અમેરિકાની એવી નોકરીઓ જેને કરવા માટે ઉમેદવારો જ નથી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કેટ મોર્ગન
- પદ, બીબીસી વર્કલાઇફ
હાલનાં વર્ષોમાં જોવા મળ્યું છે કે દુનિયાના જુદા જુદા ભાગોમાં અઢળક લોકોએ પોતાની નોકરીઓ છોડી દીધી છે.
કેટલાક લોકોએ પોતાની કારકિર્દી બદલી નાખી તો કેટલાક લોકોએ નોકરી જ છોડી દીધી.
ઉદાહરણ તરીકે અમેરિકામાં બ્યૂરો ઑફ લૅબર સ્ટેટેસ્ટિક્સના ઑગસ્ટ 2022ના આંકડા જણાવે છે કે આ વર્ષમાં શ્રમદળનો ભાગીદારી દર એક ટકા હતો જે ફેબ્રુઆરી 2020ની સરખામણીએ નીચે હતો.
બીજા શબ્દોમાં કહીએ તો કેટલાંક ક્ષેત્ર અને કાર્યસ્થળો પર લોકો પોતાની નોકરીઓ છોડી રહ્યા છે, તેઓ પરત ફર્યા નથી. એ વાત આશ્ચર્યની નથી કે મહામારી દરમિયાન ઘણાં કાર્યસ્થળોની સ્થિતિ દયનીય થઈ ગઈ હતી.
કર્મચારીઓની અછત હોટલ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી રહી છે. તેમાં કંપનીઓ પાસે વાસણ ધોનારા માણસો નથી, ટ્રક ડ્રાઇવર, રિટેલ વર્કર, ભોજન પીરસનારા, ઍરપૉર્ટ એજન્ટ, ઘરમાં આરોગ્યનું ધ્યાન રાખનારા સહાયકો નથી.
આવું એટલે નથી કે લોકો કામ કરવા નથી માગતા. નિષ્ણાતો કહે છે કે તેઓ માત્ર સારી નોકરી ઇચ્છે છે. વધુ પગાર અને સારી સ્થિતિ ઇચ્છે છે.
મહામારીના કારણે માર્કેટમાં જે ઊલટફેર થઈ હતી તેના કારણે ઘણા લોકો પોતાની નોકરી બદલી શક્યા છે. અને હવે જે ક્ષેત્રમાં કર્મચારીઓ ઘટ્યા છે અને તેઓ તેમને પાછા ઇચ્છે છે, તો તેમણે એવો રસ્તો શોધવો પડશે કે જેનાથી કાર્યસ્થળો તેમને વધારે સારાં લાગે.

આ નોકરીઓ ખાલી કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ખાસ કરીને અમેરિકાની વાત કરીએ તો ડેટા દર્શાવે છે કે લાંબા સમય સુધી સર્વિસ વર્કર બનીને રહેવું અઘરું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદાહરણ તરીકે 2020માં અમેરિકામાં ફૂડ કાઉન્ટર પર કામ કરતાં કર્મચારીઓની સરેરાશ વાર્ષિક આવક 23,960 ડૉલર હતી. આ રકમ ચાર લોકોનો પરિવાર ધરાવતા ઘર માટે ગરીબી રેખાની ઉપર નથી.
અઠવાડિયાના કલાકોની ક્યારેક જ ગૅરંટી આપવામાં આવે છે અને તેનાથી તેમને એક સુરક્ષિત આવક મળવી અઘરી બની જાય છે અને તેમના માટે પોતાના બિલની ચૂકવણી કરવી કે ટ્રાન્સપૉર્ટેશન અને બાળકોનું ધ્યાન રાખવાનો ખર્ચ કાઢવો અઘરો બની જાય છે.
સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં લોકો નોકરી છોડી દે છે તેનો આંકડો ઘણો વધારે છે.
વર્ષ 2017માં રિટેલ વર્કર્સની સંખ્યા 53.8 ટકા હતી, ફૂડ સર્વિસ અને ઍકૉમૉડેશનના કર્મચારીઓની સંખ્યા 72.4 ટકા હતી જ્યારે મૅન્યુફૅક્ચરિંગમાં 30.6 ટકા લોકો જોડાયેલા હતા.

મહામારીનો માર

ઇમેજ સ્રોત, Getty Images
સર્વિસ વર્કર્સ માટે મહામારી પહેલાં પણ કપરો સમય હતો અને તેના બાદ વસ્તુઓ વધારે દયનીય બની ગઈ.
રિટેઇલરો માટે સપ્લાયમાં ખલેલ પહોંચી હતી અને તેના કારણે ગ્રાહકોની માગમાં પણ વધારો ઘટાડો થવા લાગ્યો હતો.
કેટલાક લોકોએ મર્યાદિત સમય કરતાં વધારે કામ કરવું પડતું હતું અને ઓવરટાઇમનો ભાર સતત વધી રહ્યો હતો. સ્કૂલો બંધ હતી અને પબ્લિક ટ્રાન્સપૉર્ટ ઠપ હતું, કેટલાક લોકો ચાઇલ્ડકૅરની સેવાઓ બંધ થતાં મુશ્કેલીમાં મુકાયા હતા.
કર્મચારીઓના શોષણ અને ગ્રાહકોના ખરાબ વર્તનની ફરિયાદો ખૂબ વધવા લાગી હતી અને તેની વચ્ચે કેટલીક કંપનીઓએ બોનસ આપ્યા. કેટલીક કંપનીઓએ પગાર વધાર્યો. કેટલાક કેસોમાં કામ ખૂબ ખતરનાક હોતું.
કેટલાક પ્રકારના વેપાર ઓનલાઇન થવા લાગ્યા. પરંતુ પેરિસની ઈડીએચઈસી બિઝનેસ સ્કૂલના હોટલ મૅનેજમૅન્ટના પ્રોફેસર સેર્ગા ડા મોટ્ટા વીગા કહે છે, "હોટલ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવી વ્યક્તિની વર્ચ્યુઅલી જગ્યા લેવી ખૂબ અઘરી હતી જે હોટલનું રિસેપ્શન સંભાળતું હોય."
તેનો મતલબ છે કે સર્વિસ કર્મચારીઓ ત્યારે ગ્રાહકો અને સહકર્મીઓ સાથે મળવા મજબૂર હતા જ્યારે બાકી બધા લોકો ઘરમાં બંધ હતા. તેમની સ્થિતિ કોરોના મહામારી દરમિયાન સૌથી દયનીય હતી.
કોરોના મહામારીના પહેલા વર્ષમાં અમેરિકામાં મૃત્યુ પામનારા લોકોમાંથી 68 ટકા મૃતકો મજૂર હતા, અથવા તો રિટેલ કે સર્વિસ સૅક્ટર સાથે જોડાયેલા હતા.

નોકરી છોડનારા લોકોની સંખ્યામાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં બે વર્ષમાં નોકરી છોડનારા લોકોની સંખ્યા આસમાને પહોંચી છે. 2021માં 64.6 ટકા રિટેલ વર્કરો, 86.3 ટકા હોટલ અને ફૂડ સર્વિસ વર્કરો અને મૅન્યુફૅક્ચરિંગની નોકરી સાથે સંકળાયેલા 40 ટકા લોકોએ નોકરી છોડી દીધી છે.
સુરક્ષા અને સામાન્ય પીડાઓ મુખ્ય પરિબળોનું કામ કરી રહી હતી પરંતુ આટલા લોકોના નોકરી છોડવા પાછળ માત્ર આ જ કરાણો ન હતાં.
લોકો ઇચ્છે છે કે તેમને નોકરીમાં સ્થિરતા મળે, પરંતુ ઓછા પગારની નોકરીમાં તે મળવું મુશ્કેલ છે. વર્ષ 2019ના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે લઘુતમ વેતનની નોકરીઓમાં અમેરિકાના રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણા કરતાં વધુ ટર્નઓવરનો દર છે.
ડા મોટ્ટા વીગા કહે છે, "આ નોકરીઓ અનિશ્ચિત છે. નોકરીની સુરક્ષા એ પહેલી વસ્તુ છે જે લોકો ઇચ્છે છે. આ એવી વસ્તુ છે કે જેને લોકો કામના કલાકો અથવા તો ગમે ત્યાંથી કામ કરવાની સગવડ કરતાં પણ પહેલાં જુએ છે."
સ્ટાફની અછતથી ઘણી કંપનીઓની હાલત દયનીય બની છે અને તે એ લોકોની દયા પર ચાલી રહી છે જેઓ કામ કરી રહ્યા છે.
લૅબર માર્કેટ કર્મચારીઓના પક્ષમાં કામ કરે છે એટલે એક કર્મચારી માટે એક નોકરી છોડીને બીજી શોધવી સહેલી છે.

લોકો પરત કેમ નથી આવતા?

ઇમેજ સ્રોત, Getty Images
2021માં અને આ વર્ષમાં રાજીનામાનો વરસાદ થયો છે જેનાથી ઘણી ઇન્ડસ્ટ્રીમાં નોકરીઓની જગ્યાઓ ખાલી પડી છે.
કેમડનની રુટગર્સ યુનિવર્સિટી સ્કૂલ ઑફ બિઝનેસના ઍસોસિયેટ પ્રોફેસર ડેવિડ ડ્વર્ટમેન કહે છે કે ઓછા પગારની નોકરીમાં ફરીથી કોઈ કર્મચારીની નિમણૂક કરવી અઘરી છે, અને તેનું કારણ એ જ હોય છે જે કારણોસર અન્ય લોકો નોકરી છોડીને ગયા હોય છે.
તેઓ પ્યૂ રિસર્ચના સર્વેનો હવાલો આપે છે જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેમનું નોકરી છોડવાનું કારણ શું હતું. તેના જવાબમાં સૌથી પહેલા નંબરે હતું ઓછો પગાર. બીજું મહત્ત્વનું કારણ હતું કે લોકો પાસે આગળ વધવાની તક ન હતી અને કાર્યસ્થળે તેમને સન્માન મળતું ન હતું.
ડ્વર્ટમેન કહે છે, "જો તમે બર્ગર બનાવવાનું કે તેના જેવું બીજું કામ કરો છો તો આગળ વધવું એટલું સહેલું નથી. બધા લોકો મૅનેજર બની શકતા નથી. ઘણા લોકો છે જેઓ વર્ષોથી આવી નોકરીઓમાં અટવાયેલા છે."
તેઓ ઉમેરે છે, "કર્મચારીઓને લાગે છે કે તેમનું સરખું વળતર પ્રાપ્ત થતું નથી અને તેમને નથી લાગતું કે તેમની સાથે સારી વર્તન થઈ રહ્યું છે."
માર્કેટમાં સારી તકો પણ છે, જે લોકોને લાગ્યું કે તેઓ ફસાયેલા છે અથવા તેમની સાથે દુર્વ્યવ્હાર થઈ રહ્યો છે તો તેમણે ભાગીને સોનેરી તક ઝડપી લીધી.
ડ્વર્ટમેન ઉમેરે છે કે વધુ એક કારણ છે નિવૃત્તિ. તેઓ કહે છે, "મને લાગે છે કે કોરોના મહામારી મોટું કારણ હતી જેના લીધે લોકોએ કહી દીધું કે બસ, હવે મારું કામ થઈ ગયું."
ડ્વર્ટમેનને લાગે છે કે નિવૃત્તિ બાદ વધુ એક પરિબળ છે જેના કારણે નોકરીઓ ખાલી છે અને તે છે ઇમિગ્રેશનમાં ઘટાડો. હાલનાં વર્ષોમાં લોકોનું સ્થળાંતર ઘટ્યું હતું જેના કારણે ઇન્ડસ્ટ્રીઓમાં જગ્યાઓ ખાલી પડી હતી જે સામાન્યપણે નવા લોકોને આપવામાં આવે છે.
તેઓ કહે છે, "થોડું મહામારીના કારણે, થોડું પૉલિસીમાં બદલાવને લીધે, અમેરિકામાં ઇમિગ્રેશન અડધું થઈ ગયું છે. સ્થળાંતર કરીને આવતા લોકો હતા જેઓ સામાન્યપણે ઓછી ક્ષમતાવાળી નોકરીઓ અથવા ઓછું ભણતર માગતી નોકરીઓ કરતા હતા."

કંપનીઓ હવે શું કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલના દિવસોમાં ફાસ્ટ-ફૂડ રેસ્ટોરાં, કરિયાણાના સ્ટોર અને સુપરમાર્કેટની બહાર નવી નોકરીઓના બોર્ડ લાગેલા જોવા મળે છે.
ઘણી કંપનીઓમાં નવા કર્મચારીઓને બોનસ પણ આપવામાં આવ્યું. 2021માં એમેઝોને જાહેરાત કરી હતી કે તે વેરહાઉસ અને ટ્રાન્સપૉર્ટેશનની નોકરીમાં એક હજાર ડૉલરનું બોનસ આપશે. હિલ્ટન હોટલે પણ તેના નવા રૂમ અટેન્ડેન્ટ અને બીજા સ્ટાફને 500 ડૉલર અને તેનાથી વધારે બોનસ આપવાની જાહેરાત કરી હતી.
તેમ છતાં ઘણી વખત પૈસા જ વધારે પ્રોત્સાહન આપતા નથી. કંપનીઓ એ મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં લેવા કંઈ કરતી નથી જે ખરેખર કામદારો ઇચ્છે છે. તે બાબતો છે ફ્લેક્સિબિલિટી અને વધુ સારી પરિસ્થિતિઓ.
ડા મોટ્ટા વીગા દલીલ આપે છે કે "માત્ર પૈસા પર ભાર આપવો એ લાંબા ગાળાની યોજનાનો ભાગ ન હોઈ શકે. લોકો તેમના સમય અને મહેનત પ્રમાણે પૈસા કમાવવા માગતા હોય છે. કંપનીઓએ પણ લોકોને પૂછવું જોઈએ કે તમે શું ઇચ્છો છો? તમારા માટે શું મહત્ત્વપૂર્ણ છે? સુરક્ષા એ તમારા માટે શું છે? ફ્લેક્સિબિલિટી તમારા માટે શું છે?"
નોકરીઓને વધારે આકર્ષક બનાવવા માટે તેમણે વધારે કલાત્મક થવાની જરૂર છે.

ઇમેજ સ્રોત, Getty Images
ડ્વર્ટમેન કહે છે કે એક ખાલી જગ્યાને ભરવા માટે કંપનીએ માત્ર લોકોને પૈસા આપીને ન બોલાવવા જોઈએ પરંતુ તેની સાથે થોડી ફ્લેક્સિબિલિટી, થોડી સુરક્ષા પણ આપવી જોઈએ અને સાથે વફાદારી જાળવી રાખવાના રસ્તા પણ શોધવા જોઈએ.
"મહામારી આવતાં પહેલી વસ્તુ લોકો કરે છે કે મોટી સંખ્યામાં કામદારોને છૂટા કરી દે છે."
"તેઓ વિચારી રહ્યા હશે કે જ્યારે તેને કંઈ નહીં મળે, ત્યારે બધા કર્મચારીઓ પાછા આવશે. પરંતુ ખરેખર કર્મચારીઓ એવું માને છે કે 'ખરાબ સમયમાં તમે મારી સાથે ન રહ્યા. હું તમારી પાસે ફરી નહીં આવું.'"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














