ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સ્ટુડન્ટ વિઝાની એપૉઇન્ટમેન્ટ અટકાવી, ગુજરાતી વિદ્યાર્થીઓને કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી વિદ્યાર્થીઓ પ્રત્યે આકરું વલણ અપનાવી રહ્યા છે અને અમેરિકા ભણવા જવાનું મુશ્કેલ બને તેવાં પગલાં સતત જાહેર કરતા જાય છે.
નવા ફેરફારોમાં ટ્રમ્પ વહીવટીતંત્રે હવે સ્ટુડન્ટ વિઝા માટે નવી એપૉઇન્ટમેન્ટ પર રોક લગાવી છે. એટલું નહીં, વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ ચેક કરવાની પણ યોજના બનાવી છે.
ટ્રમ્પ સરકારે દુનિયાભરમાં પોતાના દૂતાવાસોને સ્ટુડન્ટ વિઝાની એપૉઇન્ટમેન્ટ આપવાનું બંધ કરવા આદેશ આપ્યો છે. તેના કારણે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓની ચિંતા વધી શકે છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એક નિવેદનમાં કહ્યું કે, "આગામી દિશાનિર્દેશ ન મળે ત્યાં સુધી આ રોક ચાલુ રહેશે." આ ઉપરાંત સોશિયલ મીડિયા ઍકાઉન્ટના ચેકિંગની પણ તેમણે વાત કરી છે.
ટ્રમ્પ સરકારના નવા નિર્ણયમાં શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પ સરકારે વિદેશમાં પોતાના તમામ દૂતાવાસોને જણાવ્યું છે કે સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાની તમામ નવી અરજીઓ માટે શિડ્યુલિંગ અટકાવી દેવામાં આવે. તેનું કારણ છે કે સરકાર વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા ઍકાઉન્ટને ચેક કરશે અને તેના આધારે વિઝા આપવા કે નહીં તે નક્કી કરશે.
જે લોકોની એપૉઇન્ટમેન્ટ પહેલેથી નક્કી છે, તેમના માટે કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
અમેરિકાએ આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે દેશની સૌથી શ્રેષ્ઠ કૉલેજ સાથે ટ્રમ્પનો વિવાદ ચાલી રહ્યો છે.
ટ્રમ્પ માને છે કે આ કૉલેજો 'ડાબેરી' છે. તેમનું કહેવું છે કે કેટલીક કૉલેજો યહૂદી વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપી રહી છે અને ત્યાં ભેદભાવપૂર્ણ પ્રવેશનીતિઓ લાગુ કરવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું આ નિવેદન બીબીસીના અમેરિકન પાર્ટનર સીબીએસ ન્યૂઝે જોયું છે.
તેમના સંદેશમાં, રુબિયોએ દૂતાવાસોને જણાવ્યું છે કે 'તમામ વિદ્યાર્થી વિઝા અરજીઓ પર લાગુ જરૂરી સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ અને તપાસને વિસ્તૃત કરવા માટેની' તૈયારીઓ ચાલી રહી છે.
જોકે, આ સંદેશમાં એ નથી કહેવામાં આવ્યું કે તપાસમાં શું સામેલ હશે.
અહીં ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અભ્યાસ કરવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓએ તેમના દેશમાં જ અમેરિકી દૂતાવાસોમાં ઇન્ટરવ્યૂ આપવાનો હોય છે.
ટ્રમ્પ સરકારનો ઇમિગ્રેશન પ્રોગ્રામ પહેલેથી ચર્ચામાં છે જેમાં ડિપોર્ટેશન વધારવા અને સ્ટુડન્ટ વિઝા રદ કરવા સહિતનાં પગલાંનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટુડન્ટ વિઝાના નિષ્ણાતો શું કહે છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકા એ ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યોમાંથી જતા વિદ્યાર્થીઓ માટે મનપસંદ દેશ છે. ટ્રમ્પ સરકારના પગલાથી રાજ્ય સહિતના અન્ય વિદ્યાર્થીઓને કેવી અસર થશે તે જાણવા બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરી હતી.
ગુજરાતના સ્ટુડન્ટ વિઝા નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ સરકારની નીતિથી જેન્યુઇન વિદ્યાર્થીઓને વાંધો નહીં આવે, પરંતુ સોશિયલ મીડિયા પર કંઈ પણ લખવામાં સ્ટુડન્ટ્સે સાવચેતી રાખવી જોઈએ.
અમેરિકન વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકર કહે છે કે, "અમેરિકન દૂતાવાસ પાસે ઇન્ટરવ્યૂ લેવાનો પણ બહુ ઓછો સમય હોય છે અને વિઝા અરજીઓનો ભારે બૅકલૉગ હોય છે ત્યારે તેઓ સોશિયલ મીડિયા ઍકાઉન્ટ ચેક કરવાનું કામ કેવી રીતે કરશે તે સવાલ છે."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "સરેરાશ વિઝા ઇન્ટરવ્યૂ માંડ બે મિનિટ ચાલે છે. હવે સોશિયલ મીડિયા ચેક કરવા જાવ તો આખી પ્રોસેસ ધીમી પડવાની શક્યતા છે. નવા નિયમોથી એપૉઇન્ટમેન્ટની તારીખ મળવામાં વિલંબ થઈ શકે છે."
"અમેરિકાના આ પગલાથી ગૂંચવણ પેદા થઈ શકે. ભારતમાં અમેરિકન દૂતાવાસ પાસે એટલો વર્કફોર્સ જ નથી કે બધું કામ સમયસર થઈ શકે. આગામી દિવસોમાં વિઝા પ્રક્રિયા કેવી રીતે થાય છે તે જોવાનું રહેશે."
વિઝા કન્સલ્ટન્ટ ભાવન ઠાકર કહે છે કે, "હાલમાં સ્ટુડન્ટ વિઝા માટે ડેટની બહુ મોટી તકલીફ નથી. એપૉઇન્ટમેન્ટ ડેટ એકથી દોઢ મહિનામાં મળી જાય છે. પણ હવે શું થાય છે તે જોવું પડશે."
બીજી તરફ ગાંધીનગરસ્થિત સ્ટોર્મ એજ્યુગો ખાતે યુએસ વિઝા કન્સલ્ટન્ટ મમતા ઠક્કરે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "અમે તમામ વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ કે સોશિયલ મીડિયા પર જે ચાલતું હોય તેના પર ભરોસો પણ ન કરવો અને સોશિયલ મીડિયા પર રાજકીય પોસ્ટ કરવાનું પણ ટાળવું."
"કોઈ પણ માહિતીની ખરાઈ કર્યા વગર કંઈ લખવું નહીં અને અંગત અભિપ્રાયો ન આપવા."
તેમણે કહ્યું કે હાલમાં અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે અમેરિકાના વિઝા મંજૂર થવાનો રેશિયો સુધર્યો છે.
સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂ માટે કઈ વાતો ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images
યુએસ વિઝા કન્સલ્ટન્ટ મમતા ઠક્કર કહે છે કે, "વિદ્યાર્થી જ્યારે વિઝા ઇન્ટરવ્યૂ માટે જાય ત્યારે યુનિવર્સિટી તો પહેલેથી નક્કી જ હોય છે. તેથી સ્ટુટન્ડે આત્મવિશ્વાસથી જવાબ આપવાનો હોય છે. તમારો જવાબ ભલે ટૂંકો હોય પરંતુ તે લૉજિકલ હોવો જોઈએ. તમારો હેતુ ભણવાનો જ છે, ત્યાં કામ કરવાનો નથી તે દેખાવું જોઈએ."
"આ ઉપરાંત તમે નાણાકીય રીતે સક્ષમ હોવ તે જરૂરી છે. તેનો અર્થ એવો નથી કે મોટી પ્રૉપર્ટી હોવી જોઈએ. પરંતુ 45થી 50 લાખનું બૅલેન્સ હોય લિક્વિડ ફંડ હોય વિઝા ઑફિસરને ખાતરી થાય કે તમે બેથી ચાર વર્ષ સુધી ભણી શકશો તે જરૂરી છે."
તેઓ કહે છે કે, "અમેરિકાના સ્ટુડન્ટ વિઝામાં યુનિવર્સિટીની પસંદગી એ સૌથી મહત્ત્વની વાત છે. યુએસ વિઝા ન મળવા માટે કોઈ ચોક્કસ કોર્સ જવાબદાર નથી હોતા. IELTSમાં 5.5નો સ્કોર બોય તો પણ વિઝા મળી જતા હોય છે."
તેઓ કહે છે, "તાજેતરમાં અભ્યાસ કર્યો હોય, માસ્ટર્સ ડિગ્રી માટે અમેરિકા જવું હોય, સારો જીઆરઈ (ગ્રેજ્યુએટ રેકૉર્ડ એક્ઝામિનેશન) સ્કોર હોય કે સ્કૉલરશિપ મળી હોય તો વિઝા મળી જ જાય છે."
કેવી સ્થિતિમાં વિઝા મેળવવા મુશ્કેલ બની જાય?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં હાયર ઍજ્યુકેશન માટે વિદ્યાર્થી અરજી કરે ત્યારે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે.
સ્ટોર્મ એજ્યુગો ખાતે વિઝા કન્સલ્ટન્ટ મમતા ઠક્કરે બીબીસીને જણાવ્યું કે, "સ્ટુડન્ટના અભ્યાસમાં બહુ મોટો ગૅપ હોય તો વિઝા રિજેક્ટ થવાની શક્યતા વધી જાય છે. કોઈએ 2020માં ધોરણ 12 પાસ કર્યું હોય અને હવે બેચલર્સ માટે એડમિશન લેવા જાય તો સ્પષ્ટ દેખાઈ આવે કે તેનો ઇરાદો અભ્યાસ સિવાયનો છે."
"પરંતુ બે-ત્રણ વર્ષનો ગૅપ હોય, જેન્યુઇન કારણ હોય અને આ દરમિયાન સારો અનુભવ મેળવ્યો હોય તો વાંધો નથી આવતો."
મમતા ઠક્કરના કહેવા પ્રમાણે હાલમાં અમેરિકામાં કમ્પ્યુટર સાયન્સ, સાયબર સિક્યૉરિટી કે બિઝનેસ ઍનાલિટિક્સ જેવા કોર્સની ડિમાન્ડ છે.
તેઓ સ્વીકારે છે કે યુએસ સ્ટુડન્ટ વિઝાની ડિમાન્ડ થોડી ઘટી છે. "અગાઉ ભણતરમાં ગૅપ હોય તો પણ સરળતાથી વિઝા મળી જતા હતા, પરંતુ હવે એવું નથી. 20 કલાકની મર્યાદા પછી પણ વિદ્યાર્થીઓ કામ કરતા હતા. પરંતુ હવે કડકાઈ વધી છે અને નિયમોનો ભંગ કરો તો ડિપૉર્ટ કરી શકે છે. હા, ઑન કેમ્પસ કાયદેસર જૉબ મળતી હોય તો કરવામાં વાંધો નથી."
"આ બધા નિયમો ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી સખત બન્યા છે," તેમ તેઓ કહે છે.
હાર્વર્ડ યુનિવર્સિટી સાથે ટ્રમ્પનું આકરું વલણ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલીક યુનિવર્સિટીઓ સામે આકરું વલણ અપનાવ્યું છે જેમાં વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી પણ સામેલ છે. ગયા અઠવાડિયે ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપવાની કે વિદેશી રિસર્ચરોને બોલાવવાની મનાઈ ફરમાવી હતી. જોકે, એક ફેડરલ જજે સરકારના નિર્ણયનો અમલ અટકાવી દીધો છે.
યુનિવર્સિટીના વહીવટીતંત્રે પણ ટ્રમ્પ સરકારની કાર્યવાહીને કાયદાનો સ્પષ્ટ ભંગ ગણાવ્યો હતો. બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે હાર્વર્ડ યુનિવર્સિટી કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
હાર્વર્ડમાં લગભગ 6800 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેના 27 ટકા સ્ટુડન્ટ્સ વિદેશી છે અને યુનિવર્સિટીની આવકમાં પણ તેમનો મોટો ફાળો છે. એકલા ભારતના 700થી વધારે સ્ટુડન્ટ હાર્વર્ડમાં ભણે છે અને એક તૃતિયાંશ વિદ્યાર્થીઓ ચીનના છે.
ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકન યુનિવર્સિટીઓનું પહેલેથી આકર્ષણ રહ્યું છે તેથી યુએસ વિઝાની ભારે ડિમાન્ડ રહે છે.
2023માં અમેરિકન કૉન્સ્યુલરે ભારતમાં 1.40 લાખથી વધારે સ્ટુડન્ટ વિઝા ઇશ્યુ કર્યા હતા, જે બીજા કોઈ પણ દેશ કરતા મોટો આંકડો હતો.
છેલ્લાં સળંગ ત્રણ વર્ષથી અમેરિકાએ ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવાનો રેકૉર્ડ બનાવ્યો છે. 2023માં ભારતસ્થિત યુએસ મિશને 14 લાખ વિઝા પ્રોસેસ કર્યા હતા જે એક વિક્રમ હતો.
અમેરિકાની કૉલેજો પર પડશે મોટી અસર

ઇમેજ સ્રોત, Getty Images
ઘણી અમેરિકાની કૉલેજો તેમના ખર્ચાઓ પૂરા કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓ પર ખૂબ જ નિર્ભર છે, કારણ કે તેઓ વિદેશથી આવતા વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી વસૂલ કરે છે.
સ્ટુડન્ટ વિઝા વિશે પૂછવામાં આવતા, વિદેશ વિભાગનાં પ્રવક્તા ટેમી બ્રૂસે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે અમેરિકા આવતા લોકોની તપાસ કરવાની પ્રક્રિયાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. અમે ભવિષ્યમાં પણ આમ કરતા રહીશું."
ટ્રમ્પ વહીવટીતંત્રે યુનિવર્સિટીઓ માટે કરોડો ડૉલરનું ફંડિંગ રોકી દીધું છે અને ઘણા વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવા માટે પણ પગલાં લીધાં છે. આ ઉપરાંત, હજારો વિઝા રદ કરવામાં આવ્યા છે.
જોકે, આમાંનાં કેટલાંક પગલાં અદાલતો દ્વારા પણ રોકી દેવામાં આવ્યાં છે.
વ્હાઇટ હાઉસે કેટલીક અમેરિકન યુનિવર્સિટીઓ પર આરોપ મૂક્યો છે કે તેઓ તેમના કૅમ્પસમાં પેલેસ્ટાઇન સમર્થનને યહૂદી વિરોધી ભાવનાઓમાં બદલવાની કોશિશ કરી રહી છે.
કૉલેજોએ ટ્રમ્પ વહીવટીતંત્ર પર અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે.
હાર્વર્ડ યુનિવર્સિટી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુસ્સાનું પહેલેથી જ કેન્દ્ર રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












