સુરતના જૅમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગને ટ્રમ્પના આકરા ટેરિફથી કેટલો મોટો આંચકો લાગશે, કારીગરોની રોજગારી પર કેટલું જોખમ?

બીબીસી ગુજરાતી ડાયમંડ સુરત જેમ્સ એન્ડ જ્વેલરી ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ નિકાસ હીરા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલસામાનની આયાત પર 25 ટકા ટેરિફ નાખીને સૌને આંચકો આપ્યો છે. આટલા ઊંચા ટેરિફના કારણે ભારતના નિકાસલક્ષી ઉદ્યોગોને મોટો ફટકો પડવાની શક્યતા છે.

ખાસ કરીને ભારતીય જૅમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આ એક મોટો ફટકો સાબિત થઈ શકે છે, જે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પહેલેથી સંકટનો સામનો કરે છે.

ભારતીય જૅમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે અમેરિકા એ સૌથી મોટું ઍક્સપોર્ટ માર્કેટ છે અને ભારતીય ઉત્પાદકો બીજા બજાર શોધે તો પણ અમેરિકાનું સ્થાન લઈ શકે તેમ નથી. જૅમ્સ ઍન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) મુજબ ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં અમેરિકાનો હિસ્સો 30 ટકા જેટલો છે.

પરંતુ હવે નેચરલ ડાયમંડ, લૅબગ્રોન ડાયમંડ તથા જ્વેલરી પર ભારે ટેરિફના કારણે આ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાઈ જશે એવું ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગના આગેવાનો માને છે.

બીબીસીએ આ વિશે જૅમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરીને સ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો.

ટેરિફ ઉપરાંત પેનલ્ટીનો બોજ

બીબીસી ગુજરાતી ડાયમંડ સુરત જેમ્સ એન્ડ જ્વેલરી ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ નિકાસ હીરા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Jayanti Savaliya

ઇમેજ કૅપ્શન, જીજેઈપીસીના જયંતિ સાવલિયાનું કહેવું છે કે યુએસમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ઘટશે

જૅમ્સ ઍન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) ના રિજનલ ચૅરમૅન જયંતિ સાવલિયાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "ટેરિફના કારણે જૅમ્સ ઍન્ડ જ્વેલરીની નિકાસમાં ઘટાડો ચોક્કસ આવશે. પરંતુ જે ગ્રાહકોને ડાયમંડ અને જ્વેલરી ખરીદવી જ છે તેઓ 25 ટકા ઊંચા ભાવે પણ ખરીદશે. આ ટેરિફના કારણે સૌથી વધુ અસર અમેરિકન કસ્ટમર્સને પડશે કારણ કે ભારત સિવાયના દેશો પર પણ ટ્રમ્પે ઊંચા ટેરિફ નાખ્યા છે."

સુરત સ્થિત ધાની જ્વેલ્સના મૅનેજિંગ ડાયરેક્ટર વિજય માંગુકિયા પણ આ વાત સાથે સહમત છે. તેમણે જણાવ્યું કે, "ભારતીય જૅમ્સ ઍન્ડ જ્વેલરીની નિકાસમાં સૌથી મોટો હિસ્સો અમેરિકાનો છે. ટેરિફમાં આટલો મોટો વધારો થયો તે દર્શાવે છે કે અમેરિકા પોતાને ત્યાં જ્વેલરીના ઉત્પાદનને પ્રમોટ કરવા માંગે છે."

તેમણે કહ્યું કે, "શરૂઆતમાં ડાયમંડ પર શૂન્ય ટકા અને જ્વેલરી પર છ ટકા ટેરિફ હતો. ત્યાર બાદ જ્વેલરી પર 16 ટકા અને ડાયમંડ પર 10 ટકા ટેરિફ નાખવામાં આવ્યો. અત્યારે બંનેમાં કુલ મળીને 31 ટકા કરતા વધુ ટેરિફ લાગુ કર્યો છે."

વિજય માંગુકિયાએ જણાવ્યું કે, "હાલમાં 25 ટકા ટેરિફની વાત કરવામાં આવી છે અને તેના પર લગભગ 6 ટકા પેનલ્ટી લાગશે. આવામાં અમેરિકામાં નિકાસ કરવી મુશ્કેલ બની જશે. અમેરિકા પોતાને ત્યાં જૅમ્સ ઍન્ડ જ્વેલરીનું ઉત્પાદન કરે તો આટલો જ ખર્ચ આવશે. ખર્ચ બચાવવા માટે જ તેઓ બહારથી આયાત કરતા હતા."

લૅબગ્રોન ડાયમંડને પણ અસર થશે

બીબીસી ગુજરાતી ડાયમંડ સુરત જેમ્સ એન્ડ જ્વેલરી ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ નિકાસ હીરા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, vijay mangukiya

ઇમેજ કૅપ્શન, જ્વેલરી કંપનીના એમડી વિજય માંગુકિયા કહે છે કે અમેરિકા ઘરઆંગણે જ્વેલરી ઉત્પાદનને પ્રમોટ કરવા માંગે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રમ્પના ઊંચા ટેરિફની અસર નેચરલ ડાયમંડની જેમ જ લૅબગ્રોન ડાયમંડની નિકાસ પર પણ પડશે.

નેચરલ ડાયમંડ ખાણોમાંથી નીકળતા હોવાથી તે બહુ મોંઘા પડે છે, જ્યારે લૅબગ્રોન ડાયમંડ કાર્બનમાંથી બનાવાય છે.

કેમિકલ વેપર ડિપોઝિશન મેથડથી બનતા હોવાના કારણે તેને સીવીડી ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સુરતમાં લૅબગ્રોન ડાયમંડ ઍસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ બીબીસીને જણાવ્યું કે "સરકાર આ સ્થિતિમાંથી રસ્તો નહીં કાઢી શકે તો બહુ મુશ્કેલી પડશે. જોકે, નેચરલ ડાયમંડને જે અસર થાય તેના કરતા લૅબગ્રોન ડાયમંડને ઓછી અસર પડશે કારણ કે તેનો ભાવ ઓછો હોય છે. નેચરલ ડાયમંડ પાંચ લાખ રૂપિયાનો હોય તો એટલા જ કૅરેટનો લૅબગ્રોન ડાયમંડ 10 હજાર રૂપિયામાં પડી શકે. તેથી 25 ટકા ટેરિફ હોય તો પણ ડૉલરમાં વેલ્યૂ ઓછી હોય."

છેલ્લાં કેટલાંક વર્ષોમાં લૅબગ્રોન ડાયમંડના કારણે નેચરલ ડાયમંડ ઉદ્યોગને અસર થઈ છે તે વાત સાથે બાબુભાઈ વાઘાણી સહમત નથી.

તેમણે કહ્યું કે, "નેચરલ અને લૅબગ્રોન ડાયમંડનો સમાંતર બિઝનેસ છે. જેમની ખરીદશક્તિ ઓછી હોય તેવા ગ્રાહકો દેખીતી રીતે જ અસલી ડાયમંડ જેવા જ દેખાતા લૅબગ્રોન હીરાને ખરીદશે."

GJEPCના રિજનલ ચૅરમૅન જયંતિ સાવલિયા પણ તેમની સાથે સહમત છે.

તેઓ કહે છે કે, "અસલી ડાયમંડ ખરીદી શકતા ન હોય તેવા લોકો માટે લૅબગ્રોન એક વિકલ્પ છે. પરંતુ બંનેના માર્કેટ અલગ છે. આજે પણ જેમને રિયલ ડાયમંડમાં રસ છે તેઓ લૅબગ્રોન ખરીદતા નથી."

બાબુભાઈ અગાઉ નેચરલ ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા હતા અને છેલ્લાં 12 વર્ષથી લૅબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરે છે.

તેમણે કહ્યું કે "બંને પ્રકારના ડાયમંડ માટે કારીગરોમાં એક સરખી સ્કિલની જરૂર પડે છે. ડાયમંડ કટિંગની મશીનરી પણ સરખી છે."

તેઓ કહે છે કે "લૅબગ્રોન ડાયમંડની શરૂઆત રશિયાએ કરી હતી, ત્યાર પછી ચીન અને છેલ્લે ભારતમાં લૅબગ્રોન ડાયમંડનું ઉત્પાદન શરૂ થયું. જોકે બધા દેશોમાં તેની પદ્ધતિ અલગઅલગ હોય છે."

ભારત પર આટલો ટેરિફ નાખ્યા પછી અમેરિકામાં લૅબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થવા લાગશે તેવા સવાલના જવાબમાં બાબુભાઈ કહે છે કે, "તે શક્ય નથી કારણ કે ભારતની તુલનામાં અમેરિકામાં લેબર કૉસ્ટ ઘણી વધુ આવશે."

ઉદ્યોગ માટે બીજા કયા વિકલ્પ છે

બીબીસી ગુજરાતી ડાયમંડ સુરત જેમ્સ એન્ડ જ્વેલરી ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ નિકાસ હીરા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Babubhai Vaghani

ઇમેજ કૅપ્શન, લૅબગ્રોન ડાયમંડ ઍસોસિયેશનના બાબુભાઈ વાઘાણી મુજબ સરકાર આ સ્થિતિમાંથી રસ્તો નહીં કાઢી શકે તો ઉદ્યોગને બહુ મુશ્કેલી પડશે

અમેરિકામાં ભારતીય જૅમ્સ ઍન્ડ જ્વેલરીની નિકાસ ઘટશે તો તેની સામે બીજા બજારોમાં તક શોધી શકાય એવું ઈન્ડસ્ટ્રી માને છે.

જીજેઈપીસીના જયંતિ સાવલિયા કહે છે કે તાજેતરમાં યુકે સાથે ભારતે ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. આ ઉપરાંત યુએઈ અને ઑસ્ટ્રેલિયા સાથે પણ કરાર થયેલા છે જ્યાં ભારતે તક શોધવી પડે.

દુનિયામાં જૅમ્સ ઍન્ડ જ્વેલરીની જે ડિમાન્ડ છે તેમાં ભારતનો હિસ્સો માત્ર છ ટકા છે. તેથી હજુ એક વિશાળ માર્કેટ છે જેને કબજે કરવાનું બાકી છે.

તેમના કહેવા પ્રમાણે સુરતમાં લગભગ 10 લાખ લોકો સીધી અથવા આડકતરી રીતે જૅમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

અમેરિકામાં જૅમ્સ ઍન્ડ જ્વેલરીની સૌથી વધારે આયાત ભારતમાંથી થાય છે. ત્યાર બાદ ચીન, ઇટલી, વિયેતનામ અને થાઇલૅન્ડ પણ નિકાસ કરે છે, પરંતુ ટકાવારીમાં તેઓ બહુ પાછળ છે.

તેઓ કહે છે કે ભારતની જેમ ચીન પર પણ 35 ટકા ટેરિફ નાખવામાં આવ્યો છે તેથી બીજા દેશો ફાવી જશે એવું નથી. ઉપરાંત જે દેશોમાં ટેરિફ નીચો છે ત્યાં ઉત્પાદન ઘણું મોંઘું પડે છે. તેથી અમેરિકાએ ભારત, ચીન અને વિયેતનામ પર જ વધારે આધાર રાખવો પડશે.

જ્વેલરી નિકાસકાર કંપનીના એમડી વિજય માંગુકિયાએ બીબીસીને જણાવ્યું કે "ટેરિફમાં ઘટાડો નહીં થાય તો આપણી ઇન્ડસ્ટ્રીને બહુ મોટી ખોટ જશે. મૅન્યુફેક્ચરિંગ ઘટશે, કારીગર વર્ગ માટે જોખમ સર્જાશે."

તેઓ કહે છે કે ભારત હવે યુકે અને દુબઈ-શારજાહ, ઑસ્ટ્રેલિયાના બજારમાં ડેવલપ કરી શકે, પરંતુ તે રાતોરાત નહીં થાય. તેમાં પાંચ-સાત વર્ષનો સમય લાગી શકે છે.

ટેરિફમાં રાહત મળવાની આશા

બીબીસી ગુજરાતી ડાયમંડ સુરત જેમ્સ એન્ડ જ્વેલરી ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ નિકાસ હીરા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એકલા સુરતમાં લગભગ આઠથી 10 લાખ લોકો હીરા અને ઝવેરાત ઉદ્યોગ સાથે સંકળાયેલા છે

જોકે, ડાયમંડ ઉદ્યોગના કેટલાક લોકોને આશા છે કે ટેરિફના મામલે યુએસ સાથે ડીલ થશે અને ટેરિફના દર ઘટશે.

અગ્રણી ડાયમંડ નિકાસકાર કંપની સંઘવી ઍક્સ્પૉર્ટ્સના ચૅરમૅન ચંદ્રકાંત સંઘવીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "આ ટેરિફમાં ઘટાડો અનિવાર્ય છે કારણ કે જૅમ્સ અને જ્વેલરીએ કિંમતી ચીજવસ્તુઓ છે, તેના પર આટલા ઊંચા ટેરિફ ચલાવી ન શકાય તેથી થોડા મહિનાઓમાં ટેરિફ ઘટશે એવી આશા છે."

તેઓ કહે છે કે "ઇન્ડસ્ટ્રીનું 50 ટકા કામ અમેરિકા સાથે જ છે. તેથી ટેરિફ નહીં ઘટે તો મોટી ઇમ્પેક્ટ પડશે. અમેરિકા સિવાયના બીજા બજારમાં જઈએ તો પણ ખરીદદારોની સંખ્યા ઘટવાથી નુકસાન જશે."

કારીગરો માટે અનિશ્ચિતતા વધી

બીબીસી ગુજરાતી ડાયમંડ સુરત જેમ્સ એન્ડ જ્વેલરી ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ નિકાસ હીરા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Bhavesh Tank

ઇમેજ કૅપ્શન, ડાયમંડ વર્કર યુનિયન(ગુજરાત)ના ઉપપ્રમુખ ભાવેશ ટાંકને લાગે છે કે ટેરિફનો દર ઊંચો રહેશે તો મોટી સંખ્યામાં રત્ન કલાકારો નોકરી ગુમાવશે

જૅમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જ્યારે પણ સંકટભરી સ્થિતિ સર્જાય ત્યારે તેનો ભોગ આ ઉદ્યોગના કારીગરો બનતા હોય છે એવું ડાયમંડ વર્કર યુનિયન(ગુજરાત)ના ઉપપ્રમુખ ભાવેશ ટાંક કહે છે.

બીબીસી સાથે વાત કરતા ટાંકે દાવો કર્યો હતો કે, "અમેરિકા દ્વારા ટેરિફમાં ઘટાડો કરવામાં નહીં આવે, તો સુરતમાં ચાર લાખથી વધારે રત્ન કલાકારો બેરોજગાર થવાની શક્યતા છે."

તેઓ કહે છે, "આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ડાયમંડની ડિમાન્ડ સાવ ઘટી ગઈ છે, લૅબગ્રોન હીરા જ વેચાય છે અને તેમાં કામ કરતા કારીગરોના પગાર અડધા કરી દેવામાં આવ્યા છે. લૅબગ્રોનનો ભાવ એટલો નીચો હોય છે કે તેની મજૂરી પરવડતી નથી."

ભાવેશ ટાંકે જણાવ્યું કે, "ડાયમંડ ઉદ્યોગમાં ઑટોમેશન આવવાથી મજૂરોની માંગ પહેલેથી ઘટી ગઈ હતી, તેવામાં હવે ટેરિફનો આંચકો લાગ્યો છે."

આર્થિક સંકડામણના કારણે એકલા સુરતમાં દોઢ વર્ષની અંદર 70થી વધુ કામદારોએ આત્મહત્યા કરી છે એવો દાવો પણ ટાંકે કર્યો હતો.

જૅમ્સ ઍન્ડ જ્વેલરીની નિકાસ

એપ્રિલ 2024માં ભારતમાંથી જૅમ્સ ઍન્ડ જ્વેલરીની નિકાસ 2.26 અબજ ડૉલર હતી જે એપ્રિલ 2025માં 10 ટકા વધીને 2.5 અબજ ડૉલર થઈ હતી.

પરંતુ ભારતમાંથી પૉલિશ્ડ ડાયમંડની નિકાસ ઘટીને બે દાયકાના તળિયે પહોંચી ગઈ છે.

ભારત ડાયમંડ માટે વિશ્વમાં સૌથી મોટું કટિંગ અને પૉલિશિંગ હબ છે.

દુનિયાના 90 ટકા ડાયમંડને ભારતમાં પ્રોસેસ કરવામાં આવે છે, પરંતુ રૉઇટર્સના અહેવાલ પ્રમાણે અમેરિકામાં નિકાસ ઘટી રહી છે. જીજેઈપીસીના નિવેદનને ટાંકીને રૉઇટર્સ જણાવે છે કે માર્ચના અંતમાં પૉલિશ્ડ ડાયમંડની નિકાસ વાર્ષિક ધોરણે 16.8 ટકા ઘટીને 13.3 અબજ ડોલર થઈ હતી.

જીજેઈપીસીએ જણાવ્યું હતું કે પૉલિશ્ડ ડાયમંડની ઘટતી ડિમાન્ડના કારણે ભારતીય પ્રોસેસરોએ રફ ડાયમંડની આયાત પણ 24 ટકા ઘટાડી દીધી હતી.

જીજેઈપીસી મુજબ નાણાકીય વર્ષ 2023-2024માં ભારતે વિશ્વભરમાં 32.85 અબજ ડૉલરના જૅમ્સ ઍન્ડ જ્વેલરીની નિકાસ કરી હતી. તેમાં એકલા અમેરિકામાં લગભગ 10 અબજ ડૉલરની નિકાસ થઈ હતી. કૅલેન્ડર વર્ષ 2024માં અમેરિકાની 89 અબજ ડૉલરની જ્વેલરી ઇમ્પોર્ટમાં ભારતનો હિસ્સો 13 ટકા હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન