ખેડૂતોને એક કૂતરા દીઠ 38 હજાર મળશે, આ દેશ લાખો કૂતરાંને 'મારી નાખશે?'

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૂતરા, ખેડૂત, માંસ માટે કૂતરા, કૂતરાના માંસ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Hyunjung Kim/BBC News

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયામાં હજુ પણ ખેડૂતો પાસે પાંચ લાખ કૂતરાં છે
    • લેેખક, ગેવિન બટલર અને હ્યૂનજંગ કિમ
    • પદ, બીબીસી ન્યૂઝ

જૂ યેઓંગ બોંગ માંસ માટે કૂતરાં પાળતા હતા. તેમનો આ કારોબાર ઠીકઠાક ચાલી રહ્યો હતો.

દક્ષિણ કોરિયામાં કૂતરાંનું માંસ ખાવાનું ચલણ રહ્યું છે અને ત્યાં ખેડૂતો ફાર્મમાં કૂતરાંને એવી જ રીતે રાખે છે જેવી રીતે અન્ય માંસ માટે પાળવામાં આવતાં પશુઓને રખાય છે.

પરંતુ ગત વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ કોરિયાએ ડૉગ મીટ પર પ્રતિબંધ લાદી દીધો. હવે જૂ જેવા ખેડૂતોને સમજાઈ નથી રહ્યું કે તેઓ ફાર્મ પર રાખવામાં આવેલા કૂતરાંનું શું કરે.

60 વર્ષીય જૂએ બીબીસીને જણાવ્યું કે તેઓ ગયા વર્ષથી જ કૂતરાંને વેચવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ ખરીદદાર નથી મળી રહ્યા. જાન્યુઆરી 2024માં દક્ષિણ કોરિયા સરકારે દેશભરમાં કૂતરાંના માંસના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો હતો.

સરકારે આદેશ આપ્યો હતો કે દેશમાં ફેબ્રુઆરી 2027 સુધી માંસ માટે કૂતરાં વેચનારી દુકાનો બંધ કરી દેવી, પરંતુ લોકોનું કહેવું છે કે પેઢીઓથી ચાલતા આવતા આ વેપારને તરત બંધ કરી દેવાની વાત સરળ નથી. આ સિવાય સરકારે માંસ માટે પાળેલા પાંચ લાખ કરતાં વધુ કૂતરાં માટે કોઈ નક્કર યોજના નથી બનાવી.

પ્રતિબંધના સમર્થક પશુ અધિકાર કાર્યકર્તા પણ આ વિશે ચિંતિત છે. ખેડૂતો પાસે લાખો કૂતરાં છે, પરંતુ તેને ખરીદનાર કોઈ નથી.

જૂ યેઓંગ કોરિયન ઍસોસિયેસન ઑફ એડિબલ ડૉગ્સના અધ્યક્ષ પણ છે. તેઓ કહે છે કે, "લોકો ખૂબ ચિંતિત છે. અમે દેવામાં ડૂબતા જઈ રહ્યા છીએ. ઘણા લોકો તો હવે કોઈ નવું કામ પણ શોધી નથી શકી રહ્યા. સ્થિતિ અત્યંત પરેશાન કરનારી છે."

કૂતરાં પાળતા ખેડૂતોને શેની ચિંતા છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૂતરા, ખેડૂત, માંસ માટે કૂતરા, કૂતરાના માંસ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, NEWS1

ઇમેજ કૅપ્શન, જૂ યેઓંગ બોંગ જેવા ખેડૂતો કહી રહ્યા છે કે પ્રતિબંધનાં ઘણાં નુકસાન પણ છે

એક અન્ય ખેડૂત ચૈન વૂ (બદલેલું નામ) પાસે હવે માત્ર 18 મહિનાનો સમય છે, જેમાં તેમણે પોતાના ફાર્મનાં 600 કૂતરાં માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવી પડશે. જો તેઓ આવું નહીં કરી શકે, તો તેમને બે વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ કહે છે કે, "મેં મારી મરણમૂડી આ જ ધંધામાં રોકી દીધી હતી, પરંતુ હવે તો લોકો કૂતરાંને લેવા પણ તૈયાર નથી."

તેઓ એ પશુ અધિકાર કાર્યકરો અને સરકારી અધિકારીઓ તરફ ઇશારો કરે છે, જેઓ આ પ્રતિબંધને લાગુ કરાવવા માટે અભિયાન ચલાવી રહ્યા હતા.

પરંતુ પ્રતિબંધ બાદ બચેલાં લાખો કૂતરાં અંગે અત્યાર સુધી સરકાર કે કાર્યકરો તરફથી કોઈ નક્કર યોજના સામે નથી આવી.

ચેન વૂ કહે છે કે, "તેમણે આ કાયદો કોઈ પણ જાતની સ્પષ્ટ યોજના વગર પાસ કરી દીધો છે. અને હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ કૂતરાંને પોતાની પાસે નહીં રાખી શકે."

હ્યુમન વર્લ્ડ ફૉર એનિમલ કોરિયાના કૅમ્પેન મૅનેજર લી સંગક્યૂંગ પણ આવી ચિંતા વ્યક્ત કરે છે.

તેઓ કહે છે કે, "કૂતરાંના માંસ પર પ્રતિબંધ તો લાગુ થઈ ગયો છે, પરંતુ સરકાર અને સામાજિક સંગઠન અત્યાર સુધી એ નક્કી નથી કરી શક્યા કે આ વેચાયેલાં કૂતરાંને કેવી રીતે બચાવવામાં આવે. ચર્ચાનો વધુ એક મહત્ત્વનો મુદ્દો એ જ છે કે જે પાછળ છૂટી ગયા છે, તેમનું શું થશે."

દક્ષિણ કોરિયાના કૃષિ, ખાદ્ય અને ગ્રામીણ મામલાના મંત્રાલયના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે જો ખેડૂતો પોતાનાં કૂતરાં છોડી દે, તો સ્થાનિક તંત્ર તેમને પોતાના સંરક્ષણમાં લઈને શેલ્ટરોમાં રાખશે.

પરંતુ પ્રાણીઓ માટે બનાવાયેલા શેલ્ટર પણ પહેલાંથી જ ભરેલા છે. હવે જે કૂતરાંને બચાવવા માટે માંસ પર પ્રતિબંધ લગાવાયો હતો, તેમના માટે જ સંકટ ખડું થઈ ગયું છે.

ચૈન વૂ કહે છે કે, "મને લાગ્યું હતું કે તેમણે કૂતરાંની જવાબદારી ઉઠાવવા માટે કોઈ યોજના પણ ઘડી હશે, પરંતુ હવે તો હું સાંભળી રહ્યો છું કે પશુ અધિકાર સમૂહ જાતે કહી રહ્યા છે કે આ કૂતરાંને મારી નાખવા એ જ એકમાત્ર વિકલ્પ છે."

દક્ષિણ કોરિયામાં ખેડૂતો કૂતરાંનું શું કરે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૂતરા, ખેડૂત, માંસ માટે કૂતરા, કૂતરાના માંસ પર પ્રતિબંધ
ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયાની સરકારે દેશભરમાં ખાવા માટે કૂતરાનું માંસ વેચવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાદી દીધો છે

કોરિયન એનિમલ વેલફેર ઍસોસિયેશનનાં પ્રમુખ ચો હી-ક્યોંગે સપ્ટેમ્બર 2024માં સ્વીકાર્યું કે વધુમાં વધુ પ્રાણીઓને બચાવવાની કોશિશ કરાઈ રહી છે, પરંતુ તેમ છતાં કેટલાંક કૂતરાં તો પાછળ છૂટી જ જશે.

તેમણે કહ્યું, "જો આ બાકી બચેલાં કૂતરાં 'ખુલ્લાં અને રખડતાં પ્રાણી' બની જાય, તો આ વાત અત્યંત દુ:ખદ હશે. તેથી તેમને મારી નાખવા પડી શકે છે."

જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે આ વિકલ્પ પર કામ નથી કરી રહી.

સિયોલ નૅશનલ યુનિવર્સિટીના વેટરનરી મેડિકલ ઍજ્યુકેશન કાર્યાલયનાં ડાયરેક્ટર ચુન મ્યુંગ-સનનું માનવું છે કે બાકી રહેલાં કૂતરાં માટે સરકારની યોજના હાલ અધૂરી છે.

તેઓ કહે છે કે, "આપણે આ વિશે સ્પષ્ટ અને નક્કર વાતચીત કરવી પડશે કે આ કૂતરાંની સંભાળ કેવી રીતે લેવાશે. તેમને પરિવારોને સોંપવાના અને મારવાના - બંને વિકલ્પો પર ખૂલીને વાત થવી જોઈએ, પરંતુ જો આપણે તેમને મારી નાખવાનો વિકલ્પ પસંદ કરીએ તો એ વાત ખૂબ દુ:ખદ હશે."

આજીવિકાનું સંકટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૂતરા, ખેડૂત, માંસ માટે કૂતરા, કૂતરાના માંસ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Hyunjung Kim/BBC News

ઇમેજ કૅપ્શન, કૂતરાને દત્તક લેવા માટે પણ કોઈ આગળ નથી આવી રહ્યું

કેટલાક લોકોએ આ સંકટનું સમાધાન દેશની બહાર શોધ્યું. તેમણે પોતાનાં કૂતરાંને એ દેશોમાં મોકલ્યાં, જ્યાં તેમને અપનાવનારા લોકો સરળતાથી મળી શકે છે - જેમ કે, કૅનેડા, બ્રિટન અને અમેરિકા.

2023માં હ્યુમન વર્લ્ડ ફૉર એનિમલ્સ કોરિયાની એક ટીમે આસન શહેરના એક ફાર્મથી લગભગ 200 કૂતરાંને બચાવ્યાં અને તેમને કૅનેડા અને અમેરિકા મોકલી દીધાં.

એ ફાર્મના માલિક 74 વર્ષીય યાંગ જોંગ-ટેએ બીબીસીને જણાવ્યું, "મેં જોયું કે એ લોકો આ પ્રાણીઓને કેટલા પ્રેમથી સાચવી રહ્યા છે. અમે આ કૂતરાં સાથે આ પ્રકારનો વ્યવહાર નથી કરતા. અમારા માટે તે માત્ર આજીવિકાનું એક સાધન હતાં, પરંતુ આ લોકોએ તેમને ઇજ્જત સાથે જોયા, જે વાત મારા દિલને સ્પર્શી ગઈ."

જોકે, યાંગે એવું પણ કહ્યું કે તેઓ કૂતરાંના માંસ પર લાગેલા પ્રતિબંધ સાથે સંમત નથી.

તેમણે કહ્યું, "જો કૂતરાંનું માંસ તેમના પ્રાણી હોવા માત્રની વાતને લીધે બૅન કરાયું હોય તો, પછી ગાય, ભૂંડ અને મરઘાને ખાવાં એ કેટલું વાજબી છે? એ પણ પ્રાણી જ છે."

પરંતુ ચૂનનું માનવું છે કે કૂતરાંનું માંસ અન્ય માંસ જેવું નથી.

તેમનું કહેવું છે કે કૂતરાંના માંસમાં સાફસફાઈ, બીમારી અને ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ વધુ ખતરો હોય છે.

હ્યુમન વર્લ્ડ ફૉર એનિમલ્સ પ્રમાણે, કૂતરાંનું માંસ હજુ પણ ચીન, ઇન્ડોનેશિયા, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર, ભારતના ઉત્તરપૂર્વ ભાગો અને આફ્રિકાના કેટલાક દેશોમાં ખવાય છે.

ચૂન કહે છે કે, "સમાજ અને સંસ્કૃતિની આગેકૂચ સાથે દક્ષિણ કોરિયાએ નક્કી કરી લીધું છે કે હવે અમે કૂતરાંનું માંસ નહીં ખાઈએ."

ડૉગ મીટ કારોબાર સાથે જોડાયેલી વ્યક્તિએ બીબીસને એવું જ કહ્યું કે હવે તેમની સાથે આજીવિકાનું સંકટ પેદા થઈ ગયું છે. કેટલાક લોકોને આશંકા છે કે આ કારોબાર હવે છૂપી રીતે ચલાવાશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૂતરા, ખેડૂત, માંસ માટે કૂતરા, કૂતરાના માંસ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Hyunjung Kim/BBC News

ઇમેજ કૅપ્શન, ખેડૂત સરકારને કોઈ નક્કર યોજના લાવવાની વિનંતી કરી રહ્યા છે

ચૈન-વૂ યાદ કરે છે કે જ્યારે તેમણે 23 વર્ષની ઉંમરે આ કામની શરૂઆત કરી હતી, ત્યારે કૂતરાંના માંસ અંગે આટલા નકારાત્મક વિચાર નહોતા.

તેમનું કહેવું છે કે પ્રતિબંધની જાહેરાત આશા હતી એના કરતાં વહેલી કરી દેવાઈ.

ચૈન-વૂ કહે છે કે, "હવે જીવનમાં અનિશ્ચિતતા છે. અમે માત્ર એ જ આશા કરી રહ્યા છીએ કે કૂતરાંથી છુટકારો મેળવવાની જે સમયમર્યાદા છે, તેને વધારી દેવાય."

અન્ય ઘણા લોકો પણ આ જ આશા સેવી રહ્યા છે, પરંતુ જૂને બીક છે કે જે લોકોએ પોતાની આખી જિંદગી આ કારોબારમાં લગાવી દીધી, તેઓ કદાચ આ બદલાવને વેઠી નહીં શકે.

તાજેતરમાં દક્ષિણ કોરિયાના ખેતી, ખાદ્યાન્ન અને ગ્રામીણ મામલાના મંત્રાલયે બીબીસીને કહ્યું હતું કે તેઓ ખાનગી ફેસિલિટીઝને ટેકા માટે અને એનિમલ શેલ્ટરનો વ્યાપ વધારવા માટે દર વર્ષે છ બિલિયન કોરિયન વોન એટલે કે 4.3 મિલિયન અમેરિકન ડૉલરનું રોકાણ કરી રહ્યું છે. આ સિવાય તેઓ પોતાના ધંધો જલદી સમેટી લેનાર કૂતરાંના ખેડૂતોને કૂતરાં દીઠ 450 અમેરિકન ડૉલર (લગભગ 38,468 ભારતીય રૂપિયા) સુધીની રકમ આપશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન