્પિટલમાં હતા."
પોલીસના નિવેદન પર મુખ્ય આરોપીના પિતાએ કહ્યું, "અમારો પુત્ર હત્યા કરી શકે નહીં. જો સીબીઆઈ તપાસ થાય તો બધી ખબર પડી જાય."
આટલું કહેતાં તેમણે માથું નીચું કરીને રડવાનું શરૂ કર્યું અને કહ્યું, "મારી મા ઊઠીને ચાલી શકતી નથી. તે એટલું રડે છે કે તેનો કોઈ હિસાબ નથી."
ત્યાં બેઠેલી અન્ય એક મહિલાએ આરોપ લગાવ્યો કે તેમના બાળકને ફસાવી દેવામાં આવ્યો છે.

લખીમપુર ખીરી ચર્ચામાં
સ્થાનિક પત્રકાર પ્રશાંત પાંડેના જણાવ્યા અનુસાર, લખીમપુર ખીરી મહિલાઓ વિરુદ્ધ હિંસાને લઈને સમાચારોમાં રહ્યું છે. પછી તે બાળકીઓ પર બળાત્કારનો કેસ હોય કે હત્યાનો કે પછી મહિલાઓની ઉત્પીડનના કિસ્સા હોય.
જે ગામને આગામી દિવસોમાં બે દલિત યુવતીઓના હત્યારા ગામ તરીકે ઓળખવામાં આવશે, ત્યાં અને તેની આસપાસના વિસ્તારોમાં છોકરીઓના શિક્ષણ પર શું અસર થશે?
પ્રશાંત પાંડે કહે છે, "ગામના લોકોની માનસિકતા એવી હોય છે કે તેઓ પરાણે છોકરીઓને ભણવા મોકલે છે. ઘણા લોકો એવું વિચારે છે કે છોકરીઓને વધારે ભણાવવી જોઈએ નહીં, નહીંતર તે બગડી જશે. કેટલાક પરિવારો પાસે આર્થિક કારણો પણ હોય છે."
તેઓ કહે છે, "મેં તે દલિત બહુમતીવાળા ગામની એક છોકરી સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ગામમાં દલિત સમાજમાંથી અત્યાર સુધી માત્ર ત્રણ છોકરીઓએ બીએ કર્યું છે અથવા કરી રહી છે. મોટા ભાગની છોકરીઓ પાંચ કે આઠ ધોરણ સુધી ભણે છે અને પછી ભણવાનું છોડી દે છે. પછી તે ઘરકામમાં ગોઠવાઈ જાય છે."
પીડિત યુવતીના ભાઈઓ અને આરોપી ગામની બહાર કામ કરે છે.
આ વિસ્તારની ગરીબી અને નોકરી માટે બહારના વિસ્તારમાં સ્થળાંતર અંગે તેઓ કહે છે, "મારા બાળપણમાં લખીમપુર જિલ્લો એવો હતો કે પૂર્વાંચલ અને બિહારથી અહીં મજૂરી માટે લોકો આવતા અને કામ મેળવતા. પરંતુ છેલ્લાં દસ-પંદર વર્ષમાં બદલાવ આવ્યો. એ એ છે કે હવે અહીંના મજૂરોને હરિયાણા, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ વગેરે અન્ય સ્થળોએ જવું પડે છે."
તેઓ સમજાવે છે, "કેટલીક ખાંડમિલોની તરફથી ચુકવણીમાં વિલંબ થઈ રહ્યો છે અને ખેડૂત મજૂરી ચૂકવવામાં અસમર્થ છે, તેથી લોકોને નોકરી માટે બહાર જવાની ફરજ પડે છે."
પ્રશાંત પાંડે કહે છે, "ગરીબી, નિરક્ષરતા અને નબળી આર્થિક સ્થિતિને કારણે મહિલાઓ સામે હિંસામાં વધારો થયો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













