અમેરિકાએ હવે વિઝાના નિયમો કડક કર્યા, વિદ્યાર્થીઓએ કેવી માહિતી આપવી પડશે?

અમેરિકાએ વીઝાની અરજી કરનારાઓ પાસે એમના સોશિયલ મીડિયાની જાણકારી માગી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાએ વીઝાની અરજી કરનારાઓ પાસે એમના સોશિયલ મીડિયાની જાણકારી માગી છે.

અમેરિકાના દૂતાવાસે વિઝાના નિયમોને લઈને નવા દિશા નિર્દેશો જાહેર કર્યા છે, તે મુજબ વિઝા માટે અરજી કરનારને ફરજિયાત પણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની માહિતી આપવી પડશે.

ભારતમાં અમેરિકાના દૂતાવાસે અરજદારોને તેમના છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ઉપયોગ કરાયેલ દરેક સોશિયલ મીડિયાના યુઝરનેમ અને હૅન્ડલની માહિતી આપવાનું કહ્યું છે.

તેમને ચેતવણી આપવામાં આવી છે કે જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તેમના વિઝાની અરજી રદ પણ થઈ શકે છે.

આ વાત પર ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેઓ ભારતીય નાગરિકોના હિતોની રક્ષા માટે અમેરિકા જોડે સતત સંપર્કમાં છે.

સરકારનું કહેવું છે કે વિઝાની અરજીઓ પર નિર્ણય તેમની યોગ્યતાઓના આધારે જ થવો જોઈએ.

ભારતમાં આવેલા અમેરિકાના દૂતાવાસે ગુરુવારે વિઝા અરજદારોને કહ્યું કે તેઓ છેલ્લાં પાંચ વર્ષમાં તેમના દ્વારા ઉપયોગ કરાયેલ બધા જ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મના યુઝરનેમ અને હૅન્ડલ વિઝાની તપાસ માટે રજૂ કરે.

વધુમાં, દૂતાવાસે કહ્યું કે જો આ નિર્દેશને અવગણવામાં આવશે તો, ફક્ત હાલમાં કરાયેલી અરજી જ નહીં પરંતુ ભવિષ્યમાં વિઝા મળવા પર પણ મનાઈ ફરમાવી શકાશે.

ભારતમાં આવેલા યુએસના દૂતાવાસે શું કહ્યું ?

ભારત, યુએસ દૂતાવાસ, વિઝા, નિયમો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, @USAndIndia

ઇમેજ કૅપ્શન, ભારતમાં યુએસ દૂતાવાસે નવા વિઝા નિયમોની માહિતી આપી

ભારતમાં આવેલા યુએસના દૂતાવાસે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ(x) પર લખ્યું કે વિઝા માટે આવેદન કરનારને ડીએસ-160 વિઝાની અરજીના ફૉર્મમાં પાછલા પાંચ વર્ષમાં ઉપયોગમાં લેવાયેલા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનાં યુઝરનેમ અથવા હૅન્ડલ લખવાં પડશે. અને તેમણે તેમના દ્વારા આપેલી માહિતી સાચી હોવાની ખાતરી પણ કરવી પડશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાનું આ પગલું ટ્રમ્પ પ્રશાસનની વિઝા પ્રક્રિયાને વિશ્વનીય અને સુરક્ષાને મજબૂત કરવા માટેની નીતિ મુજબ લેવામાં આવ્યું છે.

આ પહેલાં સોમવારે અમેરિકાના વિદેશ વિભાગે જ્યારે સ્ટુડન્ટ વિઝા આવેદન પ્રક્રિયા ફરીથી શરૂ કરી, ત્યારે દૂતાવાસે બધા જ અરજદારોને પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલને સાર્વજનિક કરવાનું કહ્યું કારણ કે તેમની પૃષ્ઠભૂમિની તપાસ થઈ શકે.

દૂતાવાસે ઍક્સ પર લખ્યું કે, "એફ,એમ અને જે કેટેગરીના વિઝા માટે અરજી કરનારને સોશિયલ મીડિયા ઍકાઉન્ટની પ્રાયવસી સેટિંગ્સને પબ્લિક કરવી પડશે, જેથી તેમની ઓળખ અને અમેરિકામાં પ્રવેશ માટેની પાત્રતા સાથે જોડાયેલી તપાસ થઈ શકે."

ગયા મહિનામાં ટ્રમ્પ પ્રશાસને દુનિયાભરના અમેરિકાના વાણિજ્ય દૂતાવાસને નિર્દેશ કર્યા હતા કે નવા સ્ટુડન્ટ વિઝિટર વિઝા માટેના ઇન્ટર્વ્યૂ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે.

અમેરિકાના અધિકારીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, બાઇડન પ્રશાસન દરમિયાન તપાસની પ્રક્રિયા ઢીલી થઈ ગઈ હતી અને અત્યારની પ્રક્રિયામાં ગેરરીતિની આશંકાઓ પણ બનેલી છે.

હવે અમેરિકા આવવાની ઇચ્છા ધરાવતા અરાજદારોના સોશિયલ મીડિયા ઍકાઉન્ટની ગંભીર રીતે તપાસ કરવામાં આવશે.

અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ હવે ઑનલાઇન ગીતિવિધિઓની સમીક્ષા કરશે જેથી કોઈ પણ કન્ટેન્ટની ઓળખ થઈ શકે જે અમેરિકાના નાગરિકો, મૂલ્યો, સંસ્થાઓ, સંસ્કૃતિઓ અથવા દેશની સ્થાપનાના સિદ્ધાંતો વિરુદ્ધ હોય.

સોશિયલ મીડિયા વૅટિંગ શું છે ?

ટ્રમ્પ, રાષ્ટ્રપતિ, અમેરિકા, ઇમીગ્રેશન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા બાદ, અમેરિકામાં ઇમિગ્રેશન કાયદા કડક કરવામાં આવ્યા છે.

સોશિયલ મેડિયા વૅટિંગ એટલે વિઝા માટે અરજી કરનારની ઑનલાઇન ગતિવિધિઓની ગહન સમીક્ષા કરવી, જેથી તે નક્કી કરી શકાય કે તે અમેરિકામાં પ્રવેશ માટે યોગ્ય છે કે નહીં.

સોશિયલ મીડિયામાં ફેસબૂક, ઍક્સ,લિન્કડ્ ઇન, અને ટિકટૉક જેવાં પ્લૅટફૉર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પગલાંને ટ્રમ્પના વહીવટીતંત્રની એ નીતિનો ભાગ માનવામાં આવે છે કે જે આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ પર નજર અને નિયંત્રણ રાખવા માટે કડક કરાઈ રહી છે.

ખાસ કરીને અમેરિકાની યુનિવર્સિટીમાં પેલેસ્ટાઇન સમર્થન પ્રદર્શનોમાં વધારો થયા બાદ ટ્રમ્પની સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.

વિઝાના પ્રકારો કેટલા હોય છે?

એફ, એમ, જે, વિઝા, બીબીસી, ગુજરાતી

એફ' વિઝા ખાસ કરીને યુનિવર્સિટીઓ, કૉલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાનોમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ માટે હોય છે.

'એમ' વિઝા ટેકનિકલ અથવા વ્યવસાયિક શાળાઓમાં ભણનાર ગેર-શૈક્ષણિક વિધાર્થીઓ માટે હોય છે.

અને 'જે' વિઝા કોઈ માન્યતા પામેલી સાંસ્કૃતિક અથવા શૈક્ષણિક સંસ્થાઓના ઍક્સ્ચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેનાર મહેમાનો માટે હોય છે.

સોશિયલ મીડિયામાં લોકો શું કહી રહ્યા છે?

 સોશિયલ મીડિયા, અમેરિકા, વીઝા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા પર અમેરિકી વીઝાના નવા નિયમો અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે

સોશિયલ મેડિયામાં આ નિર્ણયને લઈને ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે.

રાજનૈતિક વિજ્ઞાની અને લેખક ઇયાન બ્રેમરે લખ્યું કે, "હવે અમેરિકામાં વિઝા(એફ,એમ અને જે કૅટેગરી) માટે અરજીઓ કરનાર વિદ્યાર્થીઓને પોતાના બધા જ સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પ્રોફાઇલ 'પબ્લિક' કરવા ફરજ પાડી છે."

અમેરિકાના અધિકારિઓનું કહેવું છે કે આ તપાસની પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ છે. જેનો ઉદ્દેશ્ય એવા અરજદારોની ઓળખ કરવાનો છે જે 'અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં સંકટ પેદા કરી શકે છે.'

એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું છે કે, "અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓને મંજૂરી આપવા માટે હવે તેમના સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરવામાં આવશે. ટૂંક સમયમાં પર્યટકોને પણ આ નિયમ લાગુ પડશે તેવું માનવામાં આવી રહ્યું છે. એટલે લાગે છે કે હવે અમેરીકાની યાત્રા નહીં કરી શકું.

અન્ય એક યુઝરે લખ્યું છે કે, " ભલે અમેરિકાના વિઝાની અરજીની વાત હોય કે ગ્લોબલ અવસરની તમારું સોશિયલ મીડિયા હવે તમારું ડિજિટલ સીવી બની ગયું છે. ફક્ત એક જ સર્ચમાં તમે જે પણ ઑનલાઇન પોસ્ટ કરો છો તે તમારી ઓળખનો એક ભાગ બની જાય છે. એટલે તમારી પ્રોફાઇલને તેવી બનાવો જે તમારા ભવિષ્યમાં અડચણરૂપ ન થાય."

અન્ય એક પ્રતિક્રિયામાં સવાલ ઉઠાવવામાં આવ્યો કે, "અમેરિકાના વિઝાની પ્રક્રિયામાં થતી સોશિયલ મીડિયા ઍકાઉન્ટની તપાસ ખરેખર શું સુરક્ષાના કારણોસર થઈ રહી છે કે આ ડેટા માઇનિંગનું એક માધ્યમ છે?"

શું આખી સિસ્ટમ હવે ફક્ત ડેટા એકત્ર કરવાની અને નજર રાખવાની રમત બની ને બેસી ગયું છે ?

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન