ઘર છોડીને મહારાષ્ટ્ર ગયેલી ગુજરાતની સગીરાનું ફિંગરપ્રિન્ટના કારણે કેવી રીતે પરિવાર સાથે મિલન થયું?

ઇમેજ સ્રોત, danishkhan via Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- ગુજરાત પોલીસ અનુસાર સવા વર્ષ પહેલાં અમદાવાદથી ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્ર પહોંચી હતી સગીરા
- ગુજરાત પોલીસ અનુસાર સગીરાએ ત્યાંની પોલીસ અને બાળ સુરક્ષા અધિકારીઓને કહ્યું હતું જૂઠ
- બાળ સુરક્ષા અધિકારીઓ આધારકાર્ડ માટે ફિંગરપ્રિન્ટ લેતા સત્ય આવ્યું સામે
- સગીરાનાં માતાપિતાએ પણ પોલીસ ફરિયાદ ન નોંધાવતાં વધી હતી મુશ્કેલી

"અમારા બાળ સંરક્ષણગૃહમાં છેલ્લાં સવા વર્ષથી રહેતી 15 વર્ષની સગીરા મહારાષ્ટ્રની નહીં પરંતુ અમદાવાદની છે."
આવો એક ફોન અમદાવાદ ચાઇલ્ડ વેલફેર કમિટીના લીગલ સેલના કન્વીનર વિજય પ્રજાપતિને મહારાષ્ટ્રના અકોલાસ્થિત ગાયત્રી બાળાશ્રમમાંથી આવ્યો હતો.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "મને જ્યારે તેમના સંચાલક સુનીલ લાડુકરનો ફોન આવ્યો તો મેં તાત્કાલિક અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા લોકોની માહિતી મેળવી"
પણ આ પ્રકારની કોઈ સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ અમદાવાદના એક પણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ન હતી.
આ સગીરા વારંવાર પોતે મહારાષ્ટ્રનાં જ હોવાનું જણાવતાં હતાં. એક વર્ષથી પણ વધારે સમય વીતી જતાં અંતે તેમનું નવું આધારકાર્ડ બનાવવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જોકે, સગીરાના ફિંગરપ્રિન્ટના કારણે અંતે તેમનું માતાપિતા સાથે મિલન થયું છે.

"ઔરંગાબાદની હોવાનું જ જણાવતી હતી"

ઇમેજ સ્રોત, Daniel Berehulak via Getty images
આશરે સવા વર્ષ પહેલાં મહારાષ્ટ્રના અકોલા રેલવેસ્ટેશન પર પંદરેક વર્ષનાં આ સગીરા એકલાં મળી આવ્યાં હતાં. પોલીસ દ્વારા તેના વાલીવારસોને શોધવાના પ્રયત્નો કર્યા હોવા છતાં સફળતા મળી ન હતી.
બાદમાં મહારાષ્ટ્ર ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા તેમને અકોલાસ્થિત ગાયત્રી બાળ સંરક્ષણગૃહમાં મોકલવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળ સંરક્ષણગૃહમાં જ્યારે આ સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે તેઓ પોતે ઔરંગાબાદનાં હોવાનું જણાવતાં હતાં.
પોલીસ અને બાળ સુરક્ષા અધિકારીઓએ ઔરંગાબાદમાં તેઓ ક્યાં રહે છે? તેવો પ્રશ્ન પૂછતાં જવાબમાં સગીરાએ એક સરનામું આપ્યું હતું. જોકે, સ્થળતપાસમાં જાણવા મળ્યું કે એ સરનામું ખોટું હતું.
અકોલાસ્થિત ગાયત્રી બાળ સંરક્ષણગૃહના સંચાલક સુનીલ લાડુકર કહે છે, "સગીરાના પરિવારને શોધવાના અમે તમામ પ્રયાસ કર્યા, પરંતુ એમ લાગતું હતું કે તે સત્ય કહેવા માગતી ન હતી. જેથી અમે તેને અહીં જ રાખી અને રોજગારલક્ષી તાલીમ આપવાનું શરૂ કર્યું હતું."
તેમણે આગળ જણાવ્યું, "અમારા ત્યાં ઘણાં બધાં બાળકો રહેતાં હતાં. એક દિવસ અમે બધાનાં આધારકાર્ડ કઢાવવાનું નક્કી કર્યું. આધારકાર્ડ કાઢતી વખતે જ્યારે આ સગીરાના ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા તો સિસ્ટમમાં તેનું આધારકાર્ડ જનરેટ થયેલું હોવાનું બતાવતા હતા. જેથી તેના પરિવાર સુધી પહોંચવાની આશા પાછી જાગી ઊઠી."
"તેનું આધારકાર્ડ અગાઉથી હોવાનું જાણવા મળતાં અમે અધિકારીઓને મળ્યા અને તેનું સાચું નામ, સરનામું જાણવાનો પ્રયત્ન કર્યો અને ખબર પડી કે આ સગીરા ખરેખર અમદાવાદની છે."
સગીરા અમદાવાદનાં હોવાનું જાણવા મળતાં જ સુનીલ લાડુકરે અમદાવાદ ચાઇલ્ડ વેલફેર કમિટીના વિજય પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો.

'જ્યારે પણ બોલાચાલી થાય ત્યારે ઘર છોડીને જતી રહેતી'

ઇમેજ સ્રોત, Getty Images
વિજય પ્રજાપતિ કહે છે, "પહેલી વખત તપાસ કરી ત્યારે અમદાવાદમાં આ સગીરા ગુમ થયાંની કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. જેથી અમે કાંઈ કરી શક્યા ન હતા, પરંતુ જ્યારે સુનીલભાઈએ કહ્યું કે તેમનું આધારકાર્ડ બનેલું છે અને તેમાં અમદાવાદનું સરનામું છે તો અમે તે મેળવીને ગોમતીપુર પોલીસને તપાસ માટે સોંપ્યું."
ગોમતીપુર પોલીસસ્ટેશનમાં ગુમ થયેલાં બાળકો માટે બનાવેલી ખાસ સ્ક્વૉડના ચાઇલ્ડ વેલફેર ઑફિસર રાજેન્દ્રસિંહે આ વિશે આગળની તપાસ કરી હતી.
તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "સગીરાનાં માતાપિતાએ તે ગુમ થઈ હોવાની કોઈ ફરિયાદ નોંધાવી ન હતી, મહારાષ્ટ્રથી જે સરનામું મોકલાવ્યું હતું, ત્યાં જઈને તપાસ કરી તો ઘરે કોઈ હતું નહીં."
"જોકે, હિંમત હાર્યા વગર સતત તપાસ કરી તો સગીરાનાં માતાપિતાનો સંપર્ક થયો."
માતાપિતાનો સંપર્ક થયા બાદ રાજેન્દ્રસિંહે તેમની પાસેથી સગીરાના ફોટો અને પુરાવા લઈને મહારાષ્ટ્ર મોકલ્યા. મહારાષ્ટ્રથી પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી કે તેઓ ખરા અર્થમાં સગીરાનાં માતાપિતા જ છે અને અંતે સગીરાને અમદાવાદ લાવવામાં આવ્યાં. જ્યાં સવા વર્ષ બાદ સમગ્ર પરિવાર એકઠો થયો.
સગીરાના પિતા હાલ કંઈ કહી શકે તેવી પરિસ્થિતિમાં નથી, પરંતુ બીબીસી ગુજરાતીએ તેમનાં માતા સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીની મદદથી વાત કરી હતી. સગીરાનાં માતાએ કહ્યું, "અમે પતિ-પત્ની મજૂરીકામ કરીએ છીએ. અમારી દીકરીને ભણવામાં રસ ન હતો એટલે તેણે ભણવાનું પણ છોડી દીધું હતું."
તેમણે આગળ કહ્યું, "જ્યારે પણ ઘરમાં બોલાચાલી થાય તો તે ગુસ્સે થઈને ઘર છોડીને જતી રહેતી હતી પણ દરેક વખતે એકાદ બે દિવસમાં પાછી આવી જતી હતી. અમને એમ હતું કે આ વખતે પણ આવી જશે એટલે અમે ફરિયાદ ન નોંધાવી. લાંબો સમય વીતી ગયા બાદ તપાસ કરવાનું પણ બંધ કરી દીધું. હવે એ મળી ગઈ છે, તેનો આનંદ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













