શંકર હાથીની કહાણી, જેના લીધે દિલ્હી પ્રાણીસંગ્રહાલયે સભ્યપદ ગુમાવવું પડ્યું

ઇમેજ સ્રોત, MINISTRY OF ENVIRONMENT, FOREST AND CLIMATE CHANGE
- લેેખક, સુમેધા પાલ
- પદ, બીબીસી સંવાદદાતા
નવી દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં 29 વર્ષીય હાથી શંકરને એક અલગ વાડામાં રાખવામાં આવ્યો છે. અહીં તે પોતાના કાન ફફડાવે છે અને શાંતિથી ઘાસ ખાય છે. આ દરમિયાન તેના પગ સાંકળોથી બંધાયેલા છે.
1996માં તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માને ઝિમ્બાબ્વે સરકાર દ્વારા આ હાથી રાજકીય ભેટ તરીકે આપવામાં આવ્યો હતો. પરંતુ આ એકલા હાથી પર પ્રાણીસંગ્રહાલયમાં સારો વ્યવહાર થતો નહતો.
તેના કારણે વર્લ્ડ ઍસોસિયેશન ઑફ ઝૂ ઍન્ડ ઍક્વેરિયમ દ્વારા છ મહિના માટે દિલ્હી પ્રાણીસંગ્રહાલયનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ડબલ્યુએઝેડએ એ પ્રાદેશિક સંગઠનો, રાષ્ટ્રીય મહાસંઘો, પ્રાણીસંગ્રહાલયો અને ઍક્વેરિયમોનું વૈશ્વિક ગઠબંધન છે. કોઈનું સભ્યપદ સસ્પેન્ડ કરાય તેનો અર્થ એ થયો કે સભ્ય તેની પરિષદો અને પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે. ઘણા લોકો માને છે કે સસ્પેન્શનના પગલાને પ્રતિષ્ઠાને અસર થઈ છે.
શંકર ઉપરાંત ભારતમાં એકમાત્ર આફ્રિકન હાથી રિચી મૈસૂરના પ્રાણીસંગ્રહાલયમાં રહે છે.
2017ના અંદાજની તુલનામાં હાથીઓની સંખ્યા 41 ટકા સુધી ઘટી ગઈ છે.
2017ની ગણતરી પ્રમાણે ભારતમાં લગભગ 30 હજાર હાથી હતા. તેમાંથી ઘણા હાથીઓનો ઉપયોગ મોજ-મસ્તી માટે સવારી કરવા, પર્યટન માટે અને પ્રવાસીઓને આકર્ષવા માટે થાય છે.
તાજેતરના એક અખબારી અહેવાલમાં એક અપ્રકાશિત રિપોર્ટનો હવાલો આપીને જણાવાયું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં હાથીઓની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો થયો છે. કેટલાક પ્રદેશમાં તો 2017ના અંદાજની તુલનામાં હાથીઓની સંખ્યા 41 ટકા સુધી ઘટી ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીના એક પ્રશ્નના ઈમેઈલથી આપેલા જવાબમાં ડબલ્યુએઝેડએએ જણાવ્યું કે,
“ડબલ્યુએઝેડએની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાના કારણે નવી દિલ્હીના રાષ્ટ્રીય ઝૂલૉજિકલ પાર્કનું સભ્યપદ છ મહિના માટે રદ કરવામાં આવ્યું છે.”
કારણો જણાવ્યાં વગર તેમાં કહેવાયું હતું કે “અમે આના વિશે વધુ વિગત આપી શકીએ તેમ નથી.”
આ વર્ષે જુલાઈમાં 29 વર્ષીય આફ્રિકન હાથી શંકરને તેના 'મદોન્મત' સમયગાળા દરમિયાન સાંકળથી ઈજા થઈ હતી. આ સમયે પુખ્ત વયના હાથીમાં ટેસ્ટોસ્ટેરોનનો સ્તર વધી જવાથી તે આક્રમક બની જાય છે અને તેનું વર્તન અનિશ્ચિત હોય છે.
ભારતીય કેન્દ્રિય ઝૂ ઑથૉરિટી અને દિલ્હીના પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટરને ડબલ્યુએઝેડએ તરફથી પત્ર મળ્યો હતો. તેમાં એ બાબતે સ્પષ્ટતા માગવામાં આવી હતી કે દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં એકલા આફ્રિકન હાથીને મહિનાઓથી સાંકળોથી બાંધી રાખવામાં આવ્યો હતો કે કેમ. પ્રાણીસંગ્રહાલયની ઑથૉરિટીએ આ દાવા નકારી કાઢ્યા છે.
ત્યારપછી ડબલ્યુએઝેડએ દ્વારા સભ્યપદ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી, જેના કારણે ભારતીય પર્યાવરણ મંત્રાલયે શંકરને સારી રીતે રાખવા માટે એક રોડમૅપ તૈયાર કર્યો.
ડબલ્યુએઝેડએ દ્વારા સભ્યપદ કરવાની કાર્યવાહી જવલ્લે જ બનતી ઘટના છે કે કેમ તે જાણી શકાયું નથી. ડબલ્યુએઝેડએના જવાબની રાહ જોવાઈ રહી છે.
2015માં તાઈજી ડોલ્ફિન મેળવવાના મામલે જાપાનનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું.
“શંકર સાંકળોમાંથી મુક્ત થશે”

ઇમેજ સ્રોત, NIKITA DHAWAN/BBC
સભ્યપદ સસ્પેન્ડ થવાના પગલા પછી ભારતના રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી કીર્તિસિંહે પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી અને “આફ્રિકન હાથી શંકરને જ્યાં રાખવામાં આવ્યો છે તે જગ્યાનું નિરીક્ષણ કર્યું તથા મહાવત અને પશુ ડૉક્ટરો સાથે આ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.”
સરકારની પ્રેસ રિલીઝ પ્રમાણે “શંકરનું આરોગ્ય વધુ સુધારવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી અને વિશે એક ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.”
સરકારી નિવેદનમાં જણાવાયું હતું કે મંત્રીએ નિષ્ણાતોને “મહાવતોને જરૂરી તાલીમ આપવા, હાથી માટે જરૂરી આહાર યોજના બનાવવા અને તેને જ્યાં રખાયો છે તે વાડામાં આમૂલ પરિવર્તન કરવા” નિર્દેશ આપ્યો હતો.
મુલાકાત દરમિયાન મંત્રીએ બીબીસીને જણાવ્યું કે, "આ વર્ષની શરૂઆતમાં શંકર એવી સ્થિતિમાં આવી ગયો જેમાં તેની આક્રમકતા વધી ગઈ અને તેને સાંકળોથી બાંધવો પડ્યો, કારણ કે તે બાઉન્ડરીની દીવાલ તોડતો હતો."
તેઓ કહે છે, "હાથીઓ માટે આ વ્યવહારને પ્રદર્શિત કરવું સ્વાભાવિક છે. વન મંત્રાલય શંકર માટે સાથીદાર લાવવા, તેના પિંજરાને નવું રૂપ આપવા અને તેની સાંકળો હટાવવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે."
શંકરની સ્થિતિ જાણવા માટે વન્ય જીવ બચાવ કેન્દ્ર વનતારાની એક ટીમને બોલાવાઈ હતી. વનતારા ગુજરાતના જામનગરમાં એક હાઈટેક પ્રાણીસંગ્રહાલય છે, જેના સંસ્થાપક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી છે.
ડાયેટ અને શંકરની સારસંભાળ માટે મીટિંગમાં પણ ચર્ચા કરાઈ હતી. આ સિવાય ટીમે શંકર હાથીની સ્થિતિ જાણવા માટે તેનો જોવાનો પણ પ્લાન બનાવ્યો હતો.
બચાવદળનો હિસ્સો રહેલા ડૉ. નીરજ સંધવાને શંકર માટે એક સુરક્ષિત વાડો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને આવતા એપ્રિલમાં તેનો 'મદોન્મત' સમયગાળો શરૂ થાય અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધી જાય ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.
ડૉક્ટરે જણાવ્યું કે, "તેને ઉત્તેજિત કરવા અને માનસિક રીતે સમૃદ્ધ કરવા તથા સકારાત્મક સુદૃઢીકરણ માટે એક સંવર્ધન દીવાલ બનાવાશે. જરૂર પડે તો એક સારવાર યોજના પર પણ કામ ચાલુ છે."
આ બેઠકમાં હાથીના ખોરાક તથા કેરટેકર સાથે શંકરના સંબંધ મજબૂત બનાવવા જેવા પગલા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ડૉક્ટરોની ટીમે શંકરની સ્થિતિનું આકલન કરવા માટે તેની સાથે સમય ગાળવાની યોજના બનાવી છે.
શંકર હાથીની સફર

ઇમેજ સ્રોત, @KVSinghMPGonda
શંકર એક દુર્લભ આફ્રિકન હાથી છે, જેના કાન બહુ મોટા અને પંખા આકારના હોય છે. તેના કારણે તે એશિયન હાથીઓ કરતાં અલગ તરી આવે છે.
શંકર હંમેશાં એકલો ન હતો. તેની સાથે બોમ્બોઈ નામે એક માદા સાથીદાર હતી જે 2005માં મૃત્યુ પામી હતી.
પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું કે માદા સાથીના મૃત્યુ પછી શંકરને ભારતીય હાથીઓના ઝુંડ સાથે રાખવામાં આવ્યો. ત્યાં એક હાથણીએ માતાની જેમ તેની સારસંભાળ રાખી હતી. જોકે, શંકર જ્યારે પુખ્ત થયો અને તેનો 'મદોન્મત'નો તબક્કો શરૂ થયો ત્યારે સંવનન કરાવી ન શકાયું, કારણ કે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ અલગ-અલગ પ્રજાતિ વચ્ચે સંવનનની મનાઈ છે.
હવે શંકરના સાથીદાર તરીકે એક હાથણી મળે તે માટે મંત્રાલયે બોત્સવાના સરકારનો સંપર્ક કર્યો છે.
દિલ્હીના પ્રાણીસંગ્રહાલયના ડૉ. સંજિતકુમારે જણાવ્યું કે, તેઓ શંકર માટે મિત્ર અને સાથીદાર શોધવા માટે બીજા દેશો સાથે સંપર્કમાં છે.
તેમણે કહ્યું, "અત્યારે તો અમે તેની સાથે વાતચીત કરીએ છીએ અને વધુ માહિતી શૅર કરીએ છીએ. આ અંગે અમને બોત્સવાના અને ઝિમ્બાબ્વે તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.”
શંકર હાથી માટે એક આંદોલન
ડબલ્યુએઝેડએ દ્વારા ભારતના સેન્ટ્રલ ઝૂ ઑથૉરિટી (સીઝેડએ)ને કથિત રીતે ચેતવણી આપવામાં આવી છે કે ત્રીજી નવેમ્બર સુધીમાં 2023ના પશુ કલ્યાણનાં લક્ષ્યોનું પાલન કરવામાં નહીં આવે તો તેનું સભ્યપદ જોખમમાં મુકાઈ શકે છે. તેમાં પશુ કલ્યાણના સહમત થયેલાં ધોરણો પ્રમાણે આખી એક મૂલ્યાંકન પ્રક્રિયા કરવાના અને તેનો અમલ કરવાનાં લક્ષ્ય સામેલ છે.
દિલ્હીનું પ્રાણીસંગ્રહાલય સીઝેડએ હેઠળ આવે છે જે પર્યાવરણ મંત્રાલય હેઠળ એક કાયદેસરની સંસ્થા છે. તે આખા ભારતનાં પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓનાં કલ્યાણ અને આરોગ્યની સારસંભાળ માટે લઘુતમ માપદંડનું પાલન કરવાની જવાબદારી ધરાવે છે.
તે આયોજન વગરના અને ખોટી રીતે બનાવેલાં પ્રાણીસંગ્રહાલયોના વિકાસનું પણ નિયમન કરે છે. ભારતમાં દરેક પ્રાણીસંગ્રહાલયે પોતાના સંચાલન માટે સીઝેડએની માન્યતા મેળવવી જરૂરી છે.
ડબલ્યુએઝેડએ 1935થી ચાલુ છે અને વૈશ્વિક સ્તરે રાષ્ટ્રીય સંગઠનો, પ્રાણીસંગ્રહાલયો અને ઍક્વેરિયમ વચ્ચે ગઠબંધન તરીકે કામ કરે છે.
જો સીઝેડએ દ્વારા ડબલ્યુએઝેડએનું સભ્યપદ ગુમાવવામાં આવશે, તો ભારતમાં ડબલ્યુએઝેડએના તમામ સંસ્થાકીય સભ્યો પણ પોતાનું સભ્યપદ ગુમાવશે.
ડબલ્યુએઝેડએમાં ફરીથી જોડાવા માટે આ સંસ્થાઓએ ફરીથી અરજી કરવી પડશે અને નવા સભ્યની આખી પ્રક્રિયા નવેસરથી કરવી પડશે.
શંકરના રક્ષણ માટે આંદોલન થયું હોય એવું આ પહેલી વખત નથી. આ અગાઉ બિનનફાલક્ષી સંગઠન યૂથ ફૉર એનિમલ્સના સ્થાપક નિકિતા ધવન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં આરોપ લગાવાયો હતો કે શંકર કેટલાંય વર્ષોથી અલગ રહે છે. તેને પ્રાણીસંગ્રહાલયમાંથી હટાવીને વન્ય જીવ અભયારણ્યમાં તેનું પુનર્વસન કરવામાં આવે તેવી માગણી કરાઈ હતી.
ભારતની કોર્ટે આ માટે મંજૂરી નથી આપી. કોર્ટે કહ્યું કે તે ભારતનો છે અને ભારતમાં જ તેની સારસંભાળ કરવામાં આવશે.
વનતારાના ડૉ. એડ્રિયને જણાવ્યું કે આફ્રિકાના હાથી પુખ્ત થયા પછી મોટા ભાગનો સમય એકલા વિતાવે છે. શંકર એકલો રહે તેમાં કોઈ વાંધો નથી.
29 વર્ષીય હાથી મુથુને થાઇલૅન્ડના રાજવી પરિવાર દ્વારા શ્રીલંકાને ભેટ તરીકે અપાયો હતો. પરંતુ ત્યાં તેની સારી રીતે સારસંભાળ રાખવામાં ન આવતા 2023માં તેને પરત મોકલી દેવાયો હતો.
આ દરમિયાન 11 ઑક્ટોબરે સાંજે કેન્દ્રીય રાજ્યમંત્રી કીર્તિસિંહ તરફથી કહેવાયું કે શંકરને સાંકળોથી મુક્ત કરી દેવાયો છે. તેમણે ઍક્સ પર આ વાતની માહિતી આપી હતી.
તેમણે લખ્યું કે "છેલ્લા 48 કલાકથી તેના સ્વાસ્થ્ય, આહાર, વ્યવહાર પર પ્રાણીસંગ્રહાલય, ટીમ વનતારા જામનગર ગુજરાત, વિશેષ કરીને તેમની ટીમના નીરજ યદુરાજ, દક્ષિણ આફ્રિકાના હાથી વિશેષજ્ઞ ડૉ. ઍડ્રિયન અને ફિલિપાઇન્સથી આવેલા મહાવત માઇકલ પૈની નજર રાખી રહ્યા છે."
તેમણે જણાવ્યું કે શંકર હાથીના વ્યવહારમાં પહેલાં કરતાં સુધારો થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












